ગુજરાતમાં પલટાશે હવામાન, આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે શું આગાહી કરી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં મે મહિનામાં હાલ અતિશય ગરમી પડી રહી છે, એ ઉપરાંત હવે આવનારા દિવસોમાં હવામાન બદલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વાદળછાયું હવામાન થશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
આ ગરમીની વચ્ચે મંગળવારે અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. આવનારા દિવસોમાં પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં આવી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે.
સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત પહેલાં મે મહિનામાં રાજ્યમાં ભારે ગરમી પડતી હોય છે અને દર ઉનાળે ગુજરાતમાં હીટવેવની સ્થિતિ જોવા મળે છે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોના મતદાન દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો હતો અને ઘણા વિસ્તારોમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું હતું.
ગુજરાતમાં કયા દિવસોમાં પડશે વરસાદ?
હવામાન વિભાગે ગુજરાતમાં 11 મે સુધી હીટવેવની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનમાં કોઈ ઘટાડો થવાની સંભાવના નથી.
જોકે, 11 મે બાદ રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં ફરીથી વાદળો છવાય તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 12 અને 13 મેના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
સામાન્ય રીતે ભારતમાં એપ્રિલ મહિના બાદ પ્રિ-મૉન્સુન ઍક્ટિવિટીની શરૂઆત થતી હોય છે. એટલે કે આ એપ્રિલથી મે મહિનાના અંત સુધી અને ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસા પહેલાંનો વરસાદ પડતો હોય છે.
વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં થોડા સમયમાંથી ગરમીમાંથી થોડી રાહત મળે તેવી સંભાવના છે.
ગુજરાતમાં હાલ ગરમીને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ આપ્યું છે અને 11 મે સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી સંભાવના છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદીની આગાહી?

ઇમેજ સ્રોત, IMD
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને હજી અંદાજે એકાદ મહિના જેટલો સમય છે, પરંતુ તે પહેલાં રાજ્યમાં સામાન્ય રીતે કેટલાક દિવસો વરસાદી ગતિવિધિ જોવા મળતી હોય છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 12 અને 13 મેના રોજ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હવામાન પલટાય અને કોઈ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ભારત પર 9 મેના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. આ સાથે ભારત પર જ કેટલીક જગ્યાએ સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાશે.
આ સિસ્ટમોના પ્રભાવના કારણે ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના છે. જેની સાથે-સાથે ગુજરાતમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે.
ગુજરાતમાં ઉનાળા દરમિયાન ખાસ વરસાદ પડતો નથી પરંતુ ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બીજી સિસ્ટમો સક્રિય થતાં વરસાદ પડે છે.
ગુજરાતમાં આ વખતે કેવું રહેશે ચોમાસું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે હાલ જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે માત્ર ચાર મહિનાના લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે, જેમાં દર મહિને કેટલો વરસાદ પડશે તેની વિગતો નથી. આ વિગતો મે મહિનાના અંતમાં જારી કરવામાં આવશે.
ઉપરાંત, કયા રાજ્યમાં કેટલો વરસાદ પડશે તે પ્રમાણે કોઈ આંકડા આપવામાં આવ્યા નથી. પરંતુ હવામાન વિભાગે લાંબા ગાળાની સરેરાશનો એક નક્શો જારી કર્યો છે.
આ નક્શા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહે તેવી સંભાવના છે. નક્શા પ્રમાણે રાજ્યમાં ચાર મહિનાની લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
દેશમાં ચાર મહિના દરમિયાન સરેરાશના 96%થી 104% વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે એટલે કે સારો વરસાદ થાય છે. જ્યારે 104%થી વધારે વરસાદ થાય તો ચોમાસું ખૂબ સારું ગણવામાં આવે છે.
નક્શા પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.
ભારતની વાત કરીએ તો પૂર્વોત્તરનાં રાજ્યો, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
એશિયા પૅસિફિક ઇકૉનોમિક કોઑપરેશન ક્લાઇમેટ સેન્ટરે જે પૂર્વાનુમાન રજૂ કર્યું છે તે પ્રમાણે ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.
એટલે કે જૂન મહિના બાદ બાકીના ત્રણ મહિનામાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.
'સ્કાયમેટે' પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે લાંબાગાળાની સરેરાશ પ્રમાણે ભારતમાં 102 ટકા વરસાદ થવાની શક્યતા છે. જેમાં 5 ટકા એરર માર્જિન રાખવામાં આવ્યું છે. જેનો અર્થ એ કે 102 ટકા કરતાં 5 ટકા વધારે અથવા ઓછો વરસાદ થઈ શકે છે.
સ્કાયમેટનું કહેવું છે કે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ચોમાસાના ચાર મહિનાના લાંબાગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 886 મિલિમીટર વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનાના લાંબાગાળામાં 868.6 મિલિમીટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય.













