અંગ્રેજો સામેના વિદ્રોહ વખતે તવાયફોના કોઠા જ્યારે વિદ્રોહીનો આશરો બન્યા

ઇમેજ સ્રોત, BBC/GOPAL SOONYA
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક, લાહોર
લોકો તેમને 'કંજરી' કહેતા હતા પરંતુ પછી સોળમી સદીમાં ભારત પર 46 વર્ષો સુધી રાજ કરનારા મુગલ બાદશાહ શહેનશાહ જલાલઉદ્દીન અકબરે તેમને 'કંચની' નામે સંબોધવાનો આદેશ આપ્યો હતો.
શાયર અને ઇતિહાસકાર મોહમ્મદ હુસૈન આઝાદ 'સુખદાન-એ-ફારસ'માં લખે છે કે 'કંજર અને કંજરી હિંદીમાં નાચતા-ગાતા લોકોને કહેવામાં આવે છે. અકબરે એક દિવસ ખુશ થઈને કહ્યું કે તેમને કંચની એટલે સોનેરી કહ્યા કરો.'
લેખક રાણા સફવી પ્રમાણે કંચની સિદ્ધહસ્ત ગાયિકાઓ અને નૃત્યાંગનાઓને કહેવામાં આવતી હતી, ગૅંગ કે બૅન્ડને તાયફા (બહુવચન તવાયફ) અને અત્યંત દક્ષ સંગીતકારો, ગાયકો અને નર્તકને તવાયફ. આ શબ્દાવલી સન્માન માટે હતી.
ભારતમાં મુસ્લિમોની ધાર્મિક વિધિઓ પર સન 1832માં છપાયેલા એક પુસ્તકમાં 'કંચની કા તાયફા' વિશે લખવામાં આવ્યું છે કે 'તેને શાહઝાદા અને શોરફા (શરીફનું બહુવચન) જમવા માટે નિમંત્રિત કરતા હતા.'
પોંગી, મૃદંગ, ઝાંઝ, ઘઘરી, સારંગ (સારંગ કે તંબુરો) બધા સાધન પુરુષો વગાડતા હતા. પગનાં ઝાંઝર મહિલાઓ નાચતી અને ગાતી વખતે પહેરતી હતી. તેમની સંખ્યા ત્રણથી ઓછી અને પાંચથી વધુ નહોતી.

સંક્ષિપ્તમાં: કોણ હતી તવાયફો?

- કંચની સિદ્ધહસ્ત ગાયિકાઓ અને નૃત્યાંગનાઓને કહેવામાં આવતી હતી, ગૅંગ કે બૅન્ડને તાયફા (બહુવચન તવાયફ) અને અત્યંત દક્ષ સંગીતકારો, ગાયકો અને નર્તકને તવાયફ. આ શબ્દાવલી સન્માન માટે હતી. તવાયફો ઉપમહાદ્વીપની સાંસ્કૃતિક વિરાસતનો અતૂટ ભાગ હતી જેમને તેમની કળા, ફારસી અને ઉર્દૂ સાહિત્ય અને શાયરી માટે ખૂબ સન્માન આપવામાં આવતું હતું.
- ભારતમાં તવાયફોને સંપત્તિ, સામ્યર્થ, ઇજ્જત અને રાજકીય પહોંચ પ્રાપ્ત હતી અને તેમને સંસ્કૃતિ પર ઑથોરિટી સમજવામાં આવતી હતી. ઇજ્જતદાર ખાનદાન પુત્રોને તહઝીબ, અદબ અને બોલવાની કળા શીખવવા માટે તેમની પાસે મોકલતા હતા. મુગલ સલ્તનતો વખતે તવાયફોએ મહિલા પ્રભુત્વ ધરાવતો વર્ગ બનાવી લીધો હતો. તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત હતું અને ઘણા પ્રસંગોએ પર રાજકીય મામલે પણ તે સક્રિય રહેતી હતી
- 'તે માત્ર કળા અને સંસ્કૃતિનું કેન્દ્ર નહીં પરંતુ સ્વતંત્ર વિચારોવાળી મહિલાઓ હતી. પુરુષો તેમના પર નિર્ભર હતા. પુરુષો તેમના કર્મચારી હતા. સન 1857 બાદ મુગલ પરિવાર કે નવાબ તબાહ થયા અને સાથે યુગ તબાહ થયો, એક સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. કથક નૃત્યાંગના અને શાસ્ત્રીય ગાયિકાઓ હવે અંગ્રેજ શાસકો અનુસાર 'નાચ ગર્લ્સ' હતી.
- વાંચો, સંસ્કૃતિ અને સભ્યતાની પોષક આ તવાયફો દેહવેપારમાં કઈ રીતે ધકેલાઈ ગઈ?'કંજર અને કંજરી હિંદીમાં નાચનાર-ગાનારને કહેવામાં આવે છે. અકબરે એક દિવસ ખુશ થઈને કહ્યું કે 'તેમને કંચની એટલે સોનેરી કહ્યા કરો.'

સાંસ્કૃતિક વિરાસતનો અતૂટ ભાગ
શિક્ષણવિદ અને લેખક રુથ વિનીતા બ્રિટન અને ભારતના સાહિત્યિક ઇતિહાસમાં શૈલી અને લૈંગિકતાના નિષ્ણાત છે. તેઓ તર્ક આપે છે કે તવાયફની સંસ્કૃતિ હાઇબ્રિડ હિંદુ-મુસ્લિમ હતી.
તવાયફો ઉપમહાદ્વીપની સાંસ્કૃતિક વિરાસતનો અતૂટ ભાગ હતી જેમને તેમની કળા, ફારસી અને ઉર્દૂ સાહિત્ય અને શાયરી માટે ખૂબ સન્માન આપવામાં આવતું હતું. જોકે, તેઓ મુગલકાળ પહેલાં પણ શોરફાને મનોરંજન આપતાં હતાં પરંતુ મુગલકાળમાં તેમનો ઉત્કર્ષ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેખક અને ઇતિહાસકાર પ્રાણ નેવેલે લખ્યું છે કે "ઉત્તમ તવાયફોને ડેરેદાર તવાયફ કહેવામાં આવે છે અને તે શાહી મુગલ દરબારો સાથે પોતાનો વંશ જોડે છે."
તે બાદશાહો અને નવાબોની દાસીઓમાં હતી. તેમાં ઘણી જાણીતી નૃત્યાંગનાઓ અને ગાયિકાઓ હતી, જે આરામ અને સુખ-સુવિધાઓમાં રહેતી હતી. તવાયફો સાથે જોડાયેલું રહેવું એ હેસિયત, સંપત્તિ, સભ્યતા અને સૌમ્યતાનું પ્રતીક મનાતું હતું. તેમને કોઈ ખરાબ મહિલા કે દયાને પાત્ર સમજવામાં આવતી ન હતી.
પ્રાણ નેવેલે પોતાનાં પુસ્તક 'નાચ ગર્લ્સ ઑફ ઇન્ડિયા'માં જણાવ્યું છે કે કેવી રીતે ઉત્તર ભારતમાં તવાયફોને સંપત્તિ, સામ્યર્થ, ઇજ્જત અને રાજકીય પહોંચ પ્રાપ્ત હતી અને તેમને સંસ્કૃતિ પર ઑથોરિટી સમજવામાં આવતી હતી. ઇજ્જતદાર ખાનદાન તેમના પુત્રોને તહઝીબ, અદબ અને વાક્ચાતુરી શીખવવા માટે તેમની પાસે મોકલતા હતા.

મહિલા પ્રભુત્વ ધરાવતો વર્ગ

ઇમેજ સ્રોત, Getty Images
સલીમ કિદવાઈનું કહેવું છે કે ઘણાં મુગલ રાજ્યો અને સલ્તનતોનાં તમામ હિંદુ-મુસ્લિમ દરબારોમાં તવાયફોએ મહિલાપ્રભુત્વ ધરાવતો વર્ગ બનાવી લીધો હતો. તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત હતું અને ઘણા પ્રસંગોએ રાજકીય મામલે પણ તેઓ સક્રિય રહેતી હતી.
એક ઉદાહરણ સરધનાનાં શાસક બેગમ સમરુ (1753-1836)નું છે જેમણે પોતાના વ્યવસાયિક જીવનની શરૂઆત એક તવાયફ તરીકે હતી.
પત્રકાર સૌમ્યા રાવ પણ લખે છે કે તવાયફો સંપત્તિ અને રુઆબ ધરાવતી મહિલાઓ હતી. કલાકારોની શ્રેણીમાં તવાયફોનું સ્થાન શીર્ષ પર હતું, આ એક એવો વર્ગ હતો જે ગલીઓમાં કળા બતાવનાર અને દેહવેપાર કરનારથી અલગ હતો.
ઇતિહાસકાર અને શિક્ષણવિદ દાનિશ ઇકબાલનો વિચાર છે કે તવાયફો કલાકારોની શ્રેણીમાં સૌથી પહેલાં આવતી હતી, જ્યારે પિતૃસત્તાત્મક ભારતીય સમાજમાં મહિલાઓને કોઈ જગ્યા કે ભૂમિકા મળતી ન હતી અને મોટા ભાગે પોતાના ઘરની ચાર દિવાલ સુધી મર્યાદિત રહેતી હતી. પુરુષોના વર્ચસ્વ ધરાવતા સમાજમાં આ મહિલાઓ પ્રભાવ અને પહોંચ ધરાવતી હતી.
'તે માત્ર કળા અને સંસ્કૃતિનું કેન્દ્ર નહીં પરંતુ સ્વતંત્ર વિચારોવાળી મહિલાઓ હતી. પુરુષો તેમના પર નિર્ભર હતા. પુરુષો તેમના કર્મચારી હતા. સંગીતકાર હોય કે સંગીત અને નૃત્યના ગુરુ, પુરુષ તેમના ગ્રાહક અને પુરુષ તેમના દલાલ.'
મહલુકા બાઈ ચંદા ઉર્દૂનાં પહેલાં શાયરા છે જેમનો પોતાનો કવિતા સંગ્રહ છે. તેમનો કવિતા સંગ્રહ ઇસ 1898માં તૈયાર થયો. મહલુકા બાઈનો એક શેર છે :
ગમઝા વ નાઝ વ અદા શેવા હૈ ખૂબો કા મગર
હર સુખન મેં રુઠ જાના કૌન સા દસ્તૂર હૈ
તેનો મતલબ એવો છે કે નાઝ અને અદા તો ઠીક છે પરંતુ દરેક વાતે રિસાઈ જવાનું શું કારણ છે.

જ્યારે સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ
સફવી કહે છે કે સન 1857 બાદ મુગલ પરિવાર તથા નવાબ તબાહ થયા અને સાથે એક યુગ તબાહ થયો, એક સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. કથક નૃત્યાંગના અને શાસ્ત્રીય ગાયિકાઓ હવે અંગ્રેજ શાસકો અનુસાર 'નાચ ગર્લ્સ' હતી.
પત્રકાર સૌમ્યા રાવનું કહેવું છે કે ત્યારે મુગલ સલ્તનત ઘણા દાયકાઓના પતનનો શિકાર થઈ ગઈ હતી. દિલ્હીને છોડીને ઘણી તવાયફો અવધ રિયાસતના લખનૌમાં જતી રહી હતી, જ્યાં નવાબોએ તેમની કળાને સંરક્ષણ આપ્યું હતું.
ઈરાની અને ભારતીય નૃત્યના એક જેવા રૂપ કથકે ઠુમરી, દાદરા અને ગઝલની સાથે અવધના દરબારોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
નવાબ વાજીદઅલી શાહ પોતે કથકના પ્રતિભાવાન નર્તક, ગાયક અને શાયર હતા. તેમણે કળાઓને પ્રોત્સાહન આપ્યું હતું. તે સંગીત અને નૃત્યનો સોનેરી યુગ હતો.
જોકે, લખનૌમાં પણ દુર્ભાગ્યે તેમનો પીછો ન છોડ્યો. અંગ્રેજોએ ઇ.સ. 1856માં રિયાસત અવધ પર કબજો કરી લીધો.

અંગ્રેજો વિરુદ્ધ બગાવત

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક સ્રોતો પ્રમાણે અવધના છેલ્લા નવાબ વાજીદઅલી શાહનાં પત્ની બેગમ હઝરત મહલ લગ્ન પહેલાં એક તવાયફ હતાં. બળવા દરમિયાન જ્યારે તેમના પતિનો દેશનિકાલ કરવામાં આવ્યો ત્યારે તેમના નેતૃત્વમાં બળવાખોરોએ થોડા સમય માટે લખનૌ પર કબજો કરી લીધો અને તેમના દીકરાને શાસક ઘોષિત કરી દીધો.
જ્યારે બ્રિટિશ સેનાએ વર્ષ 1858માં લખનૌ પર ફરી કબજો કર્યો તો હઝરત મહલે નેપાળમાં શરણ લીધું અને 1879માં પોતાના નિધન સુધી ત્યાં જ વસ્યાં.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિરોધમાં અસંતોષ વધી રહ્યો હતો. તવાયફોએ પડદા પાછળ એ વિદ્રોહમાં સક્રીય ભૂમિકા નિભાવી હતી.
તેઓ બ્રિટિશ ગ્રાહકોની જાસૂસી કરતી હતી, તેમને વાત કરવા માટે તૈયાર કરતી અને તેમની પાસેથી મળતી માહિતીને વિદ્રોહીઓ સુધી પહોંચાડી દેતી.
કોઠા તરીકે ઓળખાતાં તેમનાં ઘરો બળવાખોરોના મળવા અને સંતાવાનાં ઠેકાણાં બની ગયાં. પૈસાદાર તવાયફો 'બળવાખોરોને' આર્થિક મદદ પણ કરતી હતી.
રાવ લખે છે કે કાનપુરનાં એક તવાયફ અઝીઝ ઉન્નિસા કે અઝીઝનબાઈએ વર્ષ 1857ના વિદ્રોહમાં અંગ્રેજો વિરુદ્ધ લડાઈ પણ લડી હતી. અંગ્રેજો જ્યારે વિદ્રોહના આરોપીઓને સજા આપવા લાગ્યા તો તેમણે તવાયફો પણ કેર વરસાવ્યો.
સૌમ્યા રાવ લખે છે કે જે ઉત્તર ભારતમાં તવાયફ, દક્ષિણ ભારતમાં દેવદાસી, બંગાળમાં બાઈજી અને ગોવામાં નાયકન તરીકે ઓળખાતી હતી, તે વ્યવસાયિક અને નૃત્યાંગનાઓને બ્રિટિશ રાજમાં 'નાચ ગર્લ્સ' તરીકે ઓળખ મળી અને તેમના વ્યવસાયને 19મી સદીના અંતમાં દેહવેપાર સાથે જોડી દેવામાં આવ્યો.
આ રીતે ભારતની શાસ્ત્રીય કળાઓમાં તેમની ભાગીદારીને સામૂહિક બોધથી દૂર કરી દેવાઈ અને તેમની કહાણીઓને ઇતિહાસના ખૂણામાં પણ જગ્યા ન મળી.
ઇતિહાસકાર વીના ઑલ્ડનબર્ગે પોતાના પુસ્તક 'ધ મેકિંગ ઑફ કૉલોનિયલ લખનૌ'માં લખ્યું છે કે 'તવાયફોને દેહવેપાર સાથે જોડવું એ તેમના વ્યવસાય સાથે ખૂબ અન્યાયપૂર્ણ ચિત્રણ છે.'
ઑલ્ડનબર્ગે લખનૌમાં તવાયફો પર મોટા પાયે સંશોધન કર્યું છે.
તેમણે લખ્યું છે કે 'જ્યારે અંગ્રેજોએ 1857ના બળવામાં સામેલ લોકોનો પીછો કર્યો તો જાણવા મળ્યું કે 'એ નાચ અને ગાયન કરતી છોકરીઓ' હતી અને ટેક્સ રૅકૉર્ડમાં તે સૌથી વધારે કર આપનારા લોકોમાં સામેલ હતી એટલે કે શહેરમાં સર્વાધિક વ્યક્તિગત આવક ધરાવતી હતી.'
તેમનાં મકાન, બાગ, કારખાનાં અને ખાવાપીવા અને સુખ-સુવિધાનાં સાધનો બ્રિટિશ શાસકોએ લખનૌની નાકેબંદી અને વર્ષ 1857માં બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્રોહમાં સંલિપ્ત હોવાના કારણે જપ્ત કરી લીધાં હતાં.
આ મામલો માત્ર સંપતિ જપ્ત કરવા સુધી સીમિત ન હતો પરંતુ સૌથી આકર્ષક તવાયફોને સૈનિકોની સેવા માટે બ્રિટિશ છાવણીઓમાં મોકલી દેવામાં આવી હતી. તે તવાયફો જેમણે શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને ઉર્દૂ સાહિત્યિક પરંપરાઓમાં ભવ્ય ભૂમિકા ભજવી તે હવે સામાન્ય દેહવ્યાપાર કરનારી બની ગઈ હતી.
મોટાં અને આબરૂદાર ઘરોના પુત્રોને જેની પાસે સભ્યતા શીખવવા માટે મોકલવામાં આવતા હતા, હવે તેને અંગ્રેજ ઑફિસરો અને સૈનિકો પાસે તેમની દેહભૂખ મિટાવવા માટે જવું પડતું હતું.
તે મહિલાઓ જે કેટલીય કળાઓની જનક હતી અને તેને લોકપ્રિય બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી રહી હતી; કથક, દાદરા, ગઝલ અને ઠુમરીની કળામાં મહારત પ્રાપ્ત હતી અને કળાનાં વિભિન્ન રૂપોને જીવિત રાખવા માટે ઘણું બધું કર્યું હતું, તેમને માત્ર નૃત્યુ સુધી બાંધી દેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
19મી સદીના અંતમાં ઉપનેવિશવાદી પ્રશાસન, ખ્રિસ્તી મિશનરીઓ અને ભારતીય સમાજસુધારકોએ નાચવિરોધી આંદોલન શરૂ કર્યું, જેનાથી જનમાનસ તવાયફો અને નૃત્યાંગનાઓની વિરુદ્ધ થઈ ગયું. રોજીરોટી બરબાદ થયાં બાદ તેમાંથી કેટલીક પોતાનું પેટ ભરવાં માટે દેહવ્યાપારનાં કામ તરફ આગળ વધી અને તેમાં વધારેને વધારે ખૂંપતી ગઈ.
કર્ઝિટોફ ઇનાવીક લખે છે કે 'માન્યું કે તવાયફો ભણેલીગણેલી અને ઉચ્ચ વર્ગની મહિલાઓ હતી અને તેમણે ભારતીય કળાઓમાં પોતાની ભૂમિકા ભજવી હતી, એ વાસ્તવિકતા પર પડદો ન નાખવો જોઈએ કે તેમણે પુરુષોને શારીરિક સેવાઓ પણ આપવી પડતી હતી. ઘણી તવાયફો પર પુરુષોનું વર્ચસ્વ હતું. કેટલીકને શારીરિક અત્યાચારનો શિકાર બનાવવામાં આવી, કેટલીકને કેદીઓ જેવું જીવન જીવવા મજબૂર કરવામાં આવી અથવા જ્યારે પુરુષ પરસ્પર તેમના શરીર માટે લડતા હતા તો પરિણામ તેમણે ભોગવવું પડતું હતું.'
તવાયફના જીવન પર લાગેલા ક્રમવાર ગ્રહણની ઝલક કેટલીક સાહિત્યિક કૃતિઓમાં જોવા મળે છે.
નસીમ આરાએ 1960ના દાયકામાં લખવામાં આવેલા અમૃતલાલ નાગરના પુસ્તક 'યે કોઠેવાલિયાં'ની એક કહાણીમાં કહ્યું છે કે 19મી સદીની ડેરેવાલી તવાયફોના એક વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રહેતા, જે સામાન્યપણે આખા પરિવારનું ધ્યાન રાખતી હતી. જો ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થાય તો એ પોતાનું જીવન વિધવાની જેમ વિતાવતી હતી.
વીસમી સદીની શરૂઆતમાં અબ્દુલ હરીમ શરરે નવાબોની પ્રશાસનિક વ્યવસ્થામાં અવધના જીવન અને સંસ્કૃતિ પર પોતાનું પુસ્તક 'ગુજશ્તા લખનૌ' લખ્યું.
તેઓ તવાયફોનો ત્રણ વર્ગમાં ઉલ્લેખ કરે છે અને કંચની તેમાંથી એક છે. જે બીજા વર્ગનો ઉલ્લેખ કરે છે, તે 'ચૂનાવાલી' છે - જે એવી મહિલાઓ હતી જે પહેલા ચૂનો વેચતી હતી પરંતુ હવે બજારું મહિલાઓ બની ચૂકી હતી અને ત્રીજી 'નગરાંટ' છે જેનો સંબંધ ગુજરાત સાથે છે. તેઓ આ ત્રણેય વર્ગની મહિલાઓને 'બજારોની રાણીઓ' કહે છે.
તેમનો મૂળ વ્યવસાય દેહવેપાર છે. નિઃસંદેહ એક કારણ એ રહ્યું હશે કે નાદિરશાહ અને અહમદશાહ અબ્દાલીના દિલ્હી પર હુમલા બાદ મુગલ સલ્તનત વિખેરાઈ રહી હતી અને શાહી સંરક્ષણ હવે ઉચ્ચ જીવનસ્તર પર યથાવત્ રાખવા માટે પર્યાપ્ત રહ્યું ન હતું.
તે એટલી પૈસાદાર અને શક્તિશાળી હતી કે શરર લખે છે કે 'હકીમ મેહદી જેવી સૌમ્ય વ્યક્તિ જે પછી અવધના વઝીર-એ-આઝમ બન્યા, પોતાની પ્રાથમિક સફળતા માટે પ્યારુ નામની એક તવાયફ પર નિર્ભર હતા.'
'પ્યારુએ અવધના ગવર્નર તરીકે તેમની પહેલી નિયુક્તિ પર શાસકોને ભેટ આપવા માટે રકમ આપી હતી. આ હાસ્યસ્પદ વાતો એટલી હદ સુધી વધી ગઈ હતી કે કહેવામાં આવતું હતું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ તવાયફો સાથે સંબંધ ન રાખતી હોય ત્યાં સુધી તે સુસંસ્કૃત કહેવાતી નહોતી. આ સમય એટલે કે 1913માં કેટલીક તવાયફો હાજર છે જેમની સાથે ઊઠવું-બેસવું નિંદનીય નથી અને તેમનાં ઘરોમાં ખુલ્લેઆમ બેધડક જઈ શકાય છે.'
સ્પષ્ટ છે કે શરર વર્ષ 1856 બાદ લખી રહ્યા હતા, જ્યારે પારંપરિક તવાયફોની સંસ્થા અંગ્રેજ નષ્ટ કરી ચૂક્યા હતા.
કાઝી અબ્દુલ ગફ્ફારની નવલકથા 'લૈલા કે ખુતૂત' વર્ષ 1932માં પ્રકાશિત થઈ હતી. આ કદાચ ઉર્દૂની પહેલી નવલકથા હતી જેમાં પત્રોની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે એક એવી તવાયફની જિંદગીને રજૂ કરી છે જે પુરુષોએ બનાવેલા સમાજથી ત્રસ્ત છે. પોતાના પત્રોમાં તેઓ આવા સમાજ પર ભારે વ્યંગ્ય કરે છે.
આ આધાર પર અઝીઝ અહમદે 'લૈલા કા ખુતૂત'ને પહેલી પ્રગતિશીલ નવલકથા ગણાવી છે. જોકે, પ્રગતિશીલ આંદોલન આ નવલકથા છપાયાના આશરે ચાર વર્ષ બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. પ્રેમચંદની કૃતિ 'બજાર-એ-હુસ્ન'નો વિષય પણ આ જ છે.
કેટલીક ઉપલબ્ધ કહાણીઓ પૈકી એક મલિકા પુખરાજની છે, જે જમ્મુકાશ્મીરમાં મહારાજા હરિસિંહના દરબાર સાથે જોડાયેલાં ગાયિકા અને નૃત્યાંગના હતાં. સલીમ કિદવાઈએ એ સંસ્મરણોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
આ રીતે સામાન્યપણે તવાયફ ઉપર દેહવ્યાપારનો દાગ લાગી ગયો હતો.
વર્ષ 1960ના દાયકાના મધ્ય સુધી, શાયર નિયાઝ ફતેહપુરી યાદ કરે છે કે 'મારા પિતાએ મને એ મહેફિલોમાં મોકલવાનું શરૂ કર્યું અને અહીંથી જ મારા સાહિત્યિક જીવનની શરૂઆત થઈ. શહેરની જાણીતી તવાયફોની હેસિયત એક એવાં વિદ્વાનની હતી જેમની પાસેથી શરીફ લોકોએ લખનૌની સાચી સભ્યતા શીખી હતી.'

થિએટર અને ફિલ્મ

ઇમેજ સ્રોત, BOOK/MY NAME IS GAUHAR JAN
શરયા ઇલા ઇંસૂયા અનુસાર થિએટર અને ફિલ્મમાં તવાયફોની ભાગીદારીએ અભિનય અને સાહિત્યિક કળાને ખૂબ શક્તિ પ્રદાન કરી.
જદ્દનબાઈ ભારતીય સિનેમાનાં જનક પૈકીનાં એક હતાં. એ જ રીતે બેગમ અખ્તર ભારતનાં સૌથી સન્માનિત અને સફળ ગાયિકાઓમાંથી એક હતાં, જેમને કળામાં મહારત માટે 'મલિકા-એ-ગઝલ' કહેવામાં આવતાં હતાં.
બીજી કેટલીક તવાયફોએ ભારતીય સંસ્કૃતિ પર દૂરગામી પ્રભાવ છોડ્યા હતા.
સૌથી જાણીતાં હતાં ગૌહરજાન. તેઓ વીસમી સદીની શરૂઆતમાં ગ્રામોફોન પર પોતાનું ગીત રેકૉર્ડ કરનારાં પહેલાં ભારતીય કલાકાર હતાં. આર્મેનિયાઈ પિતા અને બ્રિટિશમાનું સંતાન ગૌહરજાને પોતાનું આખું જીવન ભારતમાં વિતાવ્યું હતું. ગૌહરજાને 1900ના દાયકામાં રેકૉર્ડિંગ આર્ટિસ્ટ તરીકે ભારે સફળતા પ્રાપ્ત કરી હતી.
મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાના આંદોલનના સમર્થન માટે સ્વરાજ ફંડમાં ભાગીદારી નિભાવવા માટે તેમનો સંપર્ક કર્યો. તેઓ એ શરતે ફાળો એકઠો કરવાનો કાર્યક્રમ આયોજિત કરવા માટે તૈયાર થયાં કે ગાંધી તેમનું પ્રદર્શન જોવા માટે આવશે.
વિક્રમ સંપત 'માઇ નેમ ઇઝ ગૌહરજાન'માં લખે છે કે ગાંધી ન આવી શક્યા અને ગૌહરજાને 24 હજારમાંથી 12 હજાર રૂપિયા તેમને મોકલ્યા.
1920થી 1922 સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસહયોગ આંદોલન દરમિયાન વારાણસીમાં તવાયફોના એક જૂથે સ્વતંત્રતા સંગ્રામના સમર્થન માટે 'તવાયફસભા' સ્થાપિત કરી હતી. બધાની અધ્યક્ષતા કરનારા હસીનાબાઈએ જૂથના સભ્યોને અપીલ કરી કે તેઓ વિરોધના પ્રતીક તરીકે દાગીનાને બદલે લોખંડની બેડીઓ પહેરે અને વિદેશી સામાનનો બહિષ્કાર કરે.
ઇંસૂયા લખે છે કે જદ્દનબાઈ પણ એક તવાયફ અને પ્રસિદ્ધ ગાયિકા હતાં. તેમણે વર્ષ 1934માં ભારતની પહેલી ફિલ્મ પ્રોડક્શન કંપની 'સંગીત મૂવીટોન' બનાવી હતી.
તેમણે ફિલ્મો બનાવવાની સાથે તેમની સ્ક્રિપ્ટ પણ લખી હતી, સંગીત આપ્યું હતું તથા ડાયલૉગ પણ લખ્યા હતા અને ઍક્ટિંગ પણ કરી હતી. જદ્દનબાઈની દીકરી નરગીસ 1950-60ના દાયકામાં બોલીવૂડનાં ચમકતાં સિતારામાંથી એક હતાં.
સૂફી કથક નૃત્યાંગના મંજરી ચતુર્વેદીનું કહેવું છે કે તવાયફ આપણા ઇતિહાસનું અનિવાર્ય અંગ છે.
'જો કોઈ તવાયફ નવાબજાન તેમની શાયરી ન ગાતી હોત તો મિર્ઝા ગાલિબનું અસ્તિત્વ જ ન હોત. તેઓ એક તવાયફ હતાં જેમણે આપણને ગાલિબથી પરિચિત કરાવ્યાં હતાં.'
તવાયફની કળા અને સંસ્કૃતિને દેહવેપાર સાથે જોડીને નીચી પાયરીએ લાવી દેવામાં આવ્યાં.
રાના સફવી કહે છે કે 'આજે દેહવેપાર માટે તવાયફ શબ્દનો ઉપયોગ થાય છે. જે ગીત અને નાચવાનું શીખે છે તે હવે ગાલિબ કે દાગની ગઝલો નહીં, ગ્રાહકને ખુશ કરવા માટે અશ્લીલ ફિલ્મી ગીતો ગાય છે. કોઈ બાલા-ખાના એટલે કે ઉચ્ચ ઘર નથી કે જ્યાં સંગીત અને નૃત્યનો વિકાસ થાય. આજે બસ કોઠા છે જ્યાં સામાન્યપણે છોકરીઓનું અપહરણ કરીને અથવા લાલચ આપીને તેમની મરજી વિરુદ્ધ દેહવેપાર માટે મજબૂર કરવામાં આવે છે.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














