You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રિકેટમાં બદલાયા નિયમ, હવે આ રીત અપાશે વાઇડ, ફિલ્ડરને લીધે સામેની ટીમને મળી શકે પાંચ રન
ક્રિકેટના નિયમો ફરી એકવાર બદલાઈ રહ્યા છે. મૅરીલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી) દ્વારા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
તારીખ એક ઑક્ટોબર, 2022 આ નવા નિયમો લાગુ થઈ જશે. કોરોના મહામારીની શરૂઆતના સમયે પણ ક્રિકેટના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
ક્રિકેટ બૉલ પર હવેથી થૂંક (સલાઇવા)ના ઉપયોગ પર હંમેશા માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
એટલે કે મેદાનની અંદર મૅચની વચ્ચે બૉલને ચમકાવવા માટે થૂંક લગાવી શકાશે નહીં. આ ઉપરાંત કૅચના નિયમો પણ બદલાયા છે. ક્રિકેટના નિયમોમાં કેવા ફેરફારો કરાયા?
'નો સલાઇવા'
પ્રારંભમાં કોવિડના લીધે આ નિયમમાં ફેરફાર કરાયા હતા.
જોકે હવે એમસીસીએ સલાઇવાના ઉપયોગ પર સ્પષ્ટ રીતે પ્રતિબંધ ફરમાવી દીધો છે.
હવે બૉલર દ્વારા બૉલ પર થૂંક લગાવવી રમતની ભાવનાની વિરુદ્ધમાં ગણવામાં આવશે.
આ ઉપરાંત તેને બૉલ સાથે ચેડા ગણવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઉટ બાદ નવો ખેલાડી લેશે સ્ટ્રાઇક
અત્યાર સુધી નિયમ એવો હતો કે જો કોઈ ખેલાડી કૅચઆઉટ થાય અને કૅચ પકડાય ત્યાં સુધી બન્ને ખેલાડીઓ એકબીજાને પીચ પર ક્રૉસ કરી લે તો આગામી બૉલ નૉન સ્ટ્રાઇક પર ઊભેલો ખેલાડી રમે.
જોકે, હવે આ નિયમ બદલાઇ ગયો છે. હવે આગામી બૉલ પર એક નવો બેટર જ રમશે.
ડૅડ બૉલ
જો મેદાન પર કોઈ વ્યક્તિ કે પ્રાણી પ્રવેશે તો એ વખતના બૉલને ડૅડ બૉલ જાહેર કરી દેવામાં આવશે. એટલે કે કોઈ વ્યક્તિ કે પ્રાણી કે કોઈ અન્ય મેદાનમાં રમતમાં અવરોધ સર્જે તો એ બૉલને અમ્પાયર ડૅડ બૉલ જાહેર કરી દેશે.
પહેલાં ફિલ્ડિંગ દરમિયાન કોઈ ફિલ્ડર ખોટી રીતે હિલચાલ કરે ત્યારે ડૅડ બૉલ જાહેર કરવામાં આવતો હતો. પણ હવે એવું થતાં પૅનલ્ટી ફટકારાશે અને તેના ભાગરૂપે પાંચ રન આપવામાં આવશે.
વાઇડનો નિયમમૉર્ડન ક્રિકેટમાં બેટર ફેંકાયેલા બૉલના હિસાબે પોતાની પૉઝિશન બદલતા હોય છે.
નવા નિયમ અનુસાર આવી રીતે બેટર તરફ ફેંકાયેલો બૉલ વાઇડ છે કે નહીં એવું નક્કી સ્ટમ્પને બદલે બેટર જ્યાં ઊભો હોય એ અનુસાર નક્કી કરાશે.
એમસીસીના લૉ મેનૅજરે જણાવ્યું છે, "2017માં 'કોડ ઑફ ધ લૉઝ ઑફ ક્રિકેટ' પ્રકાશિત થયા ત્યારથી રમતમાં કેટલાય ફેરફારો આવી ગયા છે. આની બીજી આવૃતિ વર્ષ 2019માં પ્રકાશિત થઈ હતી, જેમાં મોટા ભાગે સ્પષ્ટતા જ હતી અને નાના સુધારા હતા. પણ વર્ષ 2022માં ઘણા મોટા ફેરફારો કરાયા છે."
આ ફેરફારો માત્ર બૉલર કે બેટર માટે જ નહીં, ફિલ્ડરને પણ લાગુ પડશે. એમસીસી જે નિયમો ઘડે એને આઈસીસી કોઈ પણ ફેરફાર વગર સ્વીકારી લેતું હોય છે.
ક્યારે લાગુ થશે નવા નિયમો?
ઇંગ્લૅન્ડમાં હન્ડ્રેડ બૉલ ક્રિકેટમાં આ નવા નિયમોને ટ્રાયલના ભાગરૂપે લાગુ કરાયા હતા. હવે આ નિયમોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ લાગુ કરાશે.
મૅરીલબૉન ક્રિકેટ ક્લબ લૉ સબ-કમિટીએ 2022 કૉડ માટે કેટલાય ફેરફારો સૂચવ્યા હતા. જેને ગત સપ્તાહે ક્લબની મુખ્ય સમિતીની બેઠકમાં મંજૂરી મળી ગઈ.
ઑક્ટોબર સુધી આ નવા નિયમો લાગુ નહીં થાય અને ત્યાં સુધીમાં અમ્પાયર અને અધિકારીઓની તાલીમ ઉપરાંત એમસીસી દ્વારા સંબંધિત મટિરિયલને અપડેટ પણ કરવામાં આવશે. આ માટે નિયમ ક્રમાંક 22.1 બદલી કાઢવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો