જીએસટી પર નાણામંત્રીની મોટી જાહેરાત, જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ જશે?

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવાર રાત્રે ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અંગે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી.

તેમણે જણાવ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં બે દર ધરાવતી GST વ્યવસ્થાને મંજૂરી મળી છે.

નાણામંત્રીના જણાવ્યાં અનુસાર 12% અને 28% દરના સ્લૅબને રદ કરવામાં આવ્યા છે.

હવે બે નવા દરો 5% અને 18% માટે સહમતિ બની છે.

GSTના નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ પડશે.

GST 12% થી ઘટાડી 5%

જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા અને દિવાળી પહેલાં દેશના સામાન્ય લોકો અને નાના વેપારીઓથી લઈને ખેડૂત સુધીના વર્ગો માટે મોટી જાહેરાત કરવામાં આવી.

આ બેઠકમાં જીએસટી સ્લૅબની સંખ્યા ઓછી કરીને માત્ર પાંચ ટકા અને 18 ટકા સુધી સીમિત કરી દેવાઈ છે. જ્યારે કે 12 ટકા અને 28 ટકા સ્લૅબને સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

નાણામંત્રીએ બેઠક બાદની જાણકારી શૅર કરી. તેમણે કહ્યું કે કેટલીક જરૂરી વસ્તુઓ પર લાગનારો જીએસટી સમાપ્ત કરી દેવાયો છે.

રોજબરોજની વસ્તુઓ પર 5% GST

  • હૅર ઑઇલ, શૅમ્પૂ, ટૂથપેસ્ટ, ટૉઇલેટ સોપ બાર, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ, બટર, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ.
  • પૅકેજ્ડ નમકીન, ભુજિયા મિક્સચર, વાસણ, બાળકોની દૂધ પીવાની બૉટલ, નૅપ્કિન અને ડાયપર.
  • સિલાઈ મશીન અને તેના પાર્ટ્સ.

આરોગ્ય ક્ષેત્રમાં શું સસ્તું થશે?

  • આરોગ્ય અને જીવન વીમો (GST 18% થી ઘટાડીને શૂન્ય)
  • થર્મૉમીટર, મેડિકલ ગ્રેડ ઑક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકૉમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ (GST 5%)

શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં શું સસ્તું થયું?

  • નકશો, ચાર્ટ, ગ્લોબ, પેન્સિલ, શાર્પનર, કલર્સ, બુક અને નોટબુક, ઇરેઝર (GST 0%)
  • ટ્રૅક્ટરનાં ટાયર અને તેના પાર્ટ્સ (GST 18% થી ઘટાડી 5%)
  • ટ્રૅક્ટર, બાયૉ-કીટનાશક, માઇક્રો ન્યુટ્રિએન્ટ્સ, ડ્રિપ સિંચાઈ સિસ્ટમ, સ્પ્રિંકલર (GST 12% થી ઘટાડી 5%)

ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ સસ્તી થઈ

  • વાસણ ધોવાનાં મશીનો, એસી મશીનો, મોટરથી ચાલતા પંખા અને હ્યુમિડિટી કંટ્રોલ ઍલિમેન્ટ (GST 28% થી ઘટાડી 18%)
  • ટીવી, મૉનિટર, પ્રોજેક્ટર અને સેટ-ટોપ બૉક્સ (GST 28% થી ઘટાડી 18%)

લક્ઝરી GST 40%

  • પાન મસાલા, સિગારેટ, ગુટખા
  • ઍરેટેડ વોટર, કેફીનયુક્ત પેય
  • મોટી સાઇઝની કાર

નાણામંત્રીની જાહેરાતની મુખ્ય બાબતો

  • નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ પડશે.
  • દરોમાં ઘટાડાથી સરકારને અંદાજે ₹93,000 કરોડની આવકનું નુકસાન થશે.
  • કાઉન્સિલે બે સ્લૅબ દરોને મંજૂરી આપી છે – 5% અને 18%.
  • 40% સ્લૅબથી સરકારને અંદાજે ₹45,000 કરોડની વધારાની આવક થવાની શક્યતા છે.
  • આ નિર્ણય સર્વસંમતિથી લેવાયો, મતદાનની જરૂર પડી નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન