રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બાળકો સહિત 27 લોકોનાં મોતનું કારણ બનેલી આગ કેવી રીતે લાગી?

Rajkot

રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતાં કેટલાય લોકોનાં મૃત્યુ થયાં છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુ થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ હોવાનું બીબીસીના સહયોગીએ જણાવ્યું છે.

શહેરના મવારોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ ઓલવવાના માટે કેટલીય ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી હતી. આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.

બીબીસીના સહયોગી પત્રકાર બિપીન ટંકારિયાના જણાવ્યા અનુસાર આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર દૂરથી પણ ધુમાડો જોઈ શકાતો હતો.

બિપીન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર ગેમ ઝોનમાં બહાર જવાનો રસ્તો નહોતો અને એટલે ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. ટંકારિયાએ એવું પણ ઉમેર્યું હતું કે મૉલના ગેમ ઝોનમાં વૅલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં શૉર્ટ-સર્કિટની ઘટના ઘટી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાઈ રહ્યું છે.

જોકે, અધિકૃત રીતે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

ટીઆરપી ગેમ ઝોનમાં આગ કેમ લાગી?

વીડિયો કૅપ્શન, રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી

રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભાવ જોષીએ ટંકારીયાને આગની આ ઘટના અંગે અંગે જણાવ્યું હતું, "સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. ફાયર-બ્રિગેડની ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી."

રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બીબીસીને જણાવ્યું હતું, "અત્યાર સુધી 24 મૃતદેહોને સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અને હજી થોડા મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે."

તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, "યુવરાજસિંહ સોલંકી આ ગેમ ઝોનના માલિક છે. અમે આ મામલે મૃત્યુ અને બેદરકારી બાબતે ગુનો દાખલ કરીશું. અમે બચાવ કામગીરી પૂર્ણ થાય તે પછી આગળની તપાસ હાથ ધરીશું."

પોલીસ કમિશનરે બિપિન ટંકારીયાને જણાવ્યું હતું, "અમે અંદર જઈને આખા વિસ્તારનું નિરીક્ષણ કરીશું. અમે એફએસએલની ટીમને પણ બોલાવી છે. એફએસએલની ટીમ આવીને તેનું નિરીક્ષણ કરે અને આગ લાગવા પાછળનું ચોક્ક્સ કારણ જાણવાની કોશિશ કરીશું.”

“અમે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સાથે પણ ચર્ચા કરી છે. ત્યાં પણ ટીમો તૈયાર રાખવામાં આવી છે. આ ટીમો સારવાર, ડીએનએ ટેસ્ટિંગ અને મૃતદેહોનાં પોસ્ટમોર્ટમની કામગીરી હાલમાં કરી રહી છે.”

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, ફાયર ઓફિસર આઈ. વી . ખેરે કહ્યું હતું કે, "આગ પાછળના કારણની તપાસ કરવામાં આવશે. આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી હતી. કારણ કે એક હંગામી સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું અને પવનની ગતિ પણ વધારે હતી."

આ પણ વાંચો

ગુજરાત સરકારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી

ગુજરાત સરકારે કરી એસઆઈટીની રચના

ગુજરાત સરકારે આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીના ગઠનની પણ જાહેરાત કરી છે. આ પાંચ સભ્યોની એસઆઈટીના અધ્યક્ષની જવાબદારી સી.આઈ.ડી ક્રાઈમનાં પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીને સોંપવામા આવી છે. એસઆઈટીના બીજા ચાર સભ્યો બંછાનિધી પાની, એચ.પી. સંઘવી, જે.એન. ખડિયા અને એમ.બી.દેસાઈ સભ્યો છે.

એસઆઈટી પોતાનો પ્રાથમિક અહેવાલ 72 કલાકની અંદર સરકાર સમક્ષ રજૂ કરશે. એસઆઈટી આ ઉપરાંત એક વિસ્તૃત અહેવાલ 10 દિવસમાં સરકારને સોંપશે.

એસઆઈટી નીચે જણાવેલા મુદ્દાઓ વિશે તપાસ હાથ ધરશે.

  • ક્યાં સંજોગોમાં આગનો બનાવ બન્યો
  • ગેમિંગ ઝોનને મંજૂરી આપવામા આવેલ છે કે નહીં?
  • ગેમિંગ ઝોનને મંજૂરી આપતી વખતે કઈ બાતોને ઘ્યાનમાં લેવામા આવેલી હતી
  • ગેમિંગ ઝોનનું બાંધકામ નિયમાનુસાર કરવામા આવેલ છે કે નહીં?
  • ગેમિંગ ઝોન પાસે ફાયર વિભાગની એનઓસી છે કે નહીં?
  • ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી?
  • આ બનાવમાં સ્થાનિક તંત્ર કે ગેમિંગ ઝોનના સંચાલકની બેદરકારી છે કે કેમ?
  • ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે કેવા પગલાઓ લેવા જોઈએ?

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી સહાય જાહેર કરી, વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

Rajkot

ઇમેજ સ્રોત, BBC / Bipin Tankariya

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર રાજકોટની આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહતકામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું.

તેમણે મૃતકોનાં પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી

ઇમેજ સ્રોત, X/narendramodi

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એક્સ પર એક જણાવ્યું, “હાલ હું પંજાબ છું, રાજકોટથી સમાચાર મળ્યા છે કે કાલાવાડ રોડ ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે દુખદ દુર્ઘટના સર્જાઈ છે. નાનાં બાળકો અને અમુક વાલી અને કર્મચારીઓનાં દુખદ અવસાનના સમાચાર મળેલ છે. ખૂબ દુઃખ થયુ છે. ઈશ્વર સૌને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આગમાં ભોગ બનેલ તમામ પ્રત્યે દુઃખની લાગણી અને સંવેદના વ્યક્ત કરુ છું.”

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક્સ પર ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર આચરીને કાયદાને તાક પર રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું, “હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં પણ ફાયર સેફટી માટે ભાજપ સરકાર કોઈ પગલાં લેતી નથી. ભાજપ સરકાર ભયમુક્ત બનીને ભ્રષ્ટાચાર કરી રહી છે. કાયદાને તાક પર રાખીને હપ્તા લેવામાં આવે છે અને ભાજપના શાસનમાં લોકોના જીવની ચિંતા કર્યા વગર બધું જ ચાલે છે. હું શોકાતુર પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યકત કરું છું અને ઈશ્વર પાસે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે પણ એક્સ પર પોસ્ટમાં લખ્યું, “રાજકોટનાં ગેમઝોનમાં સર્જાયેલી આગની અત્યંત દુખદ દુર્ઘટનામાં સર્વ ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને ટીમ બનાવી હોસ્પિટલ અને દુર્ઘટના સ્થળે રાહત કાર્યમાં જોડાઈને જે પણ મદદ થઈ શકે એ મદદ કરવા અપીલ કરું છું.”

રાજકોટની ઘટના પર ગૃહ મંત્રી અમિત શાહની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, X/AmitShah

આ ઘટના અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાનું દુ:ખ વ્યક્ત કરતા ઍક્સ પર લખ્યું, “રાજકોટ (ગુજરાત)ના ગેમ ઝોનમાં થયેલા અકસ્માતથી અત્યંત વ્યથિત છું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી આ અકસ્માત અંગે જાણકારી મેળવી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુ:ખદ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”

સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધીની પોસ્ટ

ઇમેજ સ્રોત, X/ RahulGandhi

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “ગુજરાતનાં રાજકોટમાં એક મોલના ગેમિંગ ઝોનમાં લાગેલી ભયંકર આગને કારણે માસૂમ બાળકો સહિત કેટલાય લોકોના મૃત્યુના સમાચાર પીડાદાયક છે. હું શોકાકુળ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યકત કરૂ છું. ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ થાય તેવી આશા રાખું છું.”

તેમણે કૉંગ્રેસના કાર્યકર્તાઓને આગ્રહ કર્યો કે રાહત અને બચાવ કામગીરીમા સહાયતા કરે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર આ ઘટનાની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરીને શોકાકુળ પરિવારોને જલદી ન્યાય અપાવે.

રાજકોટની ઘટના પર કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જૂન ખડગેની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, X/Kharge

કૉંગ્રેસના રાષ્ટ્રીય મલ્લિકાઅર્જૂન ખડગેએ કહ્યું, “ગુજરાતનાં રાજકોટમાં આવેલા ગેમિંગ ઝોનની ભયાવહ ત્રાસદી ખૂબ જ પીડાદાયક છે. અમે પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને ઇજાગ્રસ્ત લોકો જલદીથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ.”

તેમણે કૉંગ્રેસના કાર્યકર્તાઓને આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનો અનુરોધ કર્યો હતો.

ખડગેએ રાજ્ય સરકાર પર નિશાનો સાધતા લખ્યું કે રાજ્ય સરકારના ઢીલા વલણને કારણે આ પ્રકારની દુર્ઘટના અવારનવાર થતી રહે છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. અમારી સરકાર પાસે માંગણી છે કે આ ઘટનાના દોષીઓને કડકમાં કડક સજા મળે.

રાજકોટમાં આગની ઘટના અંગે અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, X/ArvindKejriwal

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે ઍક્સ પર લખ્યું કે રાજકોટના મોલમાં લાગેલી આગની આ ઘટના ખૂબ જ દુખદ છે. આ ઘટનામાં જે લોકોએ પોતાના પરિજનોને ગુમાવ્યા છે તેના પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઇશ્વર આ પરિવારોને હિંમત આપે અને ઇજાગ્રસ્ત લોકોને જલદી સ્વસ્થ કરે.

આ પણ વાંચો