અજિત પવાર અને તેમના સાથીઓ પરના ભ્રષ્ટાચારના કેસોમાં હવે શું થશે?

    • લેેખક, માનસી દેશપાંડે
    • પદ, બીબીસી માટે

2 જુલાઈના રોજ મહારાષ્ટ્રમાં એક નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમ હેઠળ અજિત પવાર સહિત એનસીપીના 9 ધારાસભ્યો ભાજપ-શિવસેના (શિંદે) જૂથની સરકારમાં સામેલ થયા.

રસપ્રદ એ છે કે ભાજપે અજિત પવાર સહિત આ ધારાસભ્યો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

પરંતુ અજિત પવાર હવે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી બન્યા છે, સાથે જ તેમણે અન્ય ધારાસભ્યોને પણ મંત્રી બનાવાયા છે.

જોકે તેમાંથી કેટલાક નેતાઓ પાછળ તપાસ એજન્સીઓ લાગેલી હતી.

શરદ પવારનું જૂથ છોડીને સરકારમાં સામેલ થયેલા આ નેતાઓ પર કયા કયા આરોપ લાગતા રહ્યા છે?

અજિત પવાર પર કયા કેસ હતા?

અજિત પવાર હવે એકનાથ શિંદેની સરકારમાં ઉપમુખ્ય મંત્રી છે.

તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગતા આવ્યા છે અને અજિતદાદા ચક્કી પિસિંગ જેવાં નિવેદનો આપનારા દેવેન્દ્ર ફડણવીસના બરાબરમાં ઉપમુખ્ય મંત્રી તરીકે સરકારમાં સામેલ થયા છે.

જોકે ભાજપ તરફથી તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવાયા હતા, પરંતુ ખાંડની મિલોમાં ભ્રષ્ટાચાર સંબંધિત કેસોની તપાસમાં ઈડી (ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)નો સંકજો તેમના પર કસવા લાગ્યો હતો.

ગત વર્ષે માર્ચ મહિનામાં આવક વેરા વિભાગના ઉપમુખ્ય મંત્રી અજિત પવારના સંબંધીઓના ઘર પર છાપા માર્યા હતા. એટલું જ નહીં આવકવેરા વિભાગે કેટલીક સંપત્તિઓ જપ્ત પણ કરી હતી.

અજિત પવાર સંબંધિ જરંદેશ્વર ખાંડની મિલ પર પણ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મામલામાં અજિત પવાર પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યા હતા. સોમૈયાએ કહ્યું હતું કે અજિત પવારનો આર્થિક કારોબાર ઘણો અદભુત છે.

કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યા હતા કે બિલ્ડરો પાસે તેમના અને તેમના સંબંધીઓના ખાથામાં 100 કરોડથી વધુની બેનામી સંપત્તિ છે.

રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોએ સિંચાઈ કૌભાંડ મામલામાં અજિત પવારને ક્લીનચિટ આપી હતી.

પરંતુ, મે-2020માં ઈડી વિભાગે વિદર્ભ સિંચાઈ કૌભાંડ મામલાની નવેસરથી તપાસ શરૂ કરી હતી.

અજિત પવાર સાથે તેમના પુત્ર પણ સંકજામાં હતા

આ બધાની સાથે અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની પર પણ આવકવેરા વિભાગે છાપા માર્યા હતા.

આવકવેરા વિભાગે એ દાવો કર્યો હતો કે અજિત પવારના સંબંધીઓ પર થયેલી આ છાપામારીમાં 184 કરોડ રૂપિયાની બેનામી આર્થિક લેવડદેવડ વિશે માલૂમ થયું હતું.

એપ્રિલ-2023માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર રાજ્ય સહકારી બૅન્ક કૌભાંડના કેસમાં ઈડીએ અજિત પવાર અને સુનેત્રા પવાર સાથે જોડાયેલી એક કંપની વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું.

પરંતુ એમાં અજિત પવાર અને સુનેત્રા પવારનું નામ સામેલ ન હતું. ત્યાર બાદ જ એનસીપીમાં બળવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

આ ખબર સામે આવ્યા બાદ અજિત પવારે સાર્વજનિક રીતે પોતાનું સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું.

છગન ભુજબળને 2 વર્ષ સુધી જામીન નહોતા મળ્યા

છગન ભુજબળ પર 2014 પછી જ તપાસ એજન્સીઓ સંકજો કસી રહી હતી.

માર્ચ-2016માં તેમની નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન નિર્માણમાં કથિત ગેરરીતિ અને બિનહિસાબી સંપત્તિ જમા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ તેમને મુંબઈની આર્થર રોડ જેલ મોકલી દેવાયા હતા. ઘણી કોશિશો છતાં પછીના 2 વર્ષ સુધી તેમને જામીન મલ્યા નહોતા.

જોકે, સપ્ટેમ્બર-2021માં છગન ભુજબળને મહારાષ્ટ્ર સદનની કથિત ગેરરીતિના મામલામાં છોડી દેવાયા હતા.

બોમ્બે સેશન કોર્ટના છગન ભુજબળ સહિત 6 આરોપીઓને છોડવામાં આવ્યા હતા. જોકે ઍન્ટિ કરપ્શન બ્યૂરોએ કથિત મહારાષ્ટ્ર સદન ગેરરીતિ મામલામાં ભુજબલ અને તેમના પરિવાર વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે.

આ મામલા સિવાય છગન ભુજબળ અને તેમની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ અલગ-અલગ મામલા દાખલ છે અને તેની સુનાવણી પડતર છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક રિપોર્ટ અનુસાર ઈડીએ મની લૉન્ડ્રિંગનો આરોપ લગાવી તેમની વિરુદ્ધ અલગ કેસ દાખલ કર્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં એક સામાજિક કાર્યકર્તાએ 2021ના અદાલતી આદેશ વિરુદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી જેના પર સુનાવણી પડતર છે.

ભુજબળ વિરુદ્ધ મુંબઈ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં ઍન્ટિ કરપ્શન બ્યૂરોનો એક મામલો વિશેષ અદાલતમાં પડતર છે.

હસન મુશ્રીફ

જાન્યુઆરી 2023માં ઈડીએ કોલ્હાપુરમાં એનસીપી નેતા હસન મુશ્રીફના આવાસ અને ફૅક્ટરી પર છાપો માર્યો હતો.

ધારાસભ્ય હસન મુશ્રીફ પર કોલ્હાપુરના કાગલમાં એક સુગર ફૅક્ટરીને ગેરકાનૂની રીતે ચલાવવાનો આરોપ હતો.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે હસન મુશ્રીફના જમાઈ અને ખુદ મુશ્રીફે આ ફૅક્ટરી મારફતે 100 કરોડનું કૌભાંડ કર્યું છે.

માર્ચ 2023માં હસન મુશ્રીફ અને તેમના સીએની ઈડીએ કચેરીમાં બોલાવી પૂછપરછ કરી.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મુશ્રીફની ધરપકડ પહેલાંની જામીન અરજી એપ્રિલમાં એક વિશેષ અદાલતે ખારીજ કરી દીધી હતી.

ત્યાર બાદ બૉમ્બે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો. કોર્ટે તેમની વચગાળાની રાહત આપી હતી, જેની સમયસીમા ગત સપ્તાહે લંબાવીને 11 જુલાઈ કરી દેવામાં આવી હતી.

તેમના ત્રણેય પુત્રની ધરપકડ પૂર્વના જામીનની અપીલ વિશેષ અદાલતમાં પડતર છે.

અદિતિ તટકરે

અદિતિ તટકરે એનસીપી નેતા સુનીલ તટકરેનાં દીકરી છે.

રિપોર્ટ્સ અનુસાર સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિ કરપ્શન બ્યૂરો, અજિત પવારની સાથે સુનીલ તટકરેની પણ તપાસ કરી રહી હતી.

વર્ષ 2017માં એસીબી દ્વારા દાખલ આરોપપત્રમાં તટકરે નામનો ઉલ્લેખ કરાયો હતો.

જોકે એ સમયે તેમનો ઉલ્લેખ આરોપી તરીકે નહોતો કરવામાં આવ્યો.

અધિકારીઓનું કહેવું હતું કે ત્યાર બાદ અલગથી આરોપપત્ર દાખલ કરાશે.

આ મામલે ઈડીએ 2022માં તટકરે વિરુદ્ધ પ્રારંભિક તપાસ શરૂ કરી હતી.

ધનંજય મુંડે

2021માં એક મહિલાએ ધનંજય મુંડે વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યાર બાદ તેમણે આ ફરિયાદ પરત લઈ લીધી હતી.

પ્રફુલ્લ પટેલ

પ્રફુલ્લ પટેલે 2 જુલાઈના રોજ શપથ લીધા નહોતા, પરંતુ તેઓ શપથગ્રહણ સમારોહમાં હાજર હતા.

યુપીએની કેન્દ્ર સરકાર દરમિયાન પ્રફુલ્લ પટેલે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હતા.

તેમના મંત્રીપદના કાર્યકાળ દરમિયાન જ 2008-09માં એવિએશન લૉબિસ્ટ દીપક તલવાર વિદેશી ઍરલાઇન્સની મદદ કરી રહ્યા હતા.

તેમણે ત્રણ આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ માટે કેટલીક વધુ કમાણીવાળો હવાઈમાર્ગ સુરક્ષિત કર્યા હતા. તેના માટે દીપક તલવાર 272 કરોડ રૂપિયા મળ્યા હતા.

તેમાં ઍર ઇન્ડિયાને ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તમામ લેવડદેવડ પ્રફુલ્લ પટેલના કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન થઈ હતી.

તેની સાથે જ 70 હજાર કરોડ રૂપિયાનાં 111 વિમાનોની ખરીદી અને ઍર ઇન્ડિયા તથા ઇન્ડિયન ઍરલાઇન્સના વિલયના મામલાની તપાસ ઈડી કરી રહી હતી.

આ મામલામાં ઈડીએ જૂન-2019માં પ્રફુલ્લ પટેલને નોટિસ ફટકારી હતી. તેમને પૂછપરછ માટે પણ બોલાવાયા હતા.

શિંદે સાથે ગયેલા શિવસેનાના ધારાસભ્યો પર પણ તપાસ એજન્સીનો સકંજો

2022માં મહાવિકાસ અઘાડી બહાર થવા માટે એકનાથ શિંદેએ જ્યારે બળવો કર્યો હતો ત્યારે તેમની સાથે પણ આવા ધારાસભ્યો સામેલ હતા, જેમના પર તપાસ એજન્સીઓનો સંકજો કસાઈ રહ્યો હતો.

એક નજર એ નેતાઓ પર પણ જેઓ તપાસ એજન્સીઓના સંકજાથી બચવા માટે શિંદે સાથે ગયા હતા.

પ્રતાપ સરનાઇક

સરનાઇક નેશનલ સ્પૉટ ઍક્સચેન્જ લિમિટેડ (એનએસસીએલના) કથિત કૌભાંડના સિલસિલામાં ઈડીના રડાર પર હતા.

તેમની સંપત્તિ ઈડીએ જપ્ત કરી હતી. આ મામલામાં આસ્થા ગ્રૂપે વિહંગ આસ્થા હાઉસિંગને 21.74 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ઈડીએ દાવો કર્યો કે વિહંગ એન્ટરપ્રાઇઝ અને વિહંગ ઇમ્ફ્રાને 11.35 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ બંને કંપનીઓનું નિયંત્રણ પ્રતાપ સરનાઇક પાસે છે.

ઈડીની કાર્યવાહી બાદ સરનાઇકે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.

તેમાં સરનાઇકે કહ્યું હતું, “જો કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સત્તામાં સાથે રહીને પોતાના જ કાર્યકર્તાઓને તોડી રહ્યા છે અને પોતાની પાર્ટીને નબળી કરી રહ્યા છે, તો આ મારી અંગત સલાહ છે કે આપણે એક વાર ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાઈ જવું જોઈએ.”

યામિની જાધવ

શિવસેના ધારાસભ્ય યામિની જાધવના પતિ યશવંત જાધવ મુંબઈ નગરનિગમની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. નાણાકીય કૌભાંડના મામલામાં યશવંત જાધવ પણ ઈડીના રડાર પર છે.

કેટલાક મહિના પહેલાં આવકવેરા વિભાગે જાધવ પર છાપો માર્યો હતો. તેમાં 40 સંપત્તિઓ જપ્ત કરવામાં આવી. ત્યાર બાદ ઈડીએ મની લૉન્ડરિંગ મામલાની તપાસ માટે જાધવને નોટિસ ઇસ્યૂ કરી.

જોકે, ઇન્ડિયા ટુડેની એક અહેવાલ અનુસાર ફરિયાદ પછી પણ હજુ સુધી યશવંત જાધવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં નથી આવી.

ભાવના ગવલી

શિવસેના સાંસદ ભાવના ગવલીએ શિંદે સમૂહનો સાથ આપ્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરેને પત્રમાં કહ્યું હતું, “પાર્ટીના કાર્યકર્તા તમને હિંદુત્ત્વના મુદ્દે નિર્ણય કરવાનો અનુરોધ કરી રહ્યા છે.”

ભાવના ગવલી પણ ઈડીના રડાર પર હતાં, તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

ગવલીના મહિલા ઉત્કર્ષ પ્રતિષ્ઠાન ટ્રસ્ટમાં ગેરરીતિના મામલામાં ઈડીએ નવેમ્બર 2022માં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કથિત ગેરરીતિના મામલામાં ભાવના ગવલીના નજીકના સંબંધી સઈદ ખાન ઈડીની હિરાસતમાં હતા. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતા.

ઈડીએ તેમની 3.5 કરોડ રૂપિયાની સંપત્તિને અસ્થાયી રૂપે જપ્ત કરી લીધી હતી.

ઈડીના દાવા અનુસાર ટ્રસ્ટના પૈસા કાઢવા માટે મહિલા ઉત્કર્ષ પ્રતિષ્ઠાન ટ્રસ્ટને એક કંપનીમાં ફેરવવાનું કાતવરું ઘડવામાં આવ્યું હતું.