પત્નીને 'કાળી' કહેનાર પતિએ કેવી રીતે તેની હત્યા કરી, અદાલતે મૃત્યુદંડની સજા કરી

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી

આ અહેવાલના કેટલાક અંશ અમુક વાચકોને વિચલિત કરી શકે છે. પાઠકનો વિવેક અપેક્ષિત છે.

રાજસ્થાનના ઉદયપુરની અદાલતે પત્નીના વાનને કારણે તેને જીવતી સળગાવી દેનાર પતિને મૃત્યુદંડની સજા ફટકારી છે.

મૃતક લક્ષ્મીએ તેમના મરણોન્મુખ નિવેદમાં કહ્યું હતું કે તેમના પતિ કૃષ્ણદાસ "અવારનવાર મને શ્યામવર્ણને કારણે ટોણા મારતા."

ઉદયપુરના ડિસ્ટ્રિક્ટ જજ રાહુલ ચૌધરીએ મૃત્યુદંડની સજા આપી હતી તથા આ કેસ શા માટે "રૅરેસ્ટ ઑફ ધ રૅર" છે, તેના વિશે કહ્યું હતું કે તે "માનવતા વિરુદ્ધનો ગુનો" છે.

કૃષ્ણદાસના વકીલે બીબીસીને જણાવ્યું હતું કે તેમના અસીલ નિર્દોષ છે અને તેઓ આ ચુકાદાની સામે ઉપલી અદાલતમાં અરજી કરશે.

શું છે મામલો ?

બીબીસીએ અદાલતનો ચુકાદો વાચ્યો છે. જે મુજબ, આઠ વર્ષ અગાઉ તા. 24 જૂન 2017ના રોજ લક્ષ્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

ચુકાદામાં લક્ષ્મીએ પોલીસ, તબીબો તથા ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ આપેલાં મરણોન્મુખ નિવેદનને પણ ટાંકવામાં આવ્યું છે.

લક્ષ્મીના કહેવા પ્રમાણે, કૃષ્ણદાસ વર્ષ 2016માં તેમનાં લગ્ન થયાં હતાં. એ પછી તેમના પતિ અનેક વખત "કાળી" કહીને તેમને બોલાવતા.

જે રાત્રે લક્ષ્મીનું મૃત્યુ થયું, તે રાત્રે કૃષ્ણદાસ પ્લાસ્ટિકની બૉટલમાં ભૂરા રંગનું પ્રવાહી લાવ્યો હતો – અને કહ્યું હતું કે તે દવા છે, જે તેમને રૂપાળાં બનાવી દેશે.

નિવેદન મુજબ, કૃષ્ણદાસે તેનાં પત્ની લક્ષ્મીના દેહ ઉપર એ પ્રવાહી લગાડ્યું હતું. જ્યારે લક્ષ્મીએ ફરિયાદ કરી કે તે ઍસિડ જેવું ગંધાય છે, ત્યારે લક્ષ્મીદાસે અગરબતીથી તેમને આગ ચાંપી હતી.

જ્યારે લક્ષ્મીનું શરીર સળગવા લાગ્યું, ત્યારે તેમણે બાકીનું પ્રવાહી છાંટ્યું અને નાસી છૂટ્યો.

કૃષ્ણદાસનાં માતા-પિતા અને બહેન દાઝી ગયેલી લક્ષ્મીને હૉસ્પિટલે લઈ ગયાં હતાં, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

ચુકાદો અને ચર્ચા

આઠ વર્ષ જૂના આ કેસનો ચુકાદો ગત અઠવાડિયે આવ્યો હતો, જેની વ્યાપક ચર્ચા થઈ હતી.

જજ ચૌધરીએ તેમના ચુકાદામાં નોંધ્યું કે, "આ હૃદયદ્રાવક ગુનો માત્ર લક્ષ્મી સામે ન હતો, પરંતુ સમગ્ર માનવતા સામેનો છે, એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં હોય."

જજના કહેવા પ્રમાણે, કૃષ્ણદાસે "લક્ષ્મીનો વિશ્વાસ તોડ્યો" અને તેઓ સળગી રહ્યાં હતાં ત્યારે "બાકીનું પ્રવાહી તેમની ઉપર છાંટીને તેણે ભારે ક્રૂરતા" દાખવી છે.

ઑર્ડરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે, "આ ગુનાએ માનવતાની આત્માને હચમચાવી નાખી છે. સ્વસ્થ અને સભ્ય સમાજમાં તેની કલ્પના ન થઈ શકે."

પબ્લિક પ્રૉસિક્યૂટર દિનેશ પલિવાલે આ ચુકાદાને "ઐતિહાસિક" ગણાવ્યો હતો અને બીબીસી સાથેની વાતમાં કહ્યું હતું "સમાજમાં અન્યોને પણ પાઠ મળશે."

તેમણે કહ્યું, "એ યુવા મહિલા તેમની વીસીમાં હતાં અને તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાઈ. તેઓ કોઈકનાં બહેન, કોઈકનાં દીકરી હતાં, લોકો તેમને પ્રેમ કરતા હતા. જો આપણે આપણી દીકરીઓની રક્ષા નહીં કરીએ, તો કોણ કરશે?"

પલિવાલના કહેવા પ્રમાણે, મૃત્યુદંડના ચુકાદાને અનુમોદન માટે ઉચ્ચ અદાલતને મોકલી દેવાયો છે, દોષિત પાસે અપીલ માટે 30 દિવસ છે.

કૃષ્ણદાસના વકીલ સુરેન્દ્ર કુમાર મેનારિયાએ બીબીસને જણાવ્યું કે લક્ષ્મીનું મૃત્યુ અકસ્માત હતો તથા એમાં તેમના અસીલની સંડોવણીના કોઈ પુરાવા ન હતા, તેની ઉપર ખોટી રીતે આરોપ ઘડવામાં આવ્યા છે.

ઉદયુપરની અદાલતે ભારતમાં રંગ પ્રત્યેની અનિચ્છિત પસંદગીનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવી ગયો છે.

શ્યામવર્ણી છોકરીઓ અને મહિલાઓને ઘસાતી ભાષામાં બોલાવવામાં આવે છે તથા તેમની સાથે ભેદભાવ થાય છે ; ચામડીને ચકાવતી પ્રૉડક્ટ્સનું મોટું બજાર છે તથા તે અબજો રૂપિયાનો નફો રળે છે.

લગ્નવિષયક જાહેરાતોમાં, ચામડીનો રંગ ભારપૂર્વક જણાવવામાં આવે છે તથા રૂપાળી છોકરીઓની હંમેશાં માંગ રહે છે.

પતિ દ્વારા પત્નીના વર્ણ અંગે ટિપ્પણી બાદ મહિલાઓએ આત્મહત્યા કરી હોય તેના કિસ્સા અગાઉ પણ નોંધાયા છે.

તાજેતરનાં વર્ષોમાં કેટલાક ચળવળકર્તાઓએ વ્યાપક રીતે પ્રચલિત સુંદર એટલે સારું એ વિચારને પડકાર્યો છે, પરંતુ તેમનું કહેવું છે કે પૂર્વાગ્રહો એટલા ઊંડા છે કે તેને દૂર કરવા સરળ નથી.

જ્યાર સુધી આ પરિસ્થિતિ નહીં બદલે ત્યાર સુધી લોકોની જિંદગી રોળાતી રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન