ખડી માટીમાંથી બનેલી ગણેશ મૂર્તિઓ પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે, શું કહે છે નિષ્ણાતો?

    • લેેખક, પ્રાચી કુલકર્ણી
    • પદ, બીબીસી માટે

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગણપતિની પ્લાસ્ટર ઑફ પેરિસને બદલે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જળપ્રદુષણ ઓછું થતું હોવાને કારણે માટીની મૂર્તિના ઉપયોગને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જો વિશેષ દેખરેખ રાખવામાં ન આવે તો ખડી માટી (એક જાતની ભૂખરી સફેદ માટી)માંથી બનાવેલી આ મૂર્તિઓ પણ પર્યાવરણ માટે બરાબર નથી.

નિષ્ણાતો અને પર્યાવરણ કાર્યકર્તા એ મત વ્યક્ત કરી રહ્યા છે માટીમાંથી બનેલી મૂર્તિઓને પણ સમુદ્ર કે નદીમાં વિસર્જીત ન કરવી જોઈએ.

પ્લાસ્ટર ઑફ પેરિસ Vs ખડી માટી

આઈઆઈટી બૉમ્બે દ્વારા 2007માં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટર ઑફ પેરિસ એટલે કે પીઓપીમાં જોવા મળતાં સલ્ફેટ પ્રાકૃતિક સંસાધનો પર અસર કરે છે. પીઓપીનું વિઘટન થવા માટે વધું સમય લાગે છે જેને કારણે એના પર પ્રતિબંધની માંગણી ઊઠી હતી.

આ માટે નાગપુર હાઇકોર્ટેની ખંડપીઠે પીઓપીની બનેલી ગણેશની મૂર્તિઓ પર પ્રતિબંધ લગાવ્યો અને સરકારને મૂર્તિ વિસર્જન માટે દિશાનિર્દેશ જાહેર કરવાનો આદેશ આપ્યો.

આ પ્રતિબંધ તરત જ લાગુ કરવામાં આવ્યો નહીં અને પછી એને સ્થગિત કરી દેવામાં આવ્યો. આ મામલો વારંવાર કોર્ટમાં ગયો.

જૂન 2025માં કોર્ટના આદેશાનુસાર આ પ્રતિબંધ હઠાવી લેવામાં આવ્યો હતો. આ પછી સરકારે પીઓપી મૂર્તિઓને ઓળખવા માટે એના પર લાલ રંગથી નિશાન કરવું અનિવાર્ય કરી દીધું છે.

પીઓપી મૂર્તિઓની ચર્ચા વચ્ચે ઘણા લોકોએ 'ખડી માટી'માંથી બનેલી મૂર્તિઓને કુદરતી ગણાવતા એમને સ્થાપિત કરવાનો વિકલ્પ સ્વીકાર્યો છે.

કેટલાક લોકો આ મૂર્તિઓને વેપારીઓ પાસેથી ખરીદે છે જ્યારે કેટલાક જાતે જ આ મૂર્તિઓ બનાવે છે.

મૂર્તિઓને બનાવવા માટે સ્થાનિક નગરપાલિકા, એનજીઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓ સહિત ઘણા લોકોએ પ્રશિક્ષણનું પણ આયોજન કરવામાં આવ્યું.

જોકે ખડી માટીમાંથી બનેલી મૂર્તિને પાણીમાં વિસર્જીત કરવી પણ 'હાનિકારક' છે. આની પાછળનું કારણ જાણવા માટે સમજીએ ખડી માટી શું છે.

ખડી માટી શું છે?

ખડી માટી એક પ્રાકૃતિક માટી છે જેનો રંગ સફેદ-ભૂરો હોય છે. આ માટીમાં ખૂબ જ બારીક કણો હોય છે માટે આ માટીને પાણીમાં પલાળીને આકાર આપી શકાય છે.

કણો બારીક હોવાને કારણે તે પાણીને આસાનીથી શોષી લે છે અને તેનો આકાર જાળવી રાખે છે.

માટીમાંથી બનેલી આકૃતિઓને પકાવવાની આવશ્યકતા નથી.

આ માટી પર્યાવરણને અનુકૂળ કેમ નથી?

નિષ્ણાતોનું માનવું છે કે આ માટી પર્યાવરણને અનુકૂળ નથી.

પીઓપીની તુલનામાં આ માટી ઝડપથી વિઘટીત થાય છે પરંતુ નિષ્ણાતોનો તર્ક છે કે આ માટી જળસ્ત્રોતમાં ભળે તો તે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.

ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સના સેન્ટર ફૉર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડૉ. ગુરુદાસ નૂલકર કહે છે, "આપણે જે માટી વિઘટીત કરીએ છીએ એ માટી નદીનો કુદરતી ઘટક નથી. આ માટી બહારથી આવી છે. જો આપણે પૂણેની બહારથી ખડી માટી લાવીશું તો તેના પરિવહનને કારણે ઉત્સર્જન ઉત્પન્ન થાય છે. તેથી તેનો કાર્બન ખર્ચ થાય છે. આપણે તેને જમીનમાંથી, એટલે કે ટેરેસ્ટ્રીઅલ ઇકૉસિસ્ટમમાંથી કાઢીએ છીએ."

નુલકર કહે છે, "આ માટીને આપણે નદીમાં કે જળસ્ત્રોતમાં વિસર્જીત કરીએ છીએ. જો ખડી માટી નદીમાં વિઘટીત પણ થાય તો તે નદીની ઉપર તરતી રહે છે. જ્યારે નીચે બેસે છે ત્યારે ભૂગર્ભ રિચાર્જ ઝોન બંધ થઈ શકે છે."

"જો કોઈ નાનાં ગામડાંમાં કેટલીક ગણપતિની મૂર્તિઓ વિસર્જીક કરવામાં આવે તો હજું ઠીક છે પરંતુ જ્યારે કોઈ શહેરમાં આવી રીતે લાખો મૂર્તિઓ વિસર્જીત કરવામાં આવે તો આપણે એના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ."

થાણેના રોહિત જોશીએ કરેલી આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર બીએમસીના આંકડા પ્રમાણે, વિસર્જીત થનારી લગભગ 80થી 85 ટકા મૂર્તિઓ પીઓપીમાંથી બનેલી હોય છે જ્યારે 15થી 20 ટકા મૂર્તિ ખડી માટીમાંથી બનેલી હોય છે.

પુણે નગર નિગમના આંકડા અનુસાર, લગભગ સાડા પાંચ લાખ મૂર્તિઓ તળાવમાં અથવા તો દાનમાં મળેલી મૂર્તિઓમાં વિસર્જીત કરવામાં આવી. બાકીની તમામ મૂર્તિઓ નદીના તળમાં વિસર્જીત કરવામાં આવે છે. પણ જોશીનો દાવો છે કે આ એકત્રિત મૂર્તિઓ મુંબઈ અને થાણેની ખાડી અને સમુદ્રમાં વિસર્જીત કરવામાં આવે છે.

રોહિત જોશી પીઓપી મૂર્તિના ઉપયોગ સામે કોર્ટમાં અરજદાર છે.

જોશી કહે છે, "મુંબઈ નગર નિગમના આંકડા અનુસાર, 2024માં 46 લાખ કિલોગ્રામ પીઓપી સમુદ્રમાં વિસર્જીત કરવામાં આવ્યું. જેમાં 15 ટકા ખડી માટીની મૂર્તિઓ હતી. એટલે કે સાત લાખ કિલોગ્રામ ખડી માટી સમુદ્રમાં વિઘટીત થઈ."

"જો થાણેની ખાડીમાં 6 લાખ કિલોગ્રામ પીઓપી હોય તો, 90 હજાર કિલોગ્રામ ખડી માટી હશે. ખડી માટી હોય કે પીઓપી, જો આને રિસાઇકલ કરવામાં ન આવે તો તે પર્યાવરણને નુકસાન પહોંચાડશે."

રોહિત જોશી દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, બજારમાં હાલમાં લગભગ 6 પ્રકારની મૂર્તિ ઉપલબ્ધ છે. જેમાં પીઓપી અને ખડી માટી સિવાય લાલ માટી, કાગળની, છાણ અને માટીના મિશ્રણમાંથી બનેલી અન્ય પ્રકારની મૂર્તિઓ પણ સામેલ છે

એવું પ્રતિત થાય છે કે મૂર્તિમાં માટી સાથે ભળેલી અન્ય સામગ્રીઓ પણ હાનિકારક છે.

સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ પ્રમાણે આ મૂર્તિમાં આઠ ખનીજ અને અન્ય કંપાઉન્ડ્સ જોવાં મળે છે. જેમકે સિલિકા, લોખંડ, ઍલ્યુમિનિયમ, મૅંગેનીઝ, પોટૅશિયમ અને સોડિયમ.

આ મૂર્તિઓ પર લાગતા રંગો પણ ખતરનાક હોય છે.

આનાથી થનારા નુકસાન અંગે 'જીવિત નદી'નાં સંસ્થાપક શૈલજા દેશપાંડે કહે છે, "કુદરતી જળસ્ત્રોતમાંથી ખડી માટીની મૂર્તિઓને વિસર્જીત કરવામાં આવે તો માટી પાણીમાં ફેલાઈ જાય છે. પાણીની નીચે એનું પડ બની જાય છે. ખડી માટી ચીકણી હોવાને કારણે ભૂગર્ભજળ રિચાર્જને પણ અસર કરે છે"

શૈલજા દેશપાંડે કહે છે, "આમાંથી કૅલ્શિયમ અને પોટૅશિયમ પાણીમાં ભળી જાય છે. કાંપનું સ્તર પાણીની ઊંડાઈ પણ ઘટાડે છે. આનાથી પાણીની જૈવવિવિધતાને તો અસર થાય જ છે પરંતુ આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવામાં આવે તો પણ તે ખતરનાક સાબિત થઈ શકે છે."

પ્રદૂષણ રોકવાનો ઉપાય શું છે?

નિષ્ણાતોના મત પ્રમાણે સૌથી મહત્ત્વપૂર્ણ વિકલ્પ એ છે કે મૂર્તિને નદી કે સમુદ્રમાં વિસર્જીત કરવાને બદલે કોઈ તળાવમાં વિસર્જીત કરવામાં આવે અથવા તો દાન કરવામાં આવે.

ઘર પર વિસર્જન કરીને માટીનો પુન:ઉપયોગ પણ થઈ શકે છે. આનાથી માટીના રિસાઇકલિંગની શક્યતા વધી જાય છે.

આ મૂર્તિઓ પર કુદરતી રંગોનો ઉપયોગ કરવો વધારે સારું છે.

સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના દિશા-નિર્દેશ અનુસાર મૂર્તિમાં સુકાં વૃક્ષોનાં રેઝિન અથવા ફૂલના રંગોનો ઉપયોગ કરવો જોઈએ.

સજાવટ માટે પણ આવી જ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ.

જો મૂર્તિને નદી કે સમુદ્રમાં વિસર્જીત કરવામાં આવી રહી છે તો પાણીની તપાસ કરીને પ્રદુષણની માત્રા ચકાસવી જોઈએ અને તેના ઉપચારાત્મક પગલાં લેવા જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન