જ્યોર્જ ફ્લૉઇડ કેસ : મિનીપોલીસ કોર્ટમાં પૅરામેડિકે ડેરેક શૉવિન અંગે શું કહ્યું?

બે પૅરામેડિકે મિનીપોલીસની કોર્ટમાં જણાવ્યું કે તેઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે જ્યોર્જ ફ્લૉઇડના ધબકારા બંધ થઈ ગયા હતા અને તેઓ શ્વાસ નહોતા લઈ રહ્યા.

પૂર્વ પોલીસ અધિકારી ડેરેક શૉવિન પર મે 2020માં જ્યોર્જ ફ્લૉઇડનું ગળું નવ મિનિટ સુધી ઘૂંટણથી દબાવી હત્યા કરવાનો આરોપ છે.

પૅરામેડિક સેથ બ્રૅવિન્ડરે જણાવ્યું કે તેમણે શૉવિનને દૂર ખસવા કહ્યું હતું કે જેથી તેઓ દરદીનો કબજો મેળવી શકે.

આ પહેલાં ફ્લૉઇડનાં મહિલા મિત્ર કોર્ટમાં ભાવુક થઈ ગયાં હતાં અને પોતાની વાત મૂકી હતી. તેમણે તેમના પ્રથમ ચુંબનથી લઈને ઑપિઑઇડની લત છોડવા માટેની મથામણ સુધીની વાત કરી હતી.

ડેરેક શૉવિને આ કેસમાં પોતાના પર લગાવાયેલો માનવહત્યાનો આરોપ ફગાવી દીધો છે.

પૅરામેડિકે શું કહ્યું?

પૅરામેડિક સેથે કહ્યું કે તેમને જ્યારે પ્રથમ કહેણ મળ્યું ત્યારે તે જીવનું જોખમ ન હોવા અંગેનું હતું. જોકે, તત્કાલ તે બદલી નખાયું હતું.

તેમણે કોર્ટમાં કહ્યું કે તેઓ પોતાના સાથી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સંઘર્ષ થયો હોવાનું જણાયું હતું. જોકે તેમને તત્કાલ ખબર પડી કે ફ્લૉઇડ નિર્જીવ હતા.

તેમના સાથી ડેરેક સ્મિથે ફ્લૉઇડના ધબકારા ચકાસ્યા હતા.

સ્મિથે જણાવ્યું, "મને લાગ્યું કે તેઓ મરી ગયા છે."

"હું જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે દરદીને કોઈ સારવાર નહોતી અપાઈ રહી."

તેમણે ફ્લૉઇડને ઍમ્બ્યુલન્સમાં મૂકીને 'ચૅસ્ટ કમ્પ્રેશન' આપવા પ્રયાસ કર્યો હતો.

એક ક્ષણે સ્મિથને ફ્લૉઇડના હૃદયમાં ઇલેક્ટ્રિક હિલચાલ જણાઈ હતી અને તેમણે ઇલેક્ટ્રિક શૉક આપવાનો આપ્યો હતો.

આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, "તેઓ એક માણસ હતા અને હું તેમને જીવવાની બીજી તક આપવા માગતો હતો."

જ્યોર્જ ફ્લૉઇડ સાથે શું થયું હતું

46 વર્ષના જ્યોર્જ ફ્લૉઇડે 25 મે, 2020ની સાંજે દક્ષિણ મિનીપોલીસની એક દુકાનથી સિગારેટનું પૅકેટ ખરીદ્યું હતું. દુકાનદારનો આરોપ હતો કે જ્યોર્જ ફ્લૉઇડે સિગારેટ ખરીદવા માટે કથિત રીતે 20 ડૉલરની નકલી નોટનો ઉપયોગ કર્યો હતો.

ફ્લૉઇડે સિગારેટનું પૅકેટ પરત કરવાનો ઇન્કાર કરતા દુકાનદારે પોલીસ બોલાવી હતી.

ઘટનાસ્થળે પહોચ્યાં બાદ પોલીસે ફ્લૉઇડને હાથકડીથી બાંધી દીધા હતા. જ્યારે પોલીસ અધિકારીએ ફ્લૉઇડને કારની અંદર બેસાડવાનો પ્રયાસ કર્યો તો તેમને પ્રતિકાર કર્યો. બાદમાં હાથકડીથી બાંધેલા જ્યોર્જ ફ્લૉઇડને પોલીસે કાર પાસે જમીન પર પાડી દીધા હતા.

આરોપ છે કે ડેરેક શૉવિને જ્યોર્જ ફ્લૉઇડના ગળા પર પોતાનો જમણો ઘૂંટણ આશરે 9 મિનિટ સુધી મૂકી રાખ્યો હતો.

આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે બીજા બે અધિકારીઓએ પણ ફ્લૉઇડને નીચે પાડી દેવામાં મદદ કરી હતી જ્યારે ત્રીજી વ્યક્તિએ લોકોને આ ઝઘડામાં સામેલ થતાં અટકાવી રાખ્યા હતા.

વાઇરલ વીડિયોમાં ફ્લૉઇડ 20થી વધુ વખત કહેતા સંભળાય છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

તેના એક કલાક બાદ ફલૉઇડને હૉસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો