You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન-રશિયા સંઘર્ષ : રશિયા યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં 12 કલાકના સંઘર્ષવિરામ માટે તૈયાર, યુદ્ધના 14મા દિવસે શું-શું થયું?
રશિયા પર યુક્રેનના હુમલાનો બુધવારે 14મો દિવસ છે. આ દરમિયાન પાછલા દિવસોની જેમ યુક્રેન અને રશિયા વચ્ચે ઘણાં સ્થળે અથડામણ ચાલુ રહી હતી.
આ સિવાય રશિયા પર પશ્ચિમનાં પ્રતિબંધો અને કડક વલણની કાર્યવાહી પણ ચાલુ રહી હતી.
બીજી તરફ કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ યુક્રેન સંઘર્ષ મામલે રશિયામાં પોતાના કારોબાર સંકેલીને વિરોધ પ્રકટ કર્યો છે.
આ સિવાય સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અનુમાન અનુસાર અત્યાર સુધી યુદ્ધ ક્ષેત્રમાંથી 20 લાખ જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે.
આ સિવાય સંઘર્ષના 14મા દિવસે શું-શું થયું, જાણવા માટે વાંચો આ અહેવાલ.
અમેરિકા અને બ્રિટને રશિયા વિરુદ્ધ લીધો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય
યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં અમેરિકા અને બ્રિટને રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
જ્યારે, યુરોપિયન યુનિયન રશિયન ક્રૂડ પરની નિર્ભરતા ઓછી કરી રહ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, 'આ નિર્ણયની રશિયાની અર્થવ્યવસ્થા પર તીવ્ર અસર થશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑઇલ અને ગૅસની નિકાસ રશિયાની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ પાસું મનાય છે, પરંતુ રશિયાની સાથે-સાથે આ નિર્ણયનો પ્રભાવ પશ્ચિમી દેશો પર પણ પડશે.
મોટી કંપનીઓ પહેલાંથી રશિયામાં પોતાનું કામકાજ બંધ કરી ચૂકી છે. મૅકડોનાલ્ડ્સ અને કૉકા-કૉલાએ તાજેતરમાં જ રશિયામાં કારોબાર ઠપ કરી દીધો છે.
રશિયાની અર્થવ્યવસ્થા ઊર્જાનિકાસ પર સૌથી વધારે નિર્ભર છે, રશિયા વિશ્વમાં ઑઇલનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે.
અમેરિકા અને બ્રિટનના આ નિર્ણય બાદ બન્ને દેશોમાં ઑઇલની કિંમત રેકૉર્ડસ્તરે પહોંચી છે.
બ્રિટને 2022ના અંત સુધી લાદ્યા પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પર આ નિર્ણય માટે બંને પાર્ટીઓ દબાણ કરી રહી હતી. રશિયા વિરુદ્ધ કડક પગલાં લેવાની માગ થઈ રહી હતી.
રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું, "અમે રશિયા પાસેથી ઑઇલ, ગૅસ અને ઊર્જાની આયાત બંધ કરી રહ્યા છે."
જોકે તેમણે સ્વીકાર્યું કે આ નિર્ણયની અમેરિકા પર પણ માઠી અસર થશે. આ માટે તેમણે સહયોગીઓ સાથે વાત કરી લીધી છે.
આ રીતે બ્રિટન પણ વર્ષ 2022ના અંત સુધી રશિયાથી ઑઇલની આયાત પર પ્રતિબંધ લાદશે.
ભારતમાં વધશે ક્રૂડ ઑઇલની કિંમત? ભાજપના મંત્રીએ આપ્યો આ જવાબ
યુક્રેન પર રશિયાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમત વધી ગઈ છે. આશંકા છે કે તેની અસર ભારત પર પણ પડશે.
ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રી હરદીપસિંહ પુરીને આ અંગે પૂછવામાં આવ્યું હતું, તો તેમણે કહ્યું કે ઑઇલ કંપનીઓ કિંમત નક્કી કરશે.
મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે સરકાર સુનિશ્ચિત કરશે કે ઑઇલની અછત ન સર્જાય અને જનતાના હિતમાં નિર્ણય લેવાય.
પુરીએ કહ્યું, "હું આશ્વાસન આપવા માગુ છું કે અમે ઑઇલની અછત સર્જાવા નહીં દઈએ. અમે સુનિશ્ચિત કરીશું કે ઊર્જાની માગની આપૂર્તિ થાય."
યુક્રેન પર ભારતના વલણ પર ફ્રાંસે શું કહ્યું?
ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૅન્યુઅલ લીનેને કહ્યું છે કે ફ્રાન્સ ઇચ્છે છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદમાં રશિયા પર દબાણ બનાવવાની ભૂમિકા ભજવે.
યુક્રેનમાં માનવીય સ્થિતિ અને નાગરિકોના રક્ષણને લઈને ફ્રાન્સના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્રપરિષદમાં ચર્ચા થવાની છે.
લીનેને મંગળવારે કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે ભારતમાં આમાં ભાગ લે અને અને તેમના શબ્દો અને મતમાં એકબીજા સાથે સામ્ય રાખે."
તેમણે કહ્યું કે, "ફ્રાન્સ ભારતની સ્વાયત્તતાનું સન્માન કરે છે પણ રશિયાએ યુક્રેન પર ઉશ્કેરણી વગર જ હુમલો કર્યો છે. એટલે ફ્રાંસ ભારતમાં યુએનએસસીની બેઠકના આગામી ચરણમાં દબાવ બનાવે એવી આશા રાખે છે."
યુક્રેન ડોનબાસમાં હુમલો કરવાની યોજના ઘડી રહ્યું હતું - રશિયાનો દાવો
રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન ડોનબાસમાં હુમલો કરવાની યોજના ઘડી રહ્યું હતું અને અંગેના 'પુરાવા' તેમને મળ્યા છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે એ ગુપ્ત દસ્તાવેજ મેળવ્યા છે જે "સાબિત" કરે છેકે પૂર્વ યુક્રેનમાં કિએવ રશિયાના સમર્થક અલગતાવાદીઓ પર ત્રાટકવાની યોજના ઘડી રહ્યું હતું.
સમાચાર સંસ્થા રૉયટર્સે જણાવ્યું છે કે મંત્રાલયે છ પાનાંનો દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે જે "સાબિત" કરે છે ડોનબાસ પ્રદેશમાં રશિયન સમર્થક વિદ્રોહીઓ પર ત્રાટકવા માટે કિએવ યોજના ઘડી રહ્યું હતું.
જોકે,રૉયટર્સ યુક્રેનિયન ભાષમાં લખાયેલા દસ્તાવેજની સ્વતંત્ર રીતે ખરાઈ કરી શકી નથી.
નોંધનીય છે કે ગત મહિને, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થકબે પ્રાંત સ્વઘોષિત દોનેત્સ્ક પીપલ્સ રિપબ્લિક અને લુહાન્સ્ક પીપલ્સ રિપ્લિકને સ્વતંત્ર રાજ્યો તરીકે માન્ય રાખ્યા હતા.
એ બાદ તેમણે આ બન્ને પ્રાંતમાં પ્રવેશવા માટે રશિયનસૈન્યને આદેશ આપ્યા હતા. અને તરત જ બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
યુક્રેન પર રશિયાનો હુમલો : યુક્રેનમાં આ શહેરોમાં 12 કલાકોનો સંઘર્ષવિરામ
યુક્રેનનાં ઉપવડાં પ્રધાન ઇરિના વેરેશ્ચુકે કહ્યું કે, "રશિયા યુદ્ધથી સૌથી વધારે પ્રભાવિત છ વિસ્તારોમાં 12 કલાકનો સંઘર્ષવિરામ લાગુ કરવા માટે તૈયાર થઈ ગયું છે."
ઇરિના વેરેશ્ચુકે કહ્યું કે, "સંઘર્ષવિરામ દરમિયાન નાગરિક આ વિસ્તારોમાંથી નીકળી શકશે."
જોકે યુક્રેનિયન અધિકારીઓએ એ જોવાનું છે કે યોજના અનુસાર અત્યાર સુધી એક પણ વ્યક્તિ અહીંથી નકળી શકી છે કે નહીં?
યુક્રેનિયન ઉપવડાં પ્રધાને કહ્યું કે, "રશિયા આ શહેરોમાં સવારે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી સંઘર્ષવિરામ લાગુ કરવા માટે તૈયાર થઈ ગયું છે. આ શહેરોમાં ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો."
યુક્રેનના વડા પ્રધાન અનુસાર માનવીય કૉરિડોર આ મુજબ છે
•મારિયુપોલથી ઝપોરિઝિયા
•એનરહોદરથી ઝપોરિઝિયા
•સુમીથી પોલ્તાવા
•ઇઝિયમથી લોજોવા
•વોલ્નોવાખાથી પોકોરોવસ્ક(દોનેત્સ્ક)
•વોરજેલ, વોરોદયાન્કા, બુચા,ઇરપિન અને હોસ્તોમેલથી કિએવ સુધી
રશિયાના નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેંટરના પ્રમુખ મિખાઇલ મિજિન્તસેવનું કહેવું છે કે રશિયાની સેના સંઘર્ષવિરામ દરમિયાન 'રિજિમ ઑફ સાઇલેન્સ'નું પાલન કરશે.
આની પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતના બે પ્રયત્નો નિષ્ફળ થયા છે.
મંગળવારના સુમીથી લગભગ 7,000 લોકો કાઢવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો