IPL 2022માં અમદાવાદની ટીમ રમશે, હજારો કરોડમાં કોણે ખરીદી? - TOP NEWS

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે લાંબી રાહ જોયા બાદ 2022ની આઈપીએલ માટેની ટીમોની જાહેરાત થઈ ગઈ છે.

આર.પી. સંજીવ ગોએન્કા ગ્રૂપે લખનૌ આઈપીએલ ટીમ 7,090 કરોડમાં લીધી છે અને અમદાવાદ આઈપીએલ ટીમ આઇરેલિયા પ્રાઇવેટ લિમિટેડે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે.

દુબઈમાં સોમવારે આઈપીએલ ટીમ માટેની હરાજી શરૂ થઈ હતી. ટીમ માટેની રેસમાં અમદાવાદની સાથે લખનૌ, કટક, ધર્મશાલા, ગુવાહાટી અને ઇંદૌર પણ હતાં.

હરાજીમાં નવી ટીમ માટેની બૅઝ પ્રાઇઝ બે હજાર કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.

સુદાનમાં તખતાપલટ : વડા પ્રધાન નજરકેદ, ટીવી ચેનલ પર સેનાનો સકંજો

સુદાનમાં સેનાએ વડા પ્રધાન અને વચગાળાની સરકારના અનેક મંત્રીઓની ધરપકડ કરી લીધી છે. સુદાનના માહિતી મંત્રાલયે ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાની અને તખતાપલટના પ્રયાસો રોકવાની અપીલ કરી છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે સેનાએ દેશના સરકારી ટીવી અને રેડિયોના મુખ્યાલય પર પણ કબજો કરી લીધો છે.

સુદાનના માહિતી મંત્રાલયે ફેસબુક પેજ પર આ માહિતી આપતાં કહ્યું છે કે સેનાના એક કર્મચારીની ધરપકડ પણ કરાઈ છે.

સુદાનના વડા પ્રધાનના એક સલાહકારે અલ-અરેબિયા ચેનલને જણાવ્યું છે કે અમેરિકાના વિશેષ પ્રતિનિધિની હાજરીમાં સત્તારૂઢ પક્ષ સમજૂતી થઈ હતી, એમ છતાં તખતાપલટ થયો છે.

અમેરિકાએ કહ્યું છે કે સુદાનમાં તખતાપલટના સમાચાર ચિંતાજનક છે.

રજનીકાંતને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, કંગના રનૌતને રાષ્ટ્રીય પુરસ્કાર

સોમવારે નવી દિલ્હીમાં 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને બેસ્ટ હિન્દી ફિલ્મનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

સુશાંતસિંહ રાજપૂતનું વર્ષ 2020માં 14 જૂને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મૃત્યુ થયું હતું.

તો અભિનેતા રજનીકાંતને 51મો દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

નિર્દેશક પ્રિયદર્શનની મલયાલમ ફિલ્મ 'મરક્કર-લાયન ઑફ ધ અરેબિયન સી'ને આ વર્ષે બેસ્ટ ફીચર ફિલ્મનો ઍવૉર્ડ આપવામાં આવ્યો.

2019ની ફિલ્મો માટે 2021 માર્ચ મહિનામાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

અભિનેત્રી કંગના રનૌતને 'મણિકર્ણિકા' તથા 'પંગા' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. અભિનેતા મનોજ વાજપેયીને ફિલ્મ 'ભોંસલે' અને અભિનેતા ધનુષને ફિલ્મ 'અસુરન' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

બેસ્ટ હિન્દી ફિલ્મનો ઍવૉર્ડ મેળવનાર ફિલ્મ 'છિછોરે' સુશાંતસિંહ રાજપૂતની મોટા પર્દે પ્રદર્શિત થનારી છેલ્લી ફિલ્મ હતી.

ફિલ્મના નિર્દેશક નીતેશ તિવારી અને નિર્માતા સાજીદ નડિયાદવાલાએ કહ્યું કે, "સુશાંતસિંહે ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને અમે આ ઍવૉર્ડ તેમને સમર્પિત કરીએ છીએ."

રોહિત શર્માને ટીમમાંથી 'પડતાં મૂકવા વિશે' કોહલી શું બોલ્યા?

આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારતને પાકિસ્તાનના હાથે મળેલા પરાજય પર ભારે ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના એક પત્રકારે ભારતની ટીમના 'પ્લેઇંગ ઇલેવન' અંગે સવાલ પૂછી લીધો હતો.

વિરાટ કોહલીને એક પાકિસ્તાની પત્રકારે પૂછ્યું, "શું તમે રોહિત શર્માને બહાર કરીને ઈશાન કિશાનને ટીમમાં જગ્યા આપવા અંગે વિચાર્યું હતું? ઈશાન શર્માએ વૉર્મઅપ મૅચમાં સારું પ્રદર્શન કર્યું હતું."

પાકિસ્તાની પત્રકારનો આ પ્રશ્ન સાંભળીને વિરાટ કોહલી થોડી સેકંડ માટે ચુપ થઈ ગયા અને એ બાદ તેમણે હસતાં કહ્યું, "આ ભારે બહાદુરીપૂર્વકનો સવાલ છે."

એ બાદ વિરાટ કોહલીએ પત્રકારને પૂછ્યું, "આપને શું લાગે છે, સર? હું એ ટીમ સાથે રમ્યો જે મને શ્રેષ્ઠ લાગી. તમારો મત શું છે? શું તમે રોહિત શર્માને ટી-20 ઇન્ટરનેશનલમાંથી ડ્રૉપ કર્યો હોત?"

"આપને ખ્યાલ છેને કે રોહિતે ગત મૅચમાં અમારા માટે શું કર્યું હતું?"

એ બાદ વિરાટે કહ્યું, "સર, જો તમારે વિવાદ જોઇતો હોય તો કહી દો, પછી હું એ રીતે જ જવાબ આપીશ."

નોંધનીય છે કે રવિવારે રોહિત શર્મા પાકિસ્તાનના શાહીન આફ્રિદીના પ્રથમ બૉલ પર જ આઉટ થઈ ગયા હતા.

ચીનમાં ફરીથી ફેલાઈ રહ્યો છે કોરોના વાઇરસનો ચેપ?

ચીનમાં ફરી એક વાર કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ માટે ડેલ્ટા વૅરિયન્ટને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.

ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ના રિપોર્ટ અનુસાર ગત એક સપ્તાહમાં ચીનના 11 પ્રાંતમાં કોરોના વાઇરસ ફરીથી ફેલાયો છે.

ચીનના વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ડેલ્ટા વૅરિયન્ટનો આ કેસ બહારથી આવ્યો છે.

ચીનના કેટલાક મહામારી-વિશેષજ્ઞોનું માનવું છે કે 2020માં વુહાનમાં ફેલાયેલા સંક્રમણ બાદનું આ સૌથી ખતરનાક સક્રમણ હોઈ શકે છે.

ગત એક સપ્તાહમાં ચીનમાં કોવિડ-19નો ચેપ લાગવાના 133 કેસ નોંધાયા છે, જેમાં 106 કેસ બીજા દેશમાંથી આવનારા પ્રવાસીઓમાં નોંધાયા છે.

17 ઑક્ટોબર બાદ ચીનના 11 પ્રાંતમાં ઘરેલુ સંક્રમણના કેસ પણ વધ્યા છે.

એક મહિના દરમિયાન ગુજરાતના ત્રણ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ

ગત 23 સપ્ટેમ્બરથી 24 ઑક્ટોબર વચ્ચે ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 595 કેસ નોંધાયા, જેમાંથી 341 કેસ દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં નોંધાયા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન સુરત, વલસાડ અને નવસારીમાં 57 ટકા કેસ નોંધાયા છે.

સુરતમાં 177, વલસાડમાં 125 અને નવસારીમાં 43 કેસ નોંધાયા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણના 121 કેસ નોંધાયા હતા.

નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 164 કેસ સક્રિય છે. જેમાંથી વલસાડમાં 45, સુરતમાં 26 અને નવસારીમાં 14 દરદીઓ સારવાર હેઠળ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો