ગુજરાત : મધમાખી ઉછેરીને તગડી કમાણી કઈ રીતે કરી શકાય અને સરકારી સહાય કેવી રીતે મળે?

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"આજે મારી પાસે મધમાખીની 5000 પેટીઓ છે."

"હું આખા રાજ્ય અને દેશમાં આ પેટી/કૉલોની લઈને જાઉં છું. હું રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કાઠિયાવાડ વગેરે જગ્યાએ જ્યાં ફૂલ સારાં હોય ત્યાં મધમાખીની પેટી લઈને ફરું છું."

"આ વર્ષે હું જમ્મુ-કાશ્મીરમાં પેટી લઈ ગયો હતો. જમ્મુ કાશ્મીરમાં સરસ ફૂલો આવે છે અને મધમાખીને મધ ભેગું કરવામાં સરળતા રહે છે. મધમાખી ફરીફરીને મધ ભેગું કરે છે અને પછી પેટીમાં પરત આવી જાય છે."

આ શબ્દ છે નવસારીના ચીખલી ગામના અશોકભાઈ પટેલના. તેઓ કહે છે કે, "મારી 5000 પેટીમાં 15-20 કરોડ માખીઓ છે. હું આ વર્ષે 2 લાખ કિલો મધ ભેગું કરીશ જેનાથી 4 કરોડનું ટર્નઓવર થશે."

મધમાખીઉછેરના વ્યવસાયમાં તગડી કમાણી કરનારા કેટલાય લોકો છે.

બનાસકાંઠાના પંકજભાઈ દેસાઈ વર્ષ 2015થી મધમાખી ઉછેરે છે. તેઓ કહે છે, "મેં કૉલેજ પૂરી કર્યા બાદ આ કામ શરુ કર્યું. ત્યારે આજની જેમ પૂરતું માર્ગદર્શન પણ ઉપલબ્ધ નહોતું."

મધમાખી-પાલનમાં ન તો જમીનની જરૂર છે કે ન તો ખેતરમાં પાક હોવો જરૂરી છે. એક વ્યક્તિ પેટીમાં મધમાખી રાખીને એને ઉછેરી શકે છે. આ માટે સરકાર તરફથી મફતમાં તાલીમ અને સબસિડી પણ મળે છે.

પંકજભાઈ કહે છે કે, "આજે મારી પાસે મધમાખીઓની 1100 પેટી છે. તેમાંથી વાર્ષિક 30 હજાર કિલો મધનું ઉત્પાદન થાય છે. એક પેટીમાંથી 40-55 કિલો મધ નીકળે છે. આમાંથી મારો વાર્ષિક નફો 15-20 લાખ રહે છે. "

તેઓ પણ સારાં ફૂલો માટે સોમનાથથી લઈને કાશ્મીર સુધી જતા હોવાનું જણાવે છે.

મધમાખી-પાલન કેવી રીતે કરી શકાય?

બનાસકાંઠાના ખેડૂત પંકજભાઈ દેસાઈ મધમાખીના ઉછેર અંગે વિસ્તૃતમાં વાત કરતાં જણાવે છે, "મધમાખીઉછેર માટે જમીનની જરૂર નથી હોતી. તેના માટે ફક્ત મધપેટી રાખવા માટેની જગ્યાની જોઈએ. મધમાખીના ઉછેર માટે વ્યક્તિએ ખેડૂત હોવું પણ જરૂરી નથી અને તેમના નામે જમીન હોવી પણ ફરજીયાત નથી."

મધમાખીઉછેરનું પહેલું પગલું છે કે મધમાખીની પેટી ખરીદવી. એક પેટીમાં હજારો મધમાખીઓ હોય છે. આ પેટીમાં મધમાખી મૃત્યુ પામતી જાય અને બીજી મધમાખીનો જનમ થતો જાય. એટલે એક વાર ખરીદેલી પેટી વર્ષો ચાલે છે, તેને વારંવાર ખરીદવાની જરૂર નથી હોતી.

પંકજભાઈ કહે છે, "અમે આ બૉક્સને જ્યાં પણ ઋતુ પ્રમાણે મધમાખીને યોગ્ય ખેતી થતી હોય ત્યાં લઈને ત્યાં લઈને જઈએ અને ખુલ્લી જગ્યામાં મૂકી દઈએ. આ માખીઓ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ફરીને મધ એકઠું કરે છે."

આ પેટી સરકારની ખુલ્લી જમીનમાં પણ મુકાય અને ખેડૂતના ખેતરમાં પણ મૂકી શકાય.

"જયારે મધઉછેર પ્રચલિત નહતો ત્યારે ખેડૂતો મધમાખીને ખેતરમાં મૂકતાં ખચકાતા, કેમકે તેમને એમ હતું કે કદાચ પાકને નુકસાન પહોંચાડશે. જોકે, હવે તેમને ખબર પાડવા લાગી છે કે મધમાખીના ખેતરમાં હોવાથી પાકના ઉત્પાદનમાં 20-30 ટકા વધી જાય છે. એટલે હવે ખેડૂત સામેથી મધમાખીને ખેતરમાં મૂકવા માટે કહે છે."

ખેતરમાં સામાન્ય રીતે રાયડો, સુવા, અજમો, એરંડો વગેરેના ફૂલો હોય તેના પર મધમાખી છોડવામાં આવે છે. અહીંથી મધમાખીઓ એનો રસ એકઠો કરે છે અને પછી પેટીમાં પરત ફરે છે.

પંકજભાઈ સમજાવે છે કે આ માટે જાન્યુઆરીમાં વર્ષ શરૂઆત રાયડાના પાકથી થાય છે, જે 2.5 મહિના ચાલે. જેવી રાયની ઋતુ પુરી થાય એટલે સુવાની ખેતી શરુ થાય. ત્યાં સુધી ચોમાસું આવી જાય. ચોમાસામાં ચોતરફ હરિયાળી હોય પરંતુ ફૂલ ન હોય, તેથી તે મહિના આરામ માટે હોય. ત્યારે જો મધમાખી માટે મધ ખૂટી જાય તો ખાંડનું પાણી આપવું પડે.

એ બાદ તેઓ તલની ખેતી માટે જૂનાગઢ તરફ વળે. એ બાદના દસ મહિના અજમો અને એ પછી ફરીથી રાયડો. આમ, આખા વર્ષમાં ચારથી પાંચ વખત મધ મેળવી શકાય.

વર્ષનું 50ટકા મધ રાયડામાંથી મળે છે અને રાયડાની સિઝન મધઉછેર માટે આ બહુ મહત્ત્વની માનવામાં આવે છે.

મધમાખી મધ કેવી રીતે બનાવે છે?

આ વિશે વાત કરતા દાંતીવાડા કૉલજના વનવિભાગના પ્રોફેસર અભિષેક મહેતા સમજાવે છે કે, "મધમાખીના કુટુંબમાં ત્રણ સભ્ય છે. એકનું નામ છે વર્કર, જે કામ કરે, બીજી મધમાખી - ડ્રોન, જે કદમાં થોડી મોટી છે અને તે ડંખ નથી મારતી, અને ત્રીજી છે, રાણી અથવા માદા. 20,000થી 30,000 મધમાખીની કૉલોનીમાં એક જ રાણી હોય છે અને 300થી 400 નર હોય છે."

એક પેટી અથવા કૉલોનીમાં 12,000થી 30,000 મધમાખી હોય છે. આ મધમાખી પેટીમાં મધ ઉપર જીવે છે.

ઘણીવાર એવું પણ થતું હોય છે કે પેટીની અંદર મધમાખી પાસે પૂરતું મધ ના હોય અને તે મરવા લાગે. ત્યારે ખેડૂતો ખાંડનું સિરપ બનાવીને પેટીમાં રાખે છે જેથી કરીને તેનું સ્વાસ્થ્ય સારું છે.

પ્રોફેસર મહેતાના મતે મધમાખીના ઉછેર કરતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે એક જગ્યામાં કેટલું પરાગનયન શક્ય છે અને તે જગ્યાએ ફૂલો કેટલાં છે? એક હેક્ટરમાં મધમાખીની બેથી ત્રણ પેટી રાખી શકાય.

આ પેટીની અંદર મધપૂડો હોય છે, જેમાં મધ હોય છે જેની ઉપર મધમાખી જીવે છે.

વૈજ્ઞાનિક રીતે મધમાખીપાલન કરીને મધ, પરાગ તેમજ અન્ય પેદાશો મેળવીને તેમાંથી આવક મેળવી શકાય છે.

મધમાખીપાલન માટે મધમાખીને ઉપયોગી હોય તેવાં વૃક્ષો કે ખેતીના પાકનાં ફૂલો કે જે મધમાખીને ઉપયોગી પુષ્પરસ તેમજ પરાગ પૂરાં પડી શકે તેની હાજરી પૂરતા પ્રમાણમાં હોવી જરૂરી છે.

આ પ્રવૃત્તિ થકી મધ તેમજ અન્ય મધમાખીની પેદાશો તો મળે જ છે, આ ઉપરાંત પરાગનયન વડે ખેતીના પાકમાં ઉત્પાદન પણ વધારી શકાય છે.

પ્રોફેસર મહેતા જણાવે છે કે દિવસ દરમિયાન મધમાખી હજારોની સંખ્યામાં એક જ જાતિનાં ફૂલોની મુલાકાત લે છે, જે પુષ્પરસ અને પરાગ ભેગાં કરે છે અને પરાગરજને એક ફૂલથી બીજા ફૂલ સુધી લઈ જઈ પરાગનયનની પ્રક્રિયામાં મહત્ત્વનો ફાળો આપે છે.

સરકાર કઈ સહાય આપે છે?

ગુજરાત સરકારના બાગાયતી વિભાગના નાયબ નિયામક ડી.કે. પાડલિયા બીબીસીને જણાવે છે કે, "મધમાખીઉછેર માટે સરકારી સહાય માટેનું પહેલું પગલું એ છે કે વ્યક્તિએ મધમાખીના ઉછેર માટે કોઈ સરકારી સંસ્થામાં તાલીમ લીધેલી હોવી જોઈએ."

"આ તાલીમ 2-4 દિવસની હોય છે અને સરકાર દ્વારા મફતમાં આપવામાં આવે છે."

"એ બાદ ખેડૂત ઓનલાઇન અરજી કરવા પાત્ર છે. આ યોજના અંતર્ગત ખેડૂતને એક પેટી પર 50 ટકાની સહાય મળે છે. મધમાખીની એક પેટી રૂપિયા 4000ની હોય છે, 50 ટકાની સબસિડીએ એટલે કે રૂપિયા 2000 આપવામાં આવે છે."

આ જ રીતે, એક ખેડૂત તેમના જીવનમાં 50 પેટી પર સબસિડી લઈ શકે છે.

અશોકભાઈ કહે છે કે, "મેં પહેલાં ખાદી ગ્રામઉદ્યોગમાંથી તાલીમ લીધી હતી. ત્યાર બાદ મેં 2009-2010થી મધમાખીઉછેરનું કામ શરુ કર્યું હતું. બે વર્ષ સુધી તો મને કશું નહતું મળ્યું, પરંતુ ધીરે ધીરે નફો થવા લાગ્યો. જયારે હું દૂર સુધી મધની પેટીઓ લઈ જતો હતો ત્યારે ઘણીવાર ગરમીથી મધમાખી મૃત્યુ પામતી હતી. તેથી મેં હવે એક નાની એસી બસ ખરીદી છે. આ બસ ખરીદવા માટે મને સરકાર તરફથી 13 લાખની સહાય મળી છે."

ભારતમાં મધનું ઉત્પાદન

મધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 8મા ક્રમે છે. ભારત મધની નિકાસ કરે છે અને ભારતનું મધનું જર્મની, અમેરિકા, યુકે, જાપાન, ફ્રાન્સ, ઇટાલી, અને સ્પેન જેવા દેશો મોકલવામાં આવે છે.

2017માં 'મીઠી ક્રાંતિ'ના નામે 'મધ મિશન' પ્રોગ્રામ લૉન્ચ કરાયો હતો. આ કાર્યક્રમ ખાદી અને ગ્રામોદ્યોગપંચ અંતર્ગત રાખવામાં આવ્યો હતો.

આ યોજના મધમાખીઉછેરને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી પહેલ હતી, જે 'મધમાખીઉછેર' તરીકે જાણીતી છે.