કોરોના વૅરિયન્ટ AY.4.2 : યુકે અને રશિયામાં હાહાકાર મચાવનારો મ્યુટન્ટ ભારતમાં દેખાયો

ઇન્ડિયન સાર્સ કોવિ-2 કૉન્સોર્ટિયમ ઑન જિનૉમિક્સ (INSACOG)ના વૈજ્ઞાનિકો અનુસાર યુરોપમાં ચિંતાજગાડનારો કોરોનાનો એક મ્યુટન્ટ પ્રકાર ભારતમાં પણ જોવા મળ્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતમાં તેની હાજરી ઘણી ઓછી છે, પરંતુ ઓછા પ્રમાણમાં પણ તે હાજર છે.

કોરોના વાઇરસના આ પ્રકારને 'સૌથી વધુ ચેપી' માનવામાં આવી રહ્યો છે. AY.4.2 પ્રકાર યુકેમાં વધી રહેલા કેસો માટે જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે. તથા રશિયાના મૉસ્કોમાં પણ આવતા સપ્તાહથી લૉકડાઉન લાગુ થવાનું છે ત્યાં પણ કેસો વધવા પાછળ આ જ વૅરિયન્ટ જવાબદાર છે.

ઉપરાંત ઇઝરાયલમાં ગત સપ્તાહે લૉકડાઉનનાં પગલાં લેવાયાં ત્યાં પણ કેસો વધ્યા છે અને તેના માટે આ વૅરિયન્ટ જવાબદાર હોવાનું કહેવાયું છે.

જોકે વૈજ્ઞાનિકો કહે છે કે, AY.4.2 મામલે થયેલા સંશોધનનું પ્રમાણ ઓછું છે આથી તેના વિશેનાં તારણો પણ ઓછાં છે. અને તેની ચોક્કસાઈ અનિશ્ચિત છે. તેથી એ કહેવું વહેલું ગણાશે કે આનાથી વધુ બીમારી તથા મૃત્યુ થાય છે.

તાજેતરમાં અમેરિકાના 'સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલે' કહ્યું હતું કે તેમને ત્યાં AY.4.2ના માત્ર ગણતરીના 10 કેસ જોવા મળ્યા છે. પરંતુ યુકે દ્વારા કહેવાયું કે યુકેમાં આવા કેસો 15 હજાર કરતાં વધુ નોંધાયા છે.

AY.4.2 મ્યુટન્ટ કેટલો જોખમી?

AY.4.2નું બીજું નામ VUI-21OCT-01 પણ છે. તેને ડેલ્ટા પ્રકાર કરતાં પણ વધુ ચેપી ગણવામાં આવી રહ્યો છે.

અમેરિકામાં જે કેસ નોંધાયા તે 21 ઑક્ટોબરે નોંધાયા હતા.જ્યારે યુકેમાં તે જુલાઈ મહિનામાં નોંધાયા હતા.

કોરોના વાઇરસના જિનોમ સિક્વન્સિંગ માટેની અગ્રણી લૅબ સીએસઆઈઆર ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનૉમિક્સ ઇન્ટેગ્રેટિવ બાયૉલૉજીના વડા ડૉ. અનુરાગ અગ્રવાલનું કહેવું છે કે, "રિવાઇઝ્ડ થયેલી વ્યાખ્યા મુજબ AY.4.2 ભારતમાં હાજર છે. પણ તેનું પ્રમાણ 0.1% કરતાં પણ ઓછું છે. તે ડેલ્ટા વૅરિયન્ટમાંથી મ્યુટન્ટ થયો છે."

આ વર્ષથી અત્યાર સુધી ડેલ્ટાના AY.39 વર્ઝનનું વિશ્લેષણ થયું છે. હવે આ AY.4 નવું સ્વરૂપ છે.

યુકેના આરોગ્ય નિષ્ણાતોએ તેને 'તપાસ હેઠળના વાઇરસના પ્રકાર' શ્રેણીમાં મૂક્યો છે.

AY.4.2 ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના જ ડેરિવેટિવ AY.4માંથી બનેલ છે. તેમાં બદલાયેલા A222V સ્પાઇક છે અને Y145H સ્પાઇક છે. તેના થકી તે મનુષ્યના શરીરમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે.

જોકે નિષ્ણાતો અનુસાર ભારતમાં હજુ પણ ડેલ્ટા વૅરિયન્ટ વધુ પ્રમાણમાં છે અને AY.4.2નું પ્રમાણ ઘણું ઓછું છે.

તેનાથી થતી બીમારીની તીવ્રતા, મૃત્યુના કેસ તથા તેની સામે રસીની અસરકારતા પર હાલ સંશોધન ચાલી રહ્યાં છે.

દરમિયાન, આરોગ્યમંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,306 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 443 લોકોનાં મોત થયાં છે.

છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,67,695 પર પહોંચી છે.

ઉપરાંત દિલ્હી ઍઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ દિવાળી અને ક્રિસમસના તહેવારોમાં વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. જેથી ફરી કોરોનાના કેસોમાં વધારો ન થાય.

કોરોના વાઇરસનો પરિવાર

કોરોના વાઇરસ પરિવારના તમામ પ્રકારોમાં એક લાક્ષણિકતા સર્વસામાન્ય હોય છે અને એ છે કોરોના.

તમે વાઇરસની અણીવાળા દડા જેવી તસવીર જોઈ હોય તો આ અણીવાળા (સ્પાઇક) પ્રોટીનને કોરોના તરીકે ઓળખવામાં આવે છે.

નાગરિકોને વારંવાર 20 સેકંડ સુધી સાબુથી હાથ ધોવાની કે આલ્કોહોલવાળા સૅનિટાઇઝરથી હાથ સાફ કરવાની સૂચના આપવામાં આવે છે કે જેથી વાઇરસ પરની અણી બુઠ્ઠી થઈ જાય અને તે માનવકોષ સાથે જોડાણ પ્રસ્થાપિત ન કરી શકે.

તે માનવકોષ સાથે સંપર્કમાં આવવા માટે તથા તેમાં પ્રવેશવા માટે આ અણીવાળા ભાગનો ઉપયોગ કરે છે.

ગ્રીક મૂળાક્ષર મુજબ, આલ્ફા, બિટા, ગૅમા અને ડેલ્ટા એમ ચાર પ્રકારના કોરોના વાઇરસ જોવા મળે છે.

અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના મતે કોરોના વાઇરસનાં સાત એવા સ્વરૂપોને ઓળખી શકાયાં છે કે જે માનવશરીરને ચેપ લગાડી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

https://youtu.be/O18F2YPUJQY