You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇફ્કોમાં ડિરેક્ટરપદ પર જયેશ રાદડિયાની જીત શું સી. આર. પાટીલ માટે પડકાર છે?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ભાજપના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કૉ-ઑપરેટિવ લિમિટેડ એટલે કે ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણી જીતી લીધી છે.
આ ચૂંટણી તેમણે ભાજપના મૅન્ડેટ વિરુદ્ધ જઈને જીતી છે તેથી તેની ગુજરાતના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ઘણી ચર્ચા થઈ રહી છે.
ભાજપે ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણી લડવાનો મૅન્ડેટ પક્ષના જ સહકારી સેલના ચૅરમૅન બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને આપ્યો હતો પરંતુ બિપિન ગોતા સામે જયેશ રાદડિયાએ ફૉર્મ ભર્યું અને ચૂંટણી જીત્યા.
કેટલાક જાણકારો જયેશ રાદડિયાની જીતને ભાજપની જ ગોઠવણ ગણાવે છે જ્યારે કેટલાક જાણકારો કહે છે કે જયેશ રાદડિયાની જીત એ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ માટે મોટો ઝાટકો છે.
કેટલાક જાણકારો કહે છે કે આ સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ સ્થાપવા માટેનો આ ખેલ છે કારણકે તેની સાથે કરોડોનું બજેટ જોડાયેલું છે.
ભાજપ આ મામલે વધુ કંઈ બોલવા તૈયાર નથી પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સત્તાધારી પાર્ટી પર નિશાન તાકવાની વધુ એક તક મળી ગઈ છે.
સી. આર. પાટીલે સહકારી ચૂંટણીઓ મામલે કોઈનું નામ આપ્યા વગર માત્ર એટલું જ કહ્યું કે "કેટલાક લોકો સહકારી ક્ષેત્રના બહાને વિરોધી લોકો સાથે ઇલુ-ઇલુ ચલાવતા હતા" તેને બંધ કરવા માટે પક્ષે મૅન્ડેટ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.
કૉંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ કહે છે કે "જયેશ રાદડિયાનો ભાજપ સામેનો આ વિદ્રોહ ન માત્ર પાટીલ સામે પરંતુ અમિત શાહ સામે મોટો પડકાર છે".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણી માટે કુલ 182 મતદાતાઓ હતા. જે પૈકી 180 મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. જેમાં જયેશ રાદડિયાને 113 મત જ્યારે કે બિપિન ગોતાને 67 મત મળ્યા.
ખોડલધામ સાથે સંકળાયેલા પંકજ પટેલ પણ આ રેસમાં હતા પરંતુ તેમણે તેમની ઉમેદવારી પરત ખેંચીને બિપિનભાઈ પટેલને ટેકો જાહેર કર્યો હતો છતાં રાદડિયા જીત્યા.
અમે આ મામલે પ્રતિક્રિયા લેવા માટે ઉમેદવાર બિપિન પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અમે જે ફોન પર તેમનો સંપર્ક કર્યો ત્યાં સામેથી જવાબ મળ્યો કે, 'હું તેમનો પીએ બોલું છું અને બિપિનભાઈ પાસે તમને કોલ કરાવું છું.'
જોકે, બાદમાં તેમનો કૉલ આવ્યો નહીં. અમે તેમનો વારંવાર સંપર્ક સાધવાની કોશિશ કરી પરંતુ સંપર્ક ન થઈ શક્યો.
જયેશ રાદડિયા શું ભાજપથી નારાજ હતા?
જાણકારો કહે છે કે જયેશ રાદડિયા ભાજપથી નારાજ ચાલતા હતા. પહેલાં તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ ન મળ્યું તેનો વસવસો તો હતો જ સાથે તેમણે આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાંથી ભાજપ પાસે ટિકિટ માગી હતી તે પણ ન મળી.
રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા બીબીસીના લાઇવ કાર્યક્રમમાં કહે છે, "પોરબંદરથી ભાજપે મનસુખ માડંવિયાને ટિકિટ આપી. હવે જો ભાજપે મનસુખ માંડવિયાને જિતાડવા હોય તો જયેશ રાદડિયાને સાથે લીધો જ છૂટકો હતો. જયેશ રાદડિયા પણ પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા માટેના દાવેદાર હતા પણ તેમને ટિકિટ નહોતી મળી. તેથી ભલે સી. આર. પાટીલે ઇફ્કોની ડિરેક્ટરપદ માટેની ચૂંટણી માટેનો મૅન્ડેટ બિપિન પટેલને આપ્યો હોય પરંતુ જયેશ રાદડિયાને પણ ભાજપના આશીર્વાદ હતા."
જગદીશભાઈ વધુમાં જણાવે છે, "જ્યારે જયેશ રાદડિયાએ ઇફ્કોની ચૂંટણી માટેનું ફૉર્મ ભર્યું ત્યારે અમિત શાહની જામકંડોરણા ખાતે સભા હતી. તે વખતે અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે પણ ગયા હતા. આમ એક તરફ અમિત શાહના અંગત માણસને મૅન્ડેટ આપીને તેને પણ રાજી કર્યા અને સાથે જયેશ રાદડિયાની જીત પાછળ પણ તેમના આશીર્વાદ હતા."
"સી. આર. પાટીલને એમ હતું કે અમિતભાઈના ખાસ વ્યક્તિને ટિકિટ આપીને તેમની ગુડબુકમાં વધુ સારું નામ લખાવું પણ તેમ ન થયું. પાટીલની આ ચાણક્યની ચાલ હતી પણ તે જયેશ રાદડિયાના સંદર્ભમાં મોટી ભૂલ હતી. જે પાછળથી ભાજપે સુધારી લીધી. આ ભાજપની આંતરિક રમત છે. જીતનારા ભાજપના જ નેતા છે કોઈ બહારના નહીં."
શું આ રાજકોટ અને સુરત લૉબીની લડાઈ છે?
રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ જણાવે છે કે પહેલાંથી જ ભાજપની રાજકોટ અને સુરતની લૉબી વચ્ચે અંટસ છે.
તેઓ કહે છે, "જયેશ રાદડિયાની જીત ભાજપ માટે આંખ ઉઘાડનારી છે. ભાજપના નેતાઓએ વર્ચસ્વ વધારવા માટે આ પ્રકારની લાલિયાવાડી બંધ કરવી જોઈએ નહીંતર પાટીલના વળતા પાણીની શરૂઆત થઈ જશે."
રાજકીય વિશ્લેષક સુનીલ જોશી કહે છે, "પાટીલ પોતાનું પ્રભુત્વ વધારવા ગયા પરંતુ લાગે છે કે અમિત શાહે પડદા પાછળ જયેશ રાદડિયાને જિતાડીને તેમનું મહત્ત્વ ઘટાડી દીધું. જયેશ રાદડિયા અગાઉ ઇફ્કોમાં બે વખત ડિરેક્ટર રહી ચૂક્યા છે તો આ વખતે બિપિન પટેલને મૅન્ડેટ આપવાની કેમ જરૂર પડી?"
જગદીશ મહેતા કહે છે, "પાટીલનો ઇરાદો હતો કે સહકારી ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના નેતાઓનો દબદબો છે તેના પર કાપ મુકવામાં આવે. ભાજપને ખબર હતી કે જયેશ રાદડિયાને હરાવી શકાય તેમ નથી કારણકે ગણિત તેમની તરફેણમાં હતું. હવે જયેશ રાદડિયાનો દબદબો વધુ મજબૂત થશે. પાટીલ માટે સંકેત એ છે કે દરેક નેતાઓને તમારી ફૂટપટ્ટીથી ન માપવા જોઈએ. પાર્ટીમાં બીજા પણ મહત્ત્વના લોકો છે. દરેક વખતે તમારી ગણતરી સાચી પડે તે જરૂરી નથી."
આ મામલે પાટીલે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેમણે જણાવ્યું હતું, "સહકારી ક્ષેત્ર એક પ્રક્રિયા છે જેમાં ભાજપના પોતાના નિયમો છે. જે પૈકી એક એ છે કે બને ત્યાં સુધી એક કરતા વધુ હોદ્દો કોઈની પાસે ન હોવો જોઈએ. છતાં રાજ્યમાં બે ત્રણ બનાવો આવા બન્યા હશે. 349 ચૂંટણીઓ ભાજપના મૅન્ડેટના આધારે જીતી છે. કેટલાક લોકો સહકારના નામે ઇલુ-ઇલુ કરતા હતા. અલગ-અલગ પાર્ટીઓ સાથે મેળાપિપણામાં પાર્ટીને નુકસાન કરતા હતા જેને કારણે અમે મૅન્ડેટ પ્રક્રિયા સ્વીકારી છે. ભાજપના આગેવાનો સારો વહીવટ આપે છે."
સુનીલ જોશી કહે છે, "જયેશ રાદડિયા પાસે સૌરાષ્ટ્રના 95 મતો એવા હતા જે તેમના સમર્થકો હતા. હવે તેમને 113 વોટ મળ્યા. જેનો અર્થ એ થયો કે સૌરાષ્ટ્રની બહારના લોકોએ પણ તેમને વોટ આપ્યા છે. અમદાવાદથી પણ તેમને સમર્થન મળ્યું છે. જે બતાવે છે કે તેમને અમિત શાહનું પડદા પાછળનું સમર્થન છે. તેમના છૂપા આશીર્વાદ વગર તેમની જીત શક્ય નહોતી."
ઇલુ-ઇલુ અંગેના પાટીલના નિવેદન પર સંઘાણીના પ્રહાર
જાણકારો કહે છે કે ઇફ્કોની ચૂંટણીને કારણે હવે ઇફ્કોના ચૅરમૅન બનેલા દિલીપ સંઘાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વચ્ચે ખટરાગ ઊભો થાય તેવા સંજોગો પેદા થયા છે.
સી. આર. પાટીલે જે પ્રકારે આરોપ લગાવ્યા કે સહકારી ક્ષેત્રમાં કેટલાક આગેવાનો વિરોધી નેતાઓ સાથે ઇલુ-ઇલુ કરતા હતા તેનો ઇફ્કોમાં હાલમાં જ ચૅરમૅનપદે ચૂંટાઈ આવેલા દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો છે.
દિલીપ સંઘાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ ચૂંટણીને કારણે સહકારી ક્ષેત્રમાં લોકશાહીનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે."
પાટીલના "ઇલુ-ઇલુ"વાળા નિવેદનની પ્રતિક્રિયા આપતા સંઘાણીએ કહ્યું હતું, "સવારે કૉંગ્રેસમાં હોય અને સાંજે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં હોય તો એ ઇલુ-ઇલુ નથી?"
જયેશ રાદડિયાએ ભાજપના મૅન્ડેટ વિરુદ્ધ જઈને પક્ષ સાથે બળવો કર્યો છે તેવી મીડિયામાં ચાલતી અટકળોને પણ ખોટી ગણાવી.
તેમણે કહ્યું, "જયેશ રાદડિયા ભાજપના જ ધારાસભ્ય છે અને તે ભાજપ માટેનું કામ જ કરવાના છે."
જયેશ રાદડિયાએ પણ કહ્યું, "હું ભાજપમાં જ છું."
તેમણે આ મામલે વધુ કોઈ ફોડ પાડ્યો નથી. પણ તેમનો ફેબ્રુઆરી 2020નો એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જામખંડોરણામાં એક સભાને સંબોધિત કરી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ કહે છે, "આ મારા પિતાજીએ વાવેતર કર્યું છે અને તેને લણવાનો મને પૂરેપૂરો અધિકાર છે. શું તમે બીજાકોઈને તમારી ખેતી લણવા દેશો?"
આ આખા પ્રકરણ મામલે ભાજપના પ્રવક્તાઓને સંપર્ક સાધ્યો તો તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો.
ઇફ્કોનું 60,000 કરોડનું ટર્નઓવર
જાણકારો કહે છે કે બધાની નજર ઇફ્કોના 60 હજાર કરોડના ટર્નઓવર પર છે. દિલીપ સંઘાણી હવે ઇફ્કોના ચૅરમૅન બની ગયા છે અને જયેશ રાદડિયા ડિરેક્ટર. જાણકારો કહે છે કે દિલીપ સંઘાણી જયેશ રાદડિયાના સહકારથી જ ચૅરમૅન બની શક્યા અને જયેશ રાદડિયાને ભલે પક્ષે મૅન્ડેટ નહોતો આપ્યો પરંતુ તેમને દિલીપ સંઘાણીનો ટેકો હતો.
જગદીશ મહેતા કહે છે, "જ્યારે જયેશ રાદડિયા બસ ભરીને તેમના સમર્થકો સાથે ચૂંટણી માટે જતા હતા ત્યારે તેમાં દિલીપ સંઘાણી પણ હતા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ હતા. એટલે તેમને ભાજપના ઘણા નેતાઓનું સમર્થન હતું. હવે તેમની સામે ત્યારે શિસ્તભંગના પગલાં કેમ નહીં લેવાયા જ્યારે તેમણે ચૂંટણી માટે ફૉર્મ ભર્યું? જે બતાવે છે કે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી ભાજપના પોતિકા જ છે."
સુનીલ જોશીનું માનવું છે, "સહકારી ક્ષેત્ર એક મોટી આર્થિક સત્તા છે. તેમાં બેઠેલી વ્યક્તિનું કદ રાજકીય નેતાઓ કે સરકારમાં બેઠેલા મંત્રીઓના કદ કરતા વધારે છે."
સુનીલ જોશી કહે છે કે જ્યારે જયેશ રાદડિયા પાસે મંત્રીપદ છીનવાયું હતું ત્યારે તેમને સહકારી ક્ષેત્ર સંભાળવાનું કહેવાયું હતું.
તેઓ આ મામલે વધુ જાણકારી આપતા કહે છે, "હવે તમે અચાનક તેમને કહી દો કે તમારે ઇફ્કોની ચૂંટણીમાં નથી ઝંપલાવવાનું તો તેમને કેવું લાગે? તેમને મૌખિક રીતે ફૉર્મ ભરવાની ના પાડી હતી. તેમ છતાં તેમણે ફૉર્મ ભર્યું અને ચૂંટણી જીત્યા. જે બતાવે છે કે તેમના પર અમિત શાહના હાથ હોવા જોઈએ."
જોકે દિલીપ સંઘાણી આ ચૂંટણી મામલે અમિત શાહનો કોઈ હાથ હોવાનો ઇન્કાર કરે છે. તેમનું કહેવું છે કે તેઓ આ પ્રકારની ચૂંટણીમાં પડતા નથી.
અમરેલી ભાજપના નેતા અને દિલીપ સંઘાણીના નજીકના મનાતા ડૉ. ભરત કાનાબાર કહે છે, "સહકારી ક્ષેત્રની ચૂંટણી પક્ષનાં ચિન્હો પર નથી લડાતી. તેમાં મૅન્ડેટ આપવાનું કામ છેલ્લાં કેટલાંક વર્ષોથી શરૂ થયું છે. પણ તે કોને આપવામાં આવે છે અને કોને નહીં તે કહેવા માટે હું યોગ્ય વ્યક્તિ નથી."
કૉંગ્રેસ અને આપનું શું કહેવું છે?
કૉંગ્રેસ નેતા મનહર પટેલનું કહેવું છે કે જયેશ રાદડિયાની જીતને કારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું ઘમંડ ચકનાચૂર થયું છે.
તેઓ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે,"ઇફ્કોની ડિરેક્ટરપદની ચૂંટણી માટે 182 મતદારો હતા. તે પૈકી ભાજપના મૅન્ડેટ પ્રાપ્ત નેતાને માત્ર 67 વોટ મળ્યા જ્યારે ભાજપના મૅન્ડેટ સામે ઊભા રહેલા ઉમેદવાર જયેશ રાદડિયાને 113 વોટ મળ્યા. જે બતાવે છે કે ભાજપની હાર થઈ છે."
જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જયેશ રાદડિયાની જીત થવી એ ભાજપની હાર છે અને ખેડૂતની જીત છે.
આપના નેતા સાગર રબારી કહે છે, "જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખેડૂતો માટે ઘણું કામ કર્યું અને જયેશ પણ તેમના જ રસ્તા પર છે. ભાજપની જે ઉમેદવાર પર પકડ હતી તેની સામે ઊભા રહીને જયેશ રાદડિયાએ જે હિંમત દેખાડી છે તે બતાવે છે કે ભાજપની સહકારી ક્ષેત્રમાં મૅન્ડેટ આપવાની પરંપરાને બ્રેક લાગી છે."
"ભાજપનો આદેશ કોઈ ઉવેખી ન શકે તેવી માન્યતા હતી તે માન્યતા હવે તૂટી રહી છે. જયેશભાઈએ ખેડૂતોને જિતાડ્યા છે અને ભાજપને હરાવ્યો છે."
ભાજપના પ્રવક્તાએ આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.