You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન યુદ્ધ : અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પર રશિયાએ પ્રતિબંધ લગાવ્યો
યુક્રેનની રાજધાની કિએવ પર રશિયાનો બૉમ્બમારો હજુ પણ ચાલુ છે. યુક્રેન યુદ્ધના 20મા દિવસે પણ સંઘર્ષ યથાવત છે.
આ દરમિયાન રશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ પર પ્રતિબંધ લગાવ્યો છે.
રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન, રક્ષાસચિવ લૉયડ ઑસ્ટિન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન અને સીઆઈએ પ્રમુખ વિલિયમ બર્ન્સ પર પણ લાગુ થશે.
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેનાથી અન્ય લોકોને પણ અસર થશે.
રશિયાના યુક્રેન પર હુમલા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધ લાદ્યા છે. અનેક રશિયન કંપનીઓ અને પ્રતિષ્ઠિત લોકો પર પણ પ્રતિબંધ લાદ્યા છે.
અમેરિકાએ રશિયાથી આવતા તેલની આયાત પર પણ રોક લગાવી છે. રશિયાની કાર્યવાહી તેની પ્રતિક્રિયા માની શકાય.
યુરોપીય નેતાઓ સાથે ઝૅલેન્સ્કીએ વાત કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ વીડિયો કૉન્ફરન્સથી યુરોપીય નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ હાલ આંતરરાષ્ટ્રીય ભાગીદારીના માધ્યમથી મોકલાઈ રહેલી મદદ પર ભરોસો કરી રહ્યા છે, ન કે નેટો સંગઠનના માધ્યમથી મોકલાઈ રહેલી મદદ પર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "સ્વાભાવિક છે કે યુક્રેન નેટોનું સભ્ય નથી. અમે સમજીએ છીએ. અમે વરસોથી સાંભળીએ છી કે તેમના દરવાજા ખુલ્લા છે, પણ અમે એ પણ સાંભળ્યું છે કે એ દરવાજાથી અમે પ્રવેશ કરી શકતા નથી."
તેમણે કહ્યું કે રશિયાની સીમા સાથે જોડાયેલા અન્ય દેશોએ નેટોથી અલગ પોતાની "સ્વતંત્ર રક્ષાક્ષમતાઓ" અંગે વિચારવું જોઈએ.
વીડિયો કૉન્ફરન્સમાં તેમણે પશ્ચિમી દેશોએ રશિયા પર લાદેલા પ્રતિબંધોનું સ્વાગત કર્યું, પરંતુ એ પણ કહ્યું કે આ પ્રતિબંધ પૂરતા નથી, રશિયા હુમલાઓ રોકે.
ઝેલેન્સ્કીને મળવા આ ત્રણ દેશના વડા પ્રધાનો કિએવ પહોંચશે
તો પોલૅન્ડ, ચેક રિપબ્લિક અને સ્લોવેનિયાના વડા પ્રધાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી અને વડા પ્રધાન સાથે વાતચીત કરવા માટે યુક્રેનની રાજધાની કિએવ પહોંચી રહ્યા છે.
તેમની ટ્રેન પોલૅન્ડ-યુક્રેનિયન સરહદ પાર કરીને કિએવ તરફ આગળ વધી રહી છે.
કિએવ ઉપર રશિયાનો બૉમ્બમારો હજુ પણ ચાલુ છે. ત્રણેય વડા પ્રધાનો યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ બનીને આ વાતચીતમાં જોડાઈ રહ્યા છે.
પોલૅન્ડ અને ચેક રિપબ્લિકની સરકારોએ નિવેદનો જારી કરીને કહ્યું છે કે આ બેઠક યુક્રેનની સ્વતંત્રતા અને સંપ્રભુતા માટે યુરોપિયન યુનિયનના સહકારને પ્રતિબિંબિત કરશે.
પોલૅન્ડના વડા પ્રધાન કાર્યાલયના વડા મિખાઇલ દોવર્ચીકે કહ્યું છે કે આ અંગેનો નિર્ણય તાજેતરમાં યોજાયેલી યુરોપિયન યુનિયન કૉન્ફરન્સમાં લેવાયો હતો.
દોવર્ચીકે કહ્યું છે કે નેટો આ સૈન્યસંઘર્ષમાં ભાગ નહીં લે પરંતુ રશિયન આક્રમણ સામે યુક્રેનને મદદ કરવા માટે બધું જ કરશે.
યુદ્ધવિરોધી ટીવી સમાચારનો દેખાવ 'ગુંડાગીરી' સમાન
રશિયન પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણનો વિરોધ કરવા માટે ગઈ કાલે રાત્રે રશિયાની સરકારી 'ટીવી ચેનલ વન' પરના લાઇવ ન્યૂઝ બુલેટિનમાં વિક્ષેપ પાડનાર સંપાદકની હરકત "ગુંડાગીરી" સમાન છે.
ચેનલનાં સંપાદક મરિના ઓવ્સ્યાનીકોવાએ સમાચારવાચકની પાછળ યુદ્ધવિરોધી સૂત્રો દેખાડ્યાં હતાં, જેમાં લખ્યું હતું: "યુદ્ધ નહીં, યુદ્ધ બંધ કરો, પ્રૉપેગૅન્ડા પર વિશ્વાસ ન કરો, તેઓ અહીં તમારી સામે જૂઠું બોલી રહ્યા છે."
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને ટાંકીને રશિયન સમાચાર એજન્સી ઇન્ટરફેક્સ દ્વારા લખવામાં આવ્યું હતું, "આ યુવતીની ગુંડાગીરી છે. ટીવી ચેનલ અને પદાધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ અમારા ઍજન્ડામાં નથી."
તેમને મૉક્સોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
કિએવની રહેણાક ઇમારતમાં આગ
યુક્રેનની રાજધાની કિએવની એક રહેણાક ઇમારત પર લાગેલી આગ ઓલવી દેવાઈ હોવાનું યુક્રેનની 'સ્ટેટ ઇમરજન્સી સર્વિસિઝ' (SES)ની એક ફેસબુક પોસ્ટમાં જણાવાયું છે.
SESના જણાવ્યા અનુસાર 10 માળની આ ઇમારતના પ્રથમ પાંચ માળ સુધી આગ લાગી હતી.
જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ એક વ્યક્તિ દાઝી હોવાનો અહેવાલ નોંધાયો છે.
રાજધાની કિએવમાં આજે સવારે ભારે ધડાકા સંભળાયા હતા. જોકે, અત્યાર સુધી કેટલું નુકસાન પહોંચ્યું એ જાણી શકાયું નથી.
યુક્રેનની રાજધાની કિએવમાં સ્થાનિક સમય પ્રમાણે સવારના 5.30 વાગ્યા હતા અને ત્યાં હાજર પત્રકારોએ માહિતી આપી કે રાજધાની અનેક ધડાકાઓથી ધણધણી ઊઠી.
પત્રકારોનું કહેવું છે કે રશિયા તરફથી આ યુદ્ધમાં અનેક વખત મળસકે હુમલા થયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો