#INDvPAK : શાહીન આફ્રિદી, મહંમદ રિઝવાન અને બાબર આઝમે ભારતને કઈ રીતે હરાવ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારે જ નહીં તે તથ્ય હવે રહ્યું નથી. પાકિસ્તાની ક્રિકેટ ટીમે એક જ મૅચમાં એવો જડબાતોડ વિજય હાંસલ કર્યો કે જાણે અગાઉના તમામ પરાજયનો એક સાથે બદલો લેવા રમતા હોય.

ટી20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી જે મૅચની સૌથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભારત-પાકિસ્તાન વચ્ચેની રવિવારે રમાયેલી ટી20 ક્રિકેટ મૅચમાં જ વિરાટ કોહલીની ટીમે નિરાશજનક પ્રદર્શન કર્યું હતું અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતનો દસ વિકેટથી પરાજય થયો હતો.

પાકિસ્તાની ઓપનરો મહંમદ રિઝવાન અને બાબર આઝમે શાનદાર બેટિંગ કરી એટલે એક સમયે એમ લાગે કે બેટિંગને કારણે રવિવારે પાકિસ્તાને વિજય હાંસલ કર્યો. ટીમના દસ વિકેટના વિજયથી આ બાબત પુરવાર પણ થઈ જાય છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે.

હિંદી ફિલ્મ 'એમએસ ધોની'માં એક પ્રસંગ આવે છે જેમાં ધોનીની ઝારખંડની ટીમના ખેલાડીઓ મૅચના આગલા દિવસે યુવરાજસિંહને જોઈને તેના પ્રભાવમાં આવી જાય છે અને બીજે દિવસે હારી જાય છે. એ બાદ ધોની કબૂલે છે કે મૅચ તો આગલા દિવસે રાત્રે જ હારી ગયા હતા. બરાબર આવું જ કંઈક રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બન્યું હતું.

આફ્રિદીએ મૅચ આંચકી લીધી

ભારત ખરેખર તો મૅચની પહેલી જ ઓવરમાં હારી ગયું હતું.

છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન સામે નહીં રમનારા ભારતીય ખેલાડીઓએ શાહીનશાહ આફ્રિદીને નજરઅંદાજ કર્યા હતા. આફ્રિદી (ભલે શાહિદ ન હોય અને શાહીન હોય) ફરી એક વાર ભારતને ભારે પડી ગયા.

પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને મૅચની પહેલી ઓવરના ચોથા બૉલે તેણે ભારતના લિમિટેડ ઓવરના સુપરસ્ટાર મનાતા રોહિત શર્માને પેવેલિયન ભેગા કરી દીધા.

આફ્રિદીના અંદર આવતા એક ખતરનાક યૉર્કરને રમવામાં રોહિત થાપ ખાઈ ગયા અને લૅગબિફૉર થયા. રોહિત શર્માની વિકેટ ભારત માટે ઘાતક પુરવાર થઈ.

હજી ભારત સેટ થાય તે અગાઉ તો પોતાની બીજી ઓવરના પહેલા બૉલે આફ્રિદી ફરી વાર ત્રાટક્યા અને આ વખતે ફરીથી એક અંદર આવતા બૉલને રમવામાં લોકેશ રાહુલ બૉલ્ડ થયા. પણ, રોહિતની વિકેટથી જે આઘાત લાગ્યો તો તેની જ આ અસર હતી.

સૂર્યકુમાર યાદવ ચોથા ક્રમે આવ્યા અને હસન અલીને એકદમ બહાર જતાં બૉલને રમવાના પ્રયાસમાં તે વિકેટકીપરને કૅચ આપી બેઠા. વિકેટકીપર મહંમદ રિઝવાનનો આજે દિવસ હતો. તેમણે બેટિંગમાં પણ એવી જ કમાલ કરી અને 73 રન ફટકારી દીધા.

ભારત માટે વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી પરંતુ તે સિવાયના તમામ સ્ટાર બૅટ્સમૅને નિરાશ કર્યા હતા.

આ સાથે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે કયારેય નહીં હારવાની ભારતની ઇજારાશાહીનો પણ અંત આવ્યો હતો. ભારત 151 રનનો સામાન્ય સ્કોર નોંધાવી શક્યું હતું. આ સ્કોર વટાવવા માટે પાકિસ્તાનને 17.5 ઓવરની જરૂર પડી હતી.

બાબર અને રિઝવાની અજેય ભાગીદારી

152 રનના ટાર્ગેટ સામે રમતાં પાકિસ્તાન માટે મહંમદ રિઝવાન અને કૅપ્ટન બાબર આઝમે શાનદાર પ્રારંભ કર્યો હતો. બંનેએ આસાનીથી સદીની ભાગીદારી નોંધાવી દીધી હતી જેને કારણે ટીમનો વિજય આસાન બની ગયો હતો.

ભારતના 151 રનના સ્કોરને સામાન્ય બનાવી દેતાં પાકિસ્તાનના બંને ઓપનર મહંમદ રિઝવાન અને કૅપ્ટન બાબર આઝમે શાનદાર પ્રારંભ કર્યો હતો.

પાકિસ્તાને આઠમી ઓવરમાં જ 50 રનનો આંક વટાવી દીધો હતો. જ્યારે ભારતે તેના 50 રન માટે નવ ઓવર રમવી પડી હતી.

આ ઉપરાંત આ સમયગાળામાં ભારતે ત્રણ મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી જ્યારે પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવી ન હતી. આ દરમિયાન મહંમદ શમી અને ભુવનેશ્વરકુમારની બૉલિંગ પણ ખાસ પ્રભાવશાળી રહી ન હતી.

13મી ઓવરમાં ટીમનો સ્કોર 100 સુધી પહોંચાડવાની સાથે બાબર આઝમે પોતાની કારકિર્દીની 21મી અડધી સદી પૂરી કરી હતી જે માટે તે માત્ર 40 બૉલ રમ્યા હતા. રિઝવાન પણ એટલી જ ઝડપથી બેટિંગ કરી રહ્યા હતા.

મહંમદ રિઝવાને 55 બૉલમાં ત્રણ સિક્સર સાથે અણનમ 73 તથા બાબર આઝમે 52 બૉલમાં બે સિક્સર સાથે અણનમ 68 રન ફટકાર્યા હતા. બંનેએ છ-છ બાઉન્ડ્રી ફટકારી હતી.

તેમણે 41 બૉલમાં બે સિક્સર સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી અને સાથોસાથ ટીમનો વિજય આસાન બનાવી દીધો હતો.

આ મૅચ રોમાંચક બની રહે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ પાકિસ્તાની બૅટ્સમૅનોએ તેને આસાન બનાવી દીધી હતી તો ભારતના બૉલરો પણ દિશાહીન રહ્યા હતા.

ભુવનેશ્વરકુમાર, શમી કે બુમરાહ ખાસ પ્રભાવી રહ્યા ન હતા તો વરુણ ચક્રવર્તીને આ લેવલના ક્રિકેટમાં વધુ અનુભવની જરૂર છે તે પુરવાર થઈ ગયું હતું. રવીન્દ્ર જાડેજા પણ બૉલિંગમાં ખાસ અસર પેદા કરી શક્યા નહોતા.

ભારતની નબળી શરૂઆત

અગાઉ ભારતનો પ્રારંભ કંગાળ રહ્યો હતો. પહેલી જ ઓવરમાં રોહિત શર્મા પોતાના પહેલા બૉલે જ આઉટ થયા હતા તો લોકેશ રાહુલ અને સૂર્યકુમાર યાદવ પણ લાંબું ટક્યા નહોતા.

વિરાટ કોહલી અને રિશભ પંતે આવીને ઇનિંગ્સની સ્થિરતા પ્રદાન કરી હતી. તેમણે કોહલી સાથે મળીને 40 બૉલમાં 53 રનની ભાગીદારી નોંધાવીને ભારતને મૅચમાં પાછા લાવવામાં મદદ કરી હતી.

પંતે 12મી ઓવરમાં હસન અલી સામે બે સિક્સર ફટકારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે 13મી ઓવરમાં શાદાબ ખાનના બૉલ પર એક ઊંચો શોટ ફટકારવાના પ્રયાસમાં પંત આઉટ થઈ ગયા હતા. તેમણે 30 બૉલમાં બે સિક્સર સાથે 39 રન ફટકાર્યા હતા.

જોકે ભારતની ઇનિંગ્ઝનું આકર્ષણ વિરાટ કોહલી રહ્યા હતા. કૅપ્ટન કોહલીએ જવાબદારી દાખવીને 57 રન ફટકાર્યા હતા. તેને કારણે જ ભારત 150ના આંક સુધી પહોંચી શક્યું હતું.

પંતે 39 રન ફટકાર્યા હતા. તે સિવાય હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ પણ અપેક્ષા મુજબ બેટિંગ કરી નહોતી જે કારણે બેટિંગમાં ભારત લાચાર બની ગયું હતું.

પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી સૌથી સફળ બૉલર રહ્યા હતા. તેમણે ચાર ઓવરમાં 31 રન આપીને રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની ત્રણ મહત્ત્વની વિકેટ ખેરવી હતી તો હસન અલીએ બે વિકેટ લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો