વારાણસીઃ 'મોક્ષપ્રાપ્તિ' માટેના પવિત્ર શહેરની કહાણી, જ્યાં 24 કલાક સ્મશાનમાં ચિતા સળગે છે

    • લેેખક, પિકો ઐયર
    • પદ, બીબીસી ટ્રાવેલ માટે
  • મૃત્યુ માટે ઉત્તમ ગણાતું આ શહેર અગાઉ કાશી અથવા પ્રકાશના શહેર તરીકે ઓળખાતું હતું
  • અંગ્રેજ લેખક રિચર્ડ લેનોય વારાણસીના પ્રેમમાં પડી ગયા હતા અને તેમણે આ શહેરને અંધારા તથા સપનાનું શહેર ગણાવ્યું હતું
  • અંધારી શેરીમાં નાના મંદિરમાં સળગતા દીવા અને પુરુષો દ્વારા કરવામાં આવતા મંત્રોચ્ચાર વચ્ચેથી હું અંતઃસ્ફૂરણાને આધારે આગળ વધ્યો હતો
  • માથા પર પવિત્ર લાલ તિલકવાળી બકરીઓ આંટાફેરા કરતી હતી અને સળગતી ચિનગારીઓ તથા તેલના દીવા ધુમ્મસમાં નદીમાં વહી રહ્યા હતા
  • અહીંની બધી દુકાનોમાં મૃતદેહો પર લગાવવા માટેના ચંદનના લેપ તથા ઘીનું અને માટીના અસ્થિ કળશનું વેચાણ થતું હતું

વારાણસીમાં મૃત્યુ પામવાથી મોક્ષ મળશે એવું માનતા હિન્દુ તીર્થયાત્રીઓ વર્ષોથી વારાણસીની યાત્રાએ આવતા રહ્યા છે, પરંતુ વારાણસી મૃત્યુનું નહીં, પરંતુ આનંદનું શહેર છે.

છ-સાત ચિતા સળગતી હતી. શિયાળાના ગાઢ ધુમ્મસને ભેદીને આગની જ્વાળા ઊંચે જઈ રહી હતી. માથા પર ટુવાલ બાંધેલા, અડધા પ્રકાશમાં ચમકતી આંખોવાળા, ઉઘાડપગા પુરુષોનું જૂથ ચિતાની આસપાસ એકઠું થયું હતું.

એક લગભગ નગ્ન પુરુષ ચિતામાં બળી રહેલા મૃતદેહના મસ્તકને ચિતામાં ધક્કો મારતો હતો. દૂરથી મંત્રોચ્ચાર, ઘંટારવ અને જોરથી નગારાનો અવાજ સંભળાતો હતો. નવા વર્ષની એક સાંજે હું નદીના કાંઠાથી દૂર નારંગી જ્વાળાઓ નિરખતો બેઠો હતો.

આ પૈકીનું શું જોવાનું મેં વિચાર્યું હતું? વિમાન પ્રવાસના થાક અને વિસ્થાપનને કારણે હું કેટલો ‘વિદેશી પ્રભાવ’ હેઠળ હતો? અચાનક ધુમ્મસમાંથી કેટલીક આકૃતિઓ મારી સામે આવી હતી.

તેમના માથાથી પગ સુધી રાખમાં લપેટાયેલી હતી. તેમના હાથમાં આ પવિત્ર શહેરના સંરક્ષક શિવની માફક ત્રિશૂળ હતું. આગની જ્વાળાઓને પાછળ છોડીને નાની-નાની ગલીઓમાંથી આગળ વધ્યો હતો અને ગીચ વસ્તીવાળા ચોકમાં આવી પહોંચ્યો હતો, જ્યાં એક અંધારા ભોંયરામાં નાનકડી મીણબત્તી સળગતી હતી.

સામે એક છોકરો બેઠો હતો. છાણથી છંટાયેલી શેરીમાં ગાયો તેમના પગ સતત હલાવી રહી હતી. થોડી-થોડી વારે ડાઘુઓનું એક પછી એક ટોળું મૃતદેહને નનામી પર લઈને નદી તરફ જતું હતું. મેં મારી જાતને દીવાલ સરસી ચાંપી દીધી હતી અને મૃત્યુના અણસારથી ખળભળી ઊઠ્યો હતો.

ચંદન અને અસ્થિ કળશનું વેચાણ

હું સાંકડા રસ્તાની ભુલભુલામણીમાંથી માર્ગ શોધી રહ્યો હતો ત્યાં વધુ એક મૃતદેહ મારી સામે આવ્યો. પોતાની ઉત્તમ રેશમી સાડી પહેરીને બે મહિલા નરમ માટીમાં લપસી ન પડાય તે રીતે પવિત્ર જળ તરફ આગળ વધતી હતી.

અંધારી શેરીમાં નાના મંદિરમાં સળગતા દીવા અને પુરુષો દ્વારા કરવામાં આવતા મંત્રોચ્ચાર વચ્ચેથી હું અંતઃસ્ફૂરણાને આધારે આગળ વધ્યો હતો.

હું એક ચોકમાં આવી પહોંચ્યો હતો, જ્યાં ત્રણ માણસોને મેં સામે ઊભેલા જોયા હતા. તેમની પીઠ પાછળ બંદૂકો દેખાતી હતી.

બહુ વિચિત્ર વાત હતી કે હજુ 72 કલાક પહેલાં હું વિશ્વના બીજા ખૂણામાં હતો અને મેં સૂર્યપ્રકાશમાં નવા વર્ષને આવકાર્યું હતું. અહીં માથા પર પવિત્ર લાલ તિલકવાળી બકરીઓ આંટાફેરા કરતી હતી અને સળગતી ચિનગારીઓ તથા તેલના દીવા ધુમ્મસમાં નદીમાં વહી રહ્યા હતા.

બાજુની દીવાલો પર હનુમાનજી અને પવિત્ર શિવલિંગની આકૃતિઓ દેખાતી હતી. અહીંની બધી દુકાનોમાં મૃતદેહો પર લગાવવા માટેના ચંદનના લેપ તથા ઘીનું અને માટીના અસ્થિ કળશનું વેચાણ થતું હતું.

મૃત્યુ માટે ઉત્તમ ગણાતું આ શહેર અગાઉ કાશી અથવા પ્રકાશના શહેર તરીકે ઓળખાતું હતું, અંગ્રેજ લેખક રિચર્ડ લેનોય વારાણસીના પ્રેમમાં પડી ગયા હતા અને તેમણે આ શહેરને અંધારા તથા સપનાનું શહેર ગણાવ્યું હતું.

દળદાર અને ક્યારેય ભ્રામક લાગતા એક પુસ્તકમાં રિચર્ડ લેરોયે શહેરના પોલીસવડાને ટાંકીને જણાવ્યું હતું કે “બનારસમાં મંદિરોમાંથી મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે, ભગવાનના નામે વેશ્યાવૃત્તિ ચાલે છે, શ્રદ્ધાળુઓના સામાનની ચોરી થાય છે, અઘોરીઓના નરભક્ષી રીત-રિવાજનું પ્રચલન છે અને બોગસ તાંત્રિકો નશામાં ધૂત થઈને તાંડવ કરે છે.”

આનંદનું શહેર

મને જેનું સૌથી વધારે આશ્ચર્ય થયું તે વાત એ હતી કે આ શહેરના માર્ગો પર ચાલવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું હતું કે અસ્તિત્વના અંતનું શહેર ગણાતું આ નગર વાસ્તવમાં આનંદનું શહેર છે.

સળગતી ચિતાઓ તરફ, પવિત્ર નદી તરફ નનામીઓ લઈ જતા, કીર્તન કરતા હતા અને ઇશ્વરનો આભાર માનતા લોકો મારી પાસેથી પસાર થતા હતા.

શહેરી ભારતમાં દરેક જગ્યાએ સમાન તીવ્રતા જોવા મળે છે, પરંતુ આ પવિત્ર શહેરનું આગવું વ્યક્તિત્વ છે. ચારે બાજુથી વાહનોની આવન-જાવન ચાલુ હતી, પરંતુ ક્યાંય ટ્રાફિક લાઈટ જોવા મળતી ન હતી.

મોં પર માસ્ક પહેરીને ઊભેલો એક વયસ્ક પોલીસ હાથ ઉઠાવતો હતો અને મોટરકારો, ગાય, સાયકલો તથા ટ્રક્સ બેપરવાઈથી દોડી જતા હતા.

વારાણસીના વ્યસ્ત માર્ગની વચ્ચે કૂતરાં ઊંઘતાં હતાં, જ્યારે કેટલાક કંટાળેલા પુરુષોએ રસ્તાના કિનારે તથા ફૂટપાથ પર લંબાવ્યું હતું. શેરીની વચ્ચોવચ તલવાર વીંઝતા એક માણસ પાસે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

પવિત્ર જળ મારો પહેલો પડાવ હશે એ હું જાણતો હતો. તેથી હોટલમાં બૅગ મૂકીને મેં કારમાં ઘાટ તરફ પ્રયાણ કર્યું હતું. 20 મિનિટના પ્રવાસમાં અમને બે અંતિમ યાત્રા અને બાળકોની બે પરેડ જોવા મળી હતી.

એક ચોરસ માઇલમાં પાંચ લાખ લોકો

આગળની સીટ પર બેઠેલા એક સ્થાનિક યુવાને પાછળ ફરીને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે “આ બહુ અમંગળ સમય છે. તેને ખરમાસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ બહાર નીકળતું નથી. કોઈ લગ્ન વગેરેની ચર્ચા કરતું નથી. બધા મૌન છે. આ બધું શહેર પરના શ્રાપ જેવું છે.”

મારા નવા મિત્રે મને જણાવ્યુ હતું કે “આ શ્રાપનો 14 જાન્યુઆરીએ અંત આવે છે. એ પછી અમે ઉજવણી કરીએ છીએ.”

મારા માટે ઉજવણીનું કોઈ કારણ ન હતું, કારણ કે હું 13 જાન્યુઆરીએ અહીંથી રવાના થવાનો હતો.

અમે એક ચર્ચની સામે કારમાંથી ઊતર્યા અને પવિત્ર નદી તરફ લઈ જવામાં આવી રહેલી અંતિમયાત્રાઓમાં સામેલ થઈ ગયા. રસ્તામાં ‘ધ ઓલડેસ્ટ સેન્ટર ફૉર અબેકસ ક્લાસિસ’ અને ‘ગ્લોરિયરસ લેડિઝ ટેઇલર્સ’ જેવાં પાટિયાં જોવા મળ્યાં.

મેં વિચાર્યું કે આ ગૌરવ સ્ત્રીઓનું હશે કે સિલાઈનું! બીજી તરફ ‘બ્રિટિશ સ્કૂલ ફૉર લેંગ્વેજિસ ઈઝ નાઉ ટ્રાન્સ એજ્યુકેશન’ એવું પાટિયું જોવા મળ્યું, જે બ્રિટિશ સામ્રાજ્યના અંતનો સારાંશ રજૂ કરતું હતું.

વારાણસીમાં ઓલ્ટ સિટી તરીકે જાણીતા વિસ્તારની અંધારી ગલીઓમાં એક ચોરસ માઈલ વિસ્તારમાં પાંચેક લાખ લોકો રહે છે. તેના પરિણામે વિદેશી પ્રવાસીઓ અહીં આવવાનું ઓછા-વત્તા અંશે ટાળે છે.

અમે નદીના કિનારે પહોંચ્યા ત્યારે મારા ગાઈડે કહ્યું કે “અહીં બધું બદલાઈ રહ્યું છે.”

નદીના કિનારે પવિત્ર પુરુષો કપાળ પર ચંદનનો લેપ તથા ભસ્મ લગાવીને છત્રીઓ નીચે બેઠા હતા અને જાપ કરી રહ્યા હતા. ગાઈડે કહ્યું કે “અલગ રંગ, અલગ જોશ. અલગ ઊર્જા. મારા શહેરમાં આવશો ત્યારે તમારે સતર્ક રહેવું પડશે.”

એટલું તો હું સમજી ગયો હતો.

બધું રાખ સમાન

ચારે તરફ ફેલાયેલા કચરામાં પગ મૂકવાથી બચીને અમે નદીના કિનારા પર ચાલવાનું શરૂ કર્યું. એક ઝૂંપડીમાં નાનકડા તાપણાની સામે બેઠેલો લગભગ નગ્ન પુરુષ અમને તાકી રહ્યો હતો.

મેં પૂછ્યું, “તેઓ ધ્યાન કરી રહ્યા છે?”

જવાબ મળ્યો, “તેમના માટે બધું રાખ સમાન છે. આ બધા સાધુઓને અંતિમ સત્ય પસંદ છે. તેઓ આપણા જેવાં વસ્ત્રો નથી પહેરતાં. ભૌતિક સંસારમાં રહેતા લોકો જેવું કશું જ તેઓ નથી કરતા. તેમને માત્ર રાખની દુનિયામાં રહેવું ગમે છે.”

અમે થોડા આગળ વધ્યા ત્યાં વાદળી રંગનું ટ્યુનિક અને માથા પર પાઘડી પહેરેલા એક માણસનો ભેટો થયો.

કેશકર્તનકારની માફક એ માણસ પણ રમૂજી શૈલીમાં ઉપદેશ આપતો હતો. (જોકે, અહીં વારાણસીમાં કબ્રસ્તાન, ચર્ચ અને પ્રાણીસંગ્રહાલયની માફક હજામતની દુકાનો પણ શેરીઓમાં તમામ લોકો માટે ખુલ્લી હતી) “એ હસતો યોગી છે,” એમ કહીને મારો ગાઈડ, તેને અચાનક પરમ જ્ઞાન લાધ્યું હોય તેમ ખડખડાટ હસી પડ્યો હતો.

ગંગા આરતી

ફૂલી ગયેલા પેટવાળી એક મોટી ગાય સામેથી પસાર થઈ રહી હતી. અમે હાલકડોલક થઈ રહેલી નાની હોડીમાં ચડી ગયા હતા, કારણ કે કિનારા પર કેટલાક સોહામણા યુવાનોએ હાથમાં દીવા લઈને નદીની આરતી ઉતારવાનું શરૂ કર્યું હતું.

આ ધાર્મિક વિધિ અહીં રોજ સાંજે કરવામાં આવે છે. બીજાં વહાણો યાત્રાળુઓને સામેના ધૂંધળા કિનારે લઈ જતા જોવા મળતા હતા. ઉત્તર અને દક્ષિણમાં અગ્નિની જ્વાળા ભભૂકી રહી હતી. હવામાં ગલગોટાનાં ફૂલો તથા કોલસાની આગથી સર્જાતી ગંધ અનુભવાતી હતી.

સર્વ સુવિધાયુક્ત સ્ટોરની વાત કરતો હોય તેમ અમારી હોડીના ચાલકે કહ્યું, “સાહેબ, માત્ર આ જ શહેરમાં તમને 24 કલાક ચાલતું સ્મશાન જોવા મળશે.”

અન્ય શહેરોમાં સ્મશાનભૂમિ પરંપરાગત રીતે શહેરના દક્ષિણ દરવાજાની બહાર હોય છે, પણ અહીં તે જીવનના કેન્દ્રમાં છે.

આ બધું જાણીને હું હોટલમાં પાછો ફર્યો હતો. અમે નદીના કાંઠે ચાલી રહ્યા હતા ત્યારે મારા યુવાન ગાઈડે કહ્યું હતું કે “બધું ક્ષણભંગુર છે. નિરંતર ક્રમાનુસાર બધું થતું રહે છે. કશુંય ક્યારેય એકસમાન રહેતું નથી.”

(પિકો ઐયરે પ્રવાસ વિશેનાં અનેક પુસ્તક લખ્યાં છે. આ લેખ તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘ધ હાફ નોન લાઇફ’નો સંપાદિત અંશ છે)