Roe v Wade: અમેરિકામાં ગર્ભપાતનો કાયદો પલટાયા બાદ ક્લિનિક્સ બંધ થવા લાગ્યાં
અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપતો 50 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. આ ચુકાદાના કારણે અમેરિકામાં લાખો મહિલાઓ ગર્ભપાતનો અધિકાર ગુમાવશે.
કોર્ટે ઐતિહાસિક રો વિરુદ્ધ વેડ કેસનો નિર્ણય બદલ્યો હતો.

ઇમેજ સ્રોત, EPA
નોંધનીય છે કે આ અગાઉ કોર્ટના એક લીક થયેલા દસ્તાવેજમાં આ અંગે શક્યતા વ્યક્ત કરાઈ હતી.
આ નિર્ણયથી અમેરિકામાં ગર્ભપાતના અધિકાર બદલાશે, હવેથી જુદાં જુદાં રાજ્યોને ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાની છૂટ મળશે.
આ ચુકાદાને અનુસરીને અમેરિકાનાં લગભગ અડધોઅડધ રાજ્યોમાં આ પ્રકારનાં નિયંત્રણો કે પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.
13 રાજ્યોએ તો આ અંગે કાયદા અગાઉથી જ બનાવી અને પસાર કરી દીધા છે. આ જ વલણ અન્ય રાજ્યો દ્વારા અનુસરાય તેની પૂરેપૂરી આશંકા છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતની મંજૂરી આપતો 50 વર્ષ જૂનો ચુકાદો પલટ્યા બાદ વિવિધ રાજ્યોમાં ગર્ભપાત માટેનાં ક્લિનિક્સ બંધ થવા લાગ્યાં છે.

અમેરિકાનાં અડધાં રાજ્યોમાં આ નવો કાયદો લાગુ થવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટના નવા ચુકાદા બાદ આર્કન્સાસ રાજ્યના લિટલ રૉકમાં આવેલા એક ક્લિનિકને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે.
હૉસ્પિટલનાં નર્સ ઍશ્લી હન્ટે બીબીસીને જણાવ્યું, "શુક્રવારે આવેલો રો વિરુદ્ધ વેડ કેસનો ચુકાદો અત્યંત દુખદ છે. નવો ચુકાદો આવતાની સાથે જ અમારે તે દિવસે ઍપોઇન્ટમેન્ટ ધરાવતી મહિલાઓને ફોન કરીને તેમની ઍપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી હોવાનું જણાવવું પડ્યું અને ક્લિનિકને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યું છે."
લ્યુઇઝિયાના રાજ્યના ન્યુ ઑર્લિન્સમાં આવેલા ત્રણ સરકારી અબોર્શન સેન્ટર્સ પૈકી એક શુક્રવારે જ બંધ કરી દેવામાં આવ્યું છે. હૉસ્પિટલ પર તાળું લાગેલું છે અને સ્ટાફ ઘરે જતો રહ્યો છે.
આ જ રીતે વિવિધ રાજ્યોમાં અબોર્સન સેન્ટર્સ ધીરેધીરે બંધ થઈ રહ્યાં છે. નવા ચુકાદાના સમર્થકો તેમજ વિરોધીઓ દ્વારા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.

નવો ચુકાદો: ક્યા રાજ્યમાં કેવી પરિસ્થિતિ?

- કૅન્ટકી, લ્યુઇઝિયાના, આર્કન્સાસ, સાઉથ ડકોટા, મિસૂરી, ઓક્લાહોમા અને આલબામામાં નવો ચુકાદો લાગુ થઈ ગયો છે
- મિસિસિપી અને નૉર્થ ડકોટાના ઍટર્ની જનરલ દ્વારા મંજૂરી મળ્યા બાદ નવો ચુકાદો લાગુ કરાશે
- વ્યૉમિંગમાં આ ચુકાદો પાંચ દિવસમાં લાગુ કરાશે. યુટાહની વિધાનપરિષદ દ્વારા પ્રમાણિત થયા બાદ ચુદાદો લાગુ થશે
- આઈડાહો, ટૅનેસી અને ટૅક્સાસમાં આ ચુકાદો 30 દિવસમાં લાગુ થશે

મહિલાઓ પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે આ ચુકાદાની નકારાત્મક અસર ત્રણ કરોડ 60 લાખ મહિલાઓ પર પડવાનું અનુમાન છે. ગર્ભપાત માટેની સુવિધા પૂરી આપતી સંસ્થા પ્લાન્ડ પૅરેન્ટહૂડના એક સંશોધનમાં આ તારણ સામે આવ્યું છે.
સુપ્રીમ કોર્ટ મિસિસિપ્પી દ્વારા લાદવામાં આવેલા ગર્ભપાત પરના પ્રતિબંધને પડકારવા માટે કરાયેલ કેસ ડોબ્સ વિ. જૅક્સન કેસની સુનાવણી કરી હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્યની તરફેણમાં મત પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે છ વિરુદ્ધ ત્રણ મતથી મહિલાઓને મળેલા બંધારણીય એવો ગર્ભપાતનો અધિકાર રદ કર્યો છે.
જોકે, કૅલિફોર્નિયા, ન્યૂ મેક્સિકો અને મિશિગન જેવાં રાજ્યોએ પહેલાંથી જ જાહેર કરી દીધું છે કે જો રો વિ. વેડનો ચુકાદો પલટાવવામાં આવશે તો તેઓ આ બંધારણીય અધિકારને પોતાનાં બંધારણમાં જગ્યા આપીને તેને સુનિશ્ચિત કરશે.
નોંધનીય છે કે 1973ના રો વિ. વેડના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે તે સમયે સાત વિરુદ્ધ બે મતથી મહિલાઓને અમેરિકાના બંધારણ અનુસાર ગર્ભપાતનો અધિકાર હોવાનું ઠરાવ્યું હતું.
આ ચુકાદા થકી અમેરિકન મહિલાઓને ગર્ભધારણ કર્યાના ત્રણ માસ સુધી સંપૂર્ણપણે ગર્ભપાતની મંજૂરી અપાઈ હતી. પરંતુ બીજા ત્રિમાસિક ગાળામાં આ ચુકાદા અંતર્ગત અમુક નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં. જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












