ગુજરાતમાં 15 લાખ લોકોનાં રૅશનકાર્ડ બદલવાની કાર્યવાહી કેમ શરૂ કરાઈ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"હું ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઇઝેશનમાં ડિરેક્ટર તો બની ગઈ, પરંતુ અમારી આવક વાર્ષિક છ લાખ રૂપિયા નથી. સજીવ ખેતી કરીએ છીએ અને જ્યારે સિઝન ન હોય ત્યારે અમે ઑર્ડર પર પાપડ બનાવવા, લાડવા બનાવવા કે પછી ક્યારેક રોટલા-શાક બનાવવાનાં કામ કરીએ છીએ. સરકારે જ અમને કંપની બનાવવા માટે પ્રોત્સાહિત કર્યાં. હવે અમે ડિરેક્ટર બન્યાં એટલે અમારા અન્નના અધિકાર સામે પણ પ્રશ્નો ઊભા થયા છે."

આ શબ્દો છે વર્ષાબહેન રાઠવાના. પંચમહાલ જિલ્લાના દેવગઢબારિયાના શાદરા ગામમાં રહેતાં વર્ષાબહેન રસકુમ ફાર્મર્સ પ્રોડ્યૂસ ઑર્ગેનાઇઝેશનમાં ડિરેક્ટર છે.

તેમને તેમનું નૅશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો - એનએફએસએ) કાર્ડ રદ કરવા અંગેની નોટિસ મળી છે.

વર્ષાબહેન કહે છે કે તેઓ ડિરેક્ટર ખરાં અને તેમના એનએફએસએ કાર્ડને નૉન-એનએફએસએ કેમ ન કરવું જોઈએ તે અંગે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી.

તેઓ કહે છે કે, "મેં મારા આવકના પુરાવા સાથે નોટિસનો જવાબ આપ્યો છે."

સરકારનું કહેવું છે કે પાત્રતા ધરાવનાર કોઈ પણ વ્યક્તિનું એનએફએસએ કાર્ડ બંધ નહીં કરાય. જે લોકોને નોટિસ મળી હોય તેમણે યોગ્ય પુરાવા રજૂ કરવાના રહેશે.

અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મીડિયાને આપેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં 3.60 કરોડ એનએફએસએ કાર્ડ છે. જુદાં જુદાં ઑનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ ડેટાને આધારે પાત્રતા ધરાવતા રૅશનકાર્ડ પૈકી ગુજરાતમાં શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા ચકાસણી માટે કુલ 56 લાખ 57 હજાર કાર્ડધારકોની યાદી અપાઈ હતી. જે અંગે ચકાસણી ચાલી રહી છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનું કહેવું છે કે વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 15.66 લાખ રૅશનકાર્ડધારકોની અલગ-અલગ ઑનલાઇન ડેટાને આધારે ચકાસણી કરાઈ છે.

વિભાગ દ્વારા રૅશનકાર્ડધારકોને કૅટગરી પ્રમાણે તારવાયા છે. જેમાં આધાર કાર્ડના ડેટાને આધારે મૃતકો, છ મહિનાથી કાર્ડ ન વપરાયું હોય કે એક વર્ષથી એક પણ વખત ન વપરાયું હોય એવાં સાયલન્ટ કાર્ડધારકો, છ લાખથી વધુ આવક ધરાવતા, ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ (જીએસટી) હેઠળ 25 લાખ કરતાં વધુ ટર્નઓવર ધરાવતા કે પછી જે તે કંપનીમાં ડિરેક્ટરના પદે કામ કરતા ધારકો જેવા કાર્ડધારકોને નોટિસ આપી છે. તેમની પાસેથી તેમનું એનએફએસએ કાર્ડ કેમ રદ ન કરવું જોઈએ એ અંગેનો ખુલાસો મગાયો છે. એનએફએફએ કાર્ડ ચાલુ રખાવવા માગતા ધારકો પાસેથી પુરાવા માગ્યા છે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંર્તગત કોને અને કેટલું રૅશન મળે છે?

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ઘરનો કોઈ પણ સભ્ય મહિને 15 હજાર રૂ. સુધી કમાતો હોય એટલે કે વાર્ષિક આવક 1 લાખ 80 હજાર સુધી હોય તે પરિવારને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંર્તગત સસ્તા ભાવે અનાજ મળવાપાત્ર છે.

આ વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર એનએફએસએ અંર્તગત અંત્યોદય કાર્ડધારક અને અગ્રતા ધરાવતા કાર્ડધારકોને દર મહિને રૅશન આપવામાં આવે છે.

અંત્યોદય યોજના અંર્તગત દર મહિને કાર્ડદીઠ 35 કિલો અનાજ આપવામાં આવે છે. 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 15 કિલો ઘઉં અને ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે દસ કિલો ચોખા અપાય છે.

અંત્યોદય સિવાયનાં કાર્ડને અગ્રતા ધરાવતા રૅશનકાર્ડધારક કુટુંબોને દર મહિને વ્યક્તિદીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવામાં આવે છે.

વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર સરકારે દિવ્યાંગનું સર્ટિફિકેટ આપ્યું હોય એવા વિકલાંગ, એકલ નારી, વિધવા, શ્રમ અને કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા શ્રમિકો, મજૂરો, જેમના ઘરમાં તેમના સિવાય કોઈ કમાવનાર ન હોય તેવા 60 વર્ષ કરતાં વધુ ઉંમરવાળા વૃદ્ધ, ખેતવિહોણા મજૂરો વગેરે જેવા માપદંડો નક્કી કરવામાં આવેલા છે.

સામાજિક કાર્યકરોનું શું કહેવું છે?

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો સામે સામાજિક કાર્યકરોએ વાંધા ઉઠાવ્યા છે.

સામાજિક કાર્યકર પંક્તિ જોગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ખેડૂતો કે ગૃહઉદ્યોગ કરતા લોકોએ કંપની બનાવી હોય છે. ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ખેડૂત છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપનીનો ડિરેક્ટર બની જવાથી તેની આવક વધી જતી નથી. સરકાર દ્વારા તેનું ખોટું અર્થઘટન કરીને નોટિસો આપવામાં આવી છે."

જે રૅશનકાર્ડધારકોએ છ મહિના સુધી કે એક વર્ષ સુધી એક પણ વાર તેનો ઉપયોગ ન કર્યો હોય તેવા સાયલન્ટ કાર્ડધારકોને પણ નોટિસ અપાઈ છે.

આ અંગે વાત કરતાં પંક્તિ જોગ જણાવે છે કે, "સસ્તા અનાજની દુકાનોનો ચોક્કસ સમય હોવો જોઈએ અને તે સમયસર ખૂલવી જોઈએ, પરંતુ એવું બનતું નથી. જેથી જે લોકો અન્ય સ્થળે કામ કરવા જાય છે, તેઓ જ્યારે તેમના ગામમાં કે શહેરમાં જાય છે ત્યારે સસ્તા અનાજની દુકાન બંધ હોય છે અને ક્યારે ખૂલશે તે નક્કી હોતું નથી. જેથી તેમને રૅશન મળતું નથી."

"જો આ વ્યક્તિ ત્રણ મહિના સુધી રૅશન લેવા ન જઈ શકે તો તેનું કાર્ડ સાયલન્ટ કાર્ડની કૅટગરીમાં જતું રહે છે. આ સાયલન્ટ કાર્ડને ફરીથી શરૂ કરવા માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને કંટાળાજનક છે. જેથી કેટલાક લોકો પોતાની મજૂરી છોડીને આ કામ માટે ધક્કા ખઈ શકતા નથી. અંતે તેમનાં કાર્ડ સાયલન્ટ થઈ જાય છે."

'ડિરેક્ટર બનવાથી કમાણી વધી જતી નથી'

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કંપનીમાં ડિરેક્ટર હોય અને એનએફએસએ કાર્ડ ધરાવતા હોય તેવા કાર્ડધારકોને નોટિસ પાઠવાઈ છે.

અન્ન સુરક્ષા અધિકાર અભિયાન ગુજરાતનાં કાર્યકર સેજલ દંડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "સરકારની જ એક સ્કીમ ફાર્મર પોડ્યૂસર ઑર્ગેનાઇઝેશન અંર્તગત બહેનોએ પ્રયાસ કરીને કંપની બનાવી અને તેના ડિરેક્ટર બન્યાં. ડિરેક્ટર બન્યા એટલે તમારી કમાણી વધી ગઈ એવું નથી. આ કોઈ કૉર્પોરેટ કંપનીનાં ડિરેક્ટર નથી. ગરીબ ખેડૂત છીએ. જેઓ જંગલની ખેતપેદાશો વેચીને ગુજરાન ચલાવે છે. સરકાર તેમનો ખાવાનો અધિકાર છીનવી રહી છે."

પંક્તિ જોગ જણાવે છે કે "કોઈ વ્યક્તિના ડિરેક્ટર બનવાથી કે માત્ર પાકું મકાન હોવાથી તેમને અન્નની સુરક્ષા મળી જતી નથી. સરકાર ખોટું અર્થઘટન કરીને એનએફએસએ કાર્ડને નૉન-એનએફએસએ કરી રહી છે."

વર્ષા રાઠવા કહે છે કે, "અમારી એક મહિનાની આવક દસ હજાર રૂપિયા જ છે."

પંક્તિ જોગ કહે છે કે "રાષ્ટ્રીય અન્ન સુરક્ષાના કાયદામાં માત્ર આર્થિક માપદંડો જ નહી, પરંતુ સામાજિક માપદંડોને પણ છે. જેમાં કોઈ વિધવા કે એકલ નારી હોય, જેમના ઘરમાં તેમના સિવાય અન્ય કોઈ કમાનાર ન હોય તેવા 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વગેરે જેવા માપદંડો છે."

સેજલ દંડ કહે છે કે, "ઓછી જમીન કે વંચિતો તમારી જ બીજી યોજના ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઇઝેશનમાં તમે ખેડૂતોને જોડ્યા. આ કંપનીમાં 1000 જેટલી બહેનો હોય છે. જેઓ દસ વર્ષથી કામ કરે છે ત્યારે તેમનું ટર્નઓવર માંડ 15 લાખ થાય છે. હવે તે બહેનોનો અન્નનો અધિકાર છીનવીને ભૂખ્યાં મારશો. ભોજન મૂળભૂત અધિકાર છે."

અન્ન અને નાગરિક પુરવઠામંત્રીએ શું કહ્યું?

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ જાહેર કરેલા પ્રેસ નિવેદનમાં તેમણે આ મુદ્દે જણાવ્યું કે "રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈ પણ નાગરિકનું એનએફએસએ કાર્ડ રદ નહીં કરાય. યાદીમાં સમાવિષ્ટ નાગરિકોને વિભાગ દ્વારા સામેથી જાણ કરે તો મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરવાથી એનએફએસએ કાર્ડ ચાલુ રહેશે. યોગ્ય પુરાવા રજૂ ન કરી શકનારનું રૅશનકાર્ડ એનએફએસએમાંથી નૉન-એનએફએસએ કરી દેવામાં આવશે. કોઈનુંય રૅશનકાર્ડ રદ નહીં કરાય."

કઈ કૅટગરીનાં કેટલાં રૅશનકાર્ડ?

  • આધાર કાર્ડની વિગતો મુજબ મૃત્યુ પામેલા હોય તેવા લોકોની સંખ્યા -1338
  • છેલ્લા છ મહિનાથી એક વર્ષ સુધી રૅશનકાર્ડનો ઉપયોગ ન કર્યો હોય તેવાં સાયલન્ટ કાર્ડના લાભાર્થી - 1,32,697
  • છેલ્લા એક વર્ષથી રૅશનકાર્ડનો એક પણ વખત ઉપયોગ ન થયો હોય તેવાં સાયલન્ટ કાર્ડ લાભાર્થી - 9,76,085
  • ડુપ્લિકેટ નામો ધરાવતા એટલે કે એક કરતાં વધુ રાજ્યોમાં જેનાં નામ ચાલતા હોય તેવા લાભાર્થી -3,894
  • ગુજરાત રાજ્યના અન્ય જિલ્લા સાથે ડુપ્લિકેટ નામ ધરાવતા લાભાર્થી - 22,700
  • 100 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા લાભાર્થી- 17,360
  • 18 વર્ષથી ઓછી ઉંમરના એક સભ્ય તરીકે રૅશનકાર્ડ ધરાવતા લાભાર્થી -7806
  • પીએમ કિસાન યોજના અંર્તગત 2.47 એકર (એક હેક્ટર)થી વધુ જમીન ધરાવતા લાભાર્થી- 3,17,660
  • કંપનીમાં ડિરેક્ટર તરીકે નામ ધરાવતા હોય તેવા લાભાર્થી -5496
  • ઇન્કમ ટૅક્સ ડેટા પ્રમાણે છ લાખથી વધુ આવક ધરાવતા લાભાર્થી 79,454
  • જીએસટીના ડેટા પ્રમાણે 25 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા લાભાર્થી- 2002
  • કુલ - 15,66,492

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન