હૉંગકૉંગ : ચીને લોકશાહી તરફી 4 સાંસદોને સસ્પેન્ડ કર્યાં, જવાબમાં અન્ય સાંસદોના રાજીનામા

હૉંગકૉંગમાં લોકશાહી તરફથી ચાર સંસદ સભ્યોને તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવી દેવામાં આવ્યા છે. જેથી અન્ય લોકશાહી તરફી સાંસદોએ પણ રાજીનામા ધરી દીધા છે.

દેશની સુરક્ષા માટે ભય ગણાતા રાજનેતાઓને ગેરલાયક ઠેરવવાની સરકારને સત્તા બિજિંગે આપ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીન દ્વારા હૉંગકૉંગની આઝાદીની ચળવળને અટકાવવા માટે આ તાત્કાલિક પગલું ભરવામાં આવ્યું છે.

નવા નિર્ણયમાં શું છે?

ચીનની નેશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટી દ્રારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે સાંસદો હૉંગકૉંગની આઝાદીની ચળવળનું સમર્થન કરશે, ચીનના સાર્વભૌત્મવનો અસ્વીકાર કરશે અને વિદેશી તાકાતને આંતરિક બાબતોમાં દખલગીરી કરવા કહેશે અથવા બીજી રીતે રાષ્ટ્રીય સુરક્ષાને તકલીફ કરશે તો તેમને ગેરલાયક ઠેરવી શકાશે.

તેણે હૉંગકૉંગની સરકારને પરવાનગી આપી છે કે તે કોર્ટમાં ગયા વિના પણ સાસંદોને સીધા કાઢી શકે છે.

સિવિક પાર્ટીના એલ્વિન યેંગ, ક્વોક કા-કી અને ડેનિસ ક્વોક અને પ્રોફેશનલ ગીલ્ડના કેન્નેથ લીન્ગને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

70 લોકોની સંસદમાં 19 લોકો લોકશાહી તરફી છે.

હૉંગકૉંગના ઉચ્ચ અધિકારી, ચીફ એક્સિક્યુટિવ કેર્રી લામે કહ્યું, "જે ચાર લોકોને ડિસક્વોલિફાય કર્યા છે તેઓ આગામી ચૂંટણીમાં ભાગ લેવાની યોગ્યતા ધરાવતા નથી"

હૉંગકૉંગની સ્વાયત્તતામાં ઘટાડો થશે?

ચીનની સંસદે 20 જૂન આસપાસ હૉંગકૉંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરી દીધો છે અને આ લગભગ ત્રીસ વર્ષ પહેલાં ચીની શાસનમાં પરત ફરેલા હૉંગકૉંગ માટે આ એક મોટું મૌલિક પરિવર્તન માનવામાં આવી રહ્યું હતું.

ચીનની નૅશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્થાયી સમિતિએ સર્વસંમતિથી આ કાયદો પસાર કરી દીધો. આનાથી વૈશ્વિક આર્થિક કેન્દ્રોમાં ગણના પામતા હૉંગકૉંગની સ્વાયત્તતામાં ઘટાડો થશે.

ચીનનું કહેવું છે કે આ કાનૂન આતંકવાદ, અલગતાવાદ અને તેના વિદેશી તાકાતો સાથે મેળાપીપણાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે.

આ કાયદા પર ચર્ચા શરૂ થયા પછી દેશમાં લોકતંત્રના સમર્થનમાં હૉંગકૉંગમાં અનેક વાર હિંસક પ્રદર્શનો થયા છે.

બ્રિટનના હાથમાંથી જ્યારે હૉંગકૉંગની સત્તા ચીનને 1997માં સોંપાઈ હતી ત્યારે કેટલાક કાયદા બનાવવામાં આવ્યા હતા જે હેઠળ હૉંગકૉંગને કેટલીક ખાસ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હતી જે ચીનમાં લોકો પાસે નથી.

આ કાયદા પ્રમાણે જે લોકો વિદેશી તાકાતોની મદદથી હૉંગકૉંગમાં અલગતા, તોડફોડ અથવા આતંકવાદ જેવી ગતિવિધિઓમાં સક્રિય ઠેરવાશે તો એમના પર ગુનાહિત કલમો લગાવીને એમને દંડિત કરી શકાશે.

1997માંથી બ્રિટિશ સત્તા પાસેથી હૉંગકૉંગ ચીનને પરત કરવામાં આવ્યું. પરતું એક જુદા જ કરાર સાથે. જેમાં બેઝિક લૉ નામક નાનું સંવિધાન તૈયાર કરવામાં આવ્યું હતું. જે મુજબ એક દેશ બે વ્યવસ્થાનું સ્થાપન હતું.

તે વ્યવસ્થા હૉંગકૉંગની સ્વાયતતા જળવાય રહે તે માટે બનાવવમાં આવી હતી. વિધાનસભા અને વાણીની સ્વતંત્રતા, તેમ જ ન્યાયતંત્ર અને કેટલાક લોકશાહીના અધિકાર અહીં મળે છે જે મૂખ્ય ભૂમિ ચીનના કોઈ ભાગમાં નથી મળતાં.

તે જ કરાર હેઠળ હૉંગકૉંગે પોતાનો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો બનાવ્યો હતો જે મૂળભૂત કાયદાની કલમ 23 હેઠળ આવે છે.

સરકારે 2003માં તેને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું વિરોધપ્રદર્શનોને લીધે પીછેહઠ કરવી પડી હતી.

તેમ જ ગત વર્ષે પ્રત્યપર્ણ બિલને લઈને પણ ઉગ્ર વિરોધપ્રદર્શન થતા ચીનવિરોધી અને લોકશાહીતરફી ચળવળો શરૂ થઈ.

ચીન હવે આ બનાવોનું પુનરાવર્તન કરવાનું ટાળવા માંગે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો