You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાની ચૂંટણી: એક સમયે કૉંગ્રેસનો ગઢ રહેલા આણંદમાં આ વખતે નવાજૂની થશે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, આણંદથી
"ભાજપ આવે કે કૉંગ્રેસ- અમારા માટે કંઈ જ ફરક પડવાનો નથી, અમારે તો મજૂરી કરીને ગુજરાન ચલાવવાનું છે." ચૂંટણીપ્રક્રિયાથી નિરાશા થયેલા સલીમ વોરા આ વાત કરે છે.
તો અન્ય એક સિનિયર સિટીઝન કહે છે, "મોંઘવારી તો હવે વધી ગઈ છે, હવે તે કંઈ પાછી ન ફરે, ગમે તે પાર્ટી આવે. કૉંગ્રેસ આવે કે ભાજપ અમારે તો આ જ ભાવે તેલ, પેટ્રોલ, ગૅસનો બાટલો લેવાનો છે."
લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે અને ચાર જૂને પરિણામ આવવાનું છે. આ દરમિયાન રાજકીય પક્ષોનો પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે.
એવામાં અમદાવાદને અડીને આવેલા આણંદમાં બીબીસીની ટીમ પહોંચી હતી અને લોકોના ચૂંટણીના મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આણંદ રેલવે સ્ટેશન પર અમને એવા લોકો મળ્યા, જેમણે બેરોજગારીની વાત કરી, નોકરીઓ ન મળતી હોવાની ફરિયાદ કરી. કેટલાક લોકોએ કહ્યું કે રોડ-રસ્તા સારા છે, વિકાસ થયો છે. જોકે આ બધામાં બેરોજગારી અને વિકાસની ચર્ચા મોખરી રહી હતી.
આણંદ લોકસભાના મુદ્દા જાણવા માટે બીબીસીની ટીમે વિવિધ વિધાનસભાઓની તેમજ આણંદ શહેરની મુલાકાત લીધી હતી.
બોરસદના રહેવાસી સલીમ વોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું,"આમ તો બધું સારું છે, પહેલાંની સરખામણીમાં આવક તો વધી છે, પરંતુ તેની સામે મોંઘવારી પણ વધી ગઈ છે. દિવસના પાંચસો રૂપિયા સહેલાઈથી કમાઈ લઈએ છીએ, પણ તેનાથી દરરોજનું ગુજરાન ચાલતું નથી."
કૉંગ્રેસના અમિત ચાવડા સામે ભાજપના મીતેશ પટેલ
આણંદ લોકસભામાં આવતી સાત વિધાનસભામાં બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા અને ખંભાતનો સમાવેશ થાય છે. આંકલાવ સિવાય તમામ બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિસ્તારની બોરસદ વિધાનસભા આઝાદી પછી પહેલી વાર કૉંગ્રેસ હારી હતી. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા જ અહીંથી કૉંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે ભાજપના ઉમેદવાર છેલ્લી બે ટર્મથી લોકસભાની ચૂંટણી જીતનારા મીતેશ પટેલ છે.
મીતેશ પટેલના ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત એક કાર્યકર્તા બીબીસી ગુજરાતી સાથેના ફેસબુક લાઇવમાં વાત કરતા કહે છે કે, "અહીંયાં મીતેશભાઈનું કામ બોલે છે. કોરોનાના સમયમાં તેમણે લોકો માટે ખૂબ કામ કર્યું હતું. તેમની પાસે જવાથી દરેક કામનું નિરાકરણ થઈ જાય છે, માટે લોકો તેમને એક વાર ફરીથી પસંદ કરશે."
આણંદ લોકસભામાં લોકોના મુદ્દાની વાત કરવા માટે બીબીસી ગુજરાતની ટીમ આણંદ રેલવે સ્ટેશનના વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં હાજર એક રિક્ષા ડ્રાઇવર બીબીસીના કૅમેરા પર વાત કરતા કહે છે, "2014થી અમારી તકલીફોનો કોઈ અંત આવતો નથી. એક સમય હતો, જ્યારે આણંદના આ રેલવે સ્ટેશન પર અનેક મેમુ ટ્રેનનું સ્ટૉપ હતું. અત્યારે બધી એક્સપ્રેસ ટ્રેન થઈ ગઈ છે, જેના કારણે અમે બેરોજગાર થઈ ગયા છીએ."
"આણંદ રેલવે સ્ટેશન અમને રોજગારી આપતું હતું, પરંતુ હવે અમારા માટે તે બેરોજગારીનું માધ્યમ બની ગયું છે."
તેઓ એ પણ કહે છે કે, "હું છેલ્લાં 35 વર્ષથી મજૂરી કરીને મારું ગુજરાન ચલાવું છું, પરંતુ જે મોંઘવારી અને પૈસાની તંગી મેં છેલ્લાં 10 વર્ષમાં અનુભવી છે, તેટલી મોંઘવારી મેં મારા આખા જીવનમાં જોઈ નથી."
એક સમયે કૉંગ્રેસનો ગઢ ગણાતી આણંદ બેઠક પર ભાજપનો કબજો છે
એક સમયે કૉંગ્રેસનો ગઢ માનવામાં આવતી આણંદ લોકસભામાં 2014થી ભાજપ જીતી રહ્યો છે. 1957થી 2019 સુધી યોજાયેલી 16 ચૂંટણીમાં 11 વખત કૉંગ્રેસના સાંસદ, પાંચ વખત ભાજપના સંસદસભ્ય અને એક વખત સ્વતંત્ર પાર્ટીના સંસદસભ્ય રહી ચૂક્યા છે. કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી અહીંથી સંસદસભ્ય બનીને કેન્દ્રમાં મંત્રી પણ બન્યા હતા.
આણંદ વિશે વાત કરતા એક યુવક ધ્રૂવીલ મહેતા કહે છે, "એ ચોક્કસ વાત છે કે એક સમયે આ લોકસભા પર કૉંગ્રેસ ખૂબ મજબૂત હતી. પરંતુ એક કે બે જ પરિવારના લોકોને વારેઘડીએ મોકો મળે અને બીજા કાર્યકર્તાઓ રહી જાય, તેવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. જેના કારણે પછી ધીરે ધીરે કૉંગ્રેસની કૅડર તૂટતી ગઈ અને હવે ભાજપ ખૂબ મજબૂત થઈ ગયો છે."
આવી જ રીતે એક બીજા યુવાન કિશન પટેલનું કહેવું છે, "આણંદ વિસ્તારમાં પ્રાઇવેટ ક્ષેત્રમાં ઘણી નવી તકો ઊભી થઈ છે, જેમાં 12મુ પાસ વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી તકો મળે છે."
આણંદ લોકસભા વિશે વાત કરતાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર શશાંક પટેલ કહે છે, "ગુજરાતના વોટર ક્યારેય ભાજપ કે કૉંગ્રેસ વચ્ચે અસમંજસમાં નથી રહેતા. ગુજરાતનો વોટર ક્લિયર મેન્ડેટ આપે છે. પહેલાં કૉંગ્રેસને ક્લિયર મેન્ડેટ હતો, હવે ભાજપને ક્લિયર મેન્ડેટ આપે છે. આ વખતે પણ લોકોનો મૂડ જોતા લાગે છે કે, આણંદના લોકો ભાજપને ક્લિયર મેન્ડેટ આપશે."
ક્ષત્રિય સમાજના વિરોધની કેટલી અસર?
આણંદના સોજીત્રામાં બીબીસી ગુજરાતીએ ક્ષત્રિય સમાજના લોકોની મુલાકાત લીધી હતી. ચરોતર રાજપૂત સમાજના પ્રમુખ દીપેશસિંહ મહીડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "આણંદ લોકસભામાં ક્ષત્રિય સમાજના લોકોએ છેલ્લી બે ટર્મથી ભાજપ પર ભરોસો કર્યો છે. પરંતુ આ વખતે એવી પરિસ્થિતિ છે કે અનેક ગામોમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ કર્યો છે. એવાં ગામોમાં ભાજપના નેતા પોતાનો પ્રચાર પણ કરી શક્યા નથી."
આવી જ રીતે એક બીજા ક્ષત્રિય નેતા ઘનશ્યામસિંહ મંડોળા ચરોતર રાજપૂત સમાજના મંત્રી પણ છે, તેઓ કહે છે કે, "ક્ષત્રિયો લડવા માટે હવે તલવાર કે ભાલા નહીં પરંતુ વોટનો પાવર ઉપયોગ કરવાના છે. અમારી અસ્મિતા તો ગઈ છે, પરંતુ હવે અમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમે આ વખતે ભાજપની સામે મતદાન કરીશું અને કરાવીશું."
ક્ષત્રિય સમાજના એક આગેવાન છત્રસિંહ પરમાર કહે છે કે, "અમે બે પેઢીથી કૉંગ્રેસને વોટ કરતા આવ્યા છીએ, પરંતુ છેલ્લા એક દાયકાથી અમે તમામ લોકો ભાજપને મત આપતા હતા, હવે જ્યારે ક્ષત્રિયોનું આવું અપમાન થયું છે, ત્યારે મારું આખું ગામ આ વખતે ફરીથી કૉંગ્રેસ તરફ જઈ રહ્યું છે."
જોકે શશાંક પટેલ ક્ષત્રિય ફેક્ટરની અસર વિશે વાત કરતા કહે છે કે, "આણંદમાં તેની કોઈ ખાસ અસર થઈ શકશે નહીં."