You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારાં પદ્મિનીબા વાળા જ મતદાન કરવા કેમ ના ગયાં?
"મેં મતદાન કર્યું નથી. હું અત્યારે સામાજીક (કાર્યકર) છું. અમારે જે આંદોલનની લડાઈ સામાજીક રાખવાની હતી તે લડાઈને આજે રાજકારણમાં ફેરવી દેવામા આવી હતી. મેં એટલે જ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો."
આ શબ્દો છે ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારાં પદ્મીનીબા વાળાના. ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયા પછી બીબીસી ગુજરાતીના સંવાદદાતા તૈજસ વૈદ્યે તેમની સાથે વાતચીતમાં તેમણે આ વાત કરી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં પદ્મિનીબાએ જણાવ્યું, “આ લોકોએ આજે બહેનો-દીકરીઓની લડતને રાજકારણમાં ફેરવી નાખી છે, જે તદન ખોટું છે. મારી તો ત્યાં સુધી જ વાત હતી કે રૂપાલાભાઈનું ફૉર્મ રદ થાય, પરંતુ રૂપાલાભાઈ એ ફૉર્મ ભર્યું તે દિવસથી જ મેં હાર સ્વીકારી લીધી હતી. હાર એટલે કે હવે બીજૂં કંઈ થઈ શકે તેમ નથી તો પછી આ મુદ્દે રાજકારણ શું કામ?”
તેમણે ઉમેર્યું, "અમે શાંતિથી આંદોલન કરી રહ્યાં હતાં અને અમે સરકારી મિલકતોને કોઈ નુકશાન પહોંચડવા પણ ઇચ્છતાં નહોતાં. અમે કાયદાકીય રીતે તેમને (પરશોત્તમ રૂપાલાને) રોકી શકતાં નથી. અમે સંગઠન દેખાડ્યું હોત તો તેમણે માનવતાની દૃષ્ટીએ પોતાનુ ફૉર્મ પાછું ખેંચી જ લીધુ હોત."
સંકલન સમિતી વિશે પદ્મીનીબાએ શું કહ્યું?
"મને તો હવે આ લડત કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની જ લગી રહી છે. આ લડાઈ મહિલા સમ્માનની રહીં નથી.”
પદ્મીનીબાએ કહ્યું, "સંકલન સમીતિએ મહાસંમેલન કર્યાં નથી. આ મહાસંમેલનો સ્વયંભૂ થયાં હતાં. અમારા આંદોલનનું જે પરિણામ આવવાનુ હતું તેમાં સંકલન સમીતિ વચ્ચે પડી. રૂપાલાભાઈએ જ્યારે ફૉર્મ ભર્યું ત્યારે જ અમારે ભેગુ થવાની જરૂર હતી. તેઓ જ્યારે તેમને (રૂપાલાને) લડાઇ ન આપી શક્યા એટલે હવે ભાજપની પાછળ પડ્યા છે. પરંતુ ભાજપનો વિરોધ શું કામ? મોદીસાહેબે જે કામ કર્યાં છે તેને તો આપણે ધ્યાનમાં રાખવા જ જોઇએ. સંકલન સમિતીએ પહેલાં કહ્યું હતું કે ભાજપ સામે વેર નથી તો હવે શું કામ ભાજપ સામે વેર?"
"આ લડાઈ હવે 'કૉંગ્રેસપૂતો' આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલાં જે બહેના-દીકરીઓ માટે લડત લડી રહ્યા હતા તે ચહેરા હવે દેખાતા નથી. હવે માત્ર કૉંગ્રેસપૂતો જ દેખાઈ રહ્યાં છે. સંકલન સમીતિએ અમારા સરસ રીતે ચાલી રહેલા આંદોલનમાં બાધા ઊભી કરી હતી અને આજે સમાજનું નાક કપાવ્યું છે."
જોકે, સંકલન સમીતિએ આ આરોપોને ફગાવી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે ફેસબુક લાઇવમાં વાત કરતા સભ્યે જણાવ્યું, "બહેન પદ્મીનીબા અમારા સમાજનાં જ છે. અમે તેમનો આદર કરીએ છીએ. નારીની અસ્મિતા પર ઘા થયો હોય ત્યારે કોઈ પણ બહેનેને લાગી આવે અને વ્યક્તિ ઘણી વખત ભાવનામાં આવીને બોલવામા ઉતાવળ કરી શકે છે.
"અમારા સમાજનાં બહેનો ઘણીવાર આ કાવાદાવાને એક હદથી વધારે સમજી ન શકે તેવુ પણ બને. પદ્મીનીબાને ગેરમાર્ગે દોરવામા આવ્યાં હોય તેવું પણ બની શકે. તેઓ અમારા સમાજનાં જ છે અને આગળ અમે સાથે જ કામ કરીશું."
વિવાદની પૃષ્ઠભૂમિ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની વચ્ચે વર્ષ 2016માં નરેન્દ્ર મોદીએ પરશોત્તમ રૂપાલાને પોતાની કૅબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા હતા. લગભગ નૅપથ્યમાં જતા રહેલા રૂપાલાએ પછી રાજકીય મંચ ઉપર આવી ગયા હતા અને તેમની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી હતી.
આમ છતાં માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી સમયે તેમને અને મનસુખ માંડવિયા સહિત કેટલાક મંત્રીઓને ટિકિટ ન મળતાં એવી અટકળો વહેતી થઈ હતી કે તેમને લોકસભાના રસ્તે સાંસદ બનાવવામાં આવશે.
જોકે, પાર્ટીએ રૂપાલાને તેમના વતન અમરેલી તથા માંડવિયાને તેમના વતન ભાવનગરને બદલે અનુક્રમે રાજકોટ અને પોરબંદરની બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે વતનને બદલે 'પ્રમાણમાં વધુ સલામત' બેઠકો આપીને પાર્ટી બંને નેતાના વિજય સુનિશ્ચિત કરવા માગે છે.
જોકે, રાજકોટના ચૂંટણીપ્રચાર સમયે રૂપાલાએ પૂર્વ રાજવીઓ વિશે નિવેદન કર્યું હતું, જેના કારણે ક્ષત્રિયોનો એક વર્ગ નારાજ થઈ ગયો હતો અને તેમણે માગ કરી હતી કે રૂપાલા તેમની ઉમેદવારી પાછી ખેંચે.
આ મામલે બાદમાં રૂપાલા ઉપરાંત ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ માફી માગી હતી. પાટીલ, ગુજરાતમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નારાજ અગ્રણીઓને મનાવવા માટે પ્રયાસ કર્યા હતા. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તત્કાલીન નવાનગર સ્ટેટના પૂર્વ રાજવી શત્રુશલ્યસિંહ સાથે બેઠક કરીને કશું બોલ્યા વગર રાજકીય સંકેત આપવા માટે પ્રયાસ કર્યો હતો.
આ સિવાય માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, હકુભા જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈકે જાડેજા, પ્રદીપસિંહ જાડેજા જેવા નેતાઓએ નિવેદન બહાર પાડીને રૂપાલાને માફ કરી દેવા વિનંતી કરી હતી, પરંતુ ક્ષત્રિયોના એક વર્ગનો આક્રોશ શાંત નહોતો પડયો.
રાજપૂતો સૌરાષ્ટ્રની રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર બેઠક ઉપર નોંધપાત્ર વસતિ ધરાવે છે.
ગુજરાત જેવા મોટા રાજ્યમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠક જીતીને ભાજપ નવો કિર્તીમાન સ્થાપિત કરે છે કે રાજપૂતોનું આંદોલન તેમાં ગાબડું પાડશે, તે એક મહિનામાં સ્પષ્ટ થઈ જશે.