You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મરાઠા અનામત આંદોલન : 'હૈદરાબાદ ગૅઝેટ'માં એવું શું છે જેને લાગુ કરવા સરકાર તૈયાર છે?
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
મહારાષ્ટ્રમાં અનામત આંદોલન માટે લડતા મનોજ જરાંગે પાટીલની મુખ્ય માગ એ છે કે મરાઠા અને કુણબી એક જ છે અને સરકાર મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપે અને ઓબીસીમાં અનામત આપે.
આ માટે તેઓ હૈદરાબાદ ગૅઝેટનો હવાલો આપી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું કે હૈદરાબાદ ગૅઝેટિયરને તરત લાગુ કરી દેવાયું છે.
આ માગને લઈને હજારો સમર્થકોએ 29 ઑગસ્ટથી મુંબઈમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓનું કહેવું છે કે મરાઠા અને કુણબી એક જ છે.
બીજી બાજુ ઓબીસી સમુદાયમાં સંગઠનો અને નેતાઓએ આ દાવાને ફગાવી દીધો છે અને અને ઓબીસી સમુદાયમાંથી અનામતનો વિરોધ કર્યો છે.
જેનો વારંવાર ઉલ્લેખ થાય છે એ હૈદરાબાદ ગૅઝેટિયર આખરે શું છે? આ અંગે શું શું દાવા છે અને રાજ્ય સરકારનું આ અંગે શું વલણ છે? જાણીએ આ અહેવાલમાં.
મનોજ જરાંગે પાટીલ શું કહે છે?
છેલ્લાં બે વર્ષથી મનોજ જરાંગે પાટીલ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે. એમનો દાવો છે કે મરાઠા અને કુણબી એક જ છે.
છેલ્લાં બે વર્ષમાં એમણે ઘણી વાર આંદોલનો કર્યાં છે અને એમણે ફરી આમરણાંત ઉપવાસ પણ શરૂ કર્યા હતા. જોકે પાંચ દિવસના આંદોલન બાદ મંગળવારે ઉપવાસ છોડ્યા અને હડતાળ સમાપ્ત કરી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈના આઝાદ મેદાનમાં શરૂ થયેલા વિરોધપ્રદર્શન દરમિયાન એમણે હૈદરાબાદ ગૅઝેટ અને સતારા સ્ટેટ ગૅઝેટને તુરંત લાગુ કરવાની માગ કરી હતી.
મનોજ જરાંગે પાટીલ કહે છે કે "મરાઠા સામ્રાજ્ય કાયદાનું પાલન કરે છે, જેની પાસે સરકારી દસ્તાવેજ છે. હૈદરાબાદ ગૅઝેટ, સતારા સ્ટેટ રેકૉર્ડ. કુણબી અને મરાઠા એક જ છે."
હૈદરાબાદ ગૅઝેટ શું છે?
'ઇમ્પિરિયલ ગૅઝેટિયર ઑફ ઇન્ડિયા' નામનો એક દસ્તાવેજ છે, જેનો ઉલ્લેખ 'પ્રોવિન્શિયલ સિરીઝ, હૈદરાબાદ સ્ટેટ 1901' તરીકે કરાયો છે.
આ એક બ્રિટિશકાળનો દસ્તાવેજ છે. જેમાં તત્કાલીન હૈદરાબાદ રાજ્યની વસ્તીગણતરીનું વિવરણ છે. જેમાં શહેરો, ગામો, ગામોની જનસંખ્યા, શહેરની આરોગ્ય અને શૈક્ષણિક સ્થિતિ, કૃષિ, નદીઓ વગેરે અંગે વિગતવાર જાણકારી સામેલ છે.
વિવિધ જિલ્લાના ડિવિઝન પ્રમાણે તેમાં માહિતી આપવામાં આવી છે. જેમાં ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ નામનું એક પૃષ્ઠ છે. આ પૃષ્ઠ પર જિલ્લા, એનો ઇતિહાસ અને ઘણા સંદર્ભોની જાણકારી છે. આ પૃષ્ઠના અંતિમ ભાગમાં દસ તાલુકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ જ પૃષ્ઠ પર આગળ કહેવામાં આવ્યું છે, "ખેતી કરતી જાતિઓમાં મરાઠા કુણબી 2,57,000, સિંધી 15,900, વણઝારા 8900, કોળી 7,000 અને મરાઠા હોલ્કર 5,800 સામેલ છે. આ સિવાય કેટલીક અન્ય જાતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એની વસ્તીની સંખ્યા આપવામાં આવી છે."
ઔરંગાબાદ ડિવિઝનમાં પરભણી જિલ્લા અંતર્ગત જાતિ અને વ્યવસાય અંતર્ગત એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૌથી વધુ સંખ્યા ધરાવતી જાતિ ખેડૂત કુણબી છે, એટલે કે 2,60,800 અથવા તો 40 ટકાથી વધુ."
આ દસ્તાવેજમાં હૈદરાબાદ રાજ્ય હેઠળના વિવિધ જિલ્લાની જાતિઓ અને તે સમયની તેની વસ્તીનો ઉલ્લેખ છે.
વિદ્વાનો કહે છે એ પ્રમાણે આનો આધાર અથવા સંદર્ભ લેવાઈ રહ્યો છે.
વિદ્વાનો કહે છે કે તે સમયે મરાઠવાડાના પાંચ જિલ્લાનો 'હૈદરાબાદ રાજ્ય' હેઠળ સમાવેશ થતો હતો.
આ વિશે વાત કરતા મરાઠા અનામતના જાણકાર બાળાસાહેબ સરાટેએ બીબીસી મરાઠીને જણાવ્યું, "હૈદરાબાદ ગૅઝેટ એ 1901માં અંગ્રેજો દ્વારા કરાયેલી વસ્તીગણતરી છે. તે સમયે તે હૈદરાબાદ રાજ્ય હતું. તેમાં મરાઠાવાડાના પાંચ જિલ્લાનો સમાવેશ થતો હતો.''
''આ જિલ્લા ઔરંગાબાદ, બીડ, નાંદેડ, પરભણી અને ઉસ્માનાબાદ હતા. વસ્તીગણતરીમાં જાતિઓનાં નામ અને તેની વસ્તીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં, મરાઠા કુણબી જાતિઓનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમને જોડવામાં આવ્યા છે. તેથી, અમે હૈદરાબાદ ગૅઝેટને આધાર તરીકે લઈ રહ્યા છીએ."
બીબીસી મરાઠી સાથે વાત કરતા મરાઠા અનામત માટે લડનારા સુપ્રીમ કોર્ટના વકીલ શ્રીરામ પિંગલેએ કહ્યું, "હૈદરાબાદ ગૅઝેટિયરમાં જિલ્લાવાર ગૅઝેટિયરો હતાં. તેમાં કુણબી સમુદાયની વસ્તી મરાઠા સમુદાયની વસ્તી છે. મરાઠા વસ્તીનો ઉલ્લેખ કુણબી તરીકે કરવામાં આવ્યો છે. તે પછી જે ગૅઝેટિયર્સ બનાવાયાં હતાં તેમાં વસ્તીને મરાઠા તરીકે ગણવામાં આવી હતી."
"ગૅઝેટિયર લાગુ કરવાનો અર્થ શું છે? તે સમયે કુણબી ગણાતી વસ્તીને ધ્યાનમાં રાખીને મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપવાની વાત છે."
તેઓ એમ પણ કહે છે કે, "1871ની આસપાસ અંગ્રેજોએ વસ્તીગણતરીનો અહેવાલ તૈયાર કર્યો હતો. આ વસ્તીગણતરી બૉમ્બે પ્રાંત, હૈદરાબાદ પ્રાંતમાં સમુદાયની વસતીના આધારે તૈયાર કરવામાં આવી હતી."
લેખક વિશ્વાસ પાટીલ પણ આ અંગે ટીપ્પણી કરે છે. તેઓ કહે છે, "હૈદરાબાદ ગૅઝેટિયર અથવા સતારા ગૅઝેટિયર વિશેષ કંઈ નથી, પરંતુ તત્કાલીન બ્રિટિશ ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા વિગતો અને આંકડાઓથી ભરપૂર ખંડ છે."
"હૈદરાબાદના નિઝામે પોતે કોઈ ગૅઝેટિયર છપાવ્યો ન હતો. રજવાડાના શાસન દરમિયાન પણ તત્કાલીન ભારતીય સંસ્થાઓ, આખા દેશની યોજના બનાવવાને લઈને વસ્તીગણતરીનું કામ અંગ્રેજોએ પોતે કર્યું હતું."
"પરંતુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે એ સમયે બ્રિટિશ સરકારે ભારતમાં વસ્તીગણતરી શરૂ કરી હતી. જેમ જેમ આંકડા મળતા ગયા એમ ગૅઝેટિયર વૉલ્યૂમ પ્રકાશિત થતા ગયા."
"ઇમ્પિરિયલ પ્રોવિન્શિયલ ગૅઝેટ લોકોની સુવિધા માટે પ્રાંતવાર જાણકારી સરળતાથી મળી શકે એ માટે તૈયાર કરાયાં હતાં. 1909માં હૈદરાબાદ સ્ટેટ ગૅઝેટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું સંપાદન મિર્ઝા મહેદી ખાન અને હૈદરાબાદના પૂર્વ નાણા સચિવ સી. વિલ્મોટે કર્યું હતું."
બીબીસી મરાઠી સાથે વાત કરતા વિશ્વાસ પાટીલે કહ્યું, "ડિસ્ટ્રિક્ટ ગૅઝેટને 1890 આસપાસ તૈયાર કરાયાં હતાં. જેમાં મુખ્યત્વે 1881ની વસ્તીગણતરીની નોંધ છે. હૈદરાબાદ ગૅઝેટ નામનો કોઈ ગૅઝેટ નથી. બ્રિટિશ ભારતમાં કુલ 34 ગૅઝેટ છે. લોકો સરળતાથી સમજી શકે એ માટે પ્રોવિઝનલ ગૅઝેટ તૈયાર કરાયું હતું. પ્રોવિઝનલ ગૅઝેટના એક ભાગને જ હૈદરાબાદ ગૅઝેટ તરીકે સ્વીકારાયું છે.''
હૈદરાબાદ ગૅઝેટ અંગે રાજ્ય સરકારનું શું કહેવું છે?
મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર હૈદરાબાદ ગૅઝેટને લાગુ કરવા કાનૂની સલાહ લઈ રહી છે. એવા પણ સમાચાર છે કે આ ગૅઝેટમાં માત્ર આંકડા હોવાને કારણે એને યથાવત્ લાગુ ન કરી શકાય.
આ અંગે કૅબિનેટ પેટાસમિતિના અધ્યક્ષ અને મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું, "અમે વાંચી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયોમાં જણાવાયું છે કે સામાન્ય રીતે અનામત આપી ન શકાય. ખાસ કરીને હૈદરાબાદ ગૅઝેટના સંદર્ભમાં એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમે આ અંગે ઍડવૉકેટ જનરલ સાથે ચર્ચા કરીશું."
હૈદરાબાદ ગૅઝેટ અંગે ટીપ્પણી કરતા મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, "હૈદરાબાદ ગૅઝેટિયરમાં લખાયું કે આટલી સંખ્યામાં કુણબી છે. એ સંખ્યામાં કોઈ નામ નથી."
મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, "જ્યારે હું એમની સાથે ચર્ચા કરવા માટે ગયો તો એમણે કહ્યું કે હૈદરાબાદ ગૅઝેટને પણ આ જ રીતે લાગુ કરવું જોઈએ. અમે ખુદ તેલંગણા સરકાર સાથે આ અંગે ચર્ચા કરી હતી. તત્કાલીન મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ તેલંગણા સરકારને એક પત્ર લખ્યો હતો. અમે અમારા અધિકારીઓની એક હાઈ કમિટી તેલંગણા સરકારને મોકલી હતી. અમે એક સ્વતંત્ર એજન્સીને એ તપાસ કરવા માટે નિયુક્ત કરી. તે સ્કેન કરેલા દસ્તાવેજ લાવી અને અમે એનો અભ્યાસ કર્યો."
ગૅઝેટ અંગેના જીઆરમાં શું કહેવાયું છે?
હૈદરાબાદ ગૅઝેટ અંગે જાહેર કરાયેલા જીઆર મુજબ, હૈદરાબાદ ગૅઝેટિયરમાં થયેલી નોંધની તપાસ કરવા અને મરાઠા સમુદાયની લાયક વ્યક્તિઓને કુણબી, મરાઠા-કુણબી અથવા કુણબી-મરાઠા જાતિ પ્રમાણપત્રો મેળવવામાં મદદ કરવા ગ્રામ્ય સ્તરે એક સમિતિની રચના કરાશે.
તદનુસાર, જો ભૂમિહીન, ખેતમજૂરો, જમીનધારકો અથવા શૅરક્રૉપર્સ પાસે ખેતીની જમીનની માલિકીનો પુરાવો ન હોય, તો તેમણે એક સોગંદનામું રજૂ કરવું પડશે જેમાં જણાવવું પડશે કે તેમના પૂર્વજો સંબંધિત સ્થાનિક વિસ્તારોમાં રહેતા હતા.
આ સોગંદનામા મુજબ, ઉપરોક્ત ગ્રામ્ય સ્તરની સ્થાનિક સમિતિ, વંશાવળી સમિતિની મદદથી જરૂરી તપાસ કરશે અને અરજદારને જાતિ પ્રમાણપત્ર આપવા અંગે નિર્ણય લેશે.
હૈદરાબાદ ગૅઝેટ કોઈ પુરાવો છે?
પૂર્વ ઍડવૉકેટ જનરલ શ્રીહરિ અણેએ આ વિષય પર સ્પષ્ટતા કરી છે કે હૈદરાબાદ ગૅઝેટ પુરાવો હોઈ શકે કે નહીં.
શ્રીહરિ અણેએ કહ્યું, "કોઈ પણ તથ્યને સાબિત કરવા માટે પુરાવાની જરૂર હોય છે. આ માત્ર પુરાવાનો એક ટુકડો હોઈ શકે, પરંતુ એકમાત્ર પુરાવો ન હોઈ શકે. કારણ કે આનાથી માત્ર એ સાબિત થશે કે મરાઠા અને કુણબી એક છે."
"આ સિવાય તે એક છે કે નહીં એ અંગે ઘણા સામાજિક સંદર્ભોમાં જોવામાં આવે છે. ડૉક્યુમેન્ટલ ઍવિડન્સ મહત્ત્વપૂર્ણ છે. જૂનાં પુસ્તકોમાં સંદર્ભ અથવા તો શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલું કામ જોવામાં આવે છે. આ એનું દસ્તાવેજી પ્રમાણ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન