જાપાનના 7.1ની તીવ્રતાના ભૂકંપમાં ત્રણનાં મોત, પણ તુર્કી-સીરિયામાં હજારોનાં કેમ?

તુર્કી સીરિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, EPA

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 50 હજારને પાર થઈ ગયો છે. તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં તુર્કીમાં 44,200 અને સીરિયામાં 6000થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.

જેટલી દૂર નજર કરો ત્યાં સુધી માત્ર તૂટેલી ઇમારતો જ જોઈ શકાય છે, લોકો કાટમાળમાં પોતાના સંબંધો શોધતા અને કાર્યકરો મદદ કરવા માટે દોડતા નજરે પડે છે.

ગત અઠવાડિયામાં આવેલા ભૂકંપના બે આંચકાએ તુર્કી અને સીરિયાને હચમચાવી નાખ્યા છે.

જોકે તુર્કી માટે ભયંકર ભૂકંપ કોઈ નવી વાત નથી. યુરોપ અને એશિયાની સરહદ પર આવેલા આ દેશની તૈયારી આનાથી વધારે સારી હોવી જોઈએ. પરંતુ તુર્કીમાં આટલો વિનાશ કેવી રીતે વેરાયો?

line

તુર્કીમાં આટલો ભયંકર વિનાશ કેમ થયો?

તુર્કી સીરિયા ભૂકંપ

તુર્કી અને સીરિયા દુનિયામાં ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તારમાં આવેલા છે.

એક દાયકાથી ભૂકંપનો સામનો કરી રહેલા સીરિયા પણ ભૂકંપને કારણે વેરાયેલા વિનાશનો સામનો કરી રહ્યું છે. જેથી ત્યાં સિસ્ટમ પડી ભાંગે તે દેખીતું છે. પણ તુર્કીમાં આવું ન કહી શકાય.

તુર્કીમાં આટલા મોટા પાયે નુકસાન કેમ થયું? તેનાં ચાર મુખ્ય કારણ છે

  • ભૂકંપની તીવ્રતા
  • આફ્ટર શૉક્સ
  • ઇમારતોની ગુણવત્તા
  • સરકારની તૈયારીમાં ણપ

ભૂકંપની તીવ્રતા તુર્કીમાં ભૂકંપનો પ્રથમ ઝાટકો છ ફેબ્રુઆરીએ આવ્યો, જેની તીવ્રતા 7.8 હતી. ત્યાર બાદ ભૂકંપનો બીજો ઝાટકો તેના થોડા કલાકો પછી આવ્યો, તેની તીવ્રતા હતી 7.5.

એક પછી એક આવા બે ઝાટકા આવવાથી ઇમારતોને નુકસાન થવાનો ખતરો વધ્યો હોઈ શકે છે.

line

આફ્ટર શૉક્સ

તુર્કી સીરિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

આફ્ટર શૉક્સ મોટા ભૂકંપ પછી આવતા નાના ઝાટકા છે. તુર્કી અને સીરિયામાં છેલ્લા છ દિવસમાં 2,000થી વધારે આફ્ટરશૉક્સ આવેલા છે. 2022માં જ તુર્કીમાં ધરતીકંપના આવા નાના 22 હજારથી વધારે ઝાટકા આવ્યા છે.

આવી પરિસ્થિતિમાં ઘણું ખરું ઇમારતોના નિર્માણની ગુણવત્તા પર નિર્ભર કરે છે.

line

ઇમારતોની ગુણવત્તા

તુર્કી સીરિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, REUTERS/EMILIE MADI

ભવનોની ગુણવત્તા-ઇતિહાસ દર્શાવે છે કે ભવનોનું નિર્માણ મોટા ભાગે ભૂકંપોની તીવ્રતાથી વધુ વિનાશકારી હોય છે. મહારાષ્ટ્રના લાતુરમાં 1993માં આવેલા કિલ્લારી ભૂકંપની તીવ્રતા 6.3 હતી, તેમ છતાં 9,748 લોકો માર્યા ગયા, 30,000 ઘાયલ થયા અને લાખો લોકો બેઘર થયા.

અફઘાનિસ્તાનમાં 6 જૂન, 2022માં 6.2ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો, જેમાં 1163 લોકો માર્યા ગયા, બીજી તરફ 13 ફેબ્રુઆરી, 2021માં જાપાનના ફુકુશિમામાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પણ તેમાં માત્ર ત્રણ લોકોનાં મોત થયાં અને 200થી ઓછા લોકો ઘાયલ થયા. આવું કેમ થયું હશે?

જાપાન પણ ભૂકંપની દૃષ્ટિએ એક સંવેદનશીલ વિસ્તારમાં સ્થિત દેશ છે એટલે ઇમારતો હળવી હોય છે અને નિર્માણના નિયમો કડકાઈથી લાગુ કરવામાં આવે છે.

પરંતુ જાપાનની જેમ તુર્કી પણ ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ દેશ છે છતાં અહીંયાં હજારો ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ. આ ઇમારતોમાંથી કેટલીય હાલમાં બનાવાઈ હતી.

તુર્કીમાં પણ નવી ઇમારતોને ભૂકંપરોધી બનાવવા માટે કડક નિયમો છે પરંતુ નિષ્ણાતો અનુસાર આ નિયમો માત્ર કાગળ પર જ છે. ખરેખર, નિષ્ણાતોએ એવો દાવો કર્યો કે ખરાબ ગુણવત્તાનું કૉન્ક્રિટ અને સ્ટીલ નિર્માણમાં વપરાય છે અથવા નિયમોમાં ઢીલ આપવામાં આવે છે.

ઇસ્તાંબૂલ યુનિવર્સિટીનાં પેલીન પિનાર અનુસાર 2018માં સરકારે નિર્માણમાં નિયમોને ભંગ કરનારાઓને છૂટ આપી હતી જેમાં દંડ ભરીને લાખો ઇમારતોને મંજૂરી આપી દેવામાં આવી હતી. પરંતુ ગુણવત્તાને સુધારવા માટે કંઈ પ્રયત્ન નહોતા કરવામાં આવ્યા. દસ શહેરોમાં લાખો ઇમારતો ભૂકંપનો ભોગ બની હતી.

line

સરકારની નિષ્ફળતા?

તુર્કી સીરિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોઆન

અગાઉ તુર્કીમાં 1999માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો ત્યાર બાદ સરકારે વિશેષ ભૂકંપ ટૅક્સ લાદવાનું શરૂ કર્યું હતું. સરકાર કહ્યું હતું કે આ પૈસા ઇમારતોને ભૂકંપ સામે સુરક્ષિત બનાવવામાં ખર્ચ થશે.

તુર્કીનો વિપક્ષ હવે સવાલ કરી રહ્યો છે કે આ પૈસા ક્યાં ગયા. તુર્કીમાં આપદા પ્રબંધન અને રાહત સિસ્ટમમાં પણ ઊણપ જોવા મળી.

રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોઆને પણ કહ્યું કે ભૂકંપ બાદ જેમ બને તેમ જલદી રાહત અને બચાવકાર્ય શરૂ કરવાની જરૂર હોય છે પરંતુ રાહત ટીમોને તૈયાર કરવામાં સમય લાગ્યો. કેટલાંક ગામોમાં પહેલાં કેટલાક દિવસો સુધી મદદ પહોંચી જ નહોતી શકી.

ગત કેટલાક દિવસોમાં તુર્કીની સેનાએ આવી આફતના સમયે ઝડપથી રાહત અને બચાવકાર્ય કર્યું છે પરંતુ 2016માં સત્તાપલટાની કોશિશ બાદ અર્દોઆન સરકારે પોતાની શક્તિઓને વધારે મજબૂત કરી છે.

અર્દોઆન ગત 20 વર્ષથી સત્તામાં છે, પહેલાં વડા પ્રધાન અને હવે રાષ્ટ્રપતિ. હવે તુર્કીમાં મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

અર્દોઆન સામે ફૂગાવા અને વિખરાયેલા વિપક્ષનો પડકાર છે. જોકે એ જોવાનું રહેશે કે ભૂકંપની ચૂંટણી પર શું અસર થશે.

line

ભારતમાં ભૂકંપનો ખતરો?

તુર્કી સીરિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

તુર્કી અને સીરિયામાં વિનાસનાં દૃશ્યો જોયા બાદ તમે પણ વિચારતા હશો કે ભારતમાં પણ અનેક શહેરોમાં ગેરકાયદે અને ખતરનાક રીતે નિર્માણ કરાયેલી ઇમારતો છે જે મોટા ભૂકંપ સામે ટકી શકશે કે કેમ તે એ સવાલ છે.

ભારતમાં નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના રિપોર્ટ અનુસાર મુંબઈ, પૂણે, દિલ્હી સહિત અનેક શહેરો જે ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલાં છે, ત્યાં ભૂકંપને કારણે મધ્યમથી ગંભીર નુકસાન થવાની શક્યતા છે.

હવે ભારતે પણ તુર્કીમાં એનડીઆરએફની ટીમ્સ મોકલી છે, પરંતુ તુર્કીમાં વેરાયેલા વિનાશમાંથી ભારત પાસે શીખવાનું ઘણું છે.

(સંકલન- જાહ્નવી મૂળે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન