અમદાવાદનો 'માય થેલી' પ્રોજેક્ટ કેવી રીતે આપે છે પ્લાસ્ટીકથી દૂર જવાનો વિકલ્પ

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

આજે સવારે મેં કબાટમાંથી જૂનાં કપડાં કાઢ્યાં અને ઘરેથી વાસણા તરફ જવા નીકળી. મારા પડોશીએ હાથમાં જૂનાં કપડાં જોઈને પૂછ્યું કે બહેન કપડાં લઈને ક્યાં ચાલ્યાં? મેં તેમને કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને માય થેલી પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. તમારા ઘરેથી જૂના કપડાં લઈને જાવ તો તમને થેલી બનાવી આપવામાં આવે છે. પડોશીએ પણ ઇચ્છા વ્યક્ત કરી કે તે પણ બનાવશે.

ત્યાર બાદ હું વાસણા ખાતે આવેલા 'રીડ્યુસ રીયુઝ અને રીસાઇકલ (આરઆરઆર) સેન્ટર' પર જવા નીકળી. આ સેન્ટર પર 'માય થેલી' પ્રોજેક્ટ ચાલે છે. દરેક ઝોનમાં એક સેન્ટર આવેલું છે.

રસ્તામાં હું વિચારતી હતી કે બાળપણમાં મમ્મી કે પપ્પા ઘરેથી શાકભાજી, ફળ કે કરિયાણું લેવા જાય તો ઘરેથી કપડાની થેલી લઈને જ નીકળતાં. પપ્પાના સ્કૂટરની ડીકીમાં તો હંમેશાં એક કપડાની થેલી રહેતી. રસ્તાંમાથી કંઈક લાવવાનું થાય તો લાવી શકાય.

જોકે પ્લાસ્કિટનાં ઝભલાં આવવાં લાગ્યાં તો લોકો ધીમે ધીમે કાપડની થેલી જાણે ભૂલતા ગયા. પ્લાસ્ટિકની સ્વાસ્થ્ય વાતાવરણ અને પર્યાવરણ પર થતી ખરાબ અસરોથી અજાણ આપણે દરેક વસ્તુ લાવવા માટે પ્લાસ્ટિક પર નિર્ભર થવા લાગ્યા.

સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો લાદ્યો છે, પરંતુ હજુ લોકો પ્લાસ્ટિકને પોતાના જીવનમાંથી સંપૂર્ણ હઠાવી શક્યા નથી.

વિચારોમાં ક્યારે વાસણા પહોંચી ગઈ ખબર જ ન પડી.

મેં ત્યાં શું જોયું?

હું ગાડીમાંથી ઊતરી અને સેન્ટર પર જવા લાગી. સેન્ટર પર પહોંચી તો ત્યાં ત્રણ બહેનો હતી. એક બહેન કપડાં સીવવાના સંચા પર બેઠેલાં હતાં. બીજા તેમની બરોબર બાજુમાં નીચે બેસીને કાપડની કાતરથી શૅપમાં કાપતાં હતાં. ત્રીજા બહેન સામેની બાજુમાં ટેબલ પર બેસીની કંઈક લખતાં હતાં.

હું સિલાઈ મશીન પર બસેલાં બહેન પાસે ગઈ અને થેલી સીવવા અંગે વાત કરી. તેમણે કહ્યું કે તમારા પૅન્ટમાંથી પાંચ થેલી બનશે. તેમણે સ્ટાઇલિશ થેલીઓ બનાવી આપીશ તેવું પણ કહ્યું. ત્યાર બાદ તેમના કહેવા અનુસાર ટેબલ પર બેઠેલાં બહેન પાસે મેં કપડાનું રજિસ્ટ્રેશન કરાવ્યું.

અમે બેઠેલા હતાં ત્યાં એક યુવતી બાળક સાથે આવી. બાળક સ્કૂલ ડ્રેસમાં હતું.

આ યુવતીએ કપડાં આપ્યાં, રજિસ્ટ્રેશન કરાવ્યું અને તેમને કેવા પ્રકારની થેલી જોઈએ છે તે અંગે થેલી સીવનાર બહેન સાથે વાત કરી. તેઓ પોતાની સાથે નમૂનારૂપ એક થેલી પણ લઈને આવ્યાં હતાં. તે પણ બતાવી.

ત્યાર બાદ વાત કરતાં જાણવા મળ્યું કે તેમનું નામ સ્નેહા શાહ છે અને ફતેહવાડી વિસ્તારમાં રહે છે.

સ્નેહા શાહે જણાવ્યું કે "મેં સોશિયલ મીડિયા પર એક રીલ જોઈ હતી જેમાં આરઆરઆર સેન્ટર પર જૂનાં કપડાંની થેલી બનાવી આપવાની માહિતી હતી. આ સેન્ટર મારા દીકરાની શાળા સામે જ છે. આજે હું થેલી બનાવવા માટે મારા જૂના બે કુર્તા લઈને આવી છું. મને સાંજે થેલી આપવાનું કહ્યું છે. તમારાં જૂનાં કપડાં લઈને આવો અને થેલીઓ બનાવો."

સ્નેહા શાહના દીકરાની શાળાનો સમય થઈ ગયો હોવાથી તેઓ ઉતાવળમાં ત્યાંથી નીકળી ગયાં.

લોકો કેવા કેવા પ્રકારની થેલી સિવડાવે છે?

સિલાઈ મશીન પર થેલી સીવતાં સીવતાં પારૂલબહેન મારી સાથે વાત કરવા લાગ્યાં.

પારુલબહેન કહે છે કે "હું ઘરે પણ સીવણનું કામ મળે તે કરું છું, પરંતુ મારી આવક ફિક્સ નથી. અહીંયાં જૂન મહિનાથી આવું છું. અઠવાડિયામાં ગુરુ અને શુક્રવાર એમ બે દિવસ આવું છું. થેલી બનાવવા આવનાર પાસેથી અમે પૈસા લેતા નથી. એએમસી દ્વારા અમને એક દિવસના મહેનતાણા તરીકે 449 રૂપિયા મળે છે. જેનાથી મને ખૂબ જ મદદ મળી રહે છે."

થેલી સિવડાવવા આવનાર લોકો અલગ-અલગ પ્રકારની થેલી સીવડાવે છે. કેટલાક ઘરેથી નક્કી કરીને આવે છે, તો કેટલાક માત્ર કેવી જોઈએ એટલું જ કહે છે.

થેલીના પ્રકાર અંગે વાત કરતાં પારૂલબહેન કહે છે કે "હવે લોકોને કાપડની થેલી લઈને જતા શરમ આવે છે. જેથી હું એવા પ્રયત્ન કરું છું કે તેમને ફૅન્સી થેલી બનાવી આપું. ક્યારેક ઝૂલ લગાવું છું, તો ક્યારે વચ્ચા પટ્ટી તો ક્યારેક ચોરસ કે લંબચોરસ બનાવું છું. લોકો મને કહે છે કે મૉલમાં ખરીદી માટે લઈ જવાય તેવી થેલી બનાવી આપો."

વાત કરતાં કરતાં પારૂલબહેન મને કહેવા લાગ્યા કે "તમારી થેલી પણ એવી સ્ટાઇલિશ બનાવીશ કે તમે પણ મૉલમાં લઈ જઈ શકશો અને મને યાદ કરશો."

આટલું કહ્યાં પછી તેઓ હસવા લાગ્યાં.

થેલી સિવડાવવા આવનાર મહિલાઓએ શું કહ્યું?

અમે વાતો કરતાં હતા ત્યાં ચાર-પાંચ મહિલા જૂનાં કપડાં લઈને આવી.

મહિલાઓએ કાપડ આપીને પ્રક્રિયા પૂરી કરી બાદમાં મેં તે મહિલાઓ સાથે વાત કરી.

આ મહિલાઓ વાસણા વિસ્તારની જ હતી. એક મહિલાએ થોડાક દિવસ પહેલાં થેલી બનાવી હતી તે પસંદ પડતાં બીજી બહેનોને લઈને બીજી વાર આવ્યાં હતાં.

વાસણા વિસ્તારમાં રહેતાં રૂપાબહેન વાઘેલા કહે છે કે "પહેલાંના જમાનામાં જૂના કપડાની જ થેલી હતી. અમે પહેલાં શાળાએ ભણવા જતાં ત્યારે પણ કપડાની જ થેલી લઈને જતાં. જોકે થોડાક સમયથી પ્લાસ્ટિકની થેલી વાપરવાની શરૂ કરી હતી. શાકભાજી, દૂધ કે અન્ય કંઈ વસ્તુ લેવા જઈ તો ઝભલામાં જ મળવા લાગ્યું, એટલે પછી ધીરે ધીરે થેલી લઈ જવાની ઓછું થઈ ગયું."

મંજુલાબહેન તરત વચ્ચે કહેવાં લાગ્યાં કે "જોકે લોકોને હવે ખબર પડવા લાગી કે પ્લાસ્ટિકની થેલીથી રોગ થાય છે, લોકો હવે પાછા કાપડની થેલી વાપરવા લાગ્યા છે."

ભવાની જ્યોત્સનાબહેન કહે છે કે "અહીંયાં મફતમાં થેલી બનાવી આપે છે તે અંગે મને જાણ થતા હું મારા આસપાસ રહેતા લોકો સાથે અહીંયાં આવી હતી. પ્લાસ્ટિકની થેલીથી નુકસાન થાય છે તેવું અવારનવાર સાંભળીએ છીએ એટલે હવે અમે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડ્યો છે."

જ્યોત્સનાબહેન કહેવા લાગ્યા કે "હું લોકોને પણ અરજ કરું છું કે પ્લાસ્ટિકની થેલી બંધ કરો અને આ સેન્ટર પર આવીને કપડાની થેલી સિવડાવી જાવ. જૂનાં કપડાં તો બધાના ઘરમાં જ હોય છે."

મંજુલાબહેન કહે છે "અમે બહારથી થેલી ખરીદીને લાવતાં હતાં, જેની કિંમત 20થી 25 રૂપિયા થતી હતી. અમને ખબર પડી કે અહીંયાં જૂનાં કપડાં લઈને આવીએ તો મફતમાં સીવી આપે છે. જૂનાં કપડાં તો એમ પણ ફેંકી જ દઈએ છીએ. આપણને 20થી 25 રૂપિયાનો ફાયદો થાય એટલે અમે અહીંયાં આવ્યાં હતાં. સરકાર પણ પ્લાસ્ટિકની થેલી વાપરવાની ના પાડે છે. હું તો પહેલા પણ ત્રણ થેલીઓ બનાવીને લઈ ગઈ હતી. પછી હું જ મારા આસપાસ રહેતી આ બહેનોને લઈને આવી છું."

'અમારો ઘરખર્ચ નીકળે છે'

પારૂલબહેન કહે છે કે "શરૂઆતમાં દિવસમાં એક કે બે લોકો આવતા હતા. હવે જેમ જેમ લોકોને ખબર પડે છે તેમ વધારે આવવા લાગ્યા છે. હવે દિવસમાં દસ કરતાં વધારે લોકો પણ થેલી સિવડાવવા આવે છે. જો કોઈ સવારે આવે તો અમે તેમને સાંજે આપી દઈએ છીએ. જે લોકો બપોર પછી કે સાંજે આવે તો અમે તેમને બીજા દિવસે થેલી આપીએ છીએ."

પારૂલબહેન કહે છે કે "અમારા જેવી સીવણ શીખેલી બહેનોનો મહિને ત્રણથી ચાર હજાર રૂપિયા મળી જાય અને લોકોને થેલી મળી રહે એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ટાળી શકાય છે. સીવણ શીખેલી ઘણી મહિલાઓ અમને પૂછવા આવે છે કે જો વધારે મહિલાઓની જરૂર હોય તો અમે પણ થેલી સીવવા આવવા માગીએ છીએ."

હંસાબહેન મારુ પારુલબહેનના સિલાઈ મશીનની પાસે કાતર લઈને કાપડને અલગ-અલગ આકારમાં કાપે છે. તેઓ ઓછું બોલે છે, પણ દરેક વાતે હોંકારો આપે છે અને હસે છે.

હંસાબહેન મારુ કહે છે કે "હું જૂન મહિનાથી આરઆરઆર સેન્ટર પર આવું છું. લોકોને જોઈએ એ પ્રકારે હું કપડાનું કટિંગ કરી આપું છું, પછી પારૂલબહેન થેલી સીવે છે.

"હું ઘરેથી જ સાડીઓના ફોલ ઇન્ટરલૉક કરવાનું કામ કરું છું, પરંતુ તેમાં કોઈ ફિક્સ આવક નથી થતી. જ્યારે અહીંયાં અમને મહિનને 3000થી 3600 રૂપિયા મળે છે. સમય પણ અનુકૂળ છે. સવારે ઘરકામ તેમજ જમવાનું બનાવીને આવીએ અને સાંજે ઘરે જઈને જમવાનું બનાવીએ છીએ."

હું સેન્ટર પરથી નીકળતી હતી ત્યાં બે બહેન એક નાના બાળક સાથે થેલી સિવડાવવા આવ્યાં. તેમને પાસે 17 જૂનાં કપડાં હતાં અને પૂર્વ તૈયારીના ભાગરૂપે મોબાઇલમાં થેલીના અલગ-અલગ ડિઝાઇનના ફોટો પણ હતા.

તેમની વાત ચાલુ જ હતી ને હું બાજુમાંથી નીકળી ગઈ. મારી થેલી તો બીજા દિવસે મળવાની હતી.

અમદાવાદના કેટલા લોકોએ જૂનાં કપડાંમાંથી થેલીઓ બનાવડાવી?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં (સાત ઝોન છે) એક આરઆરઆર સેન્ટર બનાવ્યું છે.

આ આરઆરઆર સેન્ટર પર લોકો પોતાનાં જૂનાં કપડાં, ચપ્પલ, પુસ્તકો, રમકડાં કે અન્ય સુશોભનની વસ્તુઓ આપી જાય છે.

જેમાંથી જે વસ્તુ વાપરી શકાય તેવી હોય તે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવે છે. 'માય થેલી' પ્રોજેક્ટ આરઆરઆર સેન્ટર પર જ શરૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સૌરભ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "શહેરના નાગરિકો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરે તે હેતુને ધ્યાનમાં રાખીને 5 જૂન, 2025ના રોજ 'માય થેલી' નવીનતમ અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. શહેરમાં દરેક ઝોનમાં એક સેન્ટર છે જ્યાં એએમસી દ્વારા વિનામૂલ્યે થેલીઓ સીવી આપવા માટેની વ્યવસ્થા છે. શહેરના લોકો પોતાનાં જૂનાં કપડાં લઈને આ સેન્ટર પર આવે છે. સેલ્ફ હેલ્પ ગ્રૂપની મહિલાઓ ત્યાં થેલીઓ બનાવીને આપે છે. આ મહિલાઓને એએમસી દ્વારા દૈનિક મહેનતાણું ચૂકવવામાં આવે છે."

સૌરભ શાહે વધુમાં જણાવ્યું કે "અમે શહેરમાં વધારે સેન્ટર પણ ખોલવાના છીએ. જેથી વધારે નાગરિકો તેનો લાભ લઈ શકે. તેમજ વધારે મહિલાઓને રોજગારી મળી શકે. 5 જૂનથી 2025થી 25 જુલાઈ સુધીમાં 2200થી વધુ થેલી બનાવીને આપી છે. 992થી વધુ નાગરિકોએ લાભ લીધો છે."

પીઆઈબીએ પ્લાસ્ટીક અંગે આપેલી માહિતી

પીઆઈબીએ 4 જૂન, 2025ના રોજ જાહેર કરેલી પ્રેસનોટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર...

પ્લાસ્ટિક વેસ્ટ મૅનેજમેન્ટ (સુધારો) નિયમો, 2021 હેઠળ કરવામાં આવેલી મુખ્ય ભલામણો:

ચિન્હિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ: ઓછી ઉપયોગિતા અને ઉચ્ચ માત્રામાં કચરો ફેલાવતી વસ્તુઓ 1 જુલાઈ, 2022થી પ્રતિબંધિત.

પાતળી પ્લાસ્ટિક કૅરી બૅગ પર પ્રતિબંધ: 120 માઇક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિકની થેલીઓ 31 ડિસેમ્બર, 2022થી પ્રતિબંધિત.

હળવાં વજનવાળી ગૂંથેલી ન હોય તેવી બૅગ પર પ્રતિબંધ: 60 GSM (ગ્રામ પ્રતિ ચોરસ મીટર) થી ઓછી ગૂંથેલી ન હોય તેવી પ્લાસ્ટિક કૅરી બૅગ 30 સપ્ટેમ્બર, 2021થી પ્રતિબંધિત.

રાજ્ય સ્તરે લેવાયેલાં પગલાં: રાષ્ટ્રીય કક્ષાએ બનાવવામાં આવેલા નિયમો ઉપરાંત, ઘણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિક અને કૅરી બૅગ પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધ માટે પોતાના આદેશો અને સૂચનાઓ જાહેર કરી છે.

પીઆઇબીએ 10 ઑક્ટોબર, 2024ના રોજ સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર કરેલી પોસ્ટ અનુસાર,

ભારતમાં દર વર્ષે 94 લાખ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી 56 લાખ ટનથી વધુ એટલે કે લગભગ 60 ટકા પ્લાસ્ટિક કચરો રિસાઇકલ થઈ રહ્યો છે અને 38 લાખ ટનથી વધુ કચરો લૅન્ડફિલ સાઇટ્સ પર પહોંચે છે. આ રીતે, દરરોજ ઉત્પન્ન થતા 26 હજાર ટન પ્લાસ્ટિક કચરામાંથી 1,5600 ટન દરરોજ એકત્ર કરવામાં આવે છે અને રિસાઇકલ કરવામાં આવે છે, જ્યારે બાકીનો લગભગ 10,400 ટન પ્લાસ્ટિક કચરો દરરોજ લૅન્ડફિલમાં પહોંચે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન