India v Pakistan : એ પાકિસ્તાની બૅટ્સમૅન, જેમણે છેલ્લા બૉલે છગ્ગો મારી ભારતને હરાવી દીધું હતું

હાલમાં ટી-20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મૅચ હોય ત્યારે ચાહકોનો ઉત્સાહ પણ આસમાનને સ્પર્શવા લાગે છે.

કારણ એ છે કે આ મૅચમાં તમને માત્ર ક્રિકેટનું ટૅલેન્ટ જ નહીં, પણ બંને ટીમો વચ્ચે એક ખાસ પ્રકારનો તણાવ પણ જોવા મળે છે.

બંને દેશોના ખેલાડીઓ વચ્ચે ક્રિકેટના મેદાનમાં ઘણી તકરારો થઈ અને તેનો જવાબ અનેક વખત બૉલ અને બૅટથી આપવામાં આવ્યો છે અને કેટલાક કિસ્સામાં વાત ક્રિકેટથી આગળ વધી ગઈ હતી.

હાલના સમયમાં ભલે ક્રિકેટની આ દુશ્મની ઓછી જોવા મળતી હોય, પરંતુ રમતી વખતે બંને ટીમના ખેલાડીઓ વધારાના દબાણમાં રહેતા હોય છે.

અને જ્યારે આ તણાવ ચરમસીમાએ પહોંચે છે, ત્યારે મામલો ગુસ્સા પર કાબૂ ગુમાવી દેવા સુધી પહોંચી જાય છે. આવું ભૂતકાળમાં ઘણી વખત થયું છે.

અગાઉ ઘણી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક અને રસાકસીભર્યો મુકાબલો થયો છે. પરંતુ 1986માં ભારત પાકિસ્તાન વચ્ચે શારજાહમાં રમાયેલી મૅચ હજુ પણ બંને દેશના ક્રિકેટચાહકો માટે યાદગાર બનેલી છે.

1. ચેતન શર્મા-જાવેદ મિયાંદાદ

શારજાહ, 1986

વર્ષ 1986માં શારજાહમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ કદાચ બંને દેશના ક્રિકેટચાહકો ક્યારેય ભૂલી નહીં શકે.

ઑસ્ટ્રેલિયા કપની ફાઇનલ મૅચમાં ભારત-પાકિસ્તાન સામસામે હતા.

આ તરફ ભારતના ચેતન શર્મા બૉલિંગ કરી રહ્યા હતા અને સામે ક્રીઝ પર પાકિસ્તાની બૅટ્સમૅન જાવેદ મિયાંદાદ રમી રહ્યા હતા.

છેલ્લા બૉલ પર પાકિસ્તાનને જીતવા માટે ચાર રનની જરૂર હતી.

કોણ જીતશે અને કોણ હારશે તેનો નિર્ણય બસ એક બૉલ દૂર હતો અને મિયાંદાદે ચેતન શર્માએ ફેંકેલા મૅચના અંતિમ બૉલ પર સિક્સર ફટકારી દીધી.

આ મૅચ બાદ મિયાંદાદ હીરો બની ગયા અને ચેતન શર્મા વિલન. શર્માને ભારત પરત આવ્યા બાદ ઘણી ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો.

2. કિરણ મોરે-જાવેદ મિયાંદાદ

સિડની, 1992

પાકિસ્તાનના બૅટ્સમૅન મિયાંદાદ અને આમીર સોહેલ ઘણી સારી બેટિંગ કરી રહ્યા હતા.

ત્યારે ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ પાછળથી કંઈક બોલવાનું શરૂ કર્યું.

તેઓ વચ્ચે-વચ્ચે અપીલ કરી રહ્યા હતા તો કૂદી પણ રહ્યા હતા. મોરેની આ હરકતથી મિયાંદાદ ઉશ્કેરાઈ ગયા અને તેઓ તેને ચીડવવા માટે કૂદી પડ્યા.

આના પર એક તરફ જ્યાં મોરે અને બીજા લોકો હસી પડ્યા તો બીજી તરફ મિયાંદાદની આ હરકત હંમેશાં માટે યાદોમાં કેદ થઈ ગઈ.

તેના બાદ પણ બંને ખેલાડીઓ વચ્ચે કેટલીક તકરાર થઈ, જે બાદ અમ્પાયરે હસ્તક્ષેપ કર્યો.

3. વેંકટેશ પ્રસાદ-આમીર સોહેલ

બેંગ્લોર, 1996

આ મૅચમાં વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને પાકિસ્તાન સામે 287 રન બનાવ્યા હતા.

પાકિસ્તાને ઝડપી શરૂઆત કરી અને તેમની તરફથી આમીર સોહેલ શાનદાર રમી રહ્યા હતા. ત્યારે જ મૅચમાં એ વળાંક આવ્યો જેણે પરિણામ પલટી નાખ્યું.

એ સમયે ભારતના ફાસ્ટબૉલર વેંકટેશ પ્રસાદ અને પાકિસ્તાનના આમીર સોહેલ વચ્ચે તકરાર શરૂ થઈ.

સતત બે બાઉન્ડરી ફટકાર્યા બાદ સોહેલે વેંકટેશની તરફ ઇશારો કર્યો જાણે કે તેઓ કહી રહ્યા હોય કે આગળનો બૉલ પણ બાઉન્ડરીની પાર પહોંચી જશે.

પરંતુ બીજા જ બૉલે વેંકટેશે સોહેલને ક્લીનબૉલ્ડ કરી દીધા અને પેવેલિયન તરફ જવાનો ઇશારો કર્યો.

4. સચીન, સેહવાગ-શોએબ અખ્તર

સેંચુરિયન, 2003

વર્ષ 2003ના આઈસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતે લક્ષ્યનો પીછો કરતી વખતે ખૂબ આક્રમક બેટિંગ કરી હતી.

આ મૅચમાં સચીન તેંદુલકરે 75 બૉલમાં 98 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

પાકિસ્તાનના ફાસ્ટબૉલર શોએબ અખ્તરે સચીનના પર્ફૉર્મન્સને પ્રભાવિત કરવા માટે સતત સ્લેજિંગ કર્યું.

તે વખતે તેમની સામે વીરેન્દ્ર સેહવાલ ઊભા હતા જેમણે અખ્તરને જવાબ આપવાનું શરૂ કર્યું.

પરંતુ બીજી બાજુ બેટિંગ કરી રહેલા સચીન તેંદુલકર પોતાના બૅટ વડે બોલતા રહ્યા.

શોએબનો ફાસ્ટ બૉલ આવતો અને સચીનના બૅટ પર અથડાઈને સ્ટેન્ડમાં પહોંચી જતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો