IND v PAK : વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે પહેલી વખત હાર્યું, રિઝવાન-બાબરની જોડીએ જીત અપાવી

પાકિસ્તાનની ટીમ ભારત સામે વર્લ્ડકપના T20 મુકાબલામાં 10 વિકેટથી જીતી છે અને સાથે જ ભારતનો પાકિસ્તાન સામે સતત જીતવાનો ક્રમ પણ તોડી દીધો છે.

ભારતીય ટીમના બૅટ્સમૅનો પર પહેલી ઓવરથી હાવી થઈ ગયેલા શાહીન આફ્રિદી પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 મૅચમાં પહેલી ઓવરથી જ પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમ પર હાવી રહી હતી.

ભારતીય ટીમને 151 રનમાં સમેટી દીધા બાદ પાકિસ્તાનની ટીમના કપ્તાન બાબર અને રિઝવાને મજબૂત શરૂઆત કરી હતી અને અંત સુધી વિકેટ ગુમાવી નહોતી.

મહંમદ રિઝવાને 55 બૉલમાં 79 રન કર્યા હતા તો બાબર આઝમે 52 બૉલમાં 68 રન ફટકાર્યા હતા.

શાહીન આફ્રિદી ભારતીય બૅટ્સમૅનોને ભારે પડ્યા?

પાકિસ્તાન ટીમના બૉલર શાહીન આફ્રિદીએ રોહિત શર્માને પ્રથમ બૉલ પર જ આઉટ કરી દીધા હતા અને એ બાદ કે. એલ. રાહુલને પણ આઉટ કર્યા હતા.

જે બાદ હસન અલીની બૉલિંગમાં સૂર્યકુમાર યાદવ પણ 11 રન કરીને આઉટ થઈ ગયા હતા.

ત્રીજી વિકેટ બાદ તેરમી ઓવર સુધી ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને ઋષભ પંત ભાગીદારી નિભાવી રહ્યા હતા, જોકે શાદાબના બૉલ પર ઋષભ પંત 39 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

જે બાદ કપ્તાન વિરાટ કોહલી ક્રિઝ પર ટકી રહ્યા હતા અને 18મી ઓવરના પહેલા બૉલમાં કોહલીએ અર્ધસદી પૂરી કરી હતી, જે બાદ વિરાટ કોહલી આઉટ થઈ ગયા હતા.

વિરાટ કોહલી બાદ હાર્દિક પંડ્યા પણ 11 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

પાકિસ્તાનની ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રવિવારે યોજાનારી ક્રિકેટ મૅચના એક દિવસ પહેલાં જ ટ્વિટર સહિત મોટાભાગનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર #INDvPAK ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.

ભારત હવે કોની સામે મૅચ રમશે?

  • 31 ઑક્ટોબર- વિ. ન્યૂઝીલૅન્ડ
  • 03 નવેમ્બર- વિ. અફઘાનિસ્તાન
  • 05 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
  • 08 નવેમ્બર- વિ. નામિબિયા

કઈ ટીમ કયા ગ્રૂપમાં?

ગ્રૂપ-1 ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ

ગ્રૂપ-2 ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કૉટલૅન્ડ

કેવી રીતે ગણવામાં આવશે પૉઇન્ટ?

પહેલા રાઉન્ડની જેમ જ સુપર-12 તબક્કાના પૉઇન્ટ ગણવામાં આવશે. જીતનાર ટીમને બે પૉઇન્ટ મળશે.

ટાઈ થાય, મૅચ રદ થાય અથવા કોઈ નિર્ણય ન આવવાના કિસ્સામાં બંને ટીમોને એક-એક અંક મળશે.

હારવા અથવા મૅચ છોડવા પર કોઈ પૉઇન્ટ નહીં મળે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો