વનતારાઃ અંબાણી પરિવારના 3,500 એકરમાં ફેલાયેલા ખાનગી ઝૂ સામે તપાસ થશે, શું આરોપો લાગ્યા?

    • લેેખક, નિકિતા યાદવ
    • પદ, બીબીસી ન્યૂઝ

દેશના ટોચના ઉદ્યોગપતિ અંબાણી પરિવારની માલિકીના 'વનતારા' પ્રાણી સંગ્રહાલય સામે સુપ્રીમ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

વનતારા સામે આરોપ છે કે તેના માટે ગેરકાયદે પ્રાણીઓ મેળવાયાં છે અને તેમની સાથે અયોગ્ય વ્યવહાર થાય છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા.

વનતારામાં વન્યજીવનના કાયદાના તમામ સંભવિત ભંગની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત નાણાકીય ગેરરીતિ અને મની લૉન્ડરિંગના આરોપોની પણ તપાસ થશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આરોપોના ટેકામાં કોઈ પુરાવા નથી, પરંતુ સત્તાવાળાઓ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા હોવાના આરોપોના કારણે તપાસના આદેશ અપાયા છે.

વનતારાનું સંચાલન રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કરે છે. અહીં સેંકડો હાથી, વાઘ અને બીજાં પ્રાણીઓ રાખવામાં આવ્યાં છે. વનતારાએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.

આરોપો પર સીધી ટિપ્પણી કર્યા વગર વનતારાએ કહ્યું કે, "વનતારા પારદર્શિતા, કરુણા અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રાણીઓના બચાવ, પુનર્વસન અને તેમની સારસંભાળનું અમારું મિશન અને લક્ષ્ય યથાવત છે."

અંબાણી પરિવારનાં લગ્ન પ્રસંગની ઉજવણી થઈ હતી

3500 એકરમાં ફેલાયેલું અને પ્રાણીઓની લગભગ 2000 પ્રજાતિઓ ધરાવતું વનતારા પોતાને વિશ્વમાં સૌથી મોટું વન્યજીવન પુનર્વસન કેન્દ્ર ગણાવે છે. અનંત અંબાણીનાં લગ્ન અગાઉના કેટલાક ભવ્ય કાર્યક્રમો વનતારામાં યોજાયા હતા, જેણે ગયા વર્ષે વૈશ્વિક હેડલાઇન્સ બનાવી હતી.

વનતારા જામનગર શહેરની નજીક આવેલું છે, જ્યાં રિલાયન્સની દુનિયામાં સૌથી મોટી ઑઇલ રિફાઇનરી પણ છે.

ચાલુ વર્ષે માર્ચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વનતારાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોદીએ આ પ્રયાસને "ખરેખર પ્રશંસનીય" ગણાવ્યો હતો, અને ઍક્સ પર મુલાકાતની તસવીરો શૅર કરી હતી.

પરંતુ જાહેર જનતા માટે વનતારાના દરવાજા બંધ છે. તેના કારણે વન્યજીવન કાર્યકરો અને સંરક્ષણવાદીઓ દ્વારા લાંબા સમયથી તેની ટીકા થઈ છે.

સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીઓ પર ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે કહ્યું કે આરોપોને કોઈ 'સમર્થન' નથી.

પરંતુ તેમાં એવું પણ કહેવામાં આવ્યું કે કાનૂની સત્તાવાળાઓ અથવા અદાલતો પોતાની ફરજ બજાવવા ઇચ્છુક નથી અથવા અસમર્થ છે એવા આરોપોના પગલે ... અમે ન્યાયના દૃષ્ટિકોણથી સ્વતંત્ર તથ્ય આધારિત મૂલ્યાંકનની માંગણીને યોગ્ય સમજીએ છીએ."

રિલાયન્સ જૂથની વેબસાઇટ ન્યૂઝ 18 પ્રમાણે વનતારામાં અનેક પ્રકારનાં પ્રાણીઓ રહે છે, જેમાં લગભગ 300 હાથી, 300 જેટલા દીપડા, વાઘ અને સિંહ, 300થી વધારે શાકાહારી પ્રાણીઓ અને 1200 સરિસૃપ વર્ગનાં પ્રાણી સામેલ છે.

ગયા વર્ષે માર્ચમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નની પ્રિ-વેડિંગ ઉજવણી વનતારામાં થઈ હતી, જેમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. તેમાં અનેક સેલિબ્રિટીઝ, રાજકારણીઓ અને દુનિયાભરના બિઝનેસ લીડર્સ હાજર રહ્યા હતા.

તાજેતરમાં ત્રણ દાયકાથી કોલ્હાપુરના એક જૈન મંદિરમાં રાખવામાં આવેલી મહાદેવી નામની બીમાર હાથણીને હાઈકોર્ટના આદેશના પગલે વનતારામાં ખસેડવામાં આવી ત્યારે મહારાષ્ટ્રમાં તેની વિરુદ્ધ ભારે વિરોધપ્રદર્શન થયાં હતાં.

આ ટીકાના પગલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ કહ્યું કે મહાદેવીને પરત લાવવા માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરશે.

ગેરકાયદે પ્રાણીઓ મેળવાયાનો આરોપ

કાર્યકર્તાઓનો દાવો છે કે, "ગુજરાતનું ગરમ અને સૂકું વાતાવરણ પણ કેટલાંક પ્રાણીઓ માટે યોગ્ય નથી. આ ઉપરાંત આ જગ્યા એક વિશાળ ઑઇલ રિફાઇનરીની નજીક આવેલી છે."

મંગળવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમાં કોર્ટે ચાર નિવૃત્ત જજની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને 12 સપ્ટેમ્બર અગાઉ પોતાનો રિપોર્ટ સોંપવા કહ્યું હતું.

તેમાં કહેવામાં આવ્યું છે કે, "તપાસ દરમિયાન ગેરકાયદેસર પ્રાણીઓ મેળવવાં, ખાસ કરીને હાથીઓ મેળવવા, વન્યજીવન કાયદાના ઉલ્લંઘન, નાણાકીય અનિયમિતતાઓ અને મની લૉન્ડરિંગના આરોપો પર ફોકસ કરવામાં આવશે."

એસઆઈટી દ્વારા "આબોહવાની પરિસ્થિતિ સંબંધિત" ફરિયાદો અને ઔદ્યોગિક ક્ષેત્રની નજીક હોવાના આરોપોની પણ તપાસ કરાશે.

સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે એસઆઈટીની પ્રથમ બેઠક મંગળવારે મળી હતી. તેમાં સભ્યોની ભૂમિકા અને જવાબદારીઓ સોંપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

આ મામલે આગામી 15 સપ્ટેમ્બરે કોર્ટમાં સુનાવણી થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન