#INDvPAK : પાકિસ્તાન સામે ભારતના પરાજય અંગે પાકિસ્તાની અખબારોએ શું લખ્યું?

ક્રિકેટનાં કોઈ પણ ફૉર્મેટના વર્લ્ડકપના ઇતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાને ભારતને હરાવી દીધું છે.

આ ભારતીય ટીમ માટે જેટલો મોટો આંચકો છે એટલું જ મોટું સુખદ આશ્ચર્ય પાકિસ્તાનના ક્રિકેટચાહકો માટે પણ છે. પાકિસ્તાનનાં અખબારોમાં પણ ભારત સામે વર્લ્ડકપમાં પાકિસ્તાનના આ વિજય અંગે ચર્ચા છે.

પાકિસ્તાનના 'ધ ડૉન' અખબારે ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનના વિજયથી શીખવા જેવી પાંચ વાતોનો ઉલ્લેખ કર્યો છે.

'ધ ડૉન' અખબાર લખે છે કે પાકિસ્તાને ભારતને દસ વિકેટથી ટી20 વર્લ્ડકપ મૅચમાં દુબઈમાં તહસનહસ કરી નાખ્યું. તેમાં શીખવા જેવી બાબત છે કે કોઈ પણ વસ્તુ હંમેશાં નથી ટકતી.

પાકિસ્તાની ટીમ ક્યારેય વર્લ્ડકપમાં ભારતને નહીં કરાવી શકે એવી પાકિસ્તાનના દર્શકોની એ હતાશા અને ભારતના દર્શકોની એ માન્યતા કે તેમની ટીમ ક્યારેય પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં નહીં હારે, બન્ને ખોટી પૂરવાર થઈ છે.

અખબારે લખ્યું કે પાકિસ્તાનના ત્રણ સુપરસ્ટાર આ વિજયના ઘડવૈયા છે જેમાં રિઝવાન, બાબર અને આફ્રિદીનો સમાવેશ થાય છે.

અખબાર આગળ ઉમેરે છે કે પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓને આ વિજયની જરૂર પણ હતી અને તેઓ આની રાહ પણ જોઈ રહ્યા હતા.

પાકિસ્તાનમાં નાગરિક સમાજ અને સેના વચ્ચે તકરારને લઈને થઈ રહેલાં પ્રદર્શનો હોય કે આસમાને પહોંચી રહેલી વીજળીની કિંમત, ગૅસનું સંકટ, 'ફાઇનેશિયલ ટાસ્ક ફૉર્સ'માં પાકિસ્તાનની મુશ્કેલી કે અફઘાન સંકટ હોય, ભારત સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના વિજયને કારણે દેશ સામાન્ય જીવનની આ મુશ્કેલીઓ ભૂલી ગયો.

અખબાર આગળ લખે છે કે પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ થોડા દિવસો માટે એ સંતોષ સાથે ઊઠશે કે વર્લ્ડકપની એ મૅચ તેઓ જીતી ગયા છે જે તેઓ જીતવા માગતા હતા. અસલી વર્લ્ડકપથી હવે કોઈ ફરક પડશે નહીં.

બાબર અને રિઝવાનની શ્રેષ્ઠ પાર્ટનરશિપની કમાલ

'ટ્રિબ્યૂન' અખબાર લખે છે કે પાકિસ્તાનની ટીમે વર્લ્ડકપમાં ભારતને પ્રથમ વખત હરાવ્યું ત્યાર બાદ આખો દેશ જીતની ઉજવણી કરી રહ્યો છે.

પાકિસ્તાન ટુડે અખબારે લખ્યું છે કે પાકિસ્તાની ઓપનર મહંમદ રિઝવાન તથા બાબર આઝમને ટી20 ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાની બૅટ્સમૅનની શ્રેષ્ઠ પાર્ટનિરશિપનો રેકૉર્ડ રચ્યો હતો.

અખબાર લખે છે કે ભારતના એક હાઈવોલ્ટેજ મુકાબલામાં બંને સ્ટાર્સે પાકિસ્તાનની ટીમના પારંપરિક પ્રતિસ્પર્ધી સામે એક પણ વિકેટ ગુમાવ્યા વિના વિજય મેળવીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.

નોંધનીય છે કે બેંગલુરુમાં 2012માં ચોથી વિકેટ માટે મહંમહ હાફિઝ તથા શોએબ મલિકે 106 રનની પાર્ટનરશિપનો વિક્રમ સર્જ્યો હતો, જે બાબર આઝમ અને રિઝવાને નવ વર્ષ પછી તોડી નાખ્યો છે.

તો ટ્વિટર પર દેશના કેટલાય જાણીતા લોકો પાકિસ્તાનની આ ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

પાકિસ્તાનના વડા પ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને કહ્યું કે, "અભિનંદન પાકિસ્તાન ટીમ અને ખાસ કરીને બાબર આઝમ જેમણે ટીમનું નેતૃત્વ કર્યું અને રિઝવાન તથા શાહીન આફ્રિદીએ શાનદાર પરફૉર્મેન્સ આપ્યું. દેશને આજે તમારા પર ગૌરવ છે."

આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમ, પાકિસ્તાની બૅટ્સમૅન મહંમદ રિઝવાન તથા ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની એક તસવીર પોસ્ટ કરી જેમાં કોહલીએ રિઝવાનના ખભા પર હાથ મૂક્યો છે. પીસીબીએ લખ્યું કે "આ છે ખેલભાવના."

યુએઈમાં દસ મૅચ જીતવાનો અત્મવિશ્વાસ અને આઈપીએલનો થાક

'ધ નેશન' અખબારે લખ્યું કે 2019માં વન ડે વર્લ્ડકપમાં છેલ્લે બંને ટીમો સામસામે હતી.

બંને પાડોશી દેશો વચ્ચેની મૅચ લઈને હંમેશાં અલગ પ્રકારની ઉત્સુકતા જોવા મળે છે.

પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે અને ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ આ મૅચને અન્ય કોઈ સામાન્ય મૅચ જેવી જ ગણાવી હતી પરંતુ બેશક આ મૅચ અન્ય કોઈ સામાન્ય મૅચ તો નહોતી જ.

સાથે જ અખબારે ટાંક્યું કે યુએઈ છેલ્લા એક દાયકાથી પાકિસ્તાનની ટીમ માટે 'બીજું ઘર' છે અને પાકિસ્તાની ટીમે યુએઈમાં છેલ્લી સળંગ દસ મૅચો જીતી હતી, તેઓ આત્મવિશ્વાસ પણ હતો.

જોકે અખબારે અગાઉ એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાં ભારત સામે પાકિસ્તાન વધારે દમદાર હોવાનાં પાંચ કારણો જણાવાયાં હતાં.

એમાં ઑપનિંગ બૅટ્સમૅનની જોડી, દમદાર સ્પિનર્સ, અનુભવી ખેલાડીઓથી મજબૂત બનેલો મિડલ ઑર્ડર, યુએઈમાં પાકિસ્તાનમાં શાનદાર પ્રદર્શન અને ભારતીય ખેલાડીઓમાં આઈપીએલનો થાક, જેવાં કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો