પાટીદાર મતદાન જાગૃતિ અભિયાનથી 'ભાજપનો પ્રચાર' થઈ રહ્યો છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં લોકસભાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. ત્યારે ભાજપ-કૉંગ્રેસ અને આપ સહિતના પક્ષો પૂરજોશ પ્રચારમાં લાગેલા જોવા મળી રહ્યા છે.

પરંતુ ગુજરાતમાં રાજકીય પક્ષોની સાથોસાથ કેટલાક સમાજો પણ મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યા છે.

આવું જ એક ઉદાહરણ પાટીદાર સમાજમાં પણ જોવા મળી રહ્યું છે.

અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જેવા વિવિધ વિસ્તારોમાં છેલ્લા અમુક સમયથી પાટીદાર સમુદાય માટે ‘મતદાર જાગૃતિ અભિયાન’ ચાલી રહ્યું છે.

જોકે, આ કાર્યક્રમો મતદાન માટેની સામાજિક અપીલ કરતાં ‘ભાજપના ચૂંટણીપ્રચાર માટેની એક વૈકલ્પિક વ્યવસ્થા’ હોવાની વાત પણ કહેવાઈ રહી છે.

આ કાર્યક્રમોમાં ભાજપના વિવિધ નેતા આવીને સમાજના લોકોનું સંબોધન કરી રહ્યા છે.

એક તરફ વિશ્વ ઉમિયાધામ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમને આમ તો ‘બિનરાજકીય’ ગણાવાઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમમાં આવેલા વક્તા ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.

આને કૉંગ્રેસ ‘વિમુખ થયેલા પાટીદાર મતો અંકે કરવાનો મરણિયો પ્રયાસ’ ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ ‘સમાજના લોકો ભાજપને સમર્પિત હોવાની વાત અભિવ્યક્ત કરવાની રીત’ ગણાવે છે.

જોકે, ઉમિયાધામના આગેવાનો આને એક ‘રૂટિન પ્રક્રિયા’ અને ‘જાગૃતિ અભિયાન’ કહે છે, તેમજ રાજકીય વિશ્લેષકો આને ‘ક્ષત્રિયોના વિરોધ બાદ ભાજપનો સમર્પિત મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન’ ગણાવે છે.

શું છે આ કાર્યક્રમનો હેતુ?

પાટીદારોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાણંદ, બોપલ, કલોલ, ખેડાના વિવિધ વિસ્તારોનો સમાવેશ થાય છે.

સાણંદના કાર્યક્રમમાં તો અમિત શાહના પુત્ર અને બીસીસીઆઇના પ્રમુખ જય શાહ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં ભાજપના સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ સહિત બીજા નેતા હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે વિશ્વ ઉમિયાધામ અમદાવાદસ્થિત એક સંસ્થા છે, જેમાં પાટીદાર સમુદાય માટે વિવિધ સામાજિક કાર્ય કરવામાં આવે છે.

આ કાર્યક્રમના હેતુ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મહિલા સંગઠનનાં રૂપલબહેન પટેલ કહે છે કે, “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સર્જન પાછળ સનાતન ધર્મ કાજે કામ કરતા લોકો કે પક્ષને તમામ રીતે મદદ કરવાનો વિચાર છે. હાલમાં જ્યારે ભાજપ આ કામ કરી રહ્યો છે, તો ભાજપને અમારો સંપૂર્ણ ટેકો છે. આ માટે અમે વિવિધ સ્થળો પર કાર્યક્રમ કરી રહ્યા છીએ.”

કાર્યક્રમમાં સામેલ થનાર વધુ એક વ્યક્તિએ કાર્યક્રમમાં અપાયેલ સંદેશ અંગે ખુલાસો કર્યો હતો.

આ વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, “આ કાર્યક્રમમાં અમને કહેવામાં આવ્યું હતું કે ભાજપને કેમ મત આપવો એ અંગે વાત કરાઈ હતી. આ સિવાય સનાતન ધર્મની રક્ષા માટે ભાજપે કરેલાં કામો ગણાવાયાં હતાં.”

“અમને નવાઈ લાગી હતી, કારણ કે કોઈ સામાજિક સંસ્થાના નેજા હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હતો.”

કાર્યક્રમમાં અપાયેલા સંદેશ અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમદાવાદના પ્રમુખ વિજય પટેલ જણાવે છે : “અમારા સંગઠન માટે સમાજની મીટિંગ સતત ચાલતી હોય છે. આ એક રૂટીન પ્રક્રિયા છે. અમદાવાદ સિવાય ખેડા, અને કલોલમાં આ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. સંગઠનોની આ મીટિંગમાં અમે રાષ્ટ્રની વાત કરીએ છીએ, હિંદુત્વની વાત કરીએ છીએ.”

કિરીટભાઈ પટેલ નામના એક આગેવાન કહે છે કે, “સાણંદના કાર્યક્રમમાં આશરે ચાર હજાર પાટીદાર હાજર હતા. તેમાં કોઈ પણ પ્રકારની રાજકીય વાતો નહીં, પરંતુ માત્ર મતદાન કરવાનું મહત્ત્વ સમજાવાયું હતું. આ એક જાગૃતિ અભિયાન છે, જેને રાજકરણ સાથે ન જોડવું જોઈએ.”

જાગૃતિ અભિયાન કે 'રાજકીય પ્રચાર'?

ગાંધીનગર લોકસભા બેઠકના કૉંગ્રેસનાં ઉમેદવાર સોનલબહેન પટેલ આને ‘જાગૃતિ અભિયાન’ માત્ર નથી માનતાં.

તેઓ કહે છે કે, “સામાજિક સંસ્થાના નામે આવી રીતે કાર્યક્રમ કરીને ભાજપ તેમનાથી દૂર જતા પાટીદાર મતોને પોતાના તરફ ખેંચવાનો મરણિયો પ્રયાસ કરી રહ્યો છે. હું માનું છું કે, તેનો કોઈ ફાયદો તેને થવાનો નથી, કારણ કે પાટીદાર સમાજમાં હવે એવા ઘણા લોકો છે જેમની સામે તેમની નીતિઓ ખુલ્લી પડી ગઈ છે. આવી રીતે આડકતરી રીતે વિવિધ સમાજો સુધી પહોંચીને પોતાની વાત કરવી એ ભાજપની જૂની નીતિ છે.”

બીજી બાજુ ભાજપના નેતાઓ આ પ્રકારના કાર્યક્રમો અંગે અલગ વાત કરે છે.

ભાજપના અમદાવાદ જિલ્લા પ્રમુખ, હર્ષગિરિ ગોસાઈ આ કાર્યક્રમો પાછળ પક્ષની કોઈ પ્રેરણા ન હોવાની વાત કરતાં કહે છે કે, “આ પ્રકારના આયોજન થકી પટેલ સમાજના લોકો ભેગા થઈને ભાજપ તરફી 100 ટકા મતદાન થાય તેવી અપીલ કરતા હોય છે. જોકે આ કાર્યક્રમમાં અમારો કોઈ ભાગ હોતો નથી, કારણ કે આ કાર્યક્રમો સસ્થા પોતાની રીતે, પોતાના ખર્ચે કરતી હોય છે અને ભાજપના હોદ્દેદારોને માત્ર મહેમાન તરીકે આમંત્રણ હોય છે.”

આવી જ રીતે અમદાવાદ જિલ્લાના ભાજપના મહામંત્રી શૈલેશ દાવડા દાવો કરે છે કે માત્ર પાટીદાર જ નહીં, પરંતુ બધા સમાજના લોકો ભાજપને સમર્પિત છે, તેવું સમાજમાં સંદેશો મોકલવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે.

જોકે આ પ્રકારના કાર્યક્રમોના હેતુ અંગે રાજકીય વિશ્લેષકનું અલગ મંતવ્ય છે.

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના પ્રોફેસર બલદેવ આગજા આ અંગે કહે છે કે, “ગુજરાતમાં ભાજપને આ ચૂંટણીમાં ક્ષત્રિય મતોના વિભાજનની બીક છે, અને એટલા માટે જ્યારે ક્ષત્રિય સમાજનાં મોટાં સંમેલનો થાય ત્યારે ભાજપ પોતાના સમર્પિત મતદારો સુધી પહોંચીને પોતાની તમામ તાકતથી કામ કરી રહ્યો છે. એટલા માટે પાટીદારોના આવા કાર્યક્રમ જોવા મળી રહ્યા છે.”

મતદાર જાગૃતિ વિશે વાત કરતા તેઓ કહે છે કે, “આ પ્રકારના કાર્યક્રમો કરવા માટે કલેક્ટર ઑફિસ અને બીજી સરકારી સંસ્થાઓ છે. કોઈ એક ચોક્કસ જ્ઞાતિના લોકો માત્ર એક જ પક્ષના લોકોને બોલાવીને આ પ્રકારના કાર્યક્રમો કરે તો તે સામાજિક નહીં, પરંતુ રાજકીય કાર્યક્રમ કહેવાય.”