વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી કૉરિડોરનો વિવાદ શું છે, સ્થાનિક ગોસ્વામી સમુદાયના લોકો શેનો વિરોધ કરે છે?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, વૃંદાવન

ઉત્તર પ્રદેશ સરકાર દિલ્હીથી લગભગ 150 કિમીના અંતરે આવેલા વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિરની આસપાસ એક ભવ્ય કૉરિડોર બનાવવા માંગે છે. બીજી તરફ આ મંદિર સાથે સંકળાયેલા સેવાયત ગોસ્વામી સમુદાયના લોકો કૉરિડોરના નિર્માણનો વિરોધ કરે છે.

જોકે, સુપ્રીમ કોર્ટે કાનૂની વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી હાલમાં સરકારની આ યોજનાને મુલતવી રાખી છે.

પરંતુ કૉરિડોર પર ચાલી રહેલા વિવાદના કારણે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલું આ પ્રાચીન આધ્યાત્મિક અને ધાર્મિક શહેર ચર્ચામાં આવ્યું છે.

સાંકડી શેરીઓ વચ્ચે બનેલું પ્રાચીન મંદિર

વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઘાટ અને પરિક્રમા માર્ગેથી નીકળતી ઘણી શેરીઓ પ્રાચીન શ્રી બાંકે બિહારી મંદિર સુધી જાય છે. માન્યતાઓ અનુસાર, આ કુંજ ગલીઓ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ તેમની લીલા કરતા હતા.

આ સાંકડી શેરીઓમાંથી દરરોજ હજારો ભક્તો શ્રી બાંકે બિહારી મંદિર પહોંચે છે. અહીં ઘણાં નાનાં મંદિરો અને જૂનાં મકાનો આવેલાં છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ફક્ત આ શહેરની ઓળખ જ નથી, પણ સદીઓથી ચાલ્યો આવતો સાંસ્કૃતિક વારસો પણ છે.

સ્થાનિક લોકોને બીક છે કે અહીં પ્રસ્તાવિત કૉરિડોર બનાવવામાં આવશે, તો વૃંદાવનનું ઐતિહાસિક સ્વરૂપ બદલાઈ જશે.

કૉરિડોર માટે સ્થાનિક લોકોની દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવશે. આ કારણથી જ મંદિરની આસપાસ રહેતા લોકો આ કૉરિડોરનો વિરોધ કરી રહ્યા છે.

મંદિરથી લગભગ 150 મીટર દૂર 100 વર્ષથી વધુ જૂના ઘરમાં રહેતાં 70 વર્ષીય નિમ્મી ગોસ્વામી કહે છે, "શ્રીકૃષ્ણે અહીં રાસલીલા કરી હતી. આ વ્રજને અમે ભૂલી શકતા નથી."

નિમ્મી ગોસ્વામીના પતિ રુકમણિ ગોસ્વામી કહે છે, "આ સામાન્ય જગ્યાઓ નથી, આ કુંજ ગલીઓ છે જે હવે અદૃશ્ય થઈ રહી છે."

ભીડને નિયંત્રણમાં રાખવા કૉરિડોર જરૂરી: સરકાર

જોકે, ઉત્તર પ્રદેશ સરકાર એવું કારણ આપે છે કે કૉરિડોરના નિર્માણથી અહીં વ્યવસ્થામાં સુધારો થશે અને ભક્તોને વધારે સગવડો મળશે.

ઉત્તર પ્રદેશ વ્રજ તીર્થ વિકાસ પરિષદના સીઈઓ શ્યામ બહાદુર સિંહ કહે છે, "શ્રી બાંકે બિહારી મંદિર તરફ જતા રસ્તા ખૂબ જ સાંકડા છે. દરરોજ ત્રીસથી પચાસ હજાર લોકો શ્રી બાંકે બિહારી મંદિરની મુલાકાત લે છે, સપ્તાહના અંતે લગભગ દોઢ લાખ લોકો આવે છે. તહેવારોના પ્રસંગે ત્રણ લાખથી વધુ લોકો શ્રી બાંકે બિહારી મંદિરની મુલાકાત લે છે."

શ્યામ બહાદુર સિંહના મતે, કૉરિડોર રચાશે તો ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાતી અટકશે. તેઓ કહે છે, "હાલના રસ્તાઓ ભારે ભીડને સંભાળવા માટે અસમર્થ છે, ક્યારેક ભાગદોડની સ્થિતિ પણ બને છે. આવી સ્થિતિમાં, અહીં એક કૉરિડોર બનાવવાની કલ્પના કરવામાં આવી છે. તેમાં પંદર હજાર લોકો ઊભા રહી શકે તેવી જગ્યા હશે. તેમાં દુકાનો અને અન્ય સુવિધાઓ પણ હશે."

વૃંદાવનનો વારસો અને સંસ્કૃતિ જાળવવાનો સવાલ

સ્થાનિકો લોકોને ડર છે કે આ કૉરિડોર બનશે તો વૃંદાવનની જૂની ઓળખ અને વારસો ખોવાઈ જશે.

મંદિરથી લગભગ 200 મીટર દૂર એક શેરીમાં આવેલા સો વર્ષથી વધુ જૂના ઘરમાં રહેતાં દીપશિખા ગોસ્વામી પોતાનું પ્રાચીન ઘર દેખાડીને કહે છે, "બિહારીજી મંદિર પાસે આ અમારું પ્રાચીન ઘર છે. સરકાર જૂની વસ્તુઓનું સંરક્ષણ કરે છે. અમે ફક્ત એટલું જ ઇચ્છીએ છીએ કે સરકાર તેની સંભાળ રાખે, પરંતુ અમને અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે."

આ શેરીમાં જ રહેતા નીરજ ગોસ્વામી કહે છે, "હું જ્યારે પણ ઘરની બહાર નીકળું છું, ત્યારે કુંજ ગલીમાં રાધે-રાધે, રાધે-રાધે કહું છું. મને આ વ્રજ ભૂમિ ગમે છે, મને તેના પ્રત્યે પ્રેમ છે, અમે તેને કેવી રીતે છોડી શકીએ."

'સરકાર ખાનગી મંદિર પર કબજો કરવા માંગે છે'

એવી માન્યતા છે કે શ્રી બાંકે બિહારીની મૂર્તિ સૌથી પહેલાં વૃંદાવનના નિધિ વનમાં હતી. 1864માં આ મૂર્તિ હાલના શ્રી બાંકે બિહારી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત 160 વર્ષ કરતાં વધારે જૂના આ મંદિરના સંચાલન અને માલિકીનો પ્રશ્ન પણ છે.

સદીઓથી આ મંદિરમાં સેવા આપતા અને તેનું સંચાલન કરતા સેવાયત ગોસ્વામી પરિવારો દાવો કરે છે કે આ મંદિર તેમના પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ગોસ્વામી સમુદાય વતી આ મામલે દલીલો કરતા રજત ગોસ્વામી કહે છે, "સરકાર કૉરિડોરની આડમાં આ ખાનગી મંદિરને હસ્તગત કરવા માંગે છે. ધર્મ અને કાયદાની આડમાં, સરકાર મંદિરો પર કબજો કરવા માંગે છે અને પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરાઓ અને પ્રથાઓમાં દખલ કરવા માંગે છે."

રજત ગોસ્વામી કહે છે, "સ્વામી હરિદાસજીએ શ્રી બાંકે બિહારીની સેવા શરૂ કરી હતી. અમે તેમના વંશજો છીએ જે છેલ્લાં પાંચસો વર્ષથી પેઢી દર પેઢી ઠાકુર મહારાજ (ભગવાન શ્રી કૃષ્ણ)ની સેવા કરી રહ્યા છીએ. તેઓ અમારા ઘરના ઠાકુર છે, તેમના પર અમારો અધિકાર છે."

શ્રી બાંકે બિહારી મંદિરમાં સેવા આપતા ગોસ્વામી સમુદાયમાં 400થી વધુ લોકો સક્રિય છે અને તેઓ સ્વામી હરિદાસની 21મી પેઢી સાથે જોડાયેલા છે.

વંશાવલીમાં પોતાનું સ્થાન દેખાડતા ગોસ્વામી સમુદાય સાથે સંકળાયેલા એક યુવાન સોમનાથ ગોસ્વામીએ કહ્યું કે, "અમારી પેઢીઓ આ મંદિરની સેવા કરતી રહી. શ્રી બાંકે બિહારીનો મહિમા વધારતી રહી અને હવે અમને અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે."

જોકે, ઉત્તર પ્રદેશ વ્રજ તીર્થ વિકાસ પરિષદનું કહેવું છે કે ભગવાન કૃષ્ણનું આ મંદિર કોઈની ખાનગી મિલકત નથી.

સીઈઓ શ્યામ બહાદુર સિંહ કહે છે, "આ મંદિર દેવતા એટલે કે શ્રી બાંકે બિહારીનું છે એ સ્થાપિત થયેલું છે. તેઓ તેના માલિક છે. જે મંદિરમાં દરરોજ પચાસ હજારથી વધુ લોકો દર્શન માટે આવે છે, તેને ખાનગી મંદિર કહેવું તાર્કિક ન ગણાય. બાંકે બિહારી કોઈ એક વ્યક્તિ કે જૂથના નથી, તેઓ સમગ્ર ભારતના છે, તેઓ જાહેર શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે, શરૂઆતથી જ જાહેર શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યા છે."

ઉત્તર પ્રદેશ સરકારે મે 2025માં મંદિરના સંચાલન માટે ટ્રસ્ટ બનાવવા એક વટહુકમ પસાર કર્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટમાં આ વટહુકમની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે હાલમાં આ વટહુકમને અલ્હાબાદ હાઇકોર્ટના આ વિવાદ પર નિર્ણય આવે ત્યાં સુધી અટકાવી દીધો છે અને મંદિરના સંચાલન માટે 14 સભ્યોની વચગાળાની સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમાર સંભાળશે. આ વચગાળાની સમિતિમાં વહીવટીતંત્ર અને ગોસ્વામી સમુદાયના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે.

જમીન અને મૂળિયાથી વિસ્થાપિત થઈ જવાનો ભય

પ્રસ્તાવિત કૉરિડોર માટે શ્રી બાંકે બિહારી મંદિરથી યમુનાના કિનારા સુધી પાંચ એકર જમીન સંપાદિત થવાની છે. વહીવટીતંત્રનું કહેવું છે કે કૉરિડોર માટે જે લોકોના ઘર અને દુકાનો સંપાદિત કરવામાં આવશે, તેમને યોગ્ય વળતર આપવામાં આવશે.

શ્યામ બહાદુર સિંહ કહે છે, "લગભગ 187 બાંધકામો એવાં છે જ્યાંથી લોકોને ખસેડવામાં આવશે. તેમાં દુકાનદારો, મકાનમાલિકો અને ભાડૂઆતોનો સમાવેશ થાય છે. જે લોકોને ખસેડવામાં આવશે તેમને મંદિર ભંડોળમાંથી યોગ્ય વળતર આપવામાં આવશે."

"જેમની દુકાનો ખાલી કરવામાં આવી રહી છે તેમને બદલામાં દુકાનો આપવામાં આવશે. જેમની પાસે રહેવા માટે ઘર નથી તેમના માટે ઑથોરિટી 'નહીં નફો, નહીં નુકસાન'ના ધોરણે ઘરની વ્યવસ્થા પણ કરશે."

જોકે, જેમનાં ઘરો અને દુકાનો તોડી પાડવામાં આવશે, તેઓ કહે છે કે કોઈ પણ વળતર તેમના નુકસાનની ભરપાઈ કરી શકશે નહીં.

મંદિરની નજીક રહેતાં સંતોષ શર્મા કહે છે, "અમને સો ગણું વળતર આપવામાં આવે તો પણ અમારા નુકસાનની ભરપાઈ થશે નહીં. અમે ભગવાન શ્રી કૃષ્ણની સામે રહીએ છીએ. જ્યારે ઈચ્છા થાય ત્યારે અમે ભગવાનના દર્શન કરીએ છીએ. અમારા માટે આ વ્રજ ભૂમિ પવિત્ર ભૂમિ છે. અમે દરરોજ ભગવાનની આરતી કરીએ છીએ, અહીં દરેક ઘરમાં મંદિરો છે. લોકો દૂર દૂરથી વ્રજમાં સ્થાયી થવા માટે આવી રહ્યા છે અને અમને અમારી જમીન છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે."

80 વર્ષથી વધારે વયનાં ઉષા ગોસ્વામી કહે છે, "અમારા પૂર્વજોએ અહીં મૃત્યુ પામ્યા. અમારી પણ ઇચ્છા છે કે અહીં જ મૃત્યુ થાય. હવે અમને આ કુંજ ગલીઓમાંથી હઠાવવામાં આવી રહ્યા છે. જો સરકાર કૉરિડોર બનાવવા માગતી હોય, તો તે સરકારી જમીન પર બનાવો, અમને શા માટે દૂર કરવામાં આવી રહ્યા છે?"

દરમિયાન, સ્થાનિક દુકાનદાર મુન્ના લાલ મિશ્રાનો દાવો છે કે સરકારે તેમને દુકાનો ક્યાં આપવામાં આવશે અથવા કેટલું વળતર આપવામાં આવશે તે જણાવ્યું નથી. મુન્ના લાલ મિશ્રા કહે છે, "કૉરિડોર વિશે ફક્ત હોબાળો મચી રહ્યો છે. કંઈ જણાવવામાં નથી આવતું. અમારા જેવા દુકાનદારોના પેટ પર લાત મારવામાં આવી રહી છે."

શ્રી બાંકે બિહારી મંદિરના બૅન્ક ખાતામાં 300 કરોડથી વધુ રકમ

શ્રી બાંકે બિહારી મંદિરના બૅન્ક ખાતાઓમાં સેંકડો કરોડ રૂપિયા છે. મંદિરના સંચાલન સાથે સંકળાયેલા રજત ગોસ્વામીના જણાવ્યા અનુસાર, શ્રી બાંકે બિહારીનાં બૅન્ક ખાતાઓમાં ત્રણસો કરોડથી વધુ રૂપિયા છે.

સરકાર આ ભંડોળનો ઉપયોગ જમીન સંપાદન અને કૉરિડોરના નિર્માણ માટે કરવા માંગે છે. આ વર્ષે મે મહિનામાં, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને મંદિર ભંડોળમાંથી 500 કરોડ રૂપિયા જમીન ખરીદવા અને કૉરિડોર બનાવવા માટે વાપરવાની મંજૂરી આપી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાલમાં તેના આદેશને સ્થગિત કરી દીધો છે.

સેવાયત ગોસ્વામીઓનો આરોપ છે કે સરકારની નજર મંદિરના ભંડોળ અને અહીં આવતી દક્ષિણા પર છે.

રજત ગોસ્વામી કહે છે, "આજે શ્રી બાંકે બિહારી મંદિરનો મહિમા વધી ગયો છે, તેથી સરકાર અહીં ગેરરીતિ દેખાડીને તેને પોતાના કબજામાં લેવા માંગે છે. વૃંદાવનમાં છ હજારથી વધુ મંદિરો છે. ઘણાં મંદિરો એવાં છે જ્યાં દીવા પ્રગટાવવાની કોઈ વ્યવસ્થા નથી. શું સરકારે તે મંદિરોનો કબજો લઈ લીધો? શું સરકાર ફક્ત એવાં મંદિરો માટે જ જવાબદાર છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે, જેમનાં ખાતામાં ત્રણસો કરોડ રૂપિયા છે? શું સરકારની આ ત્રણસો કરોડ રૂપિયા પર નજર છે?"

પીઆઈએલ અને અનેક કાનૂની વિવાદો

2022માં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રી બાંકે બિહારી મંદિરમાં ભાગદોડ થઈ હતી, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં અને ઘણા ઘાયલ થયા હતા. ત્યાર પછી, મંદિરની વ્યવસ્થા પર પ્રશ્નો પેદા થયા અને સરકારે અહીં કૉરિડોર બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

આ અંગે એક જાહેર હિતની અરજી પણ પેન્ડિંગ છે. આ ઉપરાંત મંદિરના સંચાલન અંગે યુપી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સંબંધિત એક કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. જમીન સંપાદનથી પ્રભાવિત ઘણા લોકોની અરજીઓ પણ પેન્ડિંગ છે.

પરંતુ આ કાનૂની વિવાદો ઉપરાંત, વૃંદાવનના ઘણા લોકો કૉરિડોરના પ્રસ્તાવને તેમની જમીન અને મૂળથી વિસ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જુએ છે.

દીપશિખા ગોસ્વામી કહે છે, "આ વ્રજનું સ્વરૂપ છે, આ કુંજ ગલીઓ છે, આ વારસો છે, તેથી જ અહીં આટલા બધા લોકો આવે છે. જો આ વારસો નહીં હોય, આ સંસ્કૃતિ નહીં હોય તો લોકો અહીં શું જોવા આવશે?"

વારસા અને વિકાસ વચ્ચે સંતુલનનો પ્રશ્ન

એક તરફ વૃંદાવનની સાંસ્કૃતિક ઓળખ અને જૂનું સ્વરૂપ છે. બીજી તરફ, અહીં આવતા ભક્તોની સંખ્યા સતત વધી રહી છે અને તેમને સુવિધાઓ પૂરી પાડવાનું દબાણ છે.

ભગવાનના દર્શન ખૂલે તે પહેલાં જ મંદિરની બહાર ભારે ભીડ જોવા મળે છે. મોટા ભાગના ભક્તો મંદિરમાં ભાગ્યે જ પ્રવેશ કરી શકે છે. દર્શન કર્યા પછી મંદિરમાંથી બહાર આવતા ઘણા ભક્તોનો અભિપ્રાય પણ આવો જ હોય ​​તેવું લાગે છે.

અનેક વખત વૃંદાવનની મુલાકાત લેનારા હરિયાણાના એક ભક્ત કહે છે, "ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ."

પંજાબનાં એક મહિલા ભક્ત કહે છે, "ભગવાનના દર્શન કરવાનો એક અલગ જ આનંદ હોય છે, માત્ર ભીડને કાબુમાં રાખવાની જરૂર છે."

કોલકાતાના એક ભક્તે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરીને કહ્યું, "ભક્તો માટે વધુ સારી સુવિધાઓ હોવી જોઈએ."

પણ બધાનો મત એક સરખો હોતો નથી. કપાળ પર ચંદન લગાવીને એક ભક્ત મંદિરની દીવાલને સ્પર્શ કરતા કહે છે, "અહીં ખરી મજા ભગવાન કૃષ્ણની લીલાઓને અનુભવવામાં છે. ઠાકુરજીએ આ કુંજ ગલીઓને સ્પર્શ કર્યો હતો. જો કૉરિડોર બની જશે તો આ મજા ખતમ થઈ જશે, આ આનંદ નહીં રહે."

આજકાલ વૃંદાવનની શેરીઓમાં સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ અને વારસા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું.

મથુરામાં રહેતા અને કૉરિડોરને સમર્થન આપતા બિહારીલાલ શર્મા કહે છે, "સરકાર હિંદુ સ્થળોનું ગૌરવ વધારી રહી છે અને તેનો વિકાસ કરી રહી છે. પરંતુ વિરાસદનું પણ જતન થવું જોઈએ. સરકાર અહીં ગુણાત્મક પરિવર્તન ઇચ્છે છે, ગોસ્વામીઓ અને સરકાર વચ્ચે સુમેળ દ્વારા જ અહીંની વ્યવસ્થામાં સુધારો થઈ શકે છે."

પરંતુ હાલમાં તો સરકાર અને સેવાયત ગોસ્વામીઓ વચ્ચે કોઈ સુમેળ કે વાતચીત નથી. વૃંદાવનમાં આગળ શું થશે તે મોટે ભાગે કોર્ટના ચુકાદા પર નિર્ભર રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન