અજિત પવારના મહારાષ્ટ્રની સરકારમાં આવવાથી એકનાથ શિંદેનું શું થશે?

જ્યારે મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ એવું પણ કહ્યું હતું કે તેઓ મહાવિકાસ અઘાડીની સરકારમાં અજિત પવારથી નારાજ હતા.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારમાં અજિત પવાર ઉપ મુખ્ય મંત્રી હતા.

શિંદે જૂથના બળવાને કારણે શિવસેના તૂટી ગઈ અને મહાવિકાસ અઘાડી સરકાર પણ પડી ગઈ.

શિંદે જૂથના વિદ્રોહનું એક વર્ષ પૂરું થયું ત્યારે હવે અજિત પવારે શિંદે કૅબિનેટમાં ઉપ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

જ્યારે મહાવિકાસ અઘાડી સરકાર હતી ત્યારે એકનાથ શિંદેનો આરોપ હતો કે તત્કાલીન ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર તેમના ધારાસભ્યો સાથે અન્યાય કરી રહ્યા હતા.

તેમનું કહેવું હતું કે, "તેઓ અમારા ધારાસભ્યોને ફંડ નહોતા આપતા એટલે અમે આ સરકાર છોડી દીધી છે."

પરંતુ હવે આ જ અજિત પવાર શિંદે-ફડણવીસની સરકારમાં સામેલ થયા છે.

એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યો અજિત પવારની વિરુદ્ધ હતા.

એક વર્ષ પહેલાં એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે શિવસેના છોડી હતી અને પછી ભાજપ સાથે સરકાર બનાવી હતી.

કોણ છે 16 ધારાસભ્યો?

કેટલાક દિવસો પહેલાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષ પર સુનાવણી કરીને ચુકાદો આપ્યો હતો.

આમાં શિવસેના અને મૂળ પાર્ટીના 16 ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આપવામાં આવ્યો છે.

ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરેની શિવસેના કહે છે કે એક નિશ્ચિત સમયની અંદર આની પર નિર્ણય આવે તે જરૂરી છે.

સત્તા પક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ જેટલો ચાહે સમય લઈ શકે છે, આ તેમનો અધિકાર છે.

આ ધારાસભ્યો છે-

એકનાથ શિંદે

તાનાજી સાવંત

પ્રકાશ સુર્વે

બાલાજી કિનિકર

લતા સોનાવણે

અનિલ બાબર

યામિની જાધવ

સંજય શિરસાટ

ભરત ગોગવલે

સંદીપન ભૂમરે

અબ્દુલ સત્તાર

મહેશ શિંદે

ચિમનરાવ પાટિલ

સંજય રાયમુલકર

બાલાજી કલ્યાણકર

રમેશ બોરોન

શિંદે સહિત 15 ધારાસભ્ય અયોગ્ય ઠેરવવામાં આવશે: સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મુખ્ય મંત્રી એકનાથ શિંદે સહિત તેમના જૂથ (ગુટ)ના 16 ધારાસભ્યો અયોગ્ય ઠેરવવામાં આવશે. કાયદાની કોઈ પણ ખામી તેમને બચાવી નહીં શકે.

આગળ તેમણે કહ્યું કે, "સરકારના અસ્થિર થવાનો ખતરો સતત રહેલો છે. એટલે અજિત પવારની સરકારમાં સામેલ કરાયા છે."

તેમણે કહ્યું, "એકનાથ શિંદેના અયોગ્ય ઠેરવાયા બાદ આવનારા દિવસોમાં રાજ્યને નવા મુખ્ય મંત્રી મળશે. આ ભવિષ્યવાણી નથી પણ મારો મત છે."

શિંદે જૂથ(ગુટ)ના ધારાસભ્યોને કૅબિનેટ વિસ્તારમાં આવરી લેવાના હતા પરંતુ શું એવું થયું?

શિંદે જૂથના ધારાસભ્ય આની પર હવે વિચાર કરી રહ્યા હશે અને એવું બની શકે કે આવનારા સમયમાં મહારાષ્ટ્રની રાજનીતિનું નવું સ્વરૂપ જોવા મળે.

સંજય રાઉતનું કહેવું છે કે, "શરદ પવારને ભરોસો હતો કે અજિત પવાર ભાજપ સાથે જશે."

અયોગ્ય ઠેરવાય તેવી આશંકાને જોતાં ભાજપનો પ્લાન બી શું હોઈ શકે ?

વરિષ્ઠ પત્રકાર સંદીપ પ્રધાનનું માનવું છે કે ભાજપે એનસીપી ધારાસભ્યોને સરકારમાં માત્ર એટલા માટે સામેલ કર્યા કારણ કે એકનાથ શિંદે અને 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવાય તેવી શક્યતા છે.

જો મુખ્ય મંત્રી અને 15 અન્ય ધારાસભ્યો અયોગ્ય ઠેરવાય તો આ યોજના તે ગૅપને ભરવા માટે છે.

સંદીપ પ્રધાન અનુસાર, "જો અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી ન થઈ તો પણ શિંદે વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે સૅન્ડવિચ બનીને રહી જશે."

"એવી પણ ચર્ચા છે કે ફડણવીસને પણ કેન્દ્ર સરકારમાં સમાવી લેવામાં આવી શકે છે. તો પણ ફડણવીસનું ધ્યાન રાજ્ય પર રહેશે."

પ્રધાનને લાગે છે કે દિલ્હીમાં ફડણવીસ અને રાજ્યમાં શિંદે-પવારની જોડી હશે.

તેઓ કહે છે કે, "જોકે તાજેતરના નિર્ણયથી શિંદે-ફડણવીસ-પવાર સાથે આવ્યા છે પરંતુ તેઓ અસંતુષ્ટ રહેશે. તેમને સત્તાનો લાભ નહીં મળે."

શિવસેનામાં ફૂટ અને બળવાને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચા થઈ હતી. હજુ તેનું સમાધાન નથી થયું કે ભાજપે આ રીતે અન્ય એક પાર્ટીને તોડી પાડી છે.

પ્રધાને કહ્યું, "ભાજપનું પગલું કાયદાની કસોટી પર ખરું નથી ઉતરતું અને આ અનૈતિક અને ગેરકાયદેસર છે."

તેઓ કહે છે કે, "ભાજપ લોકસભાની 2024ની ચૂંટણી જીતવા માગે છે. તેને ભરોસો નથી કે એકનાથ શિંદે જૂથને અપેક્ષિત સફળતા મળશે એટલે તેમણે એનસીપીને સાથે લીધી છે."

"એનસીપી પાસે મજબૂત નેતા છે. તેમની પાસે પૈસા પણ છે. આમાંથી કેટલાકને લોકસભા ટિકિટ પણ મળી શકે છે. તેમની પાસે આધાર છે એટલે તેમની પસંદગીની શક્યતા રહેશે."

પ્રધાન એવું પણ કહે છે કે કર્ણાટક, બિહાર, બંગાળમાં ભાજપનો આધાર ખસી રહ્યો છે. તેમનો ઇરાદો મહારાષ્ટ્રમાં વધુથી વધુ બેઠકો હાંસલ કરવાનો છે.

પ્રધાન અનુસાર, "ધારાસભ્યોની અયોગ્યતાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર માટે પણ મહત્ત્વપૂર્ણ છે."

"જો નિર્ણય શિંદે જૂથના પક્ષમાં આવ્યો તો આનાથી વ્યક્તિગત રીતે તેમના પર અને રાષ્ટ્રપતિની ભૂમિકા પર પ્રશ્ન ઊભા થશે. તેમણે નિવેદન આપ્યું હતું કે હું સાહસિક નિર્ણય કરીશ."

પ્રધાન કહે છે કે એક રીતે આ એક સંકેત છે કે શિંદે જૂથના ધારાસભ્યોનું શું થવાનું છે.

શું આ ભાજપનો શિંદે જૂથ (ગુટ)ને જવાબ છે?

વરિષ્ઠ પત્રકાર મૃણાલિની નાનિવાડેકરનું કહેવું છે કે ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું છે કે શિવસેના કોણ છે. 2019માં મતદાતાઓએ દેવેન્દ્ર ફડણવીસના રૂપમાં એક યુવા મુખ્યમંત્રીને ચૂંટ્યા હતા.

તેમણે કહ્યું કે,"દેવેન્દ્ર ફડણવીસને ફરી મુખ્ય મંત્રી બનવાથી રોકવાની કોશિશ કરવામાં આવી છે. ભાજપે આ કોશિશને નાકામ કરી દીધી છે. તેમણે એક વર્ષ પહેલાં શિવસેનાને તોડી હતી, હવે એનસીપીની સાથે પણ એવું જ થયું."

મૃણાલિની નાનિવાડેકરે કહ્યું કે "જો અજિત પવાર પાસે 40 ધારસભ્ય છે, તો પાર્ટી તેમની થશે."

તેમણે આગળ કહ્યું, “ફડણવીસે શિંદે અને પવાર વચ્ચે સમન્વય બનાવવો પડશે. ભાજપનું લક્ષ્ય લોકસભાની જીત નક્કી કરવાનો છે. કેટલાક દિવસો પહેલાં અખબારોમાં એક જાહેરાત છપાઈ હતી."

"જેમાં મુખ્ય મંત્રી તરીકે એકનાથ શિંદેને પ્રમુખતા અપાઈ હતી. બાદમાં તે જાહેરાતની સામગ્રી બદલાઈ ગઈ. એ ભાજપને પસંદ ન આવ્યું."

નાનિવાડેકરે કહ્યું, "ભાજપે એનસીપીનું સમર્થન લઈને શિંદે જૂથને કડક જવાબ આપ્યો છે."

તેમણે કહ્યું, "ભાજપને અહેસાસ થઈ ગયો છે કે એકનાથ શિંદે અને તેમના જૂથ સાથે હાથ મિલાવવાથી લોકસભામાં અપેક્ષિત સફળતા નહીં મળે. કોર્ટના નિર્ણય સમયે ત્રીજા વિકલ્પ પર વિચાર કરવામાં આવ્યો."

શિંદે વધુ અસહાય થશે?

વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમારેનું કહેવું છે કે રવિવારે જે થયું, તે ભાજપના ઑપરેશનનો ભાગ હતું.

તેઓ કહે છે, "કેન્દ્રીય તંત્રનો ઉપયોગ કરીને વિપક્ષી દળના નેતાઓ પર દબાણ કરવામાં આવે છે. એક સરવેમાં માલૂમ થયું છે કે રાજ્યમાં ભાજપને લોકસભાની 15 બેઠકો મળશે. તેમણે કહ્યું કે જો ભાજપ એનસીપી સાથે હાથ મિલાવે છે તો, તેને 10થી 12 બેઠકો મળવાની આશા છે."

વિજય ચોરમારે કહે છે, "મને નથી લાગતું કે તાજા ઘટનાક્રમમાં શિંદેની કોઈ ભૂમિકા હશે. શિંદે ભાજપ માટે કોઈ મોટો મુદ્દો નથી."

"300થી વધુ લોકસભા બેઠકો પર ચૂંટણીનું લક્ષ્ય ભાજપ માટે દિવસે-દિવસે મુશ્કેલ બનતું જઈ રહ્યું છે."

ચોરમારે અનુસાર, "એકનાથ શિંદે મુખ્ય મંત્રી છે પરંતુ તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણયો દેવેન્દ્ર ફડણવીસ લે છે. તેઓ મુખ્ય મંત્રી કાર્યાલય સંબંધિત તમામ નિર્ણયો પણ લે છે."

"ફડણવીસના કારણે જ બ્રજેશસિંહને મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રીના રૂપમાં શિંદે અસહાય છે."

ચોરમારેને લાગે છે કે અજિત પવારના એનસીપી જૂથને સાથે લીધા બાદ તેઓ વધુ અસહાય થઈ જશે.

મુખ્ય મંત્રી અને 15 અન્ય ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય હજુ પડતર છે.

વિધાનસભા અધ્યક્ષ શિંદે જૂથના વિરુદ્ધ નિર્ણય લઈ શકે છે, તો વિકલ્પ તરીકે ભાજપે એનસીપી સાથે હાથ મિલાવ્યો છે.

વિધાનસભા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરાયેલા દિશા નિર્દેશોની મર્યાદામાં રહીને જ કામ કરી શકે છે.

ચોરમારે કહે છે, "ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. શિંદે સમૂહ અને એનસીપી જૂથના બંને પાસે સીમિત તાકત છે."

"ભાજપ સ્વાગત ભવ્ય કરે છે. પરંતુ સામેલ થયા બાદ કામ તો તેના માખળામાં રહીને જ કરવું પડશે."