You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માત્ર બે વર્ષની એ ગુજરાતી બાળકી, જેણે પોતાના ભાઈને નવું જીવન આપ્યું
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
સાત વર્ષના બાળક અભિજિતને થેલિસિમિયાની ઘાતક બીમારી હતી. દર 15-20 દિવસે શરીરનું લોહી બદલવું પડતું. તે સતત બીમાર રહેતો. શરીરમાં નબળાઈ રહેતી. રોગપ્રતિકારક શક્તિ અત્યંત નબળી રહેવાથી તે વારંવાર બીમારીનો શિકાર બનતો. પરંતુ આ ભૂલકાને બીમારીમાંથી ઉગારી લેવાયો અને તેનો શ્રેય જાય છે તેમના પિતા સહદેવ સોલંકી તેમજ બે વર્ષની નાની બહેન કાવ્યાને.
થેલિસિમિયાના કારણે પોતાના જીવનમાં સર્જાયેલા ઝંઝાવાત વિશે વાત કરતાં અભિજિતના પિતા સહદેવ સોલંકી જણાવે છે, "મારી પ્રથમ દીકરીના જન્મ બાદ અભિજિતનો જન્મ થયો. અમે પતિ-પત્ની અને અમારાં બે બાળકોનું અમારું સુખી નાનું કુટુંબ હતું. અમારું જીવન એકદમ પાટા પર હતું. પરંતુ અભિજિત થેલિસિમિયાગ્રસ્ત છે તે વાતની જાણ થતાં જ મારા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું."
"પાછળથી અભિજિતનો કોઈ દવા કે ઉપચાર થકી ઇલાજ થવાનું શક્ય નથી, એ જાણીને મારું દુ:ખ બમણું થઈ ગયું."
"પરંતુ મેં હાર ન માની અને જાતે થેલિસિમિયાના શક્ય ઇલાજો વિશે સંશોધન કરીને અને તબીબી નિષ્ણાતોની સલાહ મેળવીને મારા બાળકને આ બીમારીમાંથી મુક્ત કરાવવાનો નિર્ધાર કરી લીધો."
શું છે થેલિસિમિયા?
થેલિસિમિયા રક્તને લગતો એક વિકાર છે. આ બીમારી વંશાનુગત છે.
જેમાં દર્દીનું શરીર રક્તકણોમાં રહેલું હિમોગ્લોબિન ઉત્પન્ન કરી શકતું નથી. જે એનિમિયાનું કારણ બને છે.
એનિમિયાને કારણે દર્દીના શરીરમાં માંસપેશીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે જરૂરી રક્તકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. જે કારણે થેલિસિમિયાના દર્દીને દર બીજા-ત્રીજા અઠવાડિયે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત પડે છે.
આ રોગ માતા-પિતા મારફતે વંશાનુગતરીતે બાળકને થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલ અનુસાર થેલિસિમિયાના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. થેલિસિમિયા માઇનર, મેજર અને ઇન્ટરમીડિયા.
થેલિસિમિયા માઇનર એ કોઈ રોગ નથી પરંતુ આવી વ્યક્તિ થેલિસિમિયાની વાહક હોય છે. આવી વ્યક્તિ એનિમિયાની થોડી અસર જરૂર હોય છે.
થેલિસિમિયા મેજર એ થેલિસિમિયાનો સૌથી ઘાતક પ્રકાર છે. જો માતા અને પિતા બંને થેલિસિમિયા માઇનર હોય તો બાળક થેલિસિમિયા મેજર હોઈ શકે છે. થેલિસિમિયા મેજર હોય એવાં બાળકોમાં જીવનના શરૂઆતના તબક્કેથી જ એનિમિયાનાં ગંભીર લક્ષણો જોવા મળે છે.
થેલિસિમિયા મેજર દર્દીઓને થતી તકલીફો વિશે વાત કરતાં 'સિમ્સ હૉસ્પિટલ'નાં પીડિયાટ્રિક હિમેટો ઑન્કોલૉજિસ્ટ ડૉ. દીપા ત્રિવેદી જણાવે છે, "થેલિસિમિયા મેજર હોય તેવી વ્યક્તિના શરીરમાં વધુ પ્રમાણમાં આયર્ન એકઠું થઈ જાય છે. જે કારણે તેમને વિવિધ બીમારીઓ લાગુ પડે છે. આવા દરદીઓનું હૃદયને લગતી સમસ્યાને લીધે મૃત્યુ નીપજી શકે છે."
થેલિસિમિયા ઇન્ટરમીડિયાની પરિસ્થિતિમાં થેલિસિમિયાને લગતાં લક્ષણો હળવાંથી ગંભીર પ્રમાણમાં જોવા મળે છે.
અહેવાલ મુજબ થેલિસિમિયાનાં મુખ્ય લક્ષણોમાં એનિમિયા, નબળાં હાડકાં, ધીમો વૃદ્ધિ દર, શરીરમાં આયર્ન જમા થઈ જવું, લિવર મોટું થઈ જવું અને ત્વચા ઝાંખી પડી જવા જેવાં લક્ષણો સામેલ છે.
પુત્રને બચાવવા પિતાનો પરિશ્રમ
અભિજિતને બચાવવા માટે પોતે કરેલા પ્રયત્નો અંગે વાત કરતાં સહદેવ સોલંકી જણાવે છે કે, "હું તેને લઈને અમદાવાદની મોટી-મોટી હૉસ્પિટલોમાં ફર્યો. એ દરમિયાન તેનો નિરંતર ઇલાજ ચાલુ હતો. "
"તેના કાયમી ઇલાજ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હતી. પરંતુ મારું, મારી પત્ની કે મોટી દીકરીનું બોનમેરો અભિજિતના બોનમેરોને મેળ નહોતું ખાતું. "
"તેથી ઇલાજની આગળની શક્યતાઓ ચકાસવા માટે અમે ચેન્નઈની એક હૉસ્પિટલે ગયા. ત્યાંથી અમેરિકા ખાતે એક દાતાનું બોનમેરો અભિજિતના બોનમેરો સાથે મળતું આવતું હતું. "
"પુત્રને નવજીવન મળે તે માટે પચાસ લાખના ખર્ચે અમેરિકાથી બોનમેરો મેળવવા માટે અમે તૈયાર થઈ ગયા."
'વૉટ્સઍપ પરના મૅસેજથી મળ્યો આઇડિયા'
અભિજિતના ઇલાજ માટે નવા બાળકને જન્મ આપવાનો આઇડિયા કેવી રીતે આવ્યો?
આ પ્રશ્નના જવાબમાં સહદેવ સોલંકી જણાવે છે :
"અમે દાતા મારફતે બોનમેરો મેળવી અભિજિતના ઇલાજની શક્યતાઓ ચકાસવા માટે જ્યારે ચેન્નઈમાં હતા ત્યારે અમે એક હોટલમાં રોકાયા હતા. "
"તે દરમિયાન થેલિસિમિયાગ્રસ્ત માતા-પિતાના એક વૉટ્સઍપ ગ્રૂપ પર મેં એક અહેવાલ વાંચ્યો. જેમાં થેલિસિમિયાગ્રસ્ત બાળકના ઇલાજ માટે માતા-પિતાએ અન્ય બાળકને જન્મ આપ્યો હોવાની માહિતી પ્રકાશિત થઈ હતી."
"તરત જ મારા મનમાં આ ઇલાજની શક્યતાઓ વિશે જાણવાની ઉત્સુકતા પેદા થઈ. અમે ચેન્નઈ ખાતે અમેરિકાથી બોનમેરો મેળવવા માટે કરાયેલી વ્યવસ્થા પરનો ખર્ચ જતો કરીને પાછા ફર્યા. "
"અહીં આવીને મેં અમદાવાદના IVF સ્પેશિયાલિસ્ટ ડૉ મનીષ બૅંકરનો સંપર્ક સાધ્યો અને તેમને અભિજિતના ઇલાજ માટે થેલિસિમિયાગ્રસ્ત ન હોય તેવો ગર્ભ તૈયાર કરવા માટે મનાવી લીધા."
અભિજિતને બચાવવા કાવ્યાનો જન્મ
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અભિજિતની લથડતી જતી તબિયત વિશે વાત કરતાં સહદેવ સોલંકી કહે છે :
"શરૂઆતમાં અભિજિતને 20-25 દિવસ બાદ બ્લ્ડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી પરંતુ ઉંમર વધવાની સાથે આ સમયગાળો ઓછો થતો ગયો અને આગળ પણ તે ઓછો થતો જશે એવી ડૉક્ટરોએ અગાઉથી માહિતી આપી દીધી હતી. "
"છ વર્ષની ઉંમર સુધી 80 વખત તેને બ્લ્ડ ટ્રાન્સફ્યુઝનની પ્રક્રિયા કરાવવી પડી હતી."
"ડૉ. બૅંકર થેલિસિમિયાગ્રસ્ત ન હોય તેવો ભ્રૂણ તૈયાર કરી આપવા માટે રાજી થયા ત્યાર બાદ મેં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવદના સંકલ્પ-સીમ્સ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો સંપર્ક સાધ્યો ત્યાં આ યુનિટનાં વડાં દીપા ત્રિવેદીએ અભિજિતના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કર્યાં. "
"ત્યાર બાદ ડૉ. બૅંકરે દાક્તરી પ્રક્રિયા દ્વારા સંપૂર્ણપણે સ્વસ્થ ભ્રૂણ મારાં પત્નીના ગર્ભમાં ટ્રાન્સફર કર્યો. જે બાદ ઑક્ટોબર, 2018માં કાવ્યાનો જન્મ થયો. અત્યાર સુધી પોતાનાં ભાઈ કે બહેનને બચાવવા માટે કોઈ બાળકને જન્મ અપાયું હોય તેવો આ ભારતનો પ્રથમ કિસ્સો હતો."
થેલિસિમિયના ઇલાજની જટિલતા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "અભિજિતના ઇલાજ માટે કાવ્યાના શરીરમાંથી બોનમેરો મળી રહે તે માટે અમારે થોડી વધુ રાહ જોવાની જરૂર હતી જેથી કાવ્યા સ્વસ્થ રહે. એક નિશ્ચિત પ્રમાણમાં વજન હાંસલ કરે. "
"ત્યાર પછી જ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરી શકાય એમ હતું. આખરે માર્ચ 2020માં આ ઑપરેશન થયું ત્યાર બાદથી અભિજિતને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત પડી નથી. તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને કાવ્યા પણ બિલકુલ સ્વસ્થ છે."
શું કહે છે ડૉક્ટરો?
ડૉ. મનીષ બૅંકર અભિજિતના ઇલાજ માટે સ્વસ્થ ગર્ભ બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કહે છે, "પરિવાર સિવાય અન્ય દાતા પાસેથી બોનમેરો મેળવવાની પ્રક્રિયામાં દર્દીનું શરીર બોનમેરોને નકારે તેની શક્યતા રહેલી હોય છે. તેથી બીજા વિકલ્પ તરીકે સ્વસ્થ ભ્રૂણ વિકસાવવાનું માતા-પિતાએ વિચાર્યું. "
"આ ભ્રૂણ એવો હોવો જોઈએ જેને થેલિસિમિયાનો રોગ ન હોય સાથે જ તેનું હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજન એટલે કે HTA અભિજિત સાથે મળતું આવતું પણ હોય. "
"આ પ્રક્રિયા હાથ ધરવા માટે અમે ત્રણ વખત IVF કરીને 18 ગર્ભ ભેગા કર્યા, જેમાંથી જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ એક જ ગર્ભ થેલિસિમિયા મેજર ન હોય તેવો અને અભિજિતના HLA સાથે મળતો આવતો નીકળ્યો. જેનું ટ્રાન્સફર પણ સફળ રહ્યું અને ઑક્ટોબર, 2018માં કાવ્યાનો જન્મ થયો. જે આગળ જઈને તેના ભાઈને નવજીવન આપવાની હતી."
અભિજિતની બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વિશે વાત કરતાં ડૉ. દીપા ત્રિવેદી જણાવે છે કે, "અભિજિતના કિસ્સામાં કાવ્યાના શરીરમાંથી બોનમેરો મેળવવા માટે તેનું દસ કિલોનું હોવું જરૂરી હતું. "
"તો જ તેના શરીરમાંથી બોનમેરો મેળવીને અભિજિતના શરીરમાં દાખલ કરી શકાય તેમ હતું તેથી અમે કાવ્યા 10 કિલોની થાય ત્યાં સુધી રાહ જોવાનું ઠરાવ્યું હતું અને તે 10 કિલોની થઈ ગઈ ત્યાર પછી માર્ચ મહિનામાં ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું. "
"આ પ્રક્રિયા પછી કાવ્યાનું હિમોગ્લોબિનનું સ્તર ઘટ્યું પરંતુ તે દવાથી ઠીક થઈ ગયું અને જે સ્થળેથી બોનમેરો લેવામાં આવ્યું હતું તે સ્થળે થોડા દિવસ સુધી દુખાવો રહ્યો પરંતુ પાછળથી તે બધું ઠીક થઈ ગયું. હવે કાવ્યા અને અભિજિત બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે."
થેલિસિમિયાને કઈ રીતે રોકી શકાય?
ડૉ. દીપા ત્રિવેદી થેલિસિમિયાની રોકથામ માટેનાં પગલાં સૂચવતાં જણાવે છે કે, "થેલિસિમિયા રોગ માતા-પિતા દ્વારા બાળકને વારસાગતપણે મળી શકે છે. "
"જો માતા-પિતા બંને થેલિસિમિયા માઇનર હોય તો બાળક થેલિસિમિયા મેજર હોવાની શક્યતા હોય છે. આવા બાળકના નિયમિતપણે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય છે. "
"આવી સ્થિતિને નિવારવા માટે લગ્ન પહેલાં છોકરા અને છોકરી દ્વારા થેલિસિમિયા માટે પરીક્ષણ કરાવી લેવાય એ આદર્શ સ્થિતિ છે. જો એવું ન કરવામાં આવે તો ગર્ભ રહે ત્યારે ભ્રૂણનું થેલિસિમિયા માટે પરીક્ષણ કરવું જોઈએ જેથી થેલિસિમિયાગ્રસ્ત ભ્રૂણના કિસ્સામાં ભ્રૂણ કાઢી નાખવામાં આવે અને તે સલાહભર્યું હોય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો