મોરબી પુલ દુર્ધટના: ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફરી એકવાર નકારી

ઇમેજ સ્રોત, OREVA.COM/BBC
મોરબી પુલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી એવા ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલની જામીન અરજીને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર ફગાવી દીધી છે.
આ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી છેલ્લી સુનાવણી બાદ કોર્ટે આ મુદ્દે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ગત સુનાવણીમાં સરકાર તરફથી ઉપસ્થિત વકીલે જયસુખ પટેલને જામીન આપવાની વાતનો વિરોધ કર્યો ન હતો અને આ નિર્ણય કોર્ટની વિવેકશક્તિ પર છોડ્યો હતો. જેના કારણે વિવાદ થયો હતો.
ત્યારબાદ મીડિયા અહેવાલો અનુસાર એક કાર્યક્રમમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પણ આડકતરી રીતે જયસુખ પટેલનો બચાવ કર્યો હતો.
કૉંગ્રેસ અને ભાજપના નેતાઓ, પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ પણ આ મુદ્દે જયસુખ પટેલનો ખુલ્લેઆમ બચાવ કરી ચૂક્યા છે અને નિવેદનો આપતા રહ્યા છે.
છેલ્લે કથાકાર મોરારિબાપુએ પણ મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતો માટે કરવામાં આવેલી રામકથા દરમિયાન આરોપીઓને છોડી દેવાની વાતનું આડકતરું સમર્થન કરતા વિવાદ થયો હતો. જોકે, ગુજરાત હાઈકોર્ટે આ મામલે જયસુખ પટેલને કોઈ રાહત આપી નથી અને તેમણે જેલમાં જ રહેવું પડશે.
મોરબીમાં શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં.
સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યા અને પુલ તૂટી પડ્યો.
સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.
આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ પોલીસે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.
નોંધપાત્ર બાબત છે કે પુલને દુર્ઘટનાના છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા હતા.
કોણ છે જયસુખ પટેલ?

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA
જયસુખ પટેલના પિતા અને ભારતના "દીવાલ ઘડિયાળના પિતા" ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને 'ઓરેવા ગ્રૂપ'ની સ્થાપના કરી હતી.
આ કંપનીનું નામ તે વખતે 'અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર' હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી.
જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં 'અજંતા કંપની' ઓધવજીના નામે થઈ.
આ દાયકામાં ઓધવજીએ 'ક્વાટર્ઝ ઘડિયાળ' બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.
કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું 'ઓરેવા'.
આ કેસમાં ન્યાય મળવામાં વિલંબ થતાં છેલ્લે મોરબી ટ્રેજેડી વિક્ટિમ અસોસિયેશને અમદાવાદમાં ગાંધીઆશ્રમ પાસે એકઠાં થઇને વિરોધ પણ કર્યો હતો.












