યુદ્ધવિરામ બાદ અઝરબૈજાને રૉકેટ વરસાવ્યાં, આર્મેનિયાનો આરોપ

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે બીજો 'માનવીય યુદ્ધવિરામ' લાગુ થયો એની થોડી જ મિનિટોમાં આર્મેનિયાએ અઝરબૈજાન પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે યુદ્ધવિરામ લાગુ થયાની ચાર મિનિટ પછી અઝરબૈજાને ગોળીઓ અને રૉકેટ વરસાવ્યાં છે.

અઝરબૈજાને હજી સુધી આ આરોપો વિશે કંઈ કહ્યું નથી.

21 દિવસ સુધી ચાલેલી લડાઈ બાદ આર્મીનિયા અને અઝરબૈજાન બીજી વખત નાગોર્નો-કારાબાખમાં 'માનવીય યુદ્ધવિરામ' માટે તૈયાર થયા હતા. બંને દેશોએ કહ્યું હતું કે યુદ્ધવિરામ સ્થાનિક સમયાનુસાર શનિવારે અડધી રાતથી શરૂ થવાનો હતો.

1994માં સીઝફાયરનો અમલ થયો એ પછીની આ સૌથી ખરાબ હિંસા છે.

આ પહેલાં આર્મેનિયા અને અઝરબૈજાને ગયા અઠવાડિયે જ યુદ્ધવિરામનો નિર્ણય લીધો હતો, જે બીજા જ દિવસે તોડી દેવાયો હતો.

યુદ્ધવિરામના નવા એલાન છતાં બંને દેશોની સેના વચ્ચે સંઘર્ષ ચાલુ છે.

આ પહેલાં શનિવાર સુધી બંને દેશ એકબીજા પર સમજૂતીના ઉલ્લંઘન અને હિંસાના આરોપ લગાવતા રહ્યા હતા.

સીઝફાયરની નવી સમજૂતીમાં શું છે?

આર્મેનિયા અને અઝરબૈજાને માનવીય યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. જોકે, તે અંગે વિસ્તારપૂર્વક માહિતી નથી અપાઈ.

અઝરબૈજાનના વિદેશમંત્રાલયે કહ્યું કે નવું સીઝફાયર એક ઑક્ટોબરના રોજ અપાયેલ અમેરિકન, ફ્રાંસ અને રશિયાના રાષ્ટ્રપતિનાં નિવેદનો, પાંચ ઑક્ટોબરના રોજ જારી કરાયેલા મિંસ્ક ગ્રૂપના નિવેદન અને દસ ઑક્ટોબરના રોજ થયેલ મૉસ્કો સમજૂતી પર આધારિત છે.

આર્મેનિયાના વિદેશમંત્રાલયનાં પ્રવક્તાએ પોતાના ટ્વીટમાં ફરી વાર આ જ વાત કરી છે.

તેમણે કહ્યું કે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં 'યુદ્ધવિરામ અને તણાવ ઘટાડવા'ની દિશામાં લેવાયેલા નિર્ણયનું આર્મેનિયા સ્વાગત કરે છે.

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરોવે શનિવારે આર્મેનિયા અને અઝરબૈજાનના વિદેશમંત્રીઓ સાથે વાત કરી અને કહ્યું કે તેમણે સમજૂતીનું 'કડકપણે પાલન' કરવાનું રહેશે.

લેવરોવે જ પાછલા અઠવાડિયાના યુદ્ધવિરામને લઈને મધ્યસ્થી કરી હતી.

પરિસ્થિતિ અને આરોપ-પ્રત્યારોપ

આર્મેનિયાના રક્ષામંત્રાલયનાં પ્રવક્તા સુશાન સ્તેપનિયાને સોશિયલ મીડિયા પર કહ્યું, "સ્થાનિક સમયાનુસાર 00.04થી માંડીને 02.45 સુધી એટલે કે યુદ્ધવિરામના ચાર મિનિટ બાદથી દુશ્મનોએ ઉત્તર દિશામાં ગોળીબાર કર્યો છે. સાથે જ 02.20થી માંડીને 02.45 વાગ્યા સુધી રૉકેટ છોડવામાં આવ્યાં."

અઝરબૈજાને આર્મેનિયા પર શનિવારે મિસાઇલ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

અઝરબૈજાનનું કહેવું છે કે આ મિસાઇલ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રથી ઘણે દૂર વસેલ શહેર ગાંજામાં છોડવામાં આવી છે અને હુમલામાં 13 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 45 લોકો ઘાયલ થયા છે.

અઝરબૈજાનના સંરક્ષણમંત્રાલયે આર્મેનિયા પર જાણીજોઈને સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યાનો આરોપ મૂક્યો છે.

આર્મેનિયાના અધિકારીઓએ મિસાઇલ હુમલાની વાતથી ઇનકાર કર્યો છે અને અઝરબૈજાન પર રહેણાક વિસ્તારો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો છે.

આર્મેનિયાના રક્ષામંત્રાલયનાં પ્રવક્તા શુશાન સ્તેપનિયાને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, "આ વીડિયો નાર્ગોનો-કારબાખ વિસ્તારમાં તબાહીને બતાવે છે."

તેમણે અઝરબૈજાનાના સૈનિકો પર સામાન્ય લોકોને મિસાઇલ વડે નિશાન બનાવાયા હોવાનો આરોપ મૂક્યો.

ગુરુવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલીયેવે ટ્વીટ કરીને આર્મેનિયાને ખુલ્લી ચેતવણી આપી હતી.

તેમણે લખ્યું હતું કે, "હું આર્મેનિયાની સરકાર અને લોકોને સ્પષ્ટ સંદેશ આપવા માગુ છું કે તેઓ સ્વતંત્ર વિસ્તારોમાં પરત ફરવાનું તરત બંધ કરે. તેમના આ પગલાથી માત્ર ખૂનામરકી અને પીડિતોની સંખ્યા જ વધશે."

એ પહેલાં બીબીસી સંવાદદાતાઓએ પુષ્ટિ કરી હતી કે અઝરબૈજાને બુધવારના રોજ આર્મેનિયાના વિસ્તારમાં એક મિસાઇલ છોડી હતી.

યુદ્ધ અને હિંસા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ વાતને લઈને ચિંતિત છે કે આ દરમિયાન યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાવવાની આશંકા વધી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો