'માનવીઓ 150 વર્ષ સુધી જીવી શકે છે...'-પુતિન અને શી જિંનપિંગ વચ્ચે શું ચર્ચા થઈ?

    • લેેખક, મિશેલ રોબર્ટસ
    • પદ, ડિજીટલ હેલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ

શું અંગ પ્રત્યારોપણની મદદથી કોઈ અમર બની શકે છે? આ રસપ્રદ વિષય પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચર્ચા થઈ હતી.

આ અઠવાડિયે બીજિંગમાં ચીનની લશ્કરી પરેડ દરમિયાન આ ઘટના બની હતી.

પુતિને જે કહ્યું તેનો મેન્ડરિનમાં અનુવાદ કરતા, અનુવાદકે શી જિનપિંગને કહ્યું: "માનવ અંગોનું વારંવાર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, જેથી લોકો ઉંમર વધવા છતાં યુવાન બની શકે, અને કદાચ વૃદ્ધત્વને અનિશ્ચિત સમય માટે અટકાવી પણ શકે."

તેમણે એમ પણ કહ્યું, "એવું અનુમાન છે કે આ સદીમાં, માનવીઓ 150 વર્ષ સુધી જીવી શકે છે."

આ વાતચીત દરમિયાન, બંને નેતાઓના હાસ્યથી ખ્યાલ આવતો હતો કે તેઓ કદાચ આ વિષય પર મજાક કરવાના મૂડમાં હશે. પરંતુ શું ખરેખર આમાં કોઈ સત્ય હોઈ શકે?

વિશ્વભરમાં અંગ પ્રત્યારોપણ દ્વારા ઘણા લોકોના જીવ બચાવાયા છે.

NHS બ્લડ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટ અનુસાર, છેલ્લાં 30 વર્ષમાં માત્ર યુકેમાં એક લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

તબીબી ક્ષેત્રમાં સતત પ્રગતિને કારણે, ટ્રાન્સપ્લાન્ટ કરાયેલાં અંગો હવે લાંબા સમય સુધી કામ કરી શકે છે.

કેટલાક દર્દીઓ એવા છે જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ 50 વર્ષથી વધુ સમયથી કામ કરી રહી છે.

કોઈ અંગ કેટલો સમય યોગ્ય રીતે કામ કરશે તે દાતા અને દર્દીના સ્વાસ્થ્ય તેમજ અંગની કેટલી સારી સંભાળ રાખવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ દર્દીને જીવંત દાતા પાસેથી નવી કિડની મળે છે, તો તે 20 થી 25 વર્ષ સુધી ટકી શકે છે.

બીજી બાજુ, મૃત શરીરમાંથી મળેલી કિડનીનું સરેરાશ આયુષ્ય 15 થી 20 વર્ષ છે.

વિવિધ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલાં અંગોનું આયુષ્ય અલગ અલગ છે.

જર્નલ ઑફ મેડિકલ ઇકૉનૉમિક્સમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, લીવર લગભગ 20 વર્ષ, હૃદય 15 વર્ષ અને ફેફસાં લગભગ દસ વર્ષ સુધી ટકી રહે છે.

અમર થવું શક્ય છે?

પુતિન અને શી કદાચ ઘણી વાર અને ઘણાં અંગોના પ્રત્યારોપણ વિશે વાત કરી રહ્યા હતા.

પરંતુ દરેક સર્જરીની સાથે એક મોટું જોખમ પણ આવે છે. દર વખતે ઑપરેશન ટેબલ પર જવું એ જુગાર રમવા જેવું છે.

નવું અંગ પ્રાપ્ત કર્યા પછી, દર્દીએ જીવનભર ભારે દવાઓ (ઇમ્યુનોસપ્રેસન્ટ્સ) લેવી પડે છે જેથી શરીર નવા અંગને સ્વીકારી શકે.

આ દવાઓની આડઅસરો પણ છે - જેમ કે, હાઇ બ્લડ પ્રેશર અથવા ચેપનું જોખમ વધવું.

જોકે, ક્યારેક દર્દીનું શરીર ટ્રાન્સપ્લાન્ટ કરેલા અંગને નકારવાનું શરૂ કરે છે. એટલે કે, શરીરની રોગપ્રતિકારક શક્તિ અંગને બહારનું અંગ માને છે અને તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે.

ડુક્કરનો ડોનર તરીકે ઉપયોગ

હવે વૈજ્ઞાનિકો એવાં અંગો બનાવવા પર કામ કરી રહ્યા છે જેને શરીર નહીં નકારે.

આ માટે, જીનેટિકલી ઑલ્ટર્ડ (આનુવંશિક રીતે બદલાયેલા) ડુક્કરનો દાતા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેઓ ક્રિસ્પર નામની જનીન-સંપાદન તકનીકનો ઉપયોગ કરીને ડુક્કરના કેટલાક જનીનોને દૂર કરે છે અને ટ્રાન્સપ્લાન્ટ કરેલા અંગ માનવશરીર સાથે મેળ ખાય એ માટે માનવ જનીનો ઉમેરે છે.

આ માટે, ડુક્કરની એક ખાસ જાતિનો ઉછેર કરવામાં આવે છે, કારણ કે તેનાં અંગો આકારમાં માણસોનાં અંગો જેવાં હોય છે.

જોકે, આ સંશોધન હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે, આ તકનીકનો ઉપયોગ કરીને હૃદય અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલાંથી જ થઈ ચૂક્યાં છે.

શસ્ત્રક્રિયા કરનારા બે માણસોને આ નવા ક્ષેત્રના પ્રણેતા માનવામાં આવે છે. બંને હવે હયાત નથી, પરંતુ તેમણે ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન (એટલે ​​કે અલગ પ્રજાતિનાં અંગો લેવાં) માં સંશોધનને આગળ વધાર્યું.

બીજી રીત એ છે કે માનવ કોષોમાંથી સંપૂર્ણપણે નવા અવયવો બનાવવા.

સ્ટેમ સેલ્સમાં શરીરમાં કોઈ પણ પ્રકારનાં કોષ અથવા પેશીઓમાં વિકાસ કરવાની ક્ષમતા હોય છે.

જોકે, અત્યાર સુધી કોઈ સંશોધન સંપૂર્ણપણે સક્રિય અને ટ્રાન્સપ્લાન્ટેબલ માનવ અંગ બનાવવામાં સફળ થયું નથી, પરંતુ વૈજ્ઞાનિકો તેની નજીક પહોંચી રહ્યા છે.

ડિસેમ્બર 2020માં, યુકેના સંશોધકો (યુસીએલ અને ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યૂટ) માનવ થાઇમસ બનાવવામાં સફળ થયા.

તે રોગપ્રતિકારક શક્તિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

તેમણે તેને સ્ટેમ સેલ અને બાયોએન્જિનિયર્ડ સ્કેફોલ્ડની મદદથી બનાવ્યું. જ્યારે તેને ઉંદરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, ત્યારે તે સારી રીતે કામ કરતું જોવા મળ્યું.

લંડનની ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલના વૈજ્ઞાનિકો કહે છે એ પ્રમાણે તેમણે દર્દીના પેશીઓમાંથી સ્ટેમ સેલનો ઉપયોગ કરીને માનવ આંતરડાંનો એક ભાગ વિકસાવ્યો છે.

આ તકનીકથી એક દિવસ બાળકોનાં આંતરડાંની સમસ્યા સુધારી શકાય છે.

પરંતુ આ સંશોધન રોગોની સારવાર માટે છે, માણસના આયુષ્યને 150 વર્ષ સુધી વધારવા માટે નહીં.

શું રિવર્સ એજિંગ શક્ય છે?

ટેક ઉદ્યોગસાહસિક બ્રાયન જૉનસન દર વર્ષે પોતાની ઉંમરને રિવર્સ કરવા માટે લાખો ડૉલર ખર્ચ કરી રહ્યા છે.

અત્યાર સુધી તેમણે કોઈ અંગ પ્રત્યારોપણ કરાવ્યું નથી, પરંતુ તેમના 17 વર્ષના પુત્રનો પ્લાઝ્મા તેમના શરીરમાં દાખલ કરવામાં આવ્યો છે.

પાછળથી તેમણે આ પ્રક્રિયા બંધ કરી દીધી, કારણ કે તેનાથી કોઈ ફાયદો થયો નહીં અને યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જેવી એજન્સીઓની કડકાઈ વધી ગઈ.

કિંગ્સ કૉલેજ લંડનના ડૉ. જુલિયન મેટ્ઝ કહે છે કે, "અંગ પ્રત્યારોપણ ઉપરાંત પ્લાઝ્મા રિપ્લેસમેન્ટ જેવા ઘણા પ્રયોગો ચાલી રહ્યા છે, પરંતુ આ બધા હજુ પણ પરીક્ષણના તબક્કામાં છે."

તેઓ કહે છે, "આ પદ્ધતિઓ ખરેખર મનુષ્યોના મહત્તમ આયુષ્યમાં વધારો કરશે કે કેમ તે હજુ પણ અનિશ્ચિત છે, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર છે."

વયમર્યાદા

પ્રોફેસર નીલ મેબૉટ એડિનબર્ગ યુનિવર્સિટીના રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં ઇમ્યુનોપૅથૉલૉજી નિષ્ણાત છે.

તેમનું માનવું છે કે મનુષ્યો માટે 125 વર્ષ સુધી જીવવું શક્ય બની શકે છે.

તેમણે બીબીસીને આપેલી જાણકારી પ્રમાણે વિશ્વનાં સૌથી વધુ જીવેલાં વ્યક્તિ ફ્રાન્સના જીન કૈલમેન્ટ હતાં, જે 1875થી 1997 સુધી એટલે કે 122 વર્ષ જીવ્યાં હતાં.

તેમણે કહ્યું, "જોકે અંગ પ્રત્યારોપણ દ્વારા ક્ષતિગ્રસ્ત અંગો બદલી શકાય છે, પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ આપણું શરીર નબળું પડતું જાય છે''

તેઓ ઉમેરે છે, "ચેપ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, શરીર નાજુક બની જાય છે અને ઈજાગ્રસ્તમાંથી સ્વસ્થ થવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.''

''ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનું દબાણ અને રોગપ્રતિકારક શક્તિ ઘટાડવાની દવાઓની અસર વૃદ્ધ દર્દીઓ માટે ખૂબ જ ગંભીર રહેશે."

તેમનું કહેવું છે કે આપણે આયુષ્ય વધારવા પર નહીં પણ 'સ્વસ્થ જીવન જીવવા' પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

પ્રો. મેબૉટે કહ્યું, "જો આયુષ્ય લાંબુ હોય, પણ વૃદ્ધાવસ્થાના રોગો સામે લડતી વખતે વારંવાર હૉસ્પિટલ જવું પડે, અને વારંવાર અંગ પ્રત્યારોપણ કરાવવું પડે, તો એ બિલકુલ ત્રાસદાયક વાત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન