You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છત્તીસગઢ : દુર્ગા વિસર્જનના સમૂહ પર કાર ફરી વળી, એકનું મૃત્યુ - BBC TOP NEWS
છત્તીસગઢના જશપુર જિલ્લામાં દુર્ગાપૂજાના વિસર્જન દરમિયાન એકઠા થયેલા લોકોની ઉપર પૂરપાટ આવતી કાર ફરી વળી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું હતું કે કારચાલકે એક શ્રદ્ધાળુ ઉપર ગાડી ચઢાવી દીધી હતી, જ્યારે અન્ય શ્રદ્ધાળુઓ તેની પાછળ ભાગ્યા તો ડ્રાઇવરે ગાડીની ઝડપ વધારી દીધી હતી, જેના કારણે 16થી વધુ લોકો તેની અડફેટે ચડી ગયા હતા.
આ ઘટના પછી સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં શ્રદ્ધાળુઓનો એક સમૂહ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે, ત્યારે પાછળથી પૂરપાટ આવતી એસયુવી અને તેમને કચડતી આગળ નીકળી જતી દેખાય છે.
છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે આરોપીઓને તરત જ ઝડપી લેવામાં આવ્યા છે તથા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ મુદ્દે ભાજપે રાજ્યની કૉંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે.
આ ઘટના પછી કારમાં બેઠેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપૉર્ટ પ્રમાણે, કારના મુસાફરોના નામ શિશુપાલ સાહૂ (26) તથા બબલુ વિશ્વકર્મા (21) છે.
ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડન્ટે ફરજમાં લાપરવાહી દાખવવા બદલ પત્થલગાંવ વિસ્તારના એએસઆઈ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર)ને સસ્પેન્ડ કરી દીધા છે.
પોલીસનું કહેવું છે કે જે કારને કારણે દુર્ઘટના થઈ, તેમાં ગાંજો લદાયેલો હતો. દુર્ઘટના બાદ આરોપીઓ કારને થોડે દૂર લઈ ગયા હતા અને તેને આગ ચાંપી દીધી હતી.
આ ઘટનાથી નારાજ લોકોએ પત્થલગાંવ રોડને જામ કરી દીધો હતો. પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે ધસી જઈને ઉશ્કેરાયેલી ભીડને શાંત પાડવાની તજવીજ હાથ ધરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, 'ભારતમાં મુસલમાનોની વસ્તી વધી રહી છે'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે દશેરાના દિવસે નાગપુરસ્થિત આરએસએસના વડા મથકમાં શસ્ત્રપૂજા કરી. ભાગવતે આ પ્રસંગે સંઘના સંસ્થાપક હેડગેવાર અને ગોલવલકરને અંજલિ આપી અને પછી સ્વંયસેવકોને સંબોધન કર્યું.
ભાગવતે ભારતમાં ધર્મઆધારિત વસતીમાં તફાવત મામલે ચિંતા વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે દેશની એકતા અને અખંડિતતા પર ખતરો છે.
તેમણે કહ્યું, "વિવિધ સંપ્રદાયોની વસતીના વુદ્ધિદરમાં મોટો તફાવત છે, વિદેશી ઘૂસણખોરીના કારણે દેશની વસતી, ખાસ કરીને સરહદી પ્રદેશોની વસતીમાં વધી રહેલું અસંતુલન દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક ઓળખ માટે સંકટ બની શકે છે."
તેમણે કહ્યું કે, "વર્ષ 1951થી 2011 વચ્ચે મુસ્લિમોની વસતીનું પ્રમાણ 9.8 ટકાથી વધીને 14.23 ટકા થઈ ગયું છે."
તેમમે કહ્યું છે કે, "હિંદુ મંદિરોનું સંચાલન હિંદુ ભક્તોના હાથમાં જ રહેવું જોઈએ અને હિંદુ મંદિરોની સંપત્તિનો ઉપયોગ ભગવાનની પૂજાની સાથે-સાથે હિંદુ સમાજની સેવા અને કલ્યાણ માટે થાય, તે જરૂરી છે."
તેઓ કહે છે કે, "આજે જેઓ પોતાને હિંદુ માને છે, તેમનું એ કર્તવ્ય રહેશે કે તેઓ પોતાનાં વ્યક્તિગત, પારિવારિક, સામાજિક જીવનમાં તેમના આચરણથી હિંદુ સમાજનું ઉત્તમ રૂપ રજૂ કરે."
તેમણે ઓટીટી પ્લૅટફૉર્મ અંગે વાત કરતાં કહ્યું કે, "ઓટીટી પ્લૅટફૉર્મ પર કોઈ નિયંત્રણ નથી. નિયંત્રણ વગરની વ્યવસ્થામાં અરાજકતાનું સંકટ હોય છે. આ મામલે તમામે એક સાથે કામ કરવાની જરૂર છે."
ડૉ. મનમોહનસિંહની તબિયત સ્થિર, AIIMSમાં કાર્ડિયોલૉજિસ્ટની નિગરાની હેઠળ
ANI સમાચાર એજન્સી AIIMS હૉસ્પિટલને ટાંકીને લખે છે કે ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહની તબિયત હવે સ્થિર છે.
ડૉ. મનમોહનસિંહને બુધવારે સાંજે તાવ અને અશક્તિની ફરિયાદ હતી, જે બાદ તેમને દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ AIIMS ખાતે ડૉ. સિંહની મુલાકાત લીધી હતી.
89 વર્ષીય પૂર્વ વડા પ્રધાનને હૉસ્પિટલના કાર્ડિયો-ન્યુરો સેન્ટરના પ્રાઇવેટ વૉર્ડમાં દાખલ છે.
તાલિબાન પાસે વીજળીનો ખર્ચ ચૂકવવા પૈસા નથી? કાબુલમાં અંધારપટ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને બીજા બે પ્રાંતમાં અંધારપટ છવાઈ ગયો છે.
‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનની સરકારી વીજકંપની ‘ધ અફઘાનિસ્તાન બ્રેશના શેરફત’ મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાન જેવા દેશો પાસેથી વીજળી લઈને પૂરી પાડે છે.
આ અહેવાલમાં સ્પુટનિક ન્યૂઝ એજન્સીને ટાંકીને એવું કહેવાયું હતું કે તકનિકી કારણસર વીજપુરવઠો ખોરવાયો છે.
જોકે, અત્રે એ પણ સામે આવ્યું છે કે, વીજકંપની પર 6.2 કરોડ ડૉલરનું દેવું છે. આ રકમ તેને વીજસપ્લાય માટે ચૂકવવાની છે.
અહેવાલ મુજબ તાલિબાનનું શાસન આવ્યા બાદ દેશમાં વેપાર-ધંધાને મોટો ફટકો પડ્યો છે. બહારથી વીજળી ખરીદવા માટે તાલિબાન પાસે પૈસા નથી.
આથી આગામી શિયાળામાં પણ અફઘાની નાગરિકો પર વીજકાપનુ સંકટ મંડરાઈ રહ્યું છે. અમેરિકાએ અફઘાનિસ્તાનની અબજો ડૉલરની રકમ પણ ફ્રિઝ કરી છે.
અમિત શાહની સર્જિકલ સ્ટ્રાઇકની વાત પર પાકિસ્તાને શું જવાબ આપ્યો?
એક દિવસ પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “જો પાકિસ્તાન પોતાની હરકતો બંધ નહીં કરે તો ભારત વધુ એક સર્જિકલ ઍરસ્ટ્રાઈક કરશે.”
પાકિસ્તાનના અખબાર ‘ડૉન’ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાને કહ્યું કે, “પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. પરંતુ જો ભારત કોઈ પણ આક્રમક કાર્યવાહી કરશે, તો એને નિષ્ફળ કરી દેવાશે.”
અહેવાલ અનુસાર પાકિસ્તાને કહ્યું કે, “અમિત શાહના જે નિવેદનમાં સર્જિકલ સ્ટ્રાઇક માટે ચેતવણી છે, તે એક બિનજવાબદાર અને ઉશ્કેરણીજનક છે.”
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, “તેમનું ભ્રમપૂર્ણ નિવેદન ફક્ત ભાજપ-આરએસએસ ગઠબંધનને રાજકીય લાભ અપાવવા માટે છે. જે પાકિસ્તાન પ્રત્યે શત્રુતા પર આધારિત છે. આનાથી બંને દેશોના સંબંધોને અસર થાય છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાના પૂર્વ સીએમ અને ભારતના પૂર્વ રક્ષામંત્રી મનોહર પરિકરને યાદ કરતાં શાહે તાજેતરમાં કહ્યું હતું કે, “સર્જિકલ સ્ટ્રાઇક ભારતની રક્ષામાં એક નવો અધ્યાય હતો. અમે સંદેશ આપ્યો કે કોઈ પણ ભારતની સરહદો પર હરકત ન કરી શકે. વાતચીતનો સમય હતો, પરંતુ હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.”
પૅરાઍથ્લીટ સુધી સરકારી યોજના પહોંચતી જ નથી, તેમને નોકરી આપો – ભાવિના પટેલ
34 વર્ષીય પૅરાઍથ્લીટ ભાવિના પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે, “પૅરાઍથ્લીટ સુધી સરકારી યોજનાઓ પહોંચતી જ નથી.”
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ ટોક્યો પૅરાલિમ્પિકનાં સિલ્વર મેડલિસ્ટ ભાવિના પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની વાતચીત સમયે આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “પૅરાઍથ્લીટો સુધી સરકારી યોજનાઓ પહોંચી નથી રહી અને તેમને નોકરી આપવી જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું, “ગુજરાતમાં ઘણા પૅરાઍથ્લીટ છે, જેમણે આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં ભાગ લીધો છે. તેમને કોઈ આર્થિક ટેકો ન હોવાથી તેઓ આગળ નથી વધી શક્યા. હું મારા પરિવારના ટેકાથી અહીં સુધી પહોંચી છું.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો