અમેરિકામાં ગર્ભપાતના કાયદામાં નવા ચુકાદા બાદ શું ફેરફાર આવશે અને ભારતમાં કેવો કાયદો છે?

    • લેેખક, રૉબિન લેવિન્સન કિંગ, ક્લોઇ કિમ અને પૉલ સાર્જન્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો માટે ગર્ભપાત પર આંશિક કે સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવા માટે દરવાજા ખુલ્લા મૂક્યા છે.

1973માં કોર્ટે રો વિરુદ્ધ વેડ મામલે ચુકાદો આપ્યો હતો કે પ્રેગનન્સીના પ્રથમ ત્રણ મહિનામાં ગર્ભવતી મહિલા ઇચ્છે તો ગર્ભપાત કરાવી શકે છે. જોકે, ત્રણ મહિના બાદના કિસ્સામાં કાયદાકીય પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

અમેરિકામાં ગર્ભપાત

ઇમેજ સ્રોત, Getty Images

હવે કોર્ટે અગાઉનો ચુકાદો પલટી નાખ્યો છે અને તાત્કાલિક ધોરણે રાજ્યોને પહેલા અઠવાડિયાથી જ ગર્ભપાતને ગેરકાયદેસર રાખવો કે કેમ તે અંગે નિર્ણય લેવા છૂટ આપી છે.

આ ચુકાદાથી અમેરિકામાં ગર્ભપાત સ્વયંભૂ રીતે ગેરકાયદેસર નહીં થાય પણ દરેક રાજ્યો જાતે નક્કી કરી શકશે કે તેમને કઇ રીતે અને કેવા સંજોગોમાં છૂટ આપવી.

ભારતમાં વર્ષ 1971માં લાગુ થયેલા કાયદા પ્રમાણે ચોક્કસ સંજોગમાં 20 અઠવાડિયાં સુધીમાં ગર્ભપાતને મંજૂરી આપવાની જોગવાઈ હતી.

જોકે, લાંબા સમયથી મહિલાઓની માગ અને તબીબોની ભલામણના પગલે સમયમર્યાદા 20 અઠવાડિયાંથી વધારીને 24 અઠવાડિયાં કરવામાં આવી છે અને તેના માટે બે તબીબની પરવાનગી અનિવાર્ય રાખવામાં આવી છે.

line

કયાં રાજ્યો પ્રતિબંધ લાદશે?

અમેરિકામાં ગર્ભપાત

ઘણાં રાજ્યોએ રો વિરુદ્ધ વેડના પલટાયેલા ચુકાદાનો અમલ કરી દીધો છે. જ્યારે કેટલાંક રાજ્યો દ્વારા 1973ના ચુકાદાને હટાવી લેવામાં આવ્યો છે. જેથી 1973 અગાઉની જેમ ગર્ભપાત ગેરકાયદેસર ગણાય.

છેલ્લા એક દાયકામાં કેટલાંક રાજ્યોએ અનિવાર્ય સંજોગોને બાદ કરતાં ગર્ભપાતને ગેરકાયદેસર ગણાવતો કાયદો બનાવ્યો હતો. આ રાજ્યોમાં જો માતાના જીવનને ખતરો હોય તેવા સંજોગોમાં જ ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવતી હતી.

જોકે, રાજ્યોના આ કાયદા રો વિરુદ્ધ વેડના ચુકાદાને પડકારતા હોવાથી કેટલાક કાયદા રદ કરવામાં આવ્યા હતા. જે હવે ફરીથી લાગુ થઈ શકે છે.

20થી વધુ રાજ્યો ગર્ભપાતને મર્યાદિત કરવા માટે પગલાં લઈ રહ્યાં છે. ગટ્ટમાકરના જણાવ્યા અનુસાર, કેટલાંક રાજ્યો નવો કાયદો પસાર થાય તે ક્ષણથી જ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે, તો છથી વધુ રાજ્યો એક સપ્તાહમાં આ અંગે નિર્ણય લેશે.

તમામ રાજ્યોમાં માતાનું જીવન બચાવવા માટે ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે કેટલાંક રાજ્યોમાં બળાત્કાર પીડિતાઓને પણ છૂટ આપવામાં આવી છે.

મોટા ભાગનાં રાજ્યોનું કહેવું છે કે તેઓ ગર્ભપાત કરવા ઇચ્છતી મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે, પરંતુ ગર્ભપાત કરનાર અને તેમાં મદદ કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરશે.

line

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોને નુકસાન?

અમેરિકા

ગર્ભપાતના હક માટે કામ કરતા રિસર્ચ ઑર્ગેનાઇઝેશન ગટ્ટમાકર ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે, સુપ્રીમ કોર્ટના આ નવા ચુકાદા બાદ અમેરિકામાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ધરાવતી ચાર કરોડ મહિલાઓ ગર્ભપાતથી વંચિત રહેશે.

અમેરિકામાં વર્ષ 2019ની દૃષ્ટિએ ગર્ભપાત કરાવવા માગતી મહિલાઓમાં નવ ટકા ટિનેજર્સ, 57 ટકા મહિલાઓ 20થી 30 વર્ષ વયજૂથની, 30થી વધુ વયની 35 ટકા મહિલાઓ અને ઓછામાં ઓછું એક બાળક ધરાવતી 60 ટકા મહિલોઓનો સમાવેશ થાય છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા 2019ના ગર્ભપાતના આંકડા પ્રમાણે, 43 ટકા મહિલાઓ પ્રથમ છ સપ્તાહમાં ગર્ભપાત કરાવે છે. 49 ટકા મહિલાઓ છથી 13 સપ્તાહ દરમિયાન અને સાત ટકા મહિલા 13 સપ્તાહ બાદ ગર્ભપાત કરાવે છે. આ મહિલાઓમાં 58 ટકા મહિલા એવી હોય છે જે પ્રથમ વખત ગર્ભપાત કરાવતી હોય છે.

લાઇન

નવો ચુકાદો: ક્યાં રાજ્યમાં કેવી પરિસ્થિતિ?

લાઇન
  • કૅન્ટકી, લ્યુઇઝિયાના, આર્કન્સાસ, સાઉથ ડકોટા, મિસૂરી, ઓક્લાહોમા અને આલબામામાં નવો ચુકાદો લાગુ થઈ ગયો છે
  • મિસિસિપી અને નૉર્થ ડકોટાના ઍટર્ની જનરલ દ્વારા મંજૂરી મળ્યા બાદ નવો ચુકાદો લાગુ કરાશે
  • વ્યૉમિંગમાં આ ચુકાદો પાંચ દિવસમાં લાગુ કરાશે. યુટાહની વિધાનપરિષદ દ્વારા પ્રમાણિત થયા બાદ ચુદાદો લાગુ થશે
  • આઈડાહો, ટૅનેસી અને ટૅક્સાસમાં આ ચુકાદો 30 દિવસમાં લાગુ થશે

સીડીસીના આંકડા પ્રમાણે અમેરિકામાં વર્ષ 2019માં 6,30,000 ગર્ભપાત કરવામાં આવ્યા હતા. જોકે, ગટ્ટમાકર ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં આ આંકો 8,60,000ની આસપાસ હોઈ શકે છે.

સીડીસી કહે છે કે, 92.8 ટકા જેટલા ગર્ભપાત પ્રથમ ટ્રાઇમૅસ્ટર એટલે કે પ્રથમ ત્રણ સપ્તાહમાં કરવામાં આવ્યા હતા. ગર્ભપાત કરાવનારી મોટા ભાગની મહિલાઓ અપરિણીત હતી. જોકે, તેઓ પાર્ટનર સાથે રહેતી હતી.

ગર્ભપાત કરાવવા આવનાર દસમાંથી એક ટીનેજર હોવાનું સીડીસીના આંકડામાં સામે આવ્યું છે.

આંકડા મુજબ, ગર્ભપાત કરાવવા માગતી 55 ટકા મહિલાઓ સિંગલ હોય છે. 31 ટકા મહિલાઓ પાર્ટનર સાથે રહેતી હોય છે અને 14 ટકા પરિણીત હોય છે. આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો 49 ટકા મહિલા ગરીબી રેખાથી નીચે જીવન વિતાવતી હોય છે.

line

ભારતમાં શું છે કાયદો?

અમેરિકામાં ગર્ભપાત

ઇમેજ સ્રોત, Thinkstock

  • ભારતમાં ગયા વર્ષે ગર્ભપાતના કાયદામાં સંશોધન કરવામાં આવ્યું. ત્યાર બાદ ગર્ભપાત માટે માન્ય મુદ્દત 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ કરવામાં આવી હતી.
  • સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય અનુસાર 16 માર્ચ 2021ના રોજ ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગન્સી (સંશોધિત) બિલ 2020ને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું હતું.
  • તેમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભપાત માટે માન્ય મુદ્દત વિશેષ પ્રકારની મહિલાઓ માટે વધારવામાં આવી હતી, જેને એમટીપી નિયમોમાં સંશોધન દ્વારા નક્કી કરવામાં આવશે અને તેમાં દુષ્કર્મ પીડિત, સગાં-સંબંધીઓ દ્વારા યૌનસંબંધોથી પીડિત અને અન્ય અસુરક્ષિત મહિલાઓ (વિકલાંગ તેમજ સગીર) પણ સામેલ હશે.
  • આ પહેલાં ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સી ઍક્ટ, 1971 લાગુ હતો. જેમાં સુધારા કરવામાં આવ્યા છે.
  • તે ઍક્ટમાં જોગવાઈ હતી કે જો કોઈ મહિલાને 12 સપ્તાહનો ગર્ભ છે, તો તે એક ડૉક્ટરની સલાહ પર ગર્ભપાત કરાવી શકે છે. જ્યારે 12થી 20 સપ્તાહ દરમિયાન બે ડૉક્ટરની સલાહ અનિવાર્ય હતી અને 20થી 24 સપ્તાહ દરમિયાન મહિલાને ગર્ભપાતની અનુમતિ નહોતી.
  • પરંતુ સંશોધિત બિલમાં 12 અને 12થી 20 સપ્તાહ દરમિયાન એક ડૉક્ટરની સલાહ અનિવાર્ય દર્શાવવામાં આવી છે.
  • આ સિવાય જો ભ્રૂણ 20થી 24 સપ્તાહનું હોય તો નક્કી કરાયેલી શ્રેણીની મહિલાઓને બે ડૉક્ટરની સલાહ લેવી પડશે અને જો ભ્રૂણ 24 સપ્તાહથી વધુ સમયથી હોય તો મેડિકલ સલાહ બાદ જ મંજૂરી આપવામાં આવશે.
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન