You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપર વિઝા શું છે, જેનાથી કૅનેડામાં રહેતા ભારતીયો માતાપિતાને બોલાવી શકશે, આ કાર્યક્રમ કેવી રીતે અલગ છે?
- લેેખક, તનિષા ચૌહાણ
- પદ, બીબીસી સંવાદદાતા
માતા-પિતા અને દાદા-દાદી કાર્યક્રમ (પીજીપી) હેઠળ નિમંત્રણ મોકલવાની જાહેરાત કૅનેડા સરકારે તાજેતરમાં જ કરી છે.
કૅનેડા વિઝા વેબસાઇટ પર 16 જુલાઈના રોજ પ્રકાશિત નોટિફિકેશન અનુસાર, 2025 પીજીપી નિમંત્રણ રાઉન્ડ 28 જુલાઈથી શરૂ થશે.
ઇમિગ્રેશન, રેફ્યુજીસ ઍન્ડ સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી) 28 જુલાઈથી શરૂ થતા બે સપ્તાહના સમયગાળામાં 17,860 નિમંત્રણો મોકલશે. એ પૈકીની 10,000 અરજીઓની પસંદગી કાયમી નિવાસની મંજૂરી માટે કરવામાં આવશે.
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રાયોજકોએ 2020માં અરજી કરી હતી અને જેમને હજુ સુધી અરજી કરવાનું નિમંત્રણ ન મળ્યું હોય તેમને 28 જુલાઈથી શરૂ થતા બે સપ્તાહના સમયગાળામાં તેમના ઈ-મેલ્સ (સ્પેમ તથા જંક ફોલ્ડર્સ સહિત) તપાસવાની સલાહ આપવામાં આવે છે.
જે પ્રાયોજકોને અરજી કરવાનું નિમંત્રણ (આઈટીએ) મળે તેમણે તેમના નિમંત્રણ પર ઉલ્લેખિત છેલ્લી તારીખ સુધીમાં કાયમી નિવાસ પોર્ટલ (અથવા પ્રતિનિધિ કાયમી નિવાસ પોર્ટલ) મારફત પીજીપી અરજી કરવાની રહેશે.
આ પીજીપી પ્રોગ્રામ શું છે અને એ માટે કોણ અરજી કરી શકે? આવો, જાણીએ.
પીજીપી પ્રોગ્રામ શું છે?
પીજીપી એટલે કે પેરન્ટ્સ ઍન્ડ ગ્રાન્ડ પેરન્ટ્સ પ્રોગ્રામ એક વિશેષ કાર્યક્રમ છે, જેની મારફત કૅનેડાના નાગરિકો અને સ્થાયી નિવાસીઓ પીઆર માટે અરજી કરીને પોતાનાં માતા-પિતા કે દાદા-દાદીને આમંત્રિત કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપર વિઝા શું છે?
સુપર વિઝા એક એવા વિઝા છે કે જેની મારફત કૅનેડાના નાગરિકો અને સ્થાયી નિવાસીઓનાં માતા-પિતા કે દાદા-દાદી તેમનાં સંતાનોને મળવા માટે કૅનેડા જઈ શકે છે અને ત્યાં પાંચ વર્ષ સુધી રહી શકે છે.
કૅનેડા ગયા પછી તેમના વિઝાની મુદ્દત લંબાવી શકાય છે. તેઓ કૅનેડામાં 10 વર્ષ સુધી મલ્ટીપલ ઍન્ટ્રી પણ કરી શકે છે.
સુપર વિઝા એક ખાસ પ્રકારનો વિઝા છે, જેના માટે કૅનેડાના નાગરિકો અને સ્થાયી નિવાસીઓ તેમનાં માતા-પિતા કે દાદા-દાદીને મળવા માટે અરજી કરી શકે છે.
કૅનેડાની સત્તાવાર વેબસાઇટ પરની માહિતી મુજબ, સુપર વિઝા પ્રોગ્રામ માટેનો પ્રોસેસિંગ ટાઇમ ઓછો છે.
વિઝિટર્સ વિઝાથી કેવી રીતે અલગ છે સુપર વિઝા?
આ સુપર વિઝા, વિઝિટર્સ વિઝાથી અલગ પ્રકારનો વિઝા છે. આ સુપર વિઝા ખાસ કરીને માતા-પિતા અને દાદા-દાદી માટે છે.
સુપર વિઝા હેઠળ અરજદાર વધુમાં વધુ પાંચ વર્ષ સુધી રહી શકે છે, જ્યારે વિઝિટર્સ વિઝા હેઠળ અરજદાર વધુમાં વધુ છ મહિના રહી શકે છે.
સુપર વિઝામાં અરજદારના જૈવિક કે દત્તક લીધેલાં બાળકોને જ નિમંત્રિત કરી શકાય છે, જ્યારે વિઝિટર વિઝામાં આવું નથી.
પીજીપી માટે સ્પોન્સર કેવી રીતે બનવું?
પીજીપી હેઠળ પ્રાયોજકે ગમે તેવી પરિસ્થિતિમાં નિર્ધારિત સમયગાળા માટે આમંત્રિત વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી લેવી અનિવાર્ય છે.
સ્પોન્સરે અન્ડરટેકિંગ (બાંયધરી પત્ર) અને સ્પોન્સરશિપ એગ્રીમેન્ટ એમ બે કરાર પર સહી કરવી પડશે.
ધ અન્ડરટેકિંગ
સ્પોન્સર બનવા ઈચ્છતી વ્યક્તિએ અન્ડરટેકિંગ પર સહી કરવી પડશે. તેમાં બે બાબતો માટે સંમતિ સામેલ છે.
તમે જે લોકોને સ્પોન્સર કરી રહ્યા છો તેમનો સંપૂર્ણ ખર્ચ તમે ચોક્કસ સમયગાળા માટે ઉઠાવશો.
તમે જે વ્યક્તિને સ્પોન્સર કરી રહ્યા છો તેઓ કૅનેડા સરકાર પાસે સામાજિક સહાય માટે અરજી કરી શકશે નહીં. તેમને નિશ્ચિત સમયગાળા માટે સરકારી સહાય મળતી હશે તો પણ તેમનો ખર્ચ તમારા ઉઠાવવો પડશે.
તમે સ્પોન્સર કરેલા તમારાં માતા-પિતા કે દાદા-દાદી કૅનેડામાં કાયમી નિવાસી બની જાય તો તમે તેમનું રોકાણ ટુંકાવી શકશો નહીં અથવા તમારી સ્પોન્સરશિપ પાછી ખેંચી શકશો નહીં.
તેઓ કાયમી નિવાસી ન બને ત્યાં સુધી જ તમે સ્પોન્સરશિપ પાછી ખેંચી શકશો.
સ્પોન્સરશિપ એગ્રીમેન્ટ
સ્પોન્સરશિપ એગ્રીમેન્ટમાં સ્પોન્સર વ્યક્તિએ તેઓ જેમને સ્પોન્સર કરી રહ્યા છે તેમની મૂળભૂત જરૂરિયાતોની જવાબદારી લેવાની રહેશે.
એ જવાબદારીમાં તેમના ખોરાક, કપડાં, રહેઠાણ અને દૈનિક જરૂરિયાતોની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
એ ઉપરાંત પ્રાયોજકે સ્પોન્સર્ડ વ્યક્તિઓની આરોગ્ય સેવાઓનો ખર્ચ ઉઠાવવાનો રહેશે. દાંત અથવા આંખના રોગો જાહેર આરોગ્ય સેવા હેઠળ આવરી લેવામાં આવતા નથી.
પીજીપી મેળવવા માટે શું જરૂરી છે?
કૅનેડા સરકારની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યા મુજબ, તમે ઇચ્છો તો પીજીપી પ્રોગ્રામ હેઠળ તમારા માતા-પિતા અને દાદા-દાદીને સ્પોન્સર કરી શકો છો.
એ માટે તમારી અરજી સ્વીકારવામાં આવી હોય, તમારી વય ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોય અને તમે કૅનેડામાં રહેતા હો તે જરૂરી છે.
તમે કૅનેડાના નાગરિક હો અથવા કૅનેડાના કાયમી નિવાસી હો કે પછી કૅનેડા-ભારતીય કાયદા હેઠળ કૅનેડામાં ભારતીય વ્યક્તિ તરીકે નોંધાયેલા હો તે જરૂરી છે.
તમે જે લોકોને આમંત્રણ આપી રહ્યા છો તેમના માટે તમારી પાસે પૂરતું નાણાકીય ભંડોળ હોવું જોઈએ. એ માટે તમારે આવકનો પુરાવો આપવો પડશે. તમારો કોઈ જીવનસાથી હોય તો તમારે બન્નેએ આવક સંબંધી અરજી પર સહી કરવી પડશે.
તમે ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યુજી પ્રોટેક્શન ઍક્ટ તથા ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ મુજબની તમામ યોગ્યતા ધરાવતા હો તે પણ જરૂરી છે.
કોને સ્પોન્સર કરી શકાશે?
કોઈને સ્પોન્સર કરવા માટેની કેટલીક શરતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
તમારાં માતા-પિતા અને દાદા-દાદી (રક્ત સંબંધી કે દત્તક), તમારાં માતા-પિતા અને દાદા-દાદી પર નિર્ભર બાળકો (ભાઈ-બહેન, સાવકા ભાઈ-બહેન), તમારાં માતા-પિતા કે દાદા-દાદીએ છૂટાછેડા લીધા હોય તો તેમના વર્તમાન જીવનસાથીને સ્પોન્સર કરી શકાશે.
કોને સ્પોન્સર નહીં કરી શકાય?
તમે તમારા જીવનસાથીનાં માતા-પિતા અથવા દાદા-દાદીને સ્પોન્સર કરી શકશો નહીં, પરંતુ તમે તમારા જીવનસાથી વતી અરજી પર સહી કરી શકો છો.
જેમના કૅનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ હોય તેવી વ્યક્તિને તમે સ્પોન્સર કરી શકશો નહીં.
પીજીપી કેવી રીતે કામ કરશે?
કૅનેડા સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, નવેમ્બર 2020માં પીજીપી હેઠળ અરજી કરનારા અરજદારોને કન્ફર્મેશન નંબર મળ્યો હશે.
અરજદારોને આ સંદર્ભે કૅનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગ તરફથી એક ઈ-મેલ પણ મળ્યો હશે.
એ નંબરનો ઉપયોગ કરીને તમે એ જાણી શકશો કે તમારી અરજી 2024ના પ્રવેશ માટે સ્વીકારવામાં આવી છે કે નહીં. એ માટે તમને 21 મે, 2024થી બે સપ્તાહમાં આમંત્રણ મળી શકે છે.
તે આમંત્રણ પત્ર 2020માં અરજદારો દ્વારા આપવામાં આવેલા ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.
એવી જ રીતે કૅનેડાના ઇમિગ્રેશન વિભાગની વેબસાઇટ પર 'Check your invitation' વિકલ્પમાં તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરીને વર્તમાન સ્થિતિને જાણી શકાશે.
આમંત્રણ પત્ર મળ્યા પછી જ અરજી કરવાની રહેશે. આમંત્રણ પત્ર વિના અરજી કરવાનો કોઈ અર્થ નથી. અરજી માટે તમે તમારું ફોર્મ, ફોટોગ્રાફ અને અન્ય જરૂરી દસ્તાવેજો ઑનલાઇન અપલોડ કરી શકો છો.
કૅનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગની સૂચના પછી તમે તમારું મેડિકલ, પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક્સ કરાવી શકો છો.
અનેક લોકોને લાભ મળશે
સીવે વિઝા મેનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીત સિંહે જણાવ્યું હતું કે કોવિડને કારણે અનેક લોકોને ફાઇલો અટવાઈ ગઈ હતી, પરંતુ કૅનેડા સરકારના તાજેતરના આ નિર્ણયને કારણે લોકોને ઘણી રાહત થશે.
તેથી આમંત્રણ પત્રની રાહ જોઈ રહેલા લોકો તેમના ઈ-મેલ ચકાસતા રહે અને તેમના તમામ દસ્તાવેજો સમયસર જમા કરાવી દે તે બહુ જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત