કોરોનાની બીજી લહેર પછી ગુજરાતમાં રસી મામલે લોકોનો મત બદલાયો છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં વૅક્સિન લેનારા લોકોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારનાં સૂચન બાદ ગુજરાત સરકારનાં અધિકારીઓ વૅક્સિનની પ્રક્રીયામાં વધુ સક્રિય થઈ ગયા છે. જો કે બીજી બાજુ નિષ્ણાંતો માને છે કે જ્યાં સુધી અમુક ચોક્કસ વિસ્તારનોને ઓળખીને તે જ વિસ્તારમાં સુપૂર્ણ વૅક્સિનેશન ન કરવામાં આવે ત્યાં સુધી મોટો ફેરફાર નહીં થાય.

જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં હજી સુધી 17,58,372થી વધુ લોકોએ વૅક્સિન લઈ લીધી છે, જેમાં લગભગ 1,51,093 જેટલા લોકો એવા છે કે જેમણે વૅકસિનનાં બન્ને ડોઝ લઈ લીધા છે. જો કે કોરોનાની આ બીજી લહેર બાદ કોરોનાની વૅક્સિન લેનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

સરકારી આંકડા પ્રમાણે માર્ચ મહિનાની શરુઆતમાં લગભગ ૪ લાખ લોકોએ જ વૅક્સિન લીધી હતી, જો કે 14મી માર્ચ બાદ આ આંકડામાં વધારો થયો હતો, અને માર્ચ 30 સુધી ગુજરાતભરમાં 40 લાખથી વધુ જેટલી વૅક્સિન આપવામાં આવી છે. 14મી માર્ચના રોજ જ્યારે રાજ્યમાં વૅક્સિન લેનાર કૂલ લોકોની સંખ્યા 11227 જ હતી, ત્યાં તેના બીજા જ દિવસે તે સંખ્યા વધીને 1.59 લાખ સુધી પહોંચી ચુકી હતી.

ત્યારબાદનાં 10 દિવસ સુધી એકંદરે દરરોજના લગભગ બે લાખ લોકોએ રસી લીધી છે.

જો કે નિષ્ણાંતો માને છે કે રસીકરણની આ ગતીથી દેશભરના લોકોનાં રસીકરણ માટે 20 વર્ષ લાગી જશે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં 16મી જાન્યુઆરીથી જ્યારે આ રસીકરણ શરુ થયું ત્યારથી માર્ચ 31 સુધી લગભગ 4.50 લાખ લોકોનું જ રસીકરણ થઇ શક્યું છે.

કોરોનાની આ બીજી લહેર માટે નિષ્ણાંતો માને છે કે શીતળા સમયે જે પ્રકારે રસીકરણ કરવામાં આવ્યું હતું તે જ રીતે રસીકરણ કરવું જોઈએ.

આ વિશે અમે અમદાવાદનાં કેટલાંક વિસ્તારોનાં લોકો સાથે વાત કરી તો જાણાવા મળ્યું કે ઘણા લોકો કોરોનાની બીજી લહેરમા વૅક્સિન માટે બહાર નીકળી રહ્યાં છે. અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા દિપક બુધવાણી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે જે લોકો વૅક્સિન લઈ લીધી છે, તે લોકોના અનુભવ જાણ્યાં બાદ મને થયું કે હું પણ વૅક્સિન લઈ લઉં.

આવી જ રીતે રાજેશ પટેલે પણ રસી મૂકાવી છે. તેઓ કહે છે કે તેમને ઑગસ્ટ મહિનામાં કોરોના થયો હતો, અને તેઓ ગંભીર રીતે બીમાર થયા હતા.

આ વિસ્તારનાં એક રસીકરણ કેન્દ્રના પૅરામેડીકલ સ્ટાફ ધવલભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેઓ દરરોજનાં આશરે 100 જેટલા લોકોનું રસીકરણ કરે છે. જો કે તેમના પ્રમાણે છેલ્લા થોડા દિવસોથી લોકોની સંખ્યા વધી ચૂકી છે. આ વિશે બીબીસી ગુજરાતીએ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યોં હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

કેવી રીતે કરવામાં આવી હતી, શીતળા કે સ્મૉલ પોક્સની રસી

શીતળાના રોગની વાત કરતા ડૉ. દિલીપ માવળંકર કે જેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર છે, તેમણે બીબીસીને જણાવ્યું હતું કે શીતળાની રસી પહેલાં બધા વ્યક્તિઓને રસી આપવાની પ્રક્રીયા ચાલતી હતી.

તેમણે વધુમાં કહ્યું, "જો કે ત્યારબાદ તે પ્રક્રીયામાં બદલાવ કરવામાં આવ્યો અને જે વિસ્તારમાં કેસ રિપોર્ટ થતો હતો, તે જ વિસ્તારનાં તમામ લોકોનું રસીકરણ કરવામાં આવતું હતું. થોડા સમય બાદ શીતળા રોગ નાબૂદ થઈ ગયો હતો."

માવળંકર માને છે કે જો આવી જ રીતે કોરોનાના કેસો જ્યાં વધુ માત્રામાં હોય તે વિસ્તારમાં બધા જ લોકોને ઉંમરની મર્યાદાવગર રસી આપવામાં આવે તો સંક્રમણમાં ફરક પડી શકે છે.

આવી જ રીતે ડૉ.તેજસ પટેલ, જેઓ ગુજરાત સરકારના સલાહકાર પણ છે તેઓ કહે છે કે કોરોનાની બીજી લહેરને સંપૂર્ણપણે કાબૂ કરવા માટે દરેક વ્યક્તિએ રસી મુકવાવી જરુરી છે. તેઓ કહે છે કે રસીકરણ સરળ અને સહેલું થઈ જાય તે માટે પણ સરકાર કામ કરી રહી છે.

શું હજી લોકોને વૅક્સિન પર વિશ્વાસ નથી?

જો કે બીબીસી ગુજરાતીએ અમુક એવા લોકો સાથે પણ વાત કરી કે જેઓ વૅક્સિન લેવા ઇચ્છતા નથી.

અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા એક 55 વર્ષનાં મહિલા જેઓ પોતાનું નામ આપવા ઇચ્છતા નથી તેમણે અમને જણાવ્યું કે તેમને વૅક્સિનથી બીક લાગે છે.

“હાલમાં જ મારા એક સંબંધીએ વૅક્સિન લીધી પછી તેના 10 દિવસમાં જ તેમને હ્રદયરોગનો હુમલો થયો હતો. માટે મને વૅક્સિનથી બીક લાગે છે.”

જો કે આ વિશે જ્યારે એક મેડીકલ પ્રૅક્ટિશનર ડૉ.ધર્માંગ ઓઝા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે વૅક્સિનમાં કોઈ પણ પ્રકારનો ખતરો નથી, અને દરેક વ્યક્તિએ તેને લેવી જોઈએ.

ગુજરાત અને રસીકરણ

ઉપરાંત, રાજ્યમાં વૅક્સિનની હાલની પરિસ્થિતી વિશે વાત કરતા સ્ટેટ ઈમ્યુનાઈઝીંગ ઑફીસર ડો. નયન જાનીએ કહ્યું કે હાલમા બીજી વેવ બાદ સરકાર ખાસ તકેદારી રાખીને શક્ય હોય તેવા તમામ લોકોને રસી આપવાનું કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આજથી 45 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને વૅક્સિન આપવામાં આવશે. આવનારા દિવસોમાં જો જરુર લાગે તો કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.

ગુજરાતમાં હાલમાં 5556 રસીકરણનાં કેન્દ્રો છે, જો કે તેમાં મોટાભાગે સરકારી રસીકરણ કેન્દ્રો છે, અને આશરે 391 ખાનગી રસીકરણના કેન્દ્રો છે.

ગુજરાતમાં હાલમાં મોટાભાગે કોવિશિલ્ડ નામની રસી અપાઈ રહી છે, જો કે અમુક સ્થળોએ કોવૅક્સિન નામની વૅક્સિન પણ અપાઈ રહી છે.

આ લખાય છે ત્યાં સુધી ગુજરાતમાં 5615291 જેટલા વૅક્સિનનાં ડોઝનો ઉપયોગ થઈ ચૂક્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં 4.60 લાખ જેટલા લોકો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 3.23 લાખ, વડોદરામાં 1.68 લાખ જેટલા લોકોનું રસીકરણ થયું છે. જો કે આમાંથી મોટાભાગના લોકોને પ્રથમ ડોઝ જ આપવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો