ઉજ્જ્વલા યોજના: 90 લાખ લાભાર્થીઓએ બીજી વાર સિલિન્ડર ન ભરાવ્યો- પ્રેસ રિવ્યૂ

નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય કલ્યાણકારી યોજનાઓમાં એક પ્રધાનમંત્રી 'ઉજ્જ્વલા યોજના'ના 90 લાખ લાભાર્થીઓએ ગત નાણાકીય વર્ષમાં ક્યારેય બીજી વાર ગૅસ સિલિન્ડર ભરાવ્યો નથી.

અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' પોતાના વિશેષ અહેવાલમાં લખે છે કે ગત નાણાકીય વર્ષમાં એક કરોડ લાભાર્થીઓએ પોતાનો સિલિન્ડર એક જ વાર ભરાવ્યો હતો.

અખબાર લખે છે કે આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગૌડે ત્રણ તેલ માર્કેટિંગ કંપનીઓ- 'ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન', 'હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ' અને 'ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ' પાસેથી આરટીઆઈના માધ્યમથી આ માહિતી મેળવી છે.

વડા પ્રધાન મોદીએ 1 મે, 2016માં ઉત્તર પ્રદેશના બલિયાથી આ યોજનાની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય માર્ચ 2020 સુધી આઠ કરોડ પરિવારોને ગૅસ કનેક્શન આપવાનો હતો.

અત્યાર સુધીમાં 'પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના' (PMYU) હેઠળ નવ કરોડ કનેક્શન અપાયાં છે.

માહિતી અધિકાર હેઠળ મળેલા જવાબમાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને કહ્યું કે માર્ચ 2021 સુધી તેમણે જે પણ કનેક્શન આપ્યાં હતાં, તેમાંથી ગત નાણાકીય વર્ષમાં 65 લાખ ઉપભોક્તાઓએ પોતાનો સિલિન્ડર ફરી ભરાવ્યો નથી.

તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉપોર્પેશનના 9.1 લાખ અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનના 15.96 લાખ ઉપભોક્તાઓએ પોતાના સિલિન્ડર ભરાવ્યા નહોતા.

કૉંગ્રેસની ત્રણ દિવસીય ચિંતિન શિબિર

કૉંગ્રેસ પાર્ટીની આજથી ઉદયપુરમાં ચિંતિન શિબિર શરૂ થવાની છે.

દૈનિક જાગરણ અખબાર લખે છે કે 13થી 15 મે સુધી થનારી આ શિબિરમાં કૉંગ્રેસ પોતાની સંગઠનાત્મક નબળાઈઓ પર આત્મમંથન અને 2024ની સામાન્ય લોકસભા ચૂંટણી માટે દશા-દિશા નક્કી કરશે.

અહેવાલમાં લખાયું કે કૉંગ્રેસ પાર્ટી આ સાથે જ ભાજપ-આરએસએસના કથિત ધ્રુવીકરણના ચૂંટણી મૉડલ સામે સ્પષ્ટ રાજકીય લડાઈની ઘોષણા પણ કરશે.

તો પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શિબિરમાં સામેલ થવા માટે કાર્યસમિતિના કેટલાક સભ્યો સાથે ટ્રેનથી ઉદયપુર રવાના થયા છે.

પાર્ટીના મીડિયા વિભાગના પ્રમુખ રણદીપ સુરજેવાલાએ કૉંગ્રેસનાં ચૂંટણી પરિણામો બાદ સામે આવી રહેલા પડકારોનો સ્વીકાર કર્યો છે. સાથે જ કહ્યું કે દેશના વર્તમાન પડકારોના સમાધાન માટે કૉંગ્રેસે પોતાની નબળાઈઓમાંથી બહાર નીકળવું પડશે.

રશિયાની ફિનલૅન્ડને ધમકી- નેટોમાં સામેલ થયા તો પરિણામ ભોગવવાં પડશે

ફિનલૅન્ડના નેતાઓએ નેટોમાં સામેલ થવાને લઈને સહમતી દર્શાવી છે.

ગુરુવારે ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નેટોમાં સામેલ થવા માટે અરજી કરવાના સમર્થનમાં આવ્યા હતા. સાથે જ એ પણ શક્ય છે કે આવનારા દિવસોમાં સ્વિડન પણ નેટોમાં સામેલ થવા માટે અરજી કરી શકે છે.

જોકે ક્રૅમલિન તરફથી આ સંબંધમાં વાંધો ઉઠાવાયો છે અને રશિયા તરફથી પણ ધમકીભરી પ્રતિક્રિયા આવી છે.

રશિયા તરફથી ચેતવણી આપતાં કહેવાયું કે તેને જવાબી પગલું ભરવા માટે મજબૂર કરાઈ રહ્યું છે.

રશિયાના વિદેશ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું કે ફિનલૅન્ડનું આ પગલું ચોક્કસ રીતે દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડશે. સાથે જ ઉત્તરીય યુરોપમાં સુરક્ષા અને સ્થાયીત્વની સ્થિતિ પણ પ્રભાવિત થશે.

ગુરુવારે ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નિનિસ્ટો અને વડા પ્રધાન સના મારિને ઘોષણા કરી કે દેશે નેટોના સભ્યપદ માટે તરત અરજી કરવી જોઈએ. તેના માટે 'મોડું ન કરવું' જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો