જ્યોર્જ ફ્લૉઇડ કેસ સુનાવણી : મૃત્યુ નજરે જોનાર સાક્ષીએ કહ્યું, ''મને દુઃખ છે કે હું જ્યૉર્જને બચાવવા માટે વધુ ન કરી શકી.''

આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં જેમની સામે આરોપ છે એ પૂર્વ પોલીસ કર્મચારી ડૅરેક શૉવિન સામે સોમવારથી સુનાવણી શરૂ થઈ છે. અનુમાન છે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયાંમાં પૂર્ણ થઈ જશે.

સુનાવણીના બીજા દિવસે આ કેસનાં મહત્ત્વનાં સાક્ષી ડૅનરેલ્લાએ કોર્ટને કહ્યું કે, ''જ્યૉર્જ ફ્લૉઇડ પોતાની જિંદગીની ભીખ માગી રહ્યા હતા.''

તેમણે જ્યૉર્જ ફ્લૉઇડને પોતાનાં પિતા, ભાઈ, પિતરાઈ ભાઈ અને સંબંધી જેમ ગણાવી કહ્યું કે, ''જ્યૉર્જની જેમ તેઓ પણ અશ્વેત છે.''

જ્યારે પોલીસ કર્મચારી ડૅરેક શૉવિને પોતાના ઘૂંટણથી જ્યોર્જ ફ્લૉઇડનું ગળું દબાવી રાખ્યું હતું ત્યારે ડૅનરેલ્લાએ તેનો વીડિયો રૅકર્ડ કર્યો હતો જે બાદમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જ્યૉર્જ ફ્લૉઇડ કેસમાં આ વીડિયો સૌથી અગત્યનો પુરાવો છે.

સોમવારે સુનાવણીને પ્રથમ દિવસે ફરિયાદી પક્ષે જ્યૉર્જ ફ્લૉઇડના મોતનો આખો વીડિયો અદાલતમાં દેખાડ્યો. એમાં જોવામાં આવ્યું કે પોલીસકર્મી ડેરેક શૉવિન ફ્લૉઇડ પર ઝૂકેલા છે. ફરિયાદી પક્ષે ડેરેક શૉવિનને દોષી જાહેર કરવાની અરજ કરી.

બચાવપક્ષે ફ્લૉઇડના સ્વાસ્થ્યનો હવાલો આપીને કહ્યું કે એમણે ડ્રગ્સનું સેવન કરેલું હતું અને જે એમની મોતનું એક મોટું કારણ છે.

બીજા દિવસની સુનાવણીમાં શું થયું?

ઘટના સમય ચાર બાળકો પણ ત્યાં હાજર હતાં. જ્યારે આ ઘટના બની ત્યારે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. બીજા દિવસની સુનાવણીમાં ચારેય બાળકોએ કોર્ટમાં જુબાની આપી હતી.

ડૅનરેલ્લા પોતાનાં 9 વર્ષનાં પિતરાઈ ભાઈ સાથે કપ ફુડ શૉપ જઈ રહ્યાં હતાં જ્યારે બંનેએ જોયું કે પોલીસ કર્મચારી ડૅરેક શૉવિને પોતાના ઘૂંટણથી જ્યોર્જ ફ્લૉઇડનું ગળું દબાવી રાખ્યું છે.

ડૅનરેલ્લાએ કોર્ટને કહ્યું કે તેઓ ફોન પર આ બધું રૅકર્ડ કરવાં લાગ્યાં કારણકે, ''મેં એક વ્યક્તિને જોઈ જે ભયભીત હતી, પોતાના જીવનની ભીખ માગી રહ્યો હતી. આ બરાબર નહોતું. એ બહુ તકલીફમાં હતો.

''જ્યૉર્જ ફ્લૉઇડ કહી રહ્યા હતા કે હું શ્વાસ નથી લઈ શક્તો. તેઓ એકદમ ભયભીત હતા અને પોતાની માતાને બોલાવી રહ્યા હતા.''

ડૅનરેલ્લાએ કોર્ટને કહ્યું કે જ્યૉર્જ ફ્લૉઇડની મૃત્યુ જોયાં બાદ તેમનો ઘણો આઘાત લાગ્યો છે.

'મારા પિતા, ભાઈ, પિતરાઈ ભાઈઓ અને બીજા સંબંધીઓમાં મને જ્યોર્જ ફ્લૉઇડને દેખાય છે કારણકે તેઓ પણ અશ્વેત છે. કારણકે જ્યોર્જની જગ્યાએ તેઓ પણ હોઈ શક્યાં હોત.''

જ્યારે જ્યૉર્જ ફ્લૉઇડની ધરપકડ કરવામાં આવી રહી ત્યારે 18 વર્ષનાં ઍલિસા અને 17 વર્ષનાં કાલેન સ્ટોર તરફ જઈ રહ્યાં હતાં. તેમણે કોર્ટને જણાવ્યું કે તેઓ એકદમ નિસહાય થઈ ગયા હોય એવી લાગણી અનુભવી રહ્યાં હતાં.

''અમે જ્યૉર્જ ફ્લૉઇડની છેલ્લી ક્ષણો જોઈ છે. તેઓ એમ પડી રહ્યા હતો. કોઈ લડાઈ અથવા પ્રતિકાર નહીં.".

છેલ્લાં સાક્ષી ઑફ ડ્યૂટી ફાયર ફાઇટર જૅનીવિવ હેનસેન હતાં. તેમણે કહ્યું કે અધિકારીઓએ તેમને જ્યૉર્જને તબીબી સહાય આપતાં અટકાવ્યાં હતા જે તેમનું જીવન બચાવી શક્યું હોત.

પ્રથમ દિવસની સુનાવણીમાં શું થયું હતું?

ફરિયાદી પક્ષે વીડિયો બતાવી કહ્યું કે ડેરેક શૉવેને નવ મિનિટથી વધારે જ્યૉર્જની ગરદન પર ઢીંચણ રાખેલો હતો અને આ જ એમના "મોતનું મોટું કારણ છે."

ફરિયાદી પક્ષના વકીલ જેરી બ્રેકવેલ જ્યુરીને કહ્યું કે ડેરેકે ફ્લૉઇડની ગરદનને ઢીંચણથી દબાવીને "પોતાના પદને દગો આપ્યો" અને એમની ધરપકડ કરવા માટે "જરૂરિયાતથી વધારે તાકાતનો ઉપયોગ" કર્યો.

બચાવ પક્ષના વકીલ એરિક નેલસને કોશિશ કરી કે તેઓ એ સાબિત કરે કે મૃત્યુનું કારણ કંઈક અલગ છે.

એમણે જ્યુરીને કહ્યું, કેસની સુનાવણી રાજનૈતિક કે સામાજિક આધાર પર નહીં પરંતુ પુરાવાઓને આધારે થવી જોઈએ.

એમણે કહ્યું, જે વખતે ફ્લૉઇડની ધરપકડ કરવામાં આવી રહી હતી એ વખતે "તેમની પાસે ડ્રગ્સ હતું અને પોલીસથી સંતાડવા માટે તેઓ ડ્રગ્સ ગળી ગયા" હતા. એમણે કહ્યું, આ એમની મોતનું મોટું કારણ છે.

પહેલા દિવસે આ કેસમાં ત્રણ સાક્ષીઓને અદાલતમાં બોલાવવામાં આવ્યા જેમને ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષે સવાલો કર્યાં.

ડોનાલ્ડ વિલિયમ્સ નામના એક સાક્ષીએ અદાલતમાં ડેરેક શૉવિનની ઓળખ કરી. એમણે કહ્યું કે, "ફ્લૉઇડનો જીવ એમ જઈ રહ્યો હતો જાણે બંધ થેલીમાં રાખેલી માછલી હોય, પછી એમની આંખો ઉપર તરફ થઈ ગઈ. એમના શરીરમાં જીવ રહ્યો ન હતો. "

એમના આ નિવેદન પર જજે ટકોર કરી અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવા કહ્યું. હાલ બચાવ પક્ષને ડોનાલ્ડ વિલિયમ્સને સવાલ કરવાનો મોકો મળ્યો નથી.

ફરિયાદપક્ષ અને બચાવપક્ષની તૈયારી

12 જજો આ કેસની સુનાવણી કરશે. બીજાં બે ન્યાયાધીશોને વિકલ્પ તરીકે રાખવામાં આવ્યાં છે. ટીવી પર સૂનવણીના પ્રસારણ વખતે બધા જજોને કૅમેરાથી દૂર રાખવામાં આવશે. જજોનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં નથી.

એવો અનુમાન છે કે સજાની માંગ કરી રહેલ ફરિયાદપક્ષ સુનાવણીની શરૂઆતમાં ફ્લૉઇડના ગળામાં શૉવિનના ઘૂંટણવાળો વીડિયો દેખાડશે. આરોપીઓને સજા થાય તે માટે પુરવાર કરવો પડશે કે ફ્લૉઇડના મૃત્યુમાં શૉવિનની હરકત "મૃત્યુ માટેનું મુખ્ય કારણ" છે.

બીજી બાજુ શૉવિન વતી બચાવપક્ષ કહી શકે છે કે તેમની ધરપકડ પહેલાં જ્યોર્જ ફ્લૉઇડે ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. અને ફ્લૉઇડની મૃત્યુનું કારણ ડ્રગ્સ અને તેમની સ્વાસ્થય સમસ્યાઓ છે. બચાવપક્ષ એમ પણ કહી શકે છે કે શૉવિને પોલીસ પ્રક્રિયાનું પાલન કર્યું હતું.

જજોની પસંદગી કઈ રીતે કરવામાં આવી છે?

15 જજોમાં 9 મહિલાઓ છે અને 6 પુરુષો છે. આમાં 9 શ્વેત છે જ્યારે બાકીના 6 અશ્વેત અથવા મિશ્રીત વંશના છે.

વિકલ્પ તરીકે મૂકવામાં આવેલ એક જજને સૂનવણી પહેલાં જ ટીમમાંથી બહાર કરી દેવાયા હતા. એવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે તેમને સોમવારે બરતરફ કરવામાં આવશે. ત્યારબાદ એવી અપેક્ષા છે કે આ કેસની કાર્યવાહી 12 મુખ્ય અને બે વૈકલ્પિક જજોથી પૂર્ણ કરવામાં આવશે.

તેમને આ કેસ વિશેની પોતાની માહિતી, પોલીસ સાથેના ભૂતકાળના સંપર્કો અને પોતાની મીડિયા જિજ્ઞાસા વિશે જણાવતાં પોતાના પ્રશ્નો રજૂ કરવામાં માટે કહેવામાં આવ્યું છે. એવું અનુમાન છે આ કેસમાં સૂનવણી ચાર અઠવાડિયામાં સુધી ચાલી શકે છે. મધ્ય મિનીપોસીની અદાલતનો કોંક્રીટ બૅરિયર અને કંટાળા તાર સાથે વાડબંધી કરવામાં આવી છે.

જ્યોર્જ ફ્લૉઇડ સાથે શું થયું હતું

46 વર્ષના જ્યોર્જ ફ્લૉઇડે 25 મે, 2020ની સાંજે દક્ષિણ મિનીપોલીસની એક દુકાનથી સિગારેટનું પૅકેટ ખરીદ્યું હતું. દુકાનદારનો આરોપ હતો કે જ્યોર્જ ફ્લૉઇડે સિગારેટ ખરીદવા માટે કથિત રીતે 20 ડૉલરની નકલી નોટનો ઉપયોગ કર્યો હતો.

ફ્લૉઇડે સિગારેટનું પૅકેટ પરત કરવાનો ઇન્કાર કરતા દુકાનદારે પોલીસ બોલાવી હતી.

ઘટનાસ્થળે પહોચ્યાં બાદ પોલીસે ફ્લૉઇડને હાથકડીથી બાંધી દીધા હતા. જ્યારે પોલીસ અધિકારીએ ફ્લૉઇડને કારની અંદર બેસાડવાનો પ્રયાસ કર્યો તો તેમને પ્રતિકાર કર્યો. બાદમાં હાથકડીથી બાંધેલા જ્યોર્જ ફ્લૉઇડને પોલીસે કાર પાસે જમીન પર પાડી દીધા હતા.

આરોપ છે કે ડેરેક શૉવિને જ્યોર્જ ફ્લૉઇડના ગળા પર પોતાનો જમણો ઘૂંટણ આશરે 9 મિનીટ સુધી મૂકી રાખ્યો હતો. આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે બીજાં બે અધિકારીઓએ પણ ફ્લૉઇડને નીચે પાડી દેવામાં મદદ કરી હતી જ્યારે ત્રીજી વ્યક્તિએ લોકોને આ ઝઘડામાં સામેલ થતાં અટકાવી રાખ્યાં હતાં. વાઇરલ વીડિયોમાં ફ્લૉઇડ 20થી વધુ વખત કહેતા સંભળાય છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેના એક કલાક બાદ ફલૉઇડને હૉસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો