રાજકોટમાં ગેમ ઝોનમાં આગ : આ પહેલાં પણ ગુજરાતમાં બની ચૂકી છે આ પાંચ મોટી દુર્ઘટના

Rajkot Fire TRP Game Zone

રાજકોટમાં નાના મવા રોડ પર ચાલી રહેલા એક ગેમ ઝોનમાં આગ લાગી હતી, શનિવારે લાગેલી આ આગમાં 20 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ થઈ છે.

બપોર બાદ ચાર વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી જે બાદ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો.

રાજકોટ મહાનગર પાલિકાના કમિશનરના કહેવા પ્રમાણે ગેમ ઝોનના માલિક વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. જેમનાં મોત થયાં છે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

આગની ઘટના સામે આવતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિકરાળ આગને કારણે ટેમ્પરરી સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું તથા પવનની ગતિને કારણે આગ વધારે ફેલાઈ હતી. આગના ધુમાડા પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા.

રાજકોટ શહેરમાં આવેલા ગેમ ઝોનમાં લાગેલી આ આગે ગુજરાતમાં આ પહેલાં બનેલી આવી દુર્ઘટનાઓની યાદ અપાવી દીધી છે.

વડોદરામાં હરણી બોટ દુર્ઘટના, 14 લોકોનાં મોત

વડોદરા હરણી તળાવ દુર્ઘટના

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

વડોદરામાં 18 જાન્યુઆરીના રોજ હરણી તળાવમાં બોટ ડૂબી જવાની ઘટના બની હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનાં મોત થયાં હતાં. વડોદરાની ન્યૂ સનરાઇઝનાં બાળકોને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યાં હતાં. અહીં હરણી લેકમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બોટમાં બેસાડતાં બોટ તળાવમાં ડૂબી ગઈ હતી. જેમાંથી કેટલાંક બાળકોને બચાવી લેવાયાં હતાં.

બાળકોને હરણી તળાવમાં જ્યારે બોટમાં બેસાડવામાં આવ્યાં હતાં ત્યારે તેમને લાઇફ સેવિંગ જેકેટ પણ પહેરાવવામાં આવ્યાં ન હતાં. જેના કારણે બોટ પાણીમાં ડૂબી ત્યારે 12 બાળકોને બચાવી શકાયાં ન હતાં. આ દુર્ઘટના બાદ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

જેમાં પોલીસે ફરિયાદ નોંધીને મૅનેજર સહિત કેટલાક લોકોની ધરપકડ કરી હતી. આ મામલે વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયર રાજેશ ચૌહાણે કહ્યું હતું કે હરણી તળાવમાં જેને કૉન્ટ્રાક્ટ મળ્યો હતો તેના માલિક, મૅનેજર અને બોટ ચલાવનારા સામે કાર્યવાહી થશે. જેમાં બોટની મરામત ન કરાવવી અને જરૂરી પ્રમાણમાં લાઇફ સેવિંગ જૅકેટ ના રાખવાનો ગુનો છે.

વીડિયો કૅપ્શન,

તક્ષશિલા દુર્ઘટના

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GSTV

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુરતના વ્યસ્ત વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડ નામની બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં બિલ્ડિંગના સૌથી ઉપરના માળે ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જીવ બચાવવા કૂદતા હોવાના વીડિયો જોયાનું તમને યાદ હશે, આ ઘટનાના વીડિયો વાઇરલ થતાં સમગ્ર ઘટના રાષ્ટ્રીય સમાચાર બની ગઈ હતી.

24 મે, 2019ના રોજ બનેલી આ ઘટનામાં સરથાણા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આગ લાગતા કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહેલાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 15 ઈજાગ્રસ્ત થયા હતા.

નોંધપાત્ર બાબત એ છે કે આ કોચિંગ ક્લાસ શોપિંગ કૉમ્પ્લેક્સના સૌથી ઉપરના માળે ગેરકાયદેસર રીતે ઊભા કરેલાં માળખાંમાં ચલાવવામાં આવતા હતા.

પ્રત્યક્ષદર્શીઓનો આરોપ હતો કે સૌપ્રથમ જે ટૅન્કર પહોંચ્યું, તેનો પાણીનો ફોર્સ ઓછો હતો, બીજું ટૅન્કર પહોંચ્યા બાદ ફોર્સ વધ્યો હતો.

તેમજ આરોપ પ્રમાણે ફાયર-ફાઇટર ત્રીજા માળ સુધી પહોંચી શક્યા નહોતા. આથી બાળકોએ ઉપરથી કૂદી જવું પડ્યું જેને કારણે મૃતકો તથા ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો.

જોકે, શહેરી વિકાસ વિભાગના તત્કાલીન અગ્રસચિવ મુકેશ પુરી પ્રમાણે, ફાયરબ્રિગેડ પાસે જે નિસરણી હતી, તે સમગ્ર દેશમાં સ્ટાન્ડર્ડ સાઇઝ નિસરણી હતી.

કેટલાક પ્રત્યક્ષદર્શીઓ અને પીડિતોએ ફરિયાદ કરી હતી કે માત્ર ત્રણ કિલોમીટરનું અંતર પાર કરવામાં ઍમ્બુલન્સને 45 મિનિટનો સમય લાગ્યો હતો.

એટલું જ નહીં ત્યાં હાજર સેંકડો લોકો ગાદલાં પાથરીને આગમાં ફસાયેલાઓના જીવ બચાવવાને બદલે વીડિયો ઉતારતા નજરે પડ્યા હતા. જે વાતને ખૂબ અસંવેદનશીલ ગણાવી વખોડવામાં આવી હતી.

રસ્તા ઉપરથી પસાર થતા કાર તથા બાઇકચાલકો આગને જોવા માટે ત્યાં અટકી જતા હતા, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો.

આ કારણે રાહત અને બચાવ કામીગીરી સાથે સંકળાયેલાં વાહનો તથા ઍમ્બુલન્સની અવરજવરમાં અવરોધ ઊભો થયો.

સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન અશોક ગોસલાએ એ સમયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું:

"નિયમ પ્રમાણે, દર એક લાખની વસતિએ એક ફાયર-ફાઇટર હોવું જોઈએ. તે મુજબ સુરતમાં 62 ફાયર-ફાઇટર છે, પરંતુ આગ વખતે ટ્રાફિક જામ થઈ જાય છે."

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ

બીબીસી ગુજરાતી વડોદરા
ઇમેજ કૅપ્શન, શ્રેય હૉસ્પિટલ

આવી જ રીતે વર્ષ અમદાવાદમાં 6 ઑગસ્ટ 2020ના રોજ વહેલી સવારે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલના આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં આગ ફાટી નીકળતાં સારવાર હેઠળ રહેલા આઠ કોરોના દર્દીનાં દુ:ખદ મૃત્યુ થયાં હતાં.

કોરોનાકાળમાં સારવાર લઈ રહેલા દર્દીઓનાં આગની ઘટનામાં મૃત્યુ થતાં સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી.

આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલા દર્દીઓના સ્વજનોએ પણ તંત્ર અને હૉસ્પિટલના મૅનેજમૅન્ટ પર ‘બેદરકારી’નો આરોપ લગાવ્યો હતો.

ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર મામલાની વ્યાપક તપાસ થઈ હતી.

અખબારી સંસ્થાઓ અને અન્ય તપાસમાં ‘બેદરકારી’ને કારણે દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું.

અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ચીફ ફાયર ઑફિસર એમ.એફ. દસ્તૂરે જણાવ્યા મુજબ શ્રેય હૉસ્પિટલે ફાયર એનઓસી રિન્યૂ જ કરાવ્યું નહોતું. અમદાવાદ સહિત ગુજરાતમાં એવી ઘણી હૉસ્પિટલો છે, જે ફાયર એનઓસી મામલે દુર્લક્ષ સેવે છે.

જોકે, એ સમયે શ્રેય હૉસ્પિટલના ડિરેક્ટર ભરત મહંતે કહ્યું હતું કે તેમની પાસે ફાયરવિભાગનું ક્લિયરન્સ હતું.

ગુજરાતના તત્કાલીન નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ઘટનાના કારણ અંગે કહ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર શ્રેય હૉસ્પિટલની આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હતી.

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 135નાં મોત

વડોદરા બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OREVA.COM/BBC

ઇમેજ કૅપ્શન, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ

આ સિવાય તમારા મગજમાં એ દૃશ્યોની યાદો પણ તાજી હશે જેમાં દિવાળી-બેસતા વર્ષની રજાઓમાં મોરબીમાં ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં પણ ત્રીજા ભાગનાં બાળક હતાં.

આ ઘટનાના વાઇરલ વીડિયોમાં સેંકડો લોકોની ભીડ ઝૂલતા પુલ પર દેખાઈ રહી હતી. જે દરમિયાન ભાર વધી જતાં કૅબલ બ્રિજ તૂટી પડતાં સંખ્યાબંધ લોકો નદીના પાણી અને તૂટેલા પુલ પર જીવ બચાવવા તરફડિયાં મારતાં નજરે પડ્યા હતા.

આ દુર્ઘટના બાદ બ્રિજના મેન્ટનન્સ અને મૅનેજમૅન્ટ અંગે ગંભીર આરોપ થયા હતા.

આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.

લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે 'કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ' એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યા અને પુલ તૂટી પડ્યો.

સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.

આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.

દુર્ઘટના બાદ પોલીસે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.

નોંધપાત્ર બાબત છે કે પુલને દુર્ઘટનાના છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા હતા.

આત્મસમર્પણ બાદથી અત્યાર સુધી જયસુખ પટેલ ન્યાયિક કસ્ટડીમાં છે.

નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી તેમની જામીન અરજી સામે સરકાર તરફથી હાજર રહેલા વકીલે જયસુખ પટેલને જામીન આપવાની વાતનો વિરોધ કર્યો નહોતો અને આ નિર્ણય કોર્ટની વિવેકશક્તિ પર છોડ્યો હતો. જેના કારણે વિવાદ થયો હતો.

ત્યાર બાદ મીડિયા અહેવાલો અનુસાર એક કાર્યક્રમમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પણ આડકતરી રીતે જયસુખ પટેલનો બચાવ કર્યો હતો.

કૉંગ્રેસ અને ભાજપના નેતાઓ, પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ પણ આ મુદ્દે જયસુખ પટેલનો ખુલ્લેઆમ બચાવ કરી ચૂક્યા છે અને નિવેદનો આપતા રહ્યા છે.

બોટાદમાં કથિતપણે ‘ઝેરી દારૂ’ પીવાથી મોત

બીબીસી ગુજરાતી વડોદરા

ઉપરોક્ત બનાવોની માફક બોટાદમાં જુલાઈ, 2022ના રોજ કથિતપણે ‘ઝેરી દારૂ’ પીવાથી 39 લોકોનાં મૃત્યુની ઘટનાએ પણ ભારે ચર્ચા જગાવી હતી.

આ સમગ્ર ઘટનામાં પણ સ્થાનિક પોલીસ અને દેશી દારૂનો ધંધો કરતા લોકોની ‘સાંઠગાંઠ’ અને સરકાર દ્વારા ‘માત્ર દારૂબંધીની વાતો’ થતી હોવાના આરોપ કરાયા હતા.

જોકે, સમગ્ર મામલે સરકારે ‘કેમિકલ કાંડ' ગણાવી પોલીસે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી હોવાની’ વાત કરી હતી.

બનાવની વાત કરીએ તો બોટાદ જિલ્લાના કેટલાંક ગામોમાં ઘટના બાદ માતમનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા હતા.

આ ઘટનાની વધુ અસર બોટાદના રોજીદ અને આસપાસનાં ગામોમાં જોવા મળી હતી.

આ સમગ્ર મામલે જાણકારી આપતાં ગુજરાતના તત્કાલીન ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, "અમદાવાદ રુરલના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બનાવનાં સ્થળે પહોંચ્યા હતા, જે દરમિયાન તેમને જાણકારી મળી હતી કે જે લોકોની તબિયત ખરાબ છે, તેઓ કોઈ કેમિકલની અસરમાં હતા."

તેઓ કેસની તપાસ અંગે વિગતો જણાવતાં કહ્યું હતું કે કે, "આ બાબતની જાણ થતાં બોટાદ એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ અને ભાવનગર રૅન્જ આઈજીને પણ મોકલવામાં આવ્યા હતા."

અત્યાર સુધીની પરિસ્થિતિ અંગે વાત કરતા તત્કાલીન ડીજીપી આશિષ ભાટીયાએ કહ્યું હતું કે, "બનાવ માટે જવાબદાર આરોપીઓને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં રાઉન્ડ અપ કરી લેવાયા હતા."

"ઘટના માટે જવાબદાર કેમિકલ મિથાઇલ આલ્કોહૉલ પણ કબજે કરાયો છે. ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાની તપાસ કરતાં પણ મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઈ આવી હતા."

ડીજીપી આશિષ ભાટીયા જણાવે છે કે, "નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહોલના બેરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ જે ત્યાં જ કામ કરતી હતી, કેમિકલ ચોર્યો હતો. જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહોલ સપ્લાય કર્યો હતો."

જયેશે વિનોદ દેખુ ઉર્ફે ફાંટો, પિન્ટુ અને અજિત દિલીપ નામની વ્યક્તિને આ પ્રવાહી આગળ વેચ્યો હતો.

નોંધનીય છે કે ગુજરાત પોલીસના અધિકારીઓ સહિત ગુજરાત સરકારના મંત્રીઓએ પણ સમગ્ર ઘટના ‘લઠ્ઠાકાંડ’ હોવાનું નકારી તેને ‘કેમિકલ કાંડ’ ગણાવી હતી, જે મામલે વિપક્ષ અને માધ્યમોએ સવાલ ઉઠાવ્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન