રાજકોટમાં રૂપાલાનો વિવાદ સ્થાનિક સમસ્યાઓ કરતાં મોટો થઈ ગયો?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બનેલી હોય તો એ છે રાજકોટ. કારણ છે ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલું વિવાદિત નિવેદન અને પછી તેમના વિરુદ્ધ શરૂ થયેલો ક્ષત્રિય સમુદાયનો વિરોધ. જોકે રૂપાલાએ માફી માગી છે, આમ છતાં ક્ષત્રિયોનો વિરોધ ચાલુ છે.

રાજકોટમાં રૂપાલા સામે કૉંગ્રેસે અમરેલીના પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારતાં ચૂંટણીજંગ વધુ રોચક બની ગયો છે.

'રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ' એવાં પોસ્ટરો રાજકોટ શહેરમાં ઠેર ઠેર જોવાં મળે છે. તો બીજી તરફ પરેશ ધાનાણી ક્યાંક સ્કૂટર રેલી કરી રહ્યા છે તો ક્યાંક લોકોની વચ્ચે જઈને ચાની ચૂસકી માણતાં માણતાં એ તાગવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના માટે મેદાન કેટલું મોકળું છે?

રાજકોટમાં નાના ઉદ્યોગોની સમસ્યા, પીવાનું પાણી અને રસ્તાની સમસ્યા જેવા પાયાના પ્રશ્નો તો છે જ પણ આ ચૂંટણીમાં આ સમસ્યાઓ અને તેમના સમાધાનની ચર્ચાઓ કરતાં સૌથી વધારે ચર્ચા ક્ષત્રિયોના પરશોત્તમ રૂપાલા સામેના આંદોલનની છે.

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક નિવેદન કર્યું હતું, જેનો વીડિયો વાઇરલ થયો હતો.

જોકે બાદમાં તેમણે આ નિવેદન બદલ જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માગી હતી, તેમ છતાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ કરવાની માગ કરી હતી. હવે ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા માટે રાજ્યના જિલ્લામાં 'ધર્મરથ' કાઢીને વિરોધ કરી રહ્યો છે.

ક્ષત્રિયો આંદોલનને જોતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ સમાજને 'મોટું મન રાખી'ને રૂપાલાને માફ કરી દેવાની અપીલ કરી હતી.

ઉદ્યોગોના કેન્દ્ર ગણાતા રાજકોટની સમસ્યાઓ શું છે?

રાજકોટ એમએસએમઈ (માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇઝિસ– સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ)નું માત્ર ગુજરાતનું જ નહીં દેશનું મોકાનું મથક છે.

રાજકોટની બજારોમાં લટાર લગાવો તો સબમર્સિબલ પમ્પ, બરફના ગોળાનાંં મશીન, ઘરઘંટી વગેરે સાધનો અને ખાસ તો એમના સ્પૅરપાર્ટ્સની અનેક દુકાનો જોવા મળે છે. કારથી લઈને ઉડ્ડયન ઉદ્યોગ (એવિએશન ઇન્ડસ્ટ્રી) સુધી રાજકોટમાં બનેલાં સ્પૅરપાર્ટ્સ પહોંચે છે.

2020માં કોરોના મહામારી પછી હજી સુધી જે ધંધા માઠી અસરમાંથી બેઠા નથી થઈ શક્યા તેમાંનું એક એમએસએમઈ ક્ષેત્ર છે.

લોકસભામાં જે આંકડા રજૂ થયા છે તેમાં જણાવાયું છે કે, કોરોના પછી ગુજરાતમાં ઉત્તરોત્તર 3243 એમએસએમઈ એકમ બંધ થયાં છે.

આ બહુ મોટો ફટકો છે, છતાં ચૂંટણીના રાજકારણમાં એની જોઈએ એવી ચર્ચા નથી.

રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ બીબીસીને જણાવ્યું હતું કે, "રાજકોટમાં ઉદ્યોગો માટે કેટલાંક સારાં કામ થયાં છે અને કેટલાંક વધુ સારાં કામ કરવાની જરૂર છે. રાજકોટ એમએસએમઈનું મથક છે ત્યારે અમારી સરકાર પાસે માગ છે કે એક એમએસએમઈ ભવન બનાવવામાં આવે. અમે પ્રદર્શનો યોજી શકીએ એ માટે કન્વેન્શન સેન્ટરની જરૂર છે. સરકાર આના માટે 80-20 ટકાની સ્કીમથી સેન્ટર તૈયાર કરવા ઇચ્છે છે. જેમાં 80 ટકા સરકાર ખર્ચે અને વીસ ટકા અમે ખર્ચીએ."

"અમારી માગ છે કે સ્કીમ દ્વારા નહીં સરકારે જ સંપૂર્ણ રીતે આ વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. સરકારે એમએસએમઈમાંથી આવક વધારવી હોય તો કેટલીક સેવા બહેતર બનાવવી પડે. ઇન્ટરનેશનલ ઍક્સ્પૉર્ટ વધારવું હોય તો જે પાંચ લાખની સબસિડી આપવામાં આવે છે, તે ત્રીસ લાખ કરવી પડે. દેશનાં મેટ્રો શહેરો સાથે તેમજ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધારવી પડે."

પણ આના માટે સરકારે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ તો બનાવ્યું છે? તેઓ કહે છે, "ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ તો આવ્યું પણ પૂરતી ફ્લાઇટ્સ ક્યાં છે? મેટ્રો સિટી સાથે ટ્રેન અને ફ્લાઇટની સારી કનેક્ટિવિટી હોવી જોઈએ. જો આ બધું થશે તો એમએસએમઈ હરણફાળ ભરશે."

પરેશ ધાનાણીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "કેટલાય ઉદ્યોગસાહસિકોએ રાજકોટની ઉદ્યોગનગરી તરીકેની ઓળખ ઊભી કરી હતી. તેને સરકારી સહાય કેમ ન મળી એ પીડા આજે રાજકોટવાસીઓને સતાવી રહી છે. ડીઝલ એન્જિન એ રાજકોટની ઓળખ છે. ઑટોમોબાઇલ હબ બનવાની રાજકોટમાં ક્ષમતા છે. સરકારે કરરાહત કેમ ન આપી? સોનાચાંદીનું ગ્લોબલ હબ બને તેવી શક્યતા રાજકોટમાં છે, તો ઇમિટેશન જ્વેલરી પાર્કનો લાભ સરકાર શા માટે રાજકોટને ન આપે? આ સવાલો છે."

તો પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં સિલ્વર મૅન્યુફૅક્ચર્સ તથા ઇમિટેશન જ્વેલરી ઍસોસિયેશન દ્વારા આયોજિત સ્નેહમિલનમાં કહ્યું હતું કે, "ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને તેનું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ છે. તેમણે એક પાયો વિકસાવ્યો છે. વીજળી, રસ્તા, પાણી, વાહન વ્યવહાર, કનેક્ટિવિટી વગેરે માળખાગત બાબતોની ઝડપ મોદીજી કેન્દ્રમાં આવ્યા પછી વધી છે. આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ આવશે જેને લીધે રાજકોટનો લઘુઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાશે."

"દરિયાઈ બંદરની કનેક્ટિવિટી વધી છે. હાઈવે રેલવે બધા એકસાથે જોડાઈને એક દિશામાં કેવી રીતે કામ કરી શકે એવું આયોજન આઝાદીનાં 75 વર્ષ પછી ભારત સરકારમાં આવ્યું એનું નામ ગતિશક્તિ છે. અગાઉ આવું નહોતું. જ્યાં વિકાસ ન પહોંચ્યો હોય ત્યાં વિકાસને પહોંચાડવાનું આયોજન નરેન્દ્રભાઈના શાસનમાં કરવામાં આવે છે."

બીબીસીના સહયોગી પત્રકાર બિપીન ટંકારિયાની નજરે

બિપીન ટંકારિયાના જણાવ્યા અનુસાર, રાજકોટમાં નવાં સામેલ થયાં ગામોમાં પાણીની સમસ્યા પારાવાર છે. અગાઉ આ મામલે મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ પણ કર્યું હતું અને ત્યાર બાદ રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને તાત્કાલિક પાણીનું ટૅન્કર આપ્યું હતું.

રાજકોટ લોકસભા મતવિસ્તારમાં આવતા જસદણ-વીછિંયાની વાત કરીએ તો અહીંના લોકોનું કહેવું છે કે ગામોમાં 10 દિવસે પીવાનું પાણી મળે છે.

ઘણી વાર ખેડૂતો પોતાની માગને લઈને રજૂઆત કરતા હોય છે. ખેડૂતો ખાતર, બિયારણના ભાવ વધતાથી પણ પરેશાન છે. તેમજ કપાસ, મગફળી, જણસી વગેરેના ભાવ પણ મળતા નથી.

તો રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા તાજેતરમાં જ રેલવેમંત્રી સાથે મીટિંગ કરી રાજકોટને વધુ ટ્રેનો મળે તેવી માગણી કરી હતી. ઘણી ટ્રેનો અમદાવાદ સુધી પહોંચે છે, તેવી ટ્રેનોને રાજકોટ ઓખા વેરાવળ સુધી લંબાવવા રજૂઆત કરી હતી.

આ માગણીને લઈ રેલવેમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે કનેક્ટિવિટી વધારવા અમે પ્રયાસ કરીશું અને નવી ટ્રેનોમાં રાજકોટને ઉમેરો થાય તેવા પ્રયાસો કરીશું.

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ છે, શહેરમાં પોલીસ હોવા છતાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે.

રાજકોટની સમસ્યા અને લોકોના ચૂંટણીના મુદ્દા

રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય બીબીસી સંવાદદાતા સુરેશ ગવાણિયા સાથે રાજકોટ શહેરની સમસ્યા અંગે વાત કરતા કહે છે, "રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા એક સમયે સૌથી મોટો મુદ્દો હતી. પણ 'સૌની યોજના'ને કારણે શહેરની સમસ્યાનો લગભગ નિવેડો આવી ગયો છે. જોકે હજુ પણ લોકોને જોઈએ એટલું પાણી નથી મળતું."

તેઓ કહે છે કે જોકે હજુ પણ રાજકોટમાં જે નવાં ગામો ભળ્યાં છે, ત્યાં કેટલાંક ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે.

આચાર્ય બીજી એક વર્ષો જૂની માગ પર પ્રકાશ પાડે છે કે "રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ નથી, આથી લોકોને કેસ માટે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ લાંબા થવું પડે છે."

જગદીશ આચાર્ય કહે છે કે આ ચૂંટણીમાં માત્ર રૂપાલા અને ક્ષત્રિયોનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. કોઈ પણ પક્ષના પ્રચારમાં લોકોની સમસ્યાની વાત થતી નથી. માત્ર હિન્દુત્વ અને મતોનાં ધ્રુવીકરણની વાતો થાય છે.

પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટમાં જાગનાથ મંદિરે દર્શન કરીને ઉમેદવારી નોંધાવવા નીકળ્યા હતા.

રૂપાલાના એક સમર્થકે કહ્યું હતું કે, "જ્યારે કેન્દ્રીય નેતૃત્વ રાજકોટને મળ્યું હોય ત્યારે નાનામોટા મતભેદ ભૂલીને ક્ષત્રિય સમાજે રૂપાલાજીને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિયો મોટું મન ધરાવે છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ એઈમ્સ હૉસ્પિટલ વગેરે મળ્યાં છે."

આ વાતમાં સૂર પૂરાવતા અન્ય એક સમર્થકે કહ્યું કે રૂપાણીજી પછી અન્ય એક સક્ષમ નેતૃત્વ રૂપાલા સ્વરૂપે રાજકોટને મળશે.

તેમણે એમ પણ કહ્યું કે અમદાવાદ, સુરતનો જે ગતિએ વિકાસ થાય છે તે ગતિએ રાજકોટનો વિકાસ નથી થઈ રહ્યો. મોટા રસ્તા નથી, અમદાવાદ કરતાંય ટ્રાફિકની સમસ્યા રાજકોટમાં છે."

અમરેલીમાં એક સમયના હરીફ રૂપાલા અને ધાનાણી રાજકોટમાં ફરી સામસામે

કૉંગ્રેસના પરેશ ધાનાણી ગઈ લોકસભા ચૂંટણીમાં અમરેલીથી લડ્યા હતા અને હારી ગયા હતા. એ પછી વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયા હતા.

આ વખતે લોકસભા ચૂંટણી લડવાનો કોઈ ઉમળકો પરેશ ધાનાણીને નહોતો. પણ રૂપાલા સામે જે આંદોલન શરૂ થયું એને પગલે પરેશ ધાનાણીએ પછી રાજકોટથી લડવાનું મન બનાવ્યું હતું.

પરેશ ધાનાણીની ચૂંટણીમેદાનમાં ઊતરવાની બાબતમાં કૉંગ્રેસના નેતા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

બીબીસી સાથે વાત કરતાં લલિત કગથરાએ કહ્યું હતું કે, "જે પ્રકારનો માહોલ રાજકોટમાં ઊભો થયો એ પછી પક્ષના મોવડીમંડળે પરેશભાઈને કહ્યું કે સમયનો તકાદો છે અને તમે મોટા નેતા છો તો રાજકોટથી લડો. જો પરશોત્તમભાઈ ન લડત કે ઉમેદવારી પાછી ખેંચી લેત તો પરેશભાઈ રાજકોટથી ન લડત."

પરેશ ધાનાણીને જ ઉતારવાનું એક અગત્યનું કારણ એ છે કે રાજકોટ લોકસભા વિસ્તારમાં પટેલ સમુદાયની સંખ્યામાં કડવા કરતાં લેઉઆ પટેલની સંખ્યા વધારે છે. પરશોત્તમ રૂપાલા કડવા પટેલ છે અને પરેશ ધાનાણી લેઉઆ પટેલ છે.

આંદોલનના પ્રતાપે પટેલ, ક્ષત્રિય, દલિત, મુસ્લિમ તેમજ અન્ય સમુદાયના મતો કદાચ કૉંગ્રેસને મળે તેવી શક્યતા પાર્ટી જોઈ રહી છે.

22 વર્ષ પછી ફરી એક વખત રૂપાલા અને ધાનાણી વચ્ચે સીધો જંગ જામશે. વર્ષ 2002માં માત્ર 26 વર્ષની ઉંમરે ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતા રૂપાલાને પરાજય આપ્યો હતો ત્યારથી જ ગુજરાતમાં પરેશ ધાનાણીનું નામ ઊંચકાયું હતું.

રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજનું છે કે તેઓ દરેક સમાજના લોકોને ભાજપને સમર્થન ન આપવા અપીલ કરશે. તેમનું કહેવું છે કે દરેક સમાજ તરફથી તેમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

ક્ષત્રિય સમાજના આંદોલન પછી 'મતોનાં ધોવાણની બીકે' નાની સંખ્યા ધરાવતા સમાજો પાસે ભાજપ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ દેવીપૂજક સમાજ, રાજગોર બ્રાહ્મણ સમાજ, ગુર્જર સુથાર સમાજ, મહેર સમાજ વગેરેના સ્નેહમિલનમાં જઈને સભાઓ સંબોધી છે.

તો ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજાએ બીબીસીને કહ્યું હતું કે, "ભાજપના નેતા અમારા આટલા મોટા સમાજને સમાધાન કરવાનું કહે છે પણ તમે એક માણસ (રૂપાલા)ને સમજાવી નથી શકતા? કાયદો ક્ષત્રિયો હાથમાં નથી લઈ રહ્યા, કાયદો વર્તમાન તંત્ર અને ભાજપ સરકાર હાથમાં લઈ રહી છે."

ક્ષત્રિય આંદોલન અંગે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ બીબીસીને કહ્યું હતું કે, "સમાધાનની ટ્રેન ભાજપ ચૂકી ગયો છે."