સુરતમાં નકલી વિઝાનાં સ્ટિકર્સ બનાવવાની ફૅક્ટરી કેવી રીતે ઝડપાઈ, યુકે અને કૅનેડાના વિઝા માટે પણ બનાવાતાં હતાં ફરજી સ્ટિકર્સ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા એક ઘરમાં પોલીસે દરોડા પાડીને બનાવટી વિઝાનું સ્ટિકર્સ બનાવતા પ્રતીક શાહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે તેણે દરોડા પાડ્યા ત્યારે નકલી વિઝાના અલગ-અલગ દેશના હૉલમાર્ક ધરાવતાં પેપર્સ અને રંગબેરંગી શાહી સાથે પ્રતીક શાહને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

પ્રતીક શાહ ઇલેક્ટ્રિકલ ઍન્જીનિયર હતો. તેણે રાંદેરમાં એક મકાન રાખ્યું હતું.

પોલીસના દાવા પ્રમાણે તે રાત્રે આ મકાનમાં આવતો હતો અને નકલી વિઝાનાં સ્ટિકર્સ બનાવવાનું કામ કરતો હતો.

પોલીસે જ્યારે છાપો માર્યો ત્યારે તેની પાસે કૅનેડા, જર્મની અને યુકે સહિતના દેશોના નકલી વિઝાનાં સ્ટિકર્સ મળી આવ્યાં હતાં. પોલીસનું માનવું છે કે આ નકલી સ્ટિકર્સ મારફતે તે લાખો રૂપિયા કમાયો હતો.

નકલી વિઝાનાં સ્ટિકર્સ બનાવવાનો શું છે મામલો?

સુરતના રહેવાસી પ્રતીક શાહની અગાઉ ઑક્ટોબર, 2024માં દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે નકલી વિઝાનાં સ્ટિકર્સ બનાવવાનો આરોપ હતો.

દિલ્હીમાં ધરપકડ થયા બાદ તે જામીન પર છૂટી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેને ખબર હતી કે પોલીસની તેના પર નજર છે તેથી શરૂઆતના બે મહિના સુધી તેણે સામાન્ય જીવન ગુજાર્યું હતું. પરંતુ પછી તેણે રાંદેરમાં સામોર રેસિડેન્સીમાં ઘર ભાડે લીધું અને પછી તેનો જૂનો ધંધો ફરીથી શરૂ કર્યો હતો.

આ વિશે વાત કરતાં સુરત સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (એસઓજી)ના ડીસીપી રાજદીપ નકુમે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમે તેના પર સતત નજર રાખતા હતા. દરમિયાન અમને માહિતી મળી હતી કે પ્રતીક શાહ રાંદેરમાં એક સોસાયટીમાં આવે છે અને રાતભર ત્યાં જ રહે છે."

"તે મોડી રાત્રે ફૂડ મંગાવે છે. અમે ખાનગી રાહે તપાસ કરી તો ખબર પડી કે સોસાયટીમાં તેની સામે કોઈને વાંધો નહોતો. પરંતુ કેટલીક ગતિવિધિઓ તેની શંકાસ્પદ હોવાનું માલુમ પડ્યું."

સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ. પી. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "તેણે નામ બદલી નાખ્યું હતું. દાઢી વધારી દીધી હતી જેથી તે તેની ઓળખ છુપાવી શકે."

પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે તેના જૂના નેટવર્કનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.

એ. પી. ચૌધરી જણાવે છે, "તેણે પ્રતિબંધિત વીપીએન નેટવર્કનો ઉપયોગ કરવો શરૂ કર્યો એટલે તેના આઈપી ઍડ્રેસ ટ્રેક કરો તો અલગ-અલગ દેશના આઈપી ઍડ્રેસ આવે. કારણ કે વીપીએનથી તે સર્વર જમ્પ કરીને અલીબાબા ડૉટ કૉમ પર ઑર્ડર કરતો હતો."

પોલીસે વધુ તપાસ કરી તો ખબર પડી કે તે રાત્રે ઑનલાઇન ફૂડ મંગાવતો હતો. સોસાયટીમાં મોડી રાત્રે ડિલિવરી બૉયને પ્રવેશવા પર પ્રતિબંધ હતો. પરંતુ તે મોડી રાત્રે ફૂડ મંગાવતો હોવાથી સોસાયટીના લોકો તેનાથી નારાજ હતા.

પોલીસે જે ફોન નંબરથી તે ફૂડ મંગાવતો હતો તે નંબરનું આઈપી ઍડ્રેસ ટ્રેસ થયું.

એ. પી. ચૌધરી જણાવે છે. "અમે જ્યારે આ આઈપી ઍડ્રેસથી તપાસ કરી તો ખબર પડી કે છેલ્લા પાંચ દિવસથી તે સતત વિદેશનાં આઈપી ઍડ્રેસના સંપર્કમાં હતો. એટલે અમારી શંકા દૃઢ બની."

શંકાને આધારે પોલીસે છુપા વેશે તેના ઘરની આસપાસ ગોઠવાઈ ગઈ. જ્યારે તે રાત્રે તેના ફ્લૅટમાં આવ્યો ત્યારે તેણે પોતાના સિમકાર્ડના ઇન્ટરનેટનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો. પોલીસે તરત જ તેના ઘરે દરોડા પાડીને તેની ધરપકડ કરી.

પ્રતીક શાહના ઘરેથી પોલીસને શું મળી આવ્યું?

પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે રાત્રે પ્રતીક શાહ તેના ફ્લૅટમાં કામ કરતો હતો ત્યારે તે ઘરનો દરવાજો થોડો ખુલ્લો રાખતો હતો જેથી આસપાસના લોકોને કોઈ શંકા ન જાય. પરંતુ પોલીસ તેના ઘરે છાપો મારશે તે તેની કલ્પના બહારનું હતું.

પોલીસે જ્યારે તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેની પાસેથી લૅપટૉપ, અનેક પ્રકારની શાહી, પેપર કટર અને કેટલાક સિક્કા મળી આવ્યા.

તેની સાથે પોલીસને અલ્ટ્રા વાયોલેટ બૅટરી પણ મળી આવી. તેનાથી પોલીસે જે પેપર જોયાં તો ખબર પડી કે એ અલગ-અલગ દેશનાં હૉલમાર્ક ધરાવતાં પેપર હતાં.

પોલીસે પ્રતીકના ઘરે સાડા પાંચ કલાક સુધી તપાસ કરી.

પોલીસે તેનું લૅપટૉપ અને પ્રિન્ટર ચેક કર્યું તો ખબર પડી કે તે કૉરલ ડ્રૉ અને પેઇન્ટ ડૉટ નેટ સૉફ્ટવૅરની મદદથી નકલી વિઝાનાં સ્ટિકર્સ બનાવતો હતો.

એ. પી. ચૌધરીના જણાવ્યા પ્રમાણે, "અમને દરોડા દરમિયાન કૅનેડા, યુકે, જર્મની, સર્બિયા સહિતના અલગ-અલગ દેશનાં નકલી વિઝાનાં સ્ટિકર્સ મળી આવ્યાં છે."

પોલીસને તેની પાસેથી પાંચ ફોન અને બે સિમ કાર્ડ મળ્યાં છે. તથા વર્ચ્યુઅલ નંબર મારફતે જેમની સાથે વાતચીત કરતો હતો તેના નંબરો પણ મળ્યા છે.

પોલીસ આ નંબરોની તપાસ કરી રહી છે.

એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ કહે છે, "આ નકલી વિઝાકાંડમાં આણંદના ટ્રાવેલ એજન્ટ કેતન સર્વીય, દિલ્હીના પરમજીતસિંહ અને અલ્તાફ તથા હૉંગકૉંગના હર્ષ અને સચીન શાહનાં નામો ખૂલ્યાં છે."

"આ તમામ વિદેશ જવા માગતા લોકોને નકલી વિઝા બનાવી આપતા હતા. તેમણે લગભગ 700થી વધુ નકલી વિઝા બનાવ્યા છે."

પોલીસ કહે છે કે નકલી વિઝાનું એક સ્ટિકર બનાવતાં તેને સાત દિવસ લાગતા હતા. દિલ્હી અને હૉંગકૉંગમાં બેઠા તેના સાગરિતો નકલી વિઝા માટે 15 હજાર રૂપિયા લેતા હતા.

પ્રતીક કેવી રીતે નકલી વિઝા બનાવવાનું કામ કરવા લાગ્યો?

પોલીસના જણાવ્યા અનુસાર પ્રતીક સામે દસ વર્ષમાં ઉમરા પોલીસ સ્ટેશન, વડોદરા પોલીસ સ્ટેશન અને દિલ્હી પોલીસ સ્ટેશનમાં નકલી વિઝા મામલે છેતરપિંડીના 12 ગુના નોંધાયેલા છે. પ્રતીક ઇલેક્ટ્રિક એન્જિનિયર થયો પછી સામાન્ય નોકરી કરતો હતો પરંતુ તેને વૈભવી લાઇફસ્ટાઇલનો શોખ હતો.

પોલીસ જણાવે છે કે તેણે ઝડપથી નકલી વિઝાનાં સ્ટિકર્સ બનાવવાનું શીખી લીધું હતું.

દસ વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં વિદેશ મોકલવાની એક જાહેરાત જોઈ હતી. પછી તે એક એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તેણે તેને નકલી વિઝાનાં સ્ટિકર્સ બનાવી આપવાનું કહ્યું હતું. જેમાં પાસપૉર્ટ પર ટ્રાવેલ હિસ્ટ્રીનાં સ્ટિકર્સ લાગતાં હતાં.

જો કોઈ વિદેશમાં જઈને પકડાય તો તેની સામે છેતરપિંડીના ગુના દાખલ થતા હતા.

વર્ષ 2017માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયા બાદ તેણે આણંદ જઈને આ કામ કરવાનું શરૂ કર્યું.

પછી તે વડોદરા ગયો પરંતુ ત્યાં પણ તેની સામે ગુનો નોંધાયો હતો. વર્ષ 2022 અને 2024માં તેની સામે દિલ્હીમાં પણ ગુનો નોંધાયો હતો.

શું કહે છે પ્રતીકના પાડોશીઓ અને ઘરમાલિક?

પ્રતીક જ્યાં રહેતા હતા એ સોસાયટીમાં રહેતી એક વ્યક્તિએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "તે ભણવામાં હોશિયાર હતો. પહેલી વખત પોલીસે ધરપકડ કરી ત્યારે થોડા જ સમયમાં તે જેલ બહાર આવી ગયો હતો. તે બધાને કહેતો હતો કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે."

"જ્યારે 2024માં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી ત્યારે અમને લાગ્યું કે તેણે કોઈ મોટો કાંડ કર્યો લાગે છે. તેમનાં માતા ધાર્મિક છે. આટલી બધી વખત પોલીસે તેની ધરપકડ કરી છે એટલે કંઈ તો હશે જ."

પ્રતીકને ઘર ભાડે આપનારાં મકાન માલિકે આ વિશે કહ્યું, "આ ઘરમાં ઘણા લોકો ભાડેથી રહી ગયા. તેનું ભાડું 12થી 13 હજાર આવતું હતું. હું પરિવાર સિવાય કોઈને ભાડે આપતી નહોતી પરંતુ મને આ માણસ સારો લાગ્યો તેથી મેં તેને મકાન ભાડે આપ્યું."

"તેણે કહ્યું હતું કે તે નોકરી કરે છે અને માત્ર રાત્રે સૂવા માટે જ મકાન જોઈએ છે."

જોકે, તેણે આ મકાન ભાડે રાખવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા.

તેણે અભિજીતના નામે દસ્તાવેજો આપીને ઘર ભાડા માટેનો કરાર કર્યો હતો.

પ્રતીકના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.

પ્રતીક શાહ સામે ઉધનામાં 9 ગુના નોંધાયા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રતીક 2015થી નકલી વિઝા મામલે સંડોવાયેલો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં તેના નામે 9 ગુના નોંધાયા છે.

તેણે તેનો ધંધો આણંદ અને વલ્લભવિદ્યાનગર પણ ફેલાવ્યો હતો. તે ત્યાંના એજન્ટ સાથે મળીને કામ કરતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે કોરોનાકાળમાં લોકો વિદેશ જવાનું ટાળતા હતા તેથી તે વર્ષ દરમિયાન તેનું કામ બંધ રહ્યું હતું.

પોલીસ જણાવે છે કે આ જ સમયગાળા દરમિયાન તે દિલ્હી, હરિયાણા અને પંજાબના કબૂતરબાજીના ધંધામાં સંડોવાયેલા એજન્ટોના સંપર્કમાં આવ્યો.

2014માં હરિયાણાના એક માણસને પહેલી સપ્ટેમ્બર, 2024ના રોજ નકલી વિઝા બનાવીને કૅનેડા જતા પોલીસે પકડ્યો હતો. તે સમયે તેના પાસપૉર્ટ પર નકલી વિઝાનું સ્ટિકર લગાવીને 18 લાખ પડાવવા બદલ 8 લોકોની ધરપકડ થઈ હતી. તેમાં પ્રતીકનું નામ પણ ખૂલ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે તે વખતે પણ તેની પાસે અલગ-અલગ દેશના હૉલમાર્ક ધરાવતાં સ્ટેમ્પ્સ મળી આવ્યાં હતાં. વિઝાનાં સ્ટિકર્સ બનાવવાની ડાઇ પણ મળી આવી હતી.

મુંબઈના સહારા ઍરપૉર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ થઈ હતી. જે નકલી વિઝા મારફતે વિદેશ જવાની કોશિશમાં પકડાઈ હતી.

પકડાયેલી વ્યક્તિએ 2018માં કૅનેડા જવાના વિઝા માગ્યા હતા. તે રદ થતા તેમણે આણંદના એક એજન્ટની મારફતે નકલી વિઝા મેળવીને કૅનેડા જવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પણ પ્રતીક શાહનું નામ ખૂલ્યું હોવાનું પોલીસે કહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન