You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાંગ પેટાચૂંટણીમાં ભાજપ ખ્રિસ્તી મતદારોને કેમ રીઝવી રહ્યો છે?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે, જેમાં ડાંગ બેઠક પણ સામેલ છે. આદિવાસી વસ્તી ધરાવતી ડાંગ બેઠક જીતવા માટે ભાજપ નેતાઓ એડીચોડીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભાજપ માત્ર એક વાર ડાંગ બેઠક પર કબજો કરી શક્યો છે.
311 ગામડાં ધરાવતા ડાંગ જિલ્લામાં ભીલ, કૂંકણા, વારલી અને વસાવા જાતિની સંખ્યા સૌથી વધુ છે.
પાછલાં વર્ષોમાં આ સમાજમાંથી ઘણા પરિવારોએ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો છે.
જિલ્લામાં ઘણાં ગામોમાં એક અંદાજ મુજબ 35000-36000 ખ્રિસ્તી ધર્મ પાળનારા મતદારો છે અને સામાન્યતઃ આ મતદારો કૉંગ્રેસ પક્ષને મત આપે છે.
ભાજપ ડાંગ જિલ્લામાં મજબૂત થયો છે, પરંતુ ખ્રિસ્તી મતદારો હજી સુધી પક્ષથી દૂર છે.
ભાજપના નેતાઓ ડાંગમાં અને ખાસ કરીને સુબીર તાલુકામાં આવેલાં ગામોમાં નાની સભાઓ અને મિટિંગો કરી રહ્યા છે, જેથી પેટાચૂંટણીમાં ખ્રિસ્તી મતદારોને પક્ષની તરફેણમાં વાળી શકાય.
તાજેતરમાં રાજ્યના કૅબિનેટમંત્રી ગણપત વસાવાએ સુબીર તાલુકાના બરડીપાડા ગામમાં ખ્રિસ્તી સમાજના લોકો સાથે મિટિંગ કરી હતી, જેમાં સ્થાનિક લોકોની સાથે પાદરીઓ પણ હાજર હતા.
આ મિટિંગનું આયોજન ભાજપના નેતા રાજેશ ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. ડાંગ ભાજપની સત્તાવાર યાદી અનુસાર આ મિટિંગમાં 250 લોકો જોડાયા હતા, જેમાં ખ્રિસ્તી આગેવાનોએ પેટાચૂંટણીમાં પક્ષને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'અમે વિકાસની વાત કરીએ છીએ'
ડાંગ ભાજપના અગ્રણી નેતા બાબુરાવ ચૌર્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે મિટિંગ કરતી વખતે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વાત કરીએ છીએ. કૉંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ડાંગના ખ્રિસ્તી સમાજની અંદર ભાજપ વિશે જે ખોટી વાતો ફેલાવવામાં આવી છે, તેને અમે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
"અમે મિટિંગમાં જણાવીએ છીએ કે કેન્દ્ર અને ગુજરાતની ભાજપની સરકાર બધા ધર્મ અને સમાજના લોકો માટે કામ કરતી આવી અને કરી રહી છે. પક્ષનું માનવું છે કે જે પરિવારોએ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો છે, તેઓ આદિવાસી છે અને એટલા જ ડાંગના રહેવાસીઓ છે જેટલા કે બીજા આદિવાસીઓ છે."
ખ્રિસ્તી સમુદાયના લોકો પણ માને છે કે 1998ની ઘટનાને બાદ કરતા ડાંગમાં ક્યારેય પણ ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસા થઈ નથી. ડાંગમાં તેઓ સૌથી સુરક્ષિત છે અને તેમનો બધી રીતે વિકાસ થયો છે.
તો પછી મિટિંગો કેમ થઈ રહી છે? તેના જવાબમાં ભાજપ નેતા ગિરીશભાઈ મોદી કહે છે, "આટલાં વર્ષોમાં કૉંગ્રેસના નેતાએ ડાંગમાં એવો પ્રચાર કર્યો છે કે ભાજપનો ધારાસભ્ય ચૂંટાશે તો ખ્રિસ્તીઓ માટે પરિસ્થિતિ અનુકૂળ નહીં રહે. અમે ખ્રિસ્તી નેતાઓ અને લોકો સાથે મળીને જણાવીએ છીએ કે આ વાત એકદમ ખોટી છે."
તેમના મતે, ડાંગ ભાજપ કાયમ ખ્રિસ્તીઓની સમસ્યાઓને પ્રાધાન્ય આપે છે અને તેનું નીવેડો આવે તે માટેના પ્રયત્નો પણ કરે છે.
ખ્રિસ્તી મતો કેમ જરૂરી?
જો ગત ત્રણ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જોઈએ તો ડાંગ બેઠકમાં વિનિંગ માર્જિન (હાર અને જીત વચ્ચેનો તફાવત) 6.7 ટકાથી ઘટીને સીધું 0.62 ટકા પર આવી ગયું છે.
આ સંજોગોમાં કૉંગ્રેસ અને ભાજપ માટે દરેક મત કિંમતી છે. આવા સંજોગોમાં કોઈ ઉમેદવારે ચૂંટણી જીતવી હોય તો ખ્રિસ્તી સમુદાયના મતો મેળવવા પડે એમ છે.
ડાંગના પત્રકાર જાઇંદ પવાર કહે છે, "ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં જે ગામો આવે છે, તેમાં ખ્રિસ્તી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આહવા અને વઘઈ તાલુકાનાં ગામોમાં ભાજપના ઉમેદવારને સારા મતો મળે છે, પરંતુ અહીં કૉંગ્રેસ પણ મજબૂત સ્થિતિમાં છે."
"બીજી બાજુ સુબીર તાલુકાનાં ઘણાં ગામો છે જ્યાં ભાજપને જૂજ મતો મળે છે. તાલુકામાં એવાં પણ ગામો છે, જ્યાં પક્ષનો કોઈ કાર્યકર નથી. આના કારણે ચૂંટણીમાં કૉંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે."
બાબુ ચૌર્યા પણ આ વાત સ્વીકારે છે. તેઓ કહે છે, "ખ્રિસ્તી સમુદાયના મતો દરેક ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ છે અને ભાજપ માટે બહુ જરૂરી છે કે ખ્રિસ્તીઓ પક્ષની તરફેણમાં મતદાન કરે. ભાજપને આદિવાસી સમાજનું સમર્થન તો છે, પરંતુ કૉંગ્રેસને આદિવાસીઓની સાથેસાથે ખ્રિસ્તીઓ અને લઘુમતી સમાજના પણ મતો મળે છે."
ડાંગમાં ભાજપ અને કૉંગ્રેસની સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) અને અપક્ષો પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે છે.
ઇલેકશન ઇન ઇન્ડિયા વેબસાઇટ અનુસાર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અપક્ષો મળીને કુલ વોટના 3.88 ટકા વોટ લઈ ગયા હતા. અપક્ષો અને બીટીપી સામાન્યતઃ ભાજપના મતોમાં જ ગાબડાં પાડે છે.
ખ્રિસ્તી મતદારોની શું ચિંતા છે?
ભાજપના નેતાઓ ભલે મિટિંગો કરી રહ્યા હોય પરતું ડાંગમાં રહેતા ખ્રિસ્તી સમાજના લોકોને પક્ષનું સમર્થન કરવું કે કેમ તેની અવઢવમાં છે.
પાછલાં 22 વર્ષમાં ડાંગમાં કોઈ હિંસા નથી થઈ પણ ખ્રિસ્તીઓના મનમાં હજુ 1998ની ઘટનાની યાદ તાજી છે.
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ ડાંગમાં પોતાનું સંગઠન મજબૂત કરી રહ્યા છે, જેના કારણે પણ ખ્રિસ્તીઓ ચિંતિત છે.
ડાંગના વડપાડમાં રહેતા જ્વેલિયા પાસ્ટર કહે છે, "માર્ચ મહિનામાં ડાંગ જિલ્લામાં એક પત્રિકા ફરતી હતી, જેમાં એવી માગ કરવામાં આવી હતી કે જે આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હોય તેમને અનુસૂચિત જનજાતિ માટેના સરકારી યોજનાઓના લાભો નહીં આપવામાં આવે. અમે તપાસ કરી તો ખબર પડી કે વિહિપ સાથે સંકળાયેલા લોકોનું આ કામ છે."
તેઓ જણાવે છે કે "વિહિપ અને બજરંગદળ દ્વારા સમયસમય પર એવાં કામ કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક ખ્રિસ્તી સમુદાયમાં ભય ઊભો થઈ જાય છે. ભાજપના નેતાઓએ અમને દરેક પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે, પરંતુ અમે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છીએ."
2021ની વસ્તીગણતરીને લઈને પણ અહીનો ખ્રિસ્તી સમુદાય ચિંતિત છે.
તેમને ડર છે કે વસ્તીગણતરીમાં જો તેમની ધર્મના અધારે નોંધણી કરવામાં આવશે તો કદાચ તેમને જે સરકારી યોજનાઓના લાભો મળે છે, તે મળતા બંધ થઈ જશે. આ માટે સમુદાયના આગેવાનો ભાજપ નેતાઓ પણ મળ્યા છે અને આવું નહીં થાય તે માટે ખાત્રી માગી છે.
ખ્રિસ્તી સમાજ અમારી પડખે છેઃ કૉંગ્રેસ
ડાંગ કૉંગ્રેસના અગ્રણી નેતા રવલુ જીવલિયાનું કહેવું છે કે ડાંગમાં ખ્રિસ્તી સમુદાય અમારી સાથે છે અને અમને ખાત્રી છે કે ચૂંટણીમાં તેઓ અમારા ઉમેદવારને મત આપશે. તેમને ખબર છે કે ભાજપ માત્ર આશ્વાસન અને વચનો આપે છે અને તેમનું કાર્ય એકદમ અલગ હોય છે.
"અમે જે વાસ્તવિકતા છે, તે મતદારો સમક્ષ મૂકી રહ્યા છે અને ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. ભાજપે આટલાં વર્ષોમાં જે ખોટાં કામો કર્યાં છે, તે પણ લોકોને જણાવી રહ્યા છે. ડાંગની 57 ટકા વસ્તી ખ્રિસ્તી છે અને ભાજપને 5 ટકા પણ મત નહીં મળે."
ડાંગનો રાજકીય ઇતિહાસ
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલો ડાંગ જિલ્લો 1766 ચોરસ કિલોમીટરમાં ફેલાયલો છે અને તે ગુજરાતનો સૌથી નાના જિલ્લો છે.
ડાંગ વિધાનસભા બેઠકમાં 189591 મતદારો છે, જેમાં 50.13 ટકા પુરુષ મતદારો અને 49.87 ટકા સ્ત્રી મતદારો છે.
ડાંગ વિધાનસભા બેઠક 1975 -2002 સુધી કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસ નેતા માધુભાઈ ભોયે 2002 સુધી આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. 2007માં ભાજપ ઉમેદવાર વિજય પટેલે માધુભાઈ ભોયેને 7883 વોટથી હરાવી દીધા હતા.
2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલી વખત ડાંગ બેઠક કબજે કરી હતી.
તો 2012માં કૉંગ્રેસના મંગળ ગાવિતે 2422 મતથી વિજય પટેલને માત આપી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ 768 મતથી ફરી ચૂંટાઈ આવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો