નેપાળમાં રાજકીય સંકટ : નેપાળના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, સાત નારાજ મંત્રીઓનું રાજીનામું

નેપાળનાં રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારીએ ઓલી સરકારની ભલામણ પ્રમાણે દેશની સંસદ એટલે કે પ્રતિનિધિ સભાને ભંગ કરવાની અને વચગાળાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

આ નિર્ણયથી નારાજ સાત મંત્રીઓએ પદ પરથી સામૂહિક રાજીનામું આપી દીધું છે.

રાષ્ટ્રપતિના નિર્ણય પ્રમાણે ત્રીજી એપ્રિલ અને દસમી એપ્રિલ એમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આ નિર્ણય બંધારણીય પરંપરાઓ આધારે લેવાયો હોવાનું જણાવાયું છે.

નેપાળની સંસદને ભંગ કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી એ પછી વડા પ્રધાન કે. પી. ઓલીની સરકારે રાજધાની કાઢમાંડુમાં સુરક્ષાનો બંદોબસ્ત વધારી દીધો છે.

રવિવારે સવારે બાલુવતાર ખાતે વડા પ્રધાનના નિવાસસ્થાને ઇમર્જન્સી બેઠક મળી હતી.

બીબીસીની નેપાલી સેવાને રાષ્ટ્રપતિના નિર્ણય પહેલાં સ્થાનિક બંધારણીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંસદને ભંગ કરવાની વડા પ્રધાનની ભલામણ ગેરબંધારણીય છે.

કૅબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણકાજી શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે, “આજે સવારે યોજાયેલી મિટિંગમાં બધા મંત્રીઓ હાજર નહોતા, તેથી આ ઉતાવળે લેવાયેલ નિર્ણય છે. આ નિર્ણય લોકશાહીના નિયમોની વિરૂદ્ધ છે અને આ નિર્ણયથી દેશ પાછળ જશે. આ નિર્ણય લાગુ ન કરી શકાય.”

સત્તા પક્ષ CPN (માઓવાદી)ના આંતરિક વિખવાદો વચ્ચે વડા પ્રધાને સંસદ વિખેરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ચૅરમૅન પુષ્પ કમલ દહલ અને માધવ કુમાર નેપાળ અને ઝાલા નાથ ખનલ જેવા વરિષ્ઠ નેતાઓ ઓલી પર પક્ષ અને સરકારને મનસ્વી અને એકતરફી રીતે ચલાવવાનો આરોપ લગાવતા રહ્યા હતા.

આ અંગે બંધારણમાં શી જોગવાઈ છે?

નેપાળના બંધારણના અનુચ્છેદ 85માં પ્રતિનિધિસભાના કાર્યકાળ વિશે વાત કરવામાં આવી છે.

આ અનુચ્છેદની પેટા કલમ (1)માં લખાયું છે : બંધારણ અનુસાર વિખેરી ન દેવામાં આવે ત્યાં સુધી પ્રતિનિધિસભાની મુદ્દત મહત્તમ પાંચ વર્ષની રહેશે.

બંધારણના અનુચ્છેદ 76ની પેટાકલમ (7)માં મંત્રીમંડળના ગઠનને લગતી જોગવાઈ છે, જેમાં જણાવાયું છે: જો પેટા કલમ (5)ને અનુસરીને બનાવેલ વડા પ્રધાન વિશ્વાસ મત મેળવવામાં અસફળ નીવડે કે વડા પ્રધાનની નિમણૂક ન થઈ શકે, તો તેવા કિસ્સામાં વડા પ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ પ્રતિનિધિસભાને વિખેરી શકશે છે અને છ માસની અંદર તેની બીજી ચૂંટણીની તારીખ નક્કી કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો