You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વર્લ્ડકપ ફાઇનલ : એ એક ઓવર, જેમાં ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલૅન્ડને હરાવી દીધું
આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ રવિવારે પહેલી વખત ઑસ્ટ્રેલિયાએ પોતાને નામે કર્યો, તો ન્યૂઝીલૅન્ડની ટીમ આ તક ચૂકી ગઈ હતી.
ટી20 ક્રિકેટમાં અગાઉ ડ્રિન્કસની પ્રથા ન હતી, પરંતુ યુનાઇટેડ આરબ અમિરાતના ગરમ હવામાનમાં તેની કેટલી જરૂર પડે છે, તે રવિવારની કેન વિલિયમ્સનની બેટિંગ પરથી પુરવાર થઈ ગયું, પરંતુ એ ચાર મિનિટના હળવા વિરામે ઑસ્ટ્રેલિયન બૉલર્સને પણ એટલો જ લાભ કરાવી આપ્યો.
વિલિયમ્સને ડ્રિન્કસ બાદ ગિયર બદલ્યાં અને આક્રમક બેટિંગ કરી, પરંતુ તે અગાઉ તેમની ટીમને જે નુકસાન થવાનું હતું તે થઈ જ ગયું હતું.
ઑસ્ટ્રેલિયાને સૌથી મોટો લાભ ટૉસનો થયો કેમ કે તેણે હરીફ ટીમને બેટિંગ માટે ઉતારી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાની ટીમ એક જ મૅચ હારી હતી, તે સિવાયની તમામ મૅચમાં સફળતાપૂર્વક ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
એ જ રીતે રવિવારે પણ ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યા બાદ ન્યૂઝીલૅન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
આમ તેને ટાર્ગેટ સામે રમવાનું હતું, જે તેણે સફળતાથી વટાવી દીધો હતો.
હેઝલવુડની ચુસ્ત બૉલિંગ
જોશ હેઝલવુડે પ્રારંભથી જ ચુસ્ત બૉલિંગ કરી હતી. તેમાંય પાવરપ્લેની છ ઓવર મૅચનું પરિણામ નક્કી કરી નાખનારી બની હતી.
કિવિ બૅટ્સમૅન જરાય છૂટછાટ લઈ શકતા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇનિંગ્સની ચોથી ઓવર હેઝલવુડે ફેંકી હતી, જેમાં વિલિયમ્સન બેટિંગ કરતા હોવા છતાં ન્યૂઝીલૅન્ડ માંડ બે રન કરી શક્યું હતું અને તે પણ છેક છેલ્લા બૉલે.
હેઝલવુડે આખી ઓવર દરમિયાન 136થી 142 કિલોમીટરની ઝડપે બૉલિંગ કરી હતી અને વિલિયમ્સનને જરાય તક આપી ન હતી.
આ ઓવર મૅચ માટે નિર્ણાયક પુરવાર થઈ હતી.
સ્ટાર્કે નિરાશ કર્યા પણ...
સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રશંસનીય દેખાવ કરનારી ન્યૂઝીલૅન્ડની ટીમે ખરી ઘડીએ જ શરણાગતિ સ્વીકારી લીધી હતી, જોકે ઑસ્ટ્રેલિયા વધુ પ્રભાવશાળી રહ્યું હતું.
ટુર્નામેન્ટની અગાઉની મૅચમાં સૌથી સફળ રહેલા મિશેલ સ્ટાર્ક આ મૅચમાં સદંતર નિષ્ફળ રહ્યા અને તેમણે ચાર ઓવરમાં 60 રન આપી દીધા હતા, અને એકેય વિકેટ મળી ન હતી.
આમ છતાં બૉલિંગ અને બેટિંગમાં મજબૂત બેક-અપ માટે જાણીતા ઓસ્ટ્રેલિયા પર તેની કોઈ અસર ન થઈ કેમ કે બૉલિંગમાં હેઝલવુડ અને કંઇક અંશે ઝમ્પાએ પણ જવાબદારી સંભાળી લીધી હતી.
કાંગારું ટીમની બેટિંગ અગાઉની તમામ મૅચની માફક રવિવારે પણ એવી જ મજબૂત રહી હતી.
કૅપ્ટન ફિંચ સસ્તામાં આઉટ થઈ ગયા, છતાં ડેવિડ વૉર્નર અને મિશેલ માર્શે આગેકૂચ જાળવી રાખી હતી. વૉર્નરે શાનદાર બેટિંગ કરી હતી.
બૉલરોએ પાયો નાખ્યા બાદ વૉર્નરે ઝમકદાર બેટિંગ કરીને 38 બૉલમાં 53 રન ફટકારી દીધા હતા.
તો મિશેલ માર્શ અને ગ્લેન મૅક્સવેલ માટે બાકીની કામગીરી એટલે માત્ર ઔપચારિકતા જ હતી. માર્શે પણ ઝંઝાવાત સર્જ્યો હતો.
ટીમનો વિજય નિશ્ચિત થઈ ગયા બાદ તે વધારે ખીલ્યા હતા. તેમણે ઉપરાઉપરી સિક્સર ફટકારીને 77 રનનું યોગદાન આપ્યું હતું.
ડ્રિન્ક્સ પછી વિલિયમ્સન આક્રમક બન્યા
ઑસ્ટ્રે્લિયા સામેની રવિવારની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડના કેન વિલિયમ્સને 85 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
આ બેટિંગને શરૂઆતમાં આક્રમક કહી શકાય તેમ ન હતી, પરંતુ ડ્રિન્કસ બાદ તેમણે ગિયર બદલ્યાં હતાં.
ચોથી ઓવરમાં પહેલી વિકેટ પડી ત્યારે તેઓ રમવા આવ્યા હતા અને શરૂમાં ઘણું ધીમું રમ્યા હતા.
ડ્રિન્કસ પહેલાં તેઓ 19 બૉલમાં 18 રન ફટકારીને રમતા હતા પરંતુ ડ્રિન્કસ બાદ તેમણે વધુ 29 બૉલમાં 67 રન ફટકારી દીધા હતા.
આમ વિલિયમ્સને 48 બૉલમાં 85 રન ફટકાર્યા હતા, જેમાં દસ ચોગ્ગા અને ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો