You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંગના રનૌત કે વિક્રમાદિત્ય? મંડીમાં લોકોનું શું માનવું છે?
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા, મંડી, હિમાચલ પ્રદેશથી
“ટક્કર છે... આ વખતે મતદાતાઓ વિમાસણમાં છે.”
પહેલી જૂને લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં જ્યાં મતદાન થવા જઈ રહ્યું છે એ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર અમે જેટલા લોકોને મળ્યા તેમનું લગભગ આમ જ કહેવું હતું.
ત્યાર બાદ તેમની પ્રાથમિકતાને આધારે મોટા ભાગના લોકોએ પોતાની વાતને આગળ વધારતા એ પણ કહ્યું કે તેમના ઉમેદવારને ચૂંટણીમાં સરસાઈ છે.
વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની ચારેય લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.
કૉંગ્રેસના પ્રતિભાસિંહ 2021માં થયેલી પેટાચૂંટણીમાં જીતીને મંડી લોકસભા બેઠકને પોતાના ખાતામાં લઈ આવ્યા પણ આ વખતે તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો.
રાજ્યમાં હાલમાં કૉંગ્રેસની સરકાર છે જેણે 2022માં ભાજપને હરાવ્યો હતો. મંડી લોકસભા અતિશય મોટો વિસ્તાર છે જેની સરહદો ચીન, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ સાથે જોડાયેલી છે.
આ વખતે અહીંથી ચૂંટણીમેદાનમાં અપક્ષો સહિત 10 ઉમેદવારો છે. પરંતુ સૌની નજરો બે પ્રમુખ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો પર મંડાયેલી છે.
અભિનેત્રી કંગના રનૌત ભાજપની ટિકિટ પર અહીં ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે કૉંગ્રેસ નેતા વિક્રમાદિત્યસિંહ તેમની સામે મેદાનમાં છે. તેઓ હાલની હિમાચલ પ્રદેશ સરકારમાં લોકનિર્માણમંત્રી પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંનેની ઉંમર 40 કરતાં ઓછી છે પરંતુ તેમની ઓળખને આધારે આ બંને નેતાઓ ભીડ ભેગી કરવામાં સફળ થઈ રહ્યાં છે.
કંગનાની રાજકીય ઇનિંગ પર લોકો શું કહી રહ્યા છે?
અંદાજે 20-30 ભાજપના સમર્થકો અતિશય તડકામાં રાહ જોઈ રહ્યા હતા. બપોરના 12 વાગી રહ્યા હતા અને અમે મંડીથી લગભગ 40 કિલોમીટર દૂર પડ્ડાર ગામમાં હતા.
વચ્ચે વચ્ચે ‘ભારત માતા કી જય’, ‘મોદીજી કો જય શ્રી રામ’, ‘કંગનાજી કો જય શ્રી રામ’ના નારા જોર પકડે છે અને પછી ધીમા પડી જાય છે. અંતે કાફલામાં આગળ ચાલી રહેલા પોલીસનાં વાહનો પર નજર પડતાં જ આ નારા ફરીથી બુલંદ થઈ જાય છે.
કંગના રનૌતનું આગમન થઈ ચૂક્યું હતું.
રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી જયરામ ઠાકુર સાથે કંગના રનૌત મંચ પર પહોંચે છે. મંચ પર ભાષણ આપી રહેલા વક્તા હસતાં હસતાં કહે છે કે, “મને મારું ભાષણ જલદી પૂર્ણ કરવાનું કહેવાયું છે.” જયરામ ઠાકુરે તેમની માટે સંદેશ મોકલ્યો હતો.
અંતે કંગના ભાષણ આપવા માટે ઊઠે છે.
કંગનાએ તેમના ભાષણમાં છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારના છેલ્લા એક દાયકાના કરેલા કામથી લઈને પોતે બૉલીવૂડમાં કઈ રીતે જગ્યા બનાવી તેની કહાણી રજૂ કરી હતી. તેઓ અહીંના સ્થાનિક છે એ વાત પણ પ્રજા સામે મૂકી હતી.
તેમની વાત પૂરી કરતાં તેમણે કહ્યું હતું કે, “તમે મારી પાસે તમામ સમસ્યાઓ લઈને આવી શકો છો. તમે મતદાન કરવા જરૂર જજો અને તમારી સાથે 10-15 લોકોને લઈને પણ જજો.”
તેમની સભાઓનું આંકલન કરતાં લાગે છે કે મતદાતાઓ વચ્ચે સ્થાનિક અને રાષ્ટ્રીય બંને મુદ્દાઓ છે. ભાજપના સમર્થકો ત્યારે અતિશય ઉત્સાહમાં દેખાયા જ્યારે કંગનાએ અટવાયેલાં વિકાસકાર્યો ફરીથી શરૂ કરવાનું અને મંડી સુધી રેલવે લાઇન લઈ આવવાનો વાયદો કર્યો.
કૉંગ્રેસના લોકો પર તીખા હુમલાઓ કરતી વખતે તેઓ કઠોર ભાષાનો ઉપયોગ કરી રહ્યાં હતાં.
ભાજપના લોકો કંગનાથી કેમ નાખુશ છે?
જોકે, ભાજપના જ કેટલાક લોકો કંગનાથી ખુશ ન જણાયા. કારણ પૂછતા તેમણે કહ્યું કે તેમને કંગનાની ટીમનો સંપર્ક કરવામાં તકલીફ થઈ રહી છે. બીબીસીએ પણ કંગના સાથે અનેક વાર વાત કરવાની કોશિશ કરી છે, પણ તેમના તરફથી કોઈ જવાબ ન મળ્યો.
બે બાળકોનાં માતા પણ કંગનાને મળવા પહોંચ્યાં હતાં. તેમણે મને જણાવ્યું કે તેઓ ભાજપનાં સમર્થક છે.
તેઓ કહે છે, “હું તેમને જોવા માગતી હતી. તેઓ અહીંનાં જ રહેવાસી છે અને મહિલા પણ છે. જે લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે, તેમણે કંગનાની ઉપલબ્ધિઓની સરાહના કરવી જોઈએ.”
અમે તેમને પૂછ્યું કે તેઓ વિરોધ પક્ષ કૉંગ્રેસ વિશે શું વિચારે છે.
પોતાના અંગત અનુભવો જણાવતા તેમણે કહ્યું કે, "પાઇપ નાખવા છતાં અમારા ઘરે પાણી આવતું ન હતું. મારા પિતાએ બધાને અપીલ કરી હતી પરંતુ તેમની (કૉંગ્રેસ) સરકાર દરમિયાન અમારી વાત સાંભળનાર કોઈ નહોતું ત્યારથી અમે ભાજપને સમર્થન આપીએ છીએ. અમને ભાજપની એ યોજનાઓ ગમે છે જે ભાજપ સત્તામાં હતો ત્યારે તેણે શરૂ કરી હતી. અમને લાગે છે કે હવે કામ થઈ રહ્યા છે.”
પરંતુ શું આ બધા ફેરફારો તેમના માટે સારા નીવડ્યા?
થોડી વાર વિચાર્યા પછી તેઓ કહે છે, "આ બધું બરાબર નથી થઈ રહ્યું. મહિલાઓને હજુ પણ ઘણા વિરોધનો સામનો કરવો પડે છે. મહિલાઓને સાચા અર્થમાં સશક્ત અને આત્મનિર્ભર બનવા માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. પરંતુ અમને આશા છે."
24 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંડીના પડલ ગ્રાઉન્ડમાં રેલી કરી હતી. અહીં, નાગરિકતા સંશોધન અધિનિયમ, કલમ 370 હઠાવવી, વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) વગેરે વિશે વાત કરતી વખતે, તેમણે સ્થાનિક સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા.
તેમના 28 મિનિટના લાંબા ભાષણમાં મોદીએ વચન આપ્યું હતું કે ગત વર્ષે હિમાચલ પ્રદેશમાં અતિશય વરસાદને કારણે થયેલા નુકસાન પછી કેન્દ્ર દ્વારા રાજ્યને મોકલવામાં આવેલા ભંડોળનો ક્યાં ઉપયોગ થયો તેની તપાસ કરવામાં આવશે.
જોકે વડા પ્રધાન બપોરે 2 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા, અમે ઘણા લોકોને મળ્યા જેમણે અમને કહ્યું કે ત્યાં પહોંચવા માટે તેઓ દૂરના ગામમાંથી અહીં આવ્યા છે અને આખી રાત મુસાફરી કરી છે.
તેમાંથી એક ભાજપના કાર્યકર્તા રમન શર્મા હતા, જેઓ ખેડૂત અને ફોટોગ્રાફર પણ છે.
તેમણે મને કહ્યું કે, “જો મોદીજી આટલે દૂર મંડી સુધી આવી શકે તો હું પણ આવી શકું છું. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અમે પીઓકેના વિસ્તારોને ભારતમાં સામેલ કરીશું. મને તેમની દરેક વાત પર ભરોસો છે. પહેલાં કહેવાતું હતું કે કલમ 370ને કોઈ અડી નહીં શકે પણ જુઓ સરકારે એ કરીને બતાવ્યું.”
પ્રિયંતા શર્મા ભાજપનાં સદસ્ય છે અને તેઓ પણ વડા પ્રધાન મોદીની ચૂંટણીસભામાં પહોંચ્યાં હતાં.
તેમને જ્યારે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેની અસર થઈ રહી નથી.
તેમણે કહ્યું, “લોકો દેશની પ્રગતિથી ખુશ છે અને હવે આપણે દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ. તો આવા મુદ્દાઓનું કોઈ અસ્તિત્વ નથી. મહિલાઓને અનામત આપવાની અમારી યોજનાને જુઓ. અમે ઇચ્છીએ છીએ કે મહિલા સશક્તીકરણને લગતી યોજનાઓ માટે હજુ પગલાં ભરવામાં આવે.”
જ્યારે આ મહિલાઓને પ્રજ્વલ રેવન્ના અને બ્રિજભૂષણ શરણસિંહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને કામથી જવાનું છે અને તેઓ નીકળી ગયાં.
વિક્રમાદિત્યસિંહની ઉમેદવારી ભારે પડશે?
અમે પંજાબના મેદાની વિસ્તાર નજીક આવેલા કન્નૈદ ગામમાં પણ ગયા. અહીં કૉંગ્રેસના 34 વર્ષીય ઉમેદવાર વિક્રમાદિત્યસિંહ નુક્કડ સભા કરી રહ્યા હતા.
સંયોગથી એ જ વિક્રમાદિત્યસિંહના પિતા અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વીરભદ્રસિંહે જ 2009ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ માટે રાજ્યમાંથી એકમાત્ર બેઠક જીતી હતી. તે બેઠક મંડી હતી.
વિક્રમાદિત્યનો ચૂંટણીપ્રચાર સ્થાનિક મુદ્દાઓ પર આધારિત છે, જેમ કે કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવું, તેમજ કૉંગ્રેસ પક્ષના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલાં વચનો પૂરાં કરવાનો વાયદો કરે છે. તેઓ મંત્રી હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલાં કામો પણ તેઓ લોકો સમક્ષ મૂકે છે અને ક્યારેક તેમના પિતાના કામનો ઉલ્લેખ પણ કરે છે.
તેમના પ્રચારમાં બે બાબતો સ્પષ્ટ હતી. તેઓ પીએમ મોદી પર આકરા પ્રહારો કરી રહ્યા હતા અને તેમની ભાષા નીતિન ગડકરી જેવા કેન્દ્ર સરકારના મંત્રીઓ પ્રત્યે સૌહાર્દપૂર્ણ હતી.
મેં તેને આનું કારણ પૂછ્યું.
તેમણે મને કહ્યું, "આપણે ચૂંટણી લડી શકીએ છીએ પરંતુ આપણે આપણી વાણી સંસ્કારી રાખવી જોઈએ. મને લાગે છે કે અહીં મારા પ્રતિસ્પર્ધી અભિનેત્રી ઓછા અને કૉમેડિયન વધુ છે. તેઓ હાસ્યાસ્પદ વાતો કરવા માટે જાણીતા છે. મને લાગે છે કે તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમની પ્રાથમિકતા બૉલીવૂડ છે કે મંડી. જો આપણે તેમની સાથે સરખામણી કરીએ તો આપણે હંમેશાં અહીં જ રહીશું.
જેમ જેમ તેમનો કાફલો આગળ વધ્યો તેમ અમે કટેરુ નામના બીજા ગામમાં પહોંચ્યા.
હું અહીં ઋત્વિજ જોશીને મળ્યો. તેઓ ગુજરાતથી કૉંગ્રેસના નેતા છે. તેઓ અહીં પાર્ટી નિરીક્ષક તરીકે કામ કરી રહ્યા છે. મેં તેમને પૂછ્યું કે તેમની પાર્ટી ભાજપના વિજયરથને રોકવા માટે કેવી રીતે આયોજન કરી રહી છે?
તેમણે કહ્યું, "કેરળની જેમ ઉચ્ચ શિક્ષણદર ધરાવતા હિમાચલ પ્રદેશમાં લોકો વિભાજનકારી મુદ્દાઓમાં ફસાશે નહીં. 10 વર્ષ સુધી તમામ બેઠકો પર ભાજપના સાંસદ બનાવ્યા પછી, આ વખતે લોકો તેમની સમસ્યાઓનો જવાબ માગે છે. અમારા ઉમેદવારો આ મુદ્દાઓને સફળતાપૂર્વક ઉઠાવી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે પરિણામો અમારી તરફેણમાં આવશે."
અહીં હાજર લોકોમાં મીનાક્ષી ઠાકુર પણ હતાં કે જેઓ પહેલી વાર મત આપવા જઈ રહ્યાં છે. તેમણે મને કહ્યું કે તેમનો મત કૉંગ્રેસને જશે, કારણ કે 'ખેડૂતો માટે કંઈ કર્યું નથી.'
તેઓ જણાવે છે કે, “તેમના પિતા ખેડૂત છે. અમે દિવસરાત મહેનત કરીએ છીએ પરંતુ જ્યારે એ પાકને બજારમાં વેચવા માટે લઈ જઈએ છીએ ત્યારે અમને ખૂબ ઓછો ભાવ મળે છે. આ બદલાવું જોઈએ.”
તેમનું કહેવું છે કે ગત ચોમાસામાં જ્યારે રાજ્યમાં અતિશય વધારે વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી મચી હતી ત્યારે ભાજપે કંઈ ન કર્યું.
આ એક એવો મુદ્દો છે જેને અમે વારંવાર લોકોના મુખેથી સાંભળ્યો.
ભાજપ સામે કેમ નારાજગી છે?
જોગિન્દર વાલિયા કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના નેતા છે અને 'ઇન્ડિયા' ગઠબંધનના ઉમેદવાર વિક્રમાદિત્યસિંહને સમર્થન આપવા અહીં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, "ગત વર્ષે અતિવૃષ્ટિને માનવસર્જિત પરિબળોએ વધુ ખરાબ બનાવી હતી. રોડ કન્સ્ટ્રક્શન કંપનીઓએ કાટમાળ જ્યાં મૂકવાનો હતો ત્યાં ફેંક્યો નહોતો. આ કાટમાળ રસ્તાની બાજુમાં જ છોડી દેવામાં આવ્યો હતો. પરિણામે, જ્યારે વરસાદ પડ્યો ત્યારે કાટમાળ ધોવાઈ ગયો હતો. નદીમાં પૂરના કારણે મારી પોતાની છ વીઘા જમીન પણ બરબાદ થઈ ગઈ હતી.”
તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે કેન્દ્રમાં ભાજપ સરકારને કારણે તેમને યોગ્ય વળતર મળ્યું નથી.
રેલીનું સ્ટેજ હઠાવતી વખતે અમે લેખરાજને મળ્યા. આ યુવક એક ગામના મુખી છે અને કૉંગ્રેસ સાથે જોડાયેલા છે.
તેમણે અમને કહ્યું કે ભાજપ સામે તેમની સૌથી મોટી ફરિયાદ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ (નરેગા)ના કથિત ગેરવહીવટની છે.
તેઓ કહે છે, "તેઓ (ભાજપ) આ યોજનાને ખતમ કરવા પર તત્પર છે. યુપીએ દ્વારા લાવવામાં આવેલા આ કાયદા સાથે દરેક ગરીબ વ્યક્તિ જોડાયેલ છે. આપણે જોઈ રહ્યા છીએ કે સરકારે કઈ રીતે આ કાયદો કામ કરશે એ મુશ્કેલ બનાવી રહી છે. લોકો અમને એ વિશે સવાલ કરે છે પણ આ તો કેન્દ્ર સરકારનો મામલો છે. તે વાયદાઓ પૂરા કરી રહી નથી.”
ભાજપના સમર્થકોએ કંગનાની ઉમેદવારીથી ઉપર મોદી ફેક્ટર તેમના પક્ષમાં કામ કરશે તેવો ઇશારો કર્યો છે. બીજી તરફ કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકોએ મંડીમાં પરિવર્તન આવવાનો દાવો કર્યો હતો.
તેમનું કહેવું છે કે ‘ટીકાસાહબ’ (વિક્રમાદિત્યને રાજ્યમાં એ જ નામથી ઓળખવામાં આવે છે) પાસે વિરાસત અને વિશ્વસનીયતા છે જે તેમના હક્કમાં કામ કરી રહી છે.