બનાસકાંઠામાં થયેલું ભારે મતદાન ગેનીબહેનને ફાયદો કરાવશે કે ભાજપને જીત અપાવશે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન સાતમી મેના રોજ પૂર્ણ થયું અને હવે ચાર જૂને તમામ 25 બેઠકોનાં પરિણામ જાહેર થશે.

મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતની કેટલીક બેઠકોની ચર્ચા થવા લાગી છે અને તેમાં સૌથી વધુ ચર્ચા બનાસકાંઠા બેઠકની થઈ રહી છે. બનાસકાંઠામાં વલસાડ બાદ સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર 72.71 ટકા નોંધાયું છે જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર 69.62 ટકા મતદાન થયું છે.

બનાસકાંઠા બેઠક પર થયેલા ભારે મતદાનથી કોને ફાયદો થશે? આ સવાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વધુ મતદાન કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને ફળશે કે પછી ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરીને.

કૉંગ્રેસનાં ગેનીબહેન કે ભાજપનાં રેખાબહેન?

બનાસકાંઠામાં કૉંગ્રેસે વાવ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યાં હતાં. જ્યારે ભાજપે સહકારી પરિવારનું બૅકગ્રાઉન્ડ ધરાવતાં ડૉ. રેખાબહેન ચૌધરીને ટિકિટ આપી હતી.

બનાસકાંઠાની બેઠક ઉપર મતદારોની દૃષ્ટિએ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે તેવા સંજોગોમાં કૉંગ્રેસનાં ગેનીબહેન અને ચૌધરી સમાજનાં રેખાબહેન ચૌધરી વચ્ચેનો મુકાબલો રાજકીય વર્ચસ્વની લડાઈ સુધી પહોંચ્યો હતો.

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજય નાયકે બીબીસીને જણાવ્યું હતું, "બનાસકાંઠા લોકસભા બેઠક પર કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર એ બોલકાં છે, ખૂબ જ ઍક્ટિવ છે. લોકો આ પ્રકારના ઍક્ટિવ ઉમેદવારને પસંદ કરતા હોય છે. તેમના પ્રચારને જોતાં, તેમજ જે રીતે મતદાન થયું છે એ જોતાં લાગી રહ્યું છે કે વધુ મતદાનનો ફાયદો ગેનીબહેન ઠાકોરને થઈ શકે છે. "

"બીજી તરફ બનાસકાંઠા બેઠકના ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરીના દાદા બનાસ ડેરીના સ્થાપક હતા. તેઓ પારિવારિક સહકારી બૅકગ્રાઉન્ડ ધરાવે છે."

વરિષ્ઠ પત્રકાર નીતિન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "આ વખતે બનાસકાંઠા બેઠકમાં બને પક્ષનાં ઉમેદવાર મોટા અને વર્ચસ્વ ધરાવતા સમાજનાં ઉમેદવાર હતાં, જેને કારણે મતદાનમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે."

તેઓ કહે છે, "વર્ષ 2019 લોકસભામાં કૉંગ્રેસ અને ભાજપ બને પાર્ટી દ્વારા ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી. બનાસકાંઠા બેઠકમાં ચૌધરી અને ઠાકોર બંને જ્ઞાતિની વસ્તી મોટા પ્રમાણમાં છે તેમજ બંને જ્ઞાતિના લોકો મોટા પ્રમાણમાં મત આપવા બહાર આવ્યા છે. બનાસકાંઠામાં શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદાન વધુ થયું છે એ જોતાં લાગી રહ્યું છે કે આનો ફાયદો કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને થઈ શકે છે."

ગત ચૂંટણી કરતાં મતદાનમાં કેટલો વધારો થયો?

2024ની લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 પૈકી 25 બેઠક પર મતદાન થયું હતું. 7 મે, 2024ના દિવસે ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ કુલ 60.13 ટકા મતદાન થયું હતું. 2019ની લોકસભાની ચૂંટણીમાં 64.11 ટકા મતદાન થયું હતું.

2019ની સરખામણીએ 2024ની ચૂંટણીમાં 4 ટકા મતદાન ઘટ્યું છે, ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 72.71 ટકા નોંધાયું હતું જ્યારે બીજા નંબરે બનાસકાંઠા બેઠક ઉપર 69.62 ટકા મતદાન થયું હતું. 2019ની સરખામણીએ બનાસકાંઠા બેઠક પર 4.94 વધુ મતદાન નોંધાયું છે.

બનાસકાંઠાના મતવિસ્તારોમાં વાત કરીએ તો થરાદમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે.

  • દાંતામાં 71.47 ટકા
  • ડીસામાં 65.42 ટકા
  • દિયોદરમાં 71.11 ટકા
  • ધાનેરામાં 67.65 ટકા
  • પાલનપુરમાં 65.00 ટકા
  • થરાદમાં 78.70 ટકા
  • વાવમાં 69.43 ટકા

વધુ મતદાનાં કારણો અને મતદારોનો મિજાજ

બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "વધુ મતદાન થવા પાછળનાં કારણ બહુ સ્પષ્ટ છે. વડા પ્રધાન મોદીસાહેબને ત્રીજી વાર વડા પ્રધાન બનાવવાનું મન બનાસવાસીઓએ બનાવી જ લીધું છે."

"પ્રજા ભાજપને પ્રચંડ બહુમતીથી જિતાડે એ માટે કાર્યકરોએ લગાતાર સવા બે મહિના સુધી અથાગ પરિશ્રમ કર્યો, ઉપરાંત નવી પેઢીનો મતદાતા મતદાન પ્રત્યે વધુ સજ્જ થયો છે, એ પણ વધુ મતદાન માટેનું એક કારણ હોઈ શકે એવું મને લાગે છે."

તો બનાસકાંઠા લોકસભા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ મતદાન એ પરિવર્તન માટેનું મતદાન છે. આ લડાઈ એ ધનસત્તા સામે જનસત્તાની છે. લોકોએ સ્વયંભૂ બહાર આવીને મતદાન કર્યું છે. બનાસકાંઠાના લોકોએ સરકારી અને સહકારી ઍન્ટી ઇન્કમબન્સી સામે પૂરજોશથી મતદાન કર્યું છે તે સાબિત થાય છે."

ગેનીબહેનનો દાવો છે કે વધુ મતદાન એ તેમની તરફેણમાં છે. અને આ અંગે વાત કરતાં જણાવે છે, "લોકો મત લેવા પૈસા આપે છે. જ્યારે બનાસકાંઠાએ મને મત અને પૈસા બંને આપ્યા છે. તમામ પ્રકારના ભયમાંથી બહાર નીકળીને લોકોએ મતદાન કર્યું છે."

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજય નાયકે વધુ મતદાન અંગે જણાવ્યું હતું કે, "મતદાન વધુ થવા પાછળ બનાસકાંઠામાં ઠાકોર મતદારો વધુ હોવાનું કારણ છે, તેમજ ક્ષત્રિય આંદોલનની પણ અસર થઈ હોવાની વાત છે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં જે વિધાનસભા બેઠકો આવે છે જે પૈકી ગેનીબહેન ઠાકોરની વાવ વિધાનસભા બેઠક પણ છે જ્યાં કૉંગ્રેસનું વર્ચસ્વ જોવા મળે છે."

બનાસકાંઠાના મતદારો સાથે જ્યારે બીબીસીએ વાત કરી ત્યારે મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો હતો. અહીંના મતદારોનું કહેવું છે કે આ વખતની ચૂંટણીમાં બંને ઉમેદવારો મજબૂત હતાં અને પરિણામ પણ ચોંકાવી શકે છે.

કેટલાકનું માનવું છે કે ભાજપ જીતી શકે છે, તો કેટલાક કહે છે કે કૉંગ્રેસનું પાસું મજબૂત છે. એક મતદારે કહ્યું કે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે જે નિવેદન કર્યું છે, તેના પડઘા પણ બનાસકાંઠામાં પડ્યા છે.